Related Questions

આત્મા શેનો બનેલો છે? આત્માના ગુણધર્મો કયા છે?

જાણવા જેવી ચીજ આ જગતમાં કોઈ પણ હોય તો તે આત્મા છે! આત્મા આત્મા જાણ્યા પછીની સ્થિતિ ખરેખર તદ્દન નિરાળી હોય છે. તો, હવે મનમાં એવો પ્રશ્ન ઊભો થાય છે કે આત્માને જાણવો કેવી રીતે. આના માટે, એવું જાણવાની જરૂર છે કે આત્મા શેનો બનેલો છે અથવા આત્માનો સ્વભાવ શું છે. તે ઘણા ગુણધર્મોથી બનેલો છે.

આત્માને અનંત ગુણો છે

ગુણો કે ગુણધર્મો તેનો સ્વભાવ સૂચવે છે. આપણે સોનાને સોનુ ક્યારે કહી શકીએ? જ્યારે તેનામાં સોનાના ગુણ હોય, એવા ગુણધર્મો કે જે સોનાનો સ્વભાવ દર્શાવે છે. જો પિત્તળને પૂરતું પોલિશ કરવામાં આવે તો તે સોના જેવું ઝળકી શકે અને દેખાય શકે છે. છતાં, જો સોની તેને તપાસે તો, તે ધાતુના સ્વભાવિક ગુણ પરથી કહી શકે કે આ સોનુ નથી. તેવી રીતે, તમે આત્માના ગુણો પરથી આત્માને જાણી શકો છો.

માટે, ચાલો આપણે આત્માના ગુણો વિશે સમજીએ!

આત્માના મૂળ ગુણધર્મો અનંત છે. જ્યારે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને અનંત સુખ તેના મૂળ ગુણો છે, બીજા પણ ઘણા તેના ગુણો છે.

આત્મા ચેતન છે. તે એક એવું તત્વ છે કે જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળમાં ફેલાયેલું છે. આત્મા અમર છે, ટંકોત્કીર્ણ અને અમૂર્ત છે; તે અચળ છે; અને તે અવ્યાબાધ સ્વરૂપી છે – આવા આત્માના વિવિધ ગુણધર્મો છે. આ સ્વાભાવિક ગુણો છે; એવા ગુણો કે જે ક્યારેય ના બદલાય.

અનંત જ્ઞાન અને અનંત દર્શન

જોવું અને જાણવું તે આત્માનો સ્વભાવ છે. આત્મા શેનો બનેલો છે તે જાણવા માટે આ ગુણોને સમજવા જરૂરી છે. બીજા કોઈ અવિનાશી તત્વમાં આ ગુણ નથી. જાણવાનો આ સ્વભાવ બીજા કોઈ જડ તત્વમાં નથી કે કોઈ જીવીત વ્યક્તિના શરીરનો પણ આ સ્વભાવ નથી. આ જાણવાનો સ્વભાવ એ આત્માનો છે.

શું પ્રકાશ એ આત્માનો ગુણ છે?

પ્રસ્તુત ઉદાહરણ દ્વારા પૂજ્ય દીપકભાઈ સમજાવે છે...

ધારો કે હૉલમાં ઘોર અંધારું છે અને તમે બૅટરી સાથે હૉલમાં પ્રવેશો છો. હવે બેટરીના પ્રકાશથી તમે હૉલમાં જોઈ શકો છો અને તમને જાણ થઈ કે અહીંયા ખુરશીઓ છે, પંખાની સ્વીચો છે અને પંખો છે.

માટે, બે વસ્તુઓ થઈ; પ્રકાશ અને જ્ઞાન (જાણકારી).

તેવી રીતે, આત્મા એ પ્રકાશ જેવો છે અને તેને જ્ઞાન અને દર્શન છે. જ્યારે તમે તમારા ખરા સ્વરૂપને (આત્માને) જુઓ છો, તે રિયલ જ્ઞાન છે અને જ્યારે તમે લૌકિક (સંસારી) વસ્તુઓ જુઓ છો, તે સાંસારિક જ્ઞાન છે.

રિયલ જ્ઞાન એ આત્મવિજ્ઞાન છે. જેણે આત્મવિજ્ઞાન જાણ્યું તે ભવોભવની ભટકામણમાંથી મુક્ત થાય છે. ઘણા, કે જેઓ જ્ઞાની પુરુષને મળેલા છે અને જ્ઞાનીની કૃપાથી જેમણે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલ છે, તેમની પ્રગતિ થઈ છે અને આ સ્થિતિને પામ્યા છે. દરેક આ સ્થિતિને પામે એવી આપણી ભાવના છે.

અનંત શક્તિ

આપણે આત્મા છીએ! આત્માની અનંત શક્તિ છે. તેમ છતાં, તે અજ્ઞાનતાના આવરણોથી ઢંકાયેલો છે, જેના લીધે પોતાનું સ્વરૂપ, પોતાની શક્તિ, પોતાની સત્તાનું જ પોતાને ભાન નથી. માત્ર જ્ઞાની આ આવરણોને તોડીને આત્માની શક્તિઓને ખુલ્લી કરી શકે છે. કેવી રીતે? ચાલો અહીં આપેલી વાતચીત પરથી આ સમજીએ...

પ્રશ્નકર્તા : આત્મામાં અનંત શક્તિ ખરી ?

દાદાશ્રી : હા. પણ એ શક્તિ 'જ્ઞાનીપુરુષ' થકી પ્રગટ થવી જોઈએ. જેમ તમે સ્કૂલમાં ગયા ત્યારે શીખવાડ્યું હતું ને ?! તમારું જ્ઞાન તો હતું જ તમારી મહીં, પણ એ પ્રગટ કરી આપે છે. એમ 'જ્ઞાનીપુરુષ' પાસે પોતાની શક્તિઓ બધી પ્રગટ થાય. અનંત શક્તિ છે, પણ એ શક્તિ બધી એમ ને એમ 'અંડરમાઇન' પડેલી છે. એ શક્તિ અમે ખુલ્લી કરી આપીએ. ભયંકર શક્તિ છે ! તે તમારા એકલામાં નહીં, દરેક જીવમાત્રમાં એવી શક્તિ છે પણ શું કરે ? આ તો ઉપર લેયર્સ' ને 'લેયર્સ' નાખેલાં છે બધાં !

અનંત સુખ

જેમ સુગંધ પરથી અત્તર ઓળખાય, એવું આત્મા અમુર્ત હોવા છતાં એના સુખ ઉપરથી ઓળખાય છે, આત્મા શેનો બનેલો છે તેને સમજવા માટેનો આ મહત્વનો ગુણ છે. આ તમે (પોતે) છો. તેમ છતાં, તમે જ્યારે જ્ઞાનીની કૃપાથી તમારા ખરા સ્વરૂપની ઓળખાણ પામશો ત્યારે આ બધા ગુણો પ્રગટ થઈ જશે. તેથી, આત્મા અનંતસુખનું ધામ હોવા છતાં, લોકો અહીં જીવનના ભૌતિક સુખો ખોળવા નીકળ્યા છે. તો પણ, એક ફેરો આત્માનું ભાન થયું કે પછી અનંત સુખ મહીં પ્રગટ થઈ જાય.

અવિભાગી-અવિભાજ્ય

આત્મા એ તત્વ છે; તેથી, તેના ટુકડા થઈ શકતા નથી.

આત્મા પોતે કેવળ આત્મા છે અને તે તત્વ રૂપે છે. તેથી, તેનો એક પણ વિભાગનું વિભાજન થઈ શકે નહીં; તે સર્વાંશ છે. વિભાજનથી અંશ બને છે, અને તેનાથી તત્વ નાશ પામે છે, અંશ પરમાત્મા કોઈ દહાડો ય હોય નહીં. પરમાત્માના ટુકડા થતા નથી.

અવિનાશી

આત્મા અવિનાશી છે. અને અવિનાશી પેદા થાય નહીં કોઈ દહાડો ય ! એ તો કાયમને માટે છે.

એનો નાશે ય ના હોય ને પેદા ય ના હોય. કોઈ પેદા થયું નથી ને નાશ થયું ય નથી. આ દેખાય છે તે બધી ભ્રાંતિ છે. અને અવસ્થાઓ નાશ થાય છે. ઘૈડપણ અવસ્થા, જુવાની અવસ્થા એ બધી નાશ થયા કરે અને એ 'પોતે' હતો તેનો તે જ. એટલે અવસ્થા તો વિનાશ થાય છે.  જે 'આવે' એ સનાતન ના હોય અને આત્મા એ સનાતન વસ્તુ છે, તો પછી એને 'આવ્યા, ગયા' ના હોય.

સૂક્ષ્મ

આ અગ્નિ લઈને આમ આત્માની મહીં ફેરવીએ તો ય આત્મા દઝાય નહીં, એટલો બધો આત્મા સૂક્ષ્મ છે! આમ મહીં હાથ ફેરવીએ તો ય આત્મા હાથને અડે નહીં. એવો આત્મા છે. એ આત્મામાં બરફ ફેરવીએ તો ય ઠંડું ના થઈ જાય, એમાં તલવાર ફેરવો તો એ કપાય જ નહીં. આત્મા એ પ્રકાશસ્વરૂપ છે . હા , જે પ્રકાશને સ્થળની ય જરૂર નથી, આધારની ય જરૂર નથી એવું પ્રકાશસ્વરૂપ આત્માનું છે ! અને ડુંગરોની ય આરપાર જઈ શકે એવું છે, એવો એ આત્મા છે !!

નિરાકાર – આત્માને આકાર ના હોય

આત્મા નિરાકાર છે, આત્મા શેનો બનેલો છે તે સમજવા માટેનો આ મહત્વનો ગુણ છે. આત્માને આકાર ના હોય, એ નિરાકારી વસ્તુ છે. છતાંય પણ સ્વભાવે આત્મા કેવો છે ? જે દેહમાં છે, એ દેહનો જે આકાર છે એના જેવા આકારનો છે. ઉદાહરણ તરીકે, પાણીને પ્યાલામાં રેડવામાં આવે અને તે પ્યાલાનો આકાર ધારણ કરે છે, તેવી રીતે આત્મા જે શરીરમાં હોય છે તેવો આકાર ધારણ કરે છે.

×
Share on