Related Questions

ત્રિમંત્રનો અર્થ શું છે અને ત્રિમંત્રની આરાધનાનો ફાયદો શું છે?

ત્રિમંત્રમાં જૈનોના, વાસુદેવના અને શિવના એ ત્રણેય મંત્રો ભેગા કર્યા છે. ત્રિમંત્રો એ નિષ્પક્ષપાતી મંત્રો છે. એટલે હિન્દુસ્તાનનાં તમામ લોકો માટે છે આ. એટલે આ ત્રિમંત્ર બોલશો તો ઘણો ફાયદો થશે. કારણ કે આમાં સારા સારા મનુષ્યો, ઊંચામાં ઊંચી કોટિના જીવો હોયને, તેમને નમસ્કાર કરવાનું શીખવાડેલું છે. તો ચાલો સમજીએ આ ત્રિમંત્રનો અર્થ. 

mantra

‘નમો અરિહંતાણં’ - જેમણે બધા દુશ્મનોને નાશ કરી નાખ્યા છે, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષરૂપી દુશ્મનોને નાશ કર્યા છે એ અરિહંત કહેવાય. દુશ્મનોને નાશ કર્યા ત્યાંથી પૂર્ણાહુતિ થતાં સુધીનાં અરિહંત કહેવાય. એ પૂર્ણ સ્વરૂપ ભગવાન કહેવાય ! એ પછી ગમે તે ધર્મના હોય, હિન્દુ હોય કે જૈન હોય કે ગમે તે કોમના હોય, આ બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, પણ એ અરિહંત ભગવાન જ્યાં હોય, તેમને નમસ્કાર કરું છું. સીમધંર સ્વામી ભગવાનઅરિહંત ભગવાન કહેવાય.

‘નમો સિધ્ધાણં’ – એટલે જે અહીંથી સિદ્ધ થઈ ગયા છે, જેને અહીં આગળ દેહેય છૂટી ગયેલો છે ને ફરી દેહ મળવાનો નથી અને સિદ્ધ ગતિમાં નિરંતર સિદ્ધ ભગવાનની સ્થિતિમાં રહે છે, એવાં સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું. ભગવાન રામચંદ્રજી, ઋષભદેવ ભગવાન, મહાવીર ભગવાન એ બધા સિદ્ધ ભગવંત કહેવાય.

‘નમો આયરિયાણં’ - એટલે અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે છે, એવાં આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું.એમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મદશા પ્રગટ થયેલી છે, જેમ કે, શ્રીમદજી અને દાદા ભગવાન.

‘નમો ઉવ્વજ્ઝાયાણં’ - જેને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે અને જે પોતે આત્મા જાણ્યા પછી શાસ્ત્ર બધાં ભણે ને પછી બીજાને ભણાવડાવે, એવાં ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય એટલે આત્મા જાણે, કર્તવ્યને જાણે, આચારને પણ જાણે, છતાં આચાર કેટલાક આવ્યા હોય ને કેટલાક આચાર ના આવ્યા હોય. પણ સંપૂર્ણ આચાર મહીં નહીં થવાથી તે ઉપાધ્યાય પદમાં છે. એટલે પોતે હજુ ભણે છે ને બીજાને ભણાવે છે. જેમાં આત્મજ્ઞાની પૂજ્ય નીરુમા અને પૂજ્યશ્રી દિપકભાઈનો સમાવેશ થાય છે.

‘નમો લોએ સવ્વસાહૂણં’ - લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા સાધુઓને હું નમસ્કાર કરું છું. સંસારદશામાંથી મુક્ત થઈને આત્મદશા માટે પ્રયત્ન કરે છે અને આત્મદશા સાધે છે એ બધાને નમસ્કાર કરું છું. એટલે દેહાધ્યાસ નહીં, બિલકુલ દેહાધ્યાસ નહીં એવાં સાધુઓને હું નમસ્કાર કરું છું. જેમાં સર્વ જ્ઞાન લીધેલ મહાત્માઓને નમસ્કાર પહોંચે છે.

'ઐસો પંચ નમુક્કારો' - ઉપર જે પાંચ નમસ્કાર કર્યા.

'સવ્વ પાવપ્પણાસણો' - બધા પાપોને નાશ કરવાવાળો છે. આ બોલવાથી સર્વ પાપ ભસ્મીભૂત થઈ જાય.

‘મંગલાણં ચ સવ્વેસિં’ - બધા મંગલોમાં.

‘પઢમં હવઇ મંગલમ્’ - પ્રથમ મંગલ છે. આ દુનિયામાં બધાં મંગલો જે છે એ બધામાં પહેલામાં પહેલું મંગલ આ છે, મોટામાં મોટું ખરું મંગલ આ છે એવું કહેવા માગે છે.

ૐ નમો ભગવતે વાસુદેવાય - વાસુદેવ ભગવાન ! એટલે જે વાસુદેવ ભગવાન નરનાં નારાયણ થયા, તેમને હું નમસ્કાર કરું છું. આ કાળના વાસુદેવ એટલે કોણ ? કૃષ્ણ ભગવાન. એટલે આ નમસ્કાર કૃષ્ણ ભગવાનને પહોંચે છે. એમના જે શાસનદેવો હોયને, તેમને પહોંચી જાય !

‘ૐ નમઃ શિવાય’ - આ દુનિયામાં જે કલ્યાણ સ્વરૂપ થયેલા હોય અને જે જીવતા હોય, જેનો અહંકાર જતો રહેલો હોય, એ બધા શિવ કહેવાય. શિવ તો પોતે કલ્યાણ સ્વરૂપ જ છે. એટલે જે પોતે કલ્યાણ સ્વરૂપ થયા છે અને બીજાને કલ્યાણનો માર્ગ બતાવે છે, એમને નમસ્કાર કરું છું. એમાં બધા જ્ઞાનીઓને નમસ્કાર પહોંચે છે.

ત્રિમંત્રની આરાધનાથી ફાયદો

આ ત્રણે મંત્રો એવાં છે કે અણસમજણવાળો બોલે તોય ફાયદો થાય અને સમજણવાળો બોલે તોય ફાયદો થાય. પણ સમજણવાળાને વધુ ફાયદો થાય અને અણસમજણવાળાને મોઢે બોલ્યો તે બદલનો જ ફાયદો થાય.

'નમો અરિહંતાણં'ના જાપ વખતે કોઈ રંગનું ચિંતન કરવાની કંઈ જરૂર નથી. અને જો ચિંતન કરવું હોય તો આંખો મીંચીને ન....મો...અ....રિ....હં...તા....ણં એમ દેખાવું જોઈએ. એનાથી બહુ ફળ મળે. એકાંતમાં જઈને, મોટેથી પહાડી અવાજથી બોલો. મોટેથી બોલવાથી ફાયદો ઘણો જ છે. કારણ કે મોટેથી જ્યાં સુધી ના બોલે ત્યાં સુધી માણસની અંદર બધી મશીનરી બંધ થતી નથી. ત્યાં સુધી એકત્વને પામે નહીં. ત્યાં સુધી પેલું ફળ આપે નહીં. એટલે મોટેથી બોલજો. કારણ કે મોટેથી બોલે એટલે પછી મન બંધ થઈ ગયું, બુદ્ધિ ખલાસ થઈ ગઈ.

દાદા ભગવાન કહેતા કે આ અમારો આપેલો ત્રિમંત્ર સવારમાં જો પાંચ વખત અમારું મોંઢું યાદ કરીને બોલશો તો ક્યારેય ડૂબશો નહી અને ધીરે ધીરે મોક્ષેય મળશે અને એની જોખમદારી અમે લઈએ છીએ.

સંસાર વ્યવહારમાં દરેક પ્રકારના વ્યવહાર હોય છે. એટલે આ ત્રણ મંત્રો બોલવાથી આવતી ઉપાધિ ઓછી થાય. છતાં ઉપાધિ એનો નિમિત્તરૂપે ભાગ ભજવી જાય, પણ આવડો મોટો પથરો વાગવાનો હોયને, તે આવી કાંકરી જેવી વાગે.

જો તમારે દેવોનો સહારો જોઈતો હોય તો બધા મંત્રો ભેગા બોલો. એના શાસનદેવો હોય, એટલે એ તમને હેલ્પ કરે. તે આ ત્રિમંત્રો છે ને, તેમાં આ જૈનનો મંત્ર છે એ જૈનના શાસનદેવો છે, એમને ખુશ કરવાનું સાધન છે. વૈષ્ણવનો મંત્ર છે તે એમના શાસનદેવોને ખુશ કરવાનું સાધન છે અને શિવનો જે મંત્ર છે એ એમના શાસનદેવોને ખુશ કરવાનું સાધન છે. હંમેશાં દરેકની પાછળ શાસન સાચવનારા દેવો હોય પાછાં. એ દેવો આ મંત્રો બોલીએ એટલે ખુશ થાય એટલે આપણી અડચણો નીકળી જાય.

દાદા ભગવાન કહેતા કે આ અમારા આપેલા ત્રિમંત્રમાં તો ગજબની શક્તિ છે ! સર્વ દેવો રાજી રહે અને વિઘ્ન ના આવે. સંપૂર્ણ નિષ્પક્ષપાતી છે.

×
Share on