Related Questions

ભૂલ કોની છે?

આ તો એના મનમાં અસર થઈ જાય કે, મારા સાસુ મને પજવે છે. એ રાત-દહાડો યાદ રહે કે ભૂલી જાય ?

પ્રશ્નકર્તા : યાદ રહે.

દાદાશ્રી : રાત-દહાડો યાદ રહે. એટલે પછી શરીર પર અસર થાય. એટલે બીજી સારી વસ્તુ પેસે નહીં પછી. એટલે એને શું સમજણ પાડીએ કે આને સારી સાસુ મળી, આનેય સારી સાસુ મળી ને તમને કેમ આવી મળી ? આ તમારો પૂર્વભવનો હિસાબ છે, એ ચૂકતે કરો. તો કેવી રીતે ચૂકતે થાય એ બતાડીએ. તો એ સુખી થઈ જાય. કારણ કે દોષિત એની સાસુ નથી, ભોગવે છે એની ભૂલ છે. એટલે સામાનો દોષ ઊડી જાય.

જગતમાં કોઈનો દોષ નથી, દોષ કાઢનારાનો દોષ છે. જગતમાં દોષિત કોઈ છે જ નહીં. સહુ સહુના કર્મના ઉદયથી છે. બધા ભોગવી રહ્યા છે, તે કોઈ આજે ગુનો કરતા નથી. ગયા અવતારના કર્મના ફળ રૂપે આ બધું થાય છે.  છે.આજ તો એને પસ્તાવો થતો હોય પણ પેલો કોન્ટ્રેક્ટ થઈ ગયો હોયને, એટલે શું થાય ? થયે જ છૂટકો

આ દુનિયામાં જો તમારે કદિ કોઈની ભૂલ ખોળી કાઢવી હોય તો જે ભોગવે છે, એની ભૂલ છે. વહુ સાસુને દુઃખ દે છે કે સાસુ વહુને દુઃખ દે છે, એમાં કોને ભોગવવું પડે છે ? સાસુને. તો સાસુની ભૂલ છે. સાસુ વહુને દુઃખ દેતી હોય, તો વહુએ એટલું સમજી જવું જોઈએ કે મારી ભૂલ છે. આ દાદાના જ્ઞાનના આધારે સમજી જવું કે ભૂલ હશે, તેથી જ આ ગાળો દે છે. એટલે સાસુનો દોષ નહીં કાઢવો જોઈએ. આ સાસુનો દોષ કાઢવાથી વધારે ગૂંચાયું છે, કોમ્પ્લેક્સ થયા કરે છે અને સાસુને વહુ પજવતી હોય તો સાસુએ દાદાના જ્ઞાનથી સમજી જવું જોઈએ કે ભોગવે એની ભૂલ, એ હિસાબે મારે નભાવી લેવું જોઈએ.

સાસુ વહુને વઢે તોય વહુ સુખમાં હોય અને સાસુને જ ભોગવવાનું હોય ત્યારે ભૂલ સાસુની જ કહેવાય. જેઠાણીને સળી કરી ને આપણે ભોગવવું પડે તે આપણી ભૂલ અને સળી ના કરી છતાંય એ આપવા આવે તો તે પાછલાં ભવનું કશુંક બાકી હશે, તે ચૂકવવા આપ્યું. ત્યારે તમે પાછી ફરીથી ભૂલ ના કરતાં, નહીં તો ફરીથી ભોગવવું પડશે. માટે છૂટવું હોય તો જે જે કંઈ કડવું-મીઠું આવે (ગાળો વગેરે), તે જમે કરી લેજો. હિસાબ ચૂક્તે થઈ જશે. આ જગતમાં હિસાબ વગર તો આંખેય ભેગી ના મળે, તો બીજું બધું હિસાબ વગર તે થતું હશે ? તમે જેટલું જેટલું જેને જેને આપ્યું હશે, તેટલું તેટલું તમને તે પાછું આપશે ત્યારે તમે ખુશ થઈને જમે કરી લેજો કે હાશ ! હવે ચોપડો પૂરો થશે. નહીં તો ભૂલ કરશો તો પાછું ભોગવવું જ પડશે.

આપણે 'ભોગવે એની ભૂલ' બહાર પાડ્યું છે, તે લોકો બહુ અજાયબી માને છે કે ખરી શોધખોળ છે આ !

×
Share on