Related Questions

સૌથી વધારે કોણ ભોગવે છે?

અધ્યાત્મિક દૃષ્ટિએ ભૂલ કોની? એ શોધવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ આપેલી આ જબરજસ્ત ચાવી છે, ભોગવે તેની ભૂલ. સંસારમાં ગમે તેવું સારામાં સારું થાય કે ખરાબમાં ખરાબ થાય, પણ આપણને કિંચિત્માત્ર ભોગવટો આવ્યો, એટલે સો ટકા ભૂલ આપણી જ છે. કોઈનો દોષ કાઢવાનો રહ્યો નહીં.

આપણને કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આવે છે ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી શી ભૂલ? આમાં મેં શું ખોટું કર્યું? છતાંય ઉત્તર મળતો નથી. પ્રેક્ટિકલ લાઈફમાં આપણને જ્યાં જ્યાં અથડામણ થાય, ડખલ થાય, આપણને કંઈ અસર થઈ, કોઈના વ્યવહારથી આપણને કંઈક ભોગવટો આવ્યો તો આપણી બુદ્ધિ હંમેશાં બીજાની ભૂલ શોધી કાઢે કે, “આને લીધે મને દુઃખ થયું, પેલાને લીધે થયું.” છેવટે એવું જસ્ટીફાય કરીએ કે ‘એણે જો આવું ના કર્યું હોત તો મારે શું કામ આવું ખરાબ કરવું કે બોલવું પડત?’ આમ પોતાની ભૂલ ઢાંકીને સામાની જ ભૂલ છે એમ પૂરવાર કરીએ. પરિણામે કર્મોની પરંપરા સર્જાય!

કોઈ બીજાથી આપણી કિંમતી વસ્તુ તૂટીને નુકસાન થાય તો આપણે અપસેટ થઈ જઈએ, કે ‘તે નુકસાન કરી નાખ્યું, ધ્યાન નથી રહેતું.’ પણ આપણા હાથે એવું જ નુકસાન થાય તો? કોઈએ જોયું નથી એમ વાળીઝૂડીને સાફ કરીએ જેથી કોઈને ખબર ના પડે. અથવા વસ્તુ આમ લીસી હતી એટલે પડી ગઈ એવો બચાવ કરીએ. ત્યારે આપણને કોઈ ઉકળાટ નથી હોતો. આપણે એવો પક્ષપાત રાખીએ, પણ કુદરતનો ન્યાય નિષ્પક્ષપાતી છે કે આમાં ભૂલ જે ભોગવે છે તેની છે. એનો અર્થ એવો નહીં કે બીજા ભોગવતા હોય, ત્યારે આપણે કહીએ કે તમે ભોગવો છો, એટલે તમારી ભૂલ! આ ચાવી આપણને પોતાના માટે અન્યાય થતો લાગે, ત્યારે વાપરવા માટે છે. 

આપણી ભૂલ શી રીતે ઓળખાય? ધારો કે, આપણા બે હજાર કપાઈ ગયા તો આપણને દુઃખ થાય, પણ પાડોશીના જાય તો કશું ના થાય. એટલે આપણી ‘મમતા’ દુઃખ આપે છે, એ ભૂલ. પૈસાની ખોટ ગઈ એટલે લોભનો કષાય દુઃખ આપ છે. કોઈ આપણું અપમાન કરે તો, ‘મને બધાની વચ્ચે આમ કહ્યું’ એમ થવાથી અહંકારને દુઃખ લાગે છે. જ્યારે બાજુવાળાનું અપમાન થાય તો દુઃખ નથી લાગતું. પોતે “હું વિશેષ છું” એમ માને તો કોઈ ગમેતેમ હલકો શબ્દ બોલે તો દુઃખ લાગે. પતિ-પત્નીમાં ખીટપીટ થઈ પછી આપણે તપાસ કરીએ તો પતિ નિરાંતે ઊંઘતા હોય, અને પત્નીને અંદર ચેન ના પડતું હોય. તો સમજવાનું કે ભોગવે છે તેની ભૂલ. ટૂંકમાં, ક્રોધ-માન-માયા-લોભના કષાયોથી આપણને દુઃખ થાય છે, અને તે જ ભૂલ છે. કષાયની ભૂલ ખલાસ કરી નાખીએ તો કોઈ પરિસ્થિતિ આપણને અડી શકે નહીં.

ધારો કે, કોઈએ આપણને પથ્થર માર્યો હોય તો આપણે એ માણસને ગાળો ભાંડીએ, વઢીએ. પણ ડુંગર ઉપરથી પથ્થર ગબડતો ગબડતો આપણને માથે વાગે તો કોનો વાંક કાઢીશું? તેમ આપણા કર્મોની ઇફેક્ટ આપવામાં દેખીતા નિમિત્ત પ્રત્યે આપણને દ્વેષ થાય છે. તાર્કિક રીતે વિચારીએ, તો પથ્થર વીસ ફૂટ દૂરથી સીધો આપણને જ વાગ્યો. એક સેકન્ડ પહેલા કે પછી આપણે ગયા હોત તો ના વાગ્યો હોત. આગળ પાછળ લોકો હતા તેમને પણ ના વાગ્યો. માથે ટોપી પહેરી હોય તો ઓછું વાગત ને હેલ્મેટ હોત તો વાગત જ નહીં. પથ્થરને કોઈએ નહોતું કીધું કે આમના માથે જઈને વાગજે! એટલે બધા જ સંજોગ એવી રીતે ભેગા થાય કે એક્ઝેક્ટ આપણને માથામાં વાગે. તો એમાં ભૂલ કોની? પૂર્વે આપણે કૉઝીઝ (કારણ) રૂપે જે કર્મો બાંધ્યા હતા, તેની આજે કર્મફળ રૂપે ઇફેક્ટ (પરિણામ) આવે છે. અધ્યાત્મ વિજ્ઞાનનો સાર એ છે કે નવા કારણો સુધારીએ અને પરિણામ ભોગવતી વખતે સમતા રાખીએ. ચોર આપણા પૈસા ચોરી જાય તો એ પકડાશે ને ભોગવશે ત્યારે એની ભૂલનો દંડ આવશે, પણ આજે પોતાને ભોગવવાનું આવ્યું એટલે સમજવું, કે આપણી પહેલાની ભૂલનો દંડ આવી ગયો. 

જેમ ડોક્ટર કે સર્જન, આપણા શરીરના સડેલા ભાગને કાપી નાખે ને આપણને નીરોગી બનાવે તો આપણે તેમનો ઉપકાર માનીએ છીએ, ને ઉપરથી પૈસા પણ આપીએ છીએ. તેમ કુદરત આપણો જ રોગ કાઢવા માટે નિમિત્તો મારફતે આપણા જ કર્મોનું ફળ આપે છે. નિમિત્ત તો ઉપકારી છે. આ સમજણ હાજર રહે તો દુઃખ ના રહે. 

આપણા કર્મના જ સકંજામાં સપડાયા હોઈએ ત્યારે ફરિયાદો કરવાથી ગૂંચવાડો વધે છે. જેમ કે, આપણે કોઈ ગુના બદલ જેલમાં સજા ભોગવતા હોઈએ પછી જેલમાં ફરિયાદ કરીએ ને બૂમાબૂમ કરીએ તો આપણો દંડ લંબાય. પણ ચૂપચાપ સજા ભોગવીને નીકળી જઈએ તો જેલમાંથી છૂટાય. થોડા પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ તો પત્નીથી કઢીમાં મીઠું વધારે પડી ગયું હોય, તો ત્યારે તેને વઢી મૂકીએ તો તેને ઘા વાગે, કઢી પણ ના સુધરે અને સંબંધો પણ વણસે. એના બદલે ચૂપચાપ એડજસ્ટમેન્ટ લઈ લઈએ, ને કોઈનો વાંક ના કાઢીએ તો ગૂંચ ન પડે. વારેવારે કોઈની ભૂલ થતી હોય તો ક્યારેક શાંત ચિત્તે ચા-નાસ્તો કરતા હોઈએ ત્યારે હસતા હસતા વાતો કરી દેવાય કે, ‘હવેથી ધ્યાન રાખજો’. પણ સામાને ‘તે ભૂલ કરી છે, તને ભાન નથી પડતું’ એમ ગુનેગાર જોઈને ન કહેવાય. કારણ કે, આપણને ભોગવવાનું આવ્યું એમાં ભૂલ આપણી જ છે. માટે સામાને ઘા ન વાગે, સમાધાન થાય એ રીતે કહેવું અથવા મૌન રહેવું.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “એક ક્ષણવાર જગત કાયદા વગર રહેતું નથી. ઈનામ આપવાનું હોય તેને ઈનામ આપે છે, દંડ આપવાનો હોય તેને દંડ આપે છે. જગત કાયદાની બહાર ચાલતું નથી, કાયદેસર જ છે, સંપૂર્ણ ન્યાયપૂર્વક જ છે. પણ સામાની દ્રષ્ટિમાં નહીં દેખાવાથી સમજાતું નથી.”

×
Share on