Related Questions

આત્મહત્યાના પરિણામો શું આવે છે?

તે પહેલાં કરજે 'મને' યાદ!

પ્રશ્નકર્તા: દાદા, એવું સાંભળ્યું છે કે આપઘાત પછી આવી રીતે સાત ભવ થાય, એ વાત સાચી છે?

દાદાશ્રી: જે સંસ્કાર પડે તે સાત-આઠ ભવ પછી જાય છે. એટલે આ કોઈ ખોટા સંસ્કાર પડવા ના દેશો. ખોટા સંસ્કારથી દૂર ભાગજો. હા, અહીં ગમે એટલું દુઃખ હોય તો તે સહન કરજો પણ ગોળી ના મારશો, આપઘાત ના કરશો એટલે વડોદરા શહેરમાં આજથી થોડાં વરસ ઉપર બધાંને કહી દીધેલું કે આપઘાત કરવાનું થાય ત્યારે મને યાદ કરજે ને મારી પાસે આવજે. એવા માણસ હોયને, જોખમવાળા માણસ, એમને કહી રાખું. તે પછી મારી પાસે આવે, તેને સમજ પાડી દઉં. બીજે દહાડે આપઘાત કરતો બંધ થઈ જાય. ૧૯૫૧ પછી એ બધાને ખબર આપેલી કે જે કોઈને આપઘાત કરવો હોય તો મને ભેગો થાય ને પછી કરે. કોઈ આવે કે મારે આપઘાત કરવો છે તો એને હું સમજાવું. આજુબાજુનાં 'કૉઝીઝ', 'સર્કલ' આપઘાત કરવા જેવો છે કે નથી કરવા જેવો, બધું એને સમજાવી દઉં ને એને પાછો વાળી લઉં.

આપઘાતનું ફળ!

પ્રશ્નકર્તા: કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય? ભૂતપ્રેત થાય?

દાદાશ્રી: આપઘાત કરવાથી તો પ્રેત થવાય અને પ્રેત થઈને રખડવું પડે. એટલે આપઘાત કરીને ઊલટી ઉપાધિઓ વહોરે છે. એક વખત આપઘાત કરે, એના પછી કેટલાય અવતાર સુધી પડઘા પડ્યા કરે! અને આ જે આપઘાત કરે છે એ કંઈ નવા કરતો નથી. પાછલા આપઘાતો કરેલા, તેના પડઘાથી કરે છે. આ જે આપઘાત કરે છે, એ તો પાછલા કરેલા આપઘાત કર્મનું ફળ આવે છે. એટલે પોતાની જાતે જ આપઘાત કરે છે. એ એવા પડઘા પડેલા હોય છે કે એ એવું ને એવું જ કરતો આવ્યો હોય છે. એટલે પોતાની મેળે આપઘાત કરે છે અને આપઘાત થયા પછી અવગતિયો થઈ જાય. અવગતિયો એટલે દેહ વગર રખડતો હોય. ભૂત થવાનું કંઈ સહેલું નથી. ભૂત તો દેવગતિનો અવતાર છે, એ સહેલી વસ્તુ નથી. ભૂત તો અહીં આગળ કઠોર તપ કર્યાં હોય, અજ્ઞાન તપ કર્યાં હોય ત્યારે ભૂત થાય; જ્યારે પ્રેત એ જુદી વસ્તુ છે.

Reference: Book Name: મૃત્યુ (Page #21 - Paragraph #2 & #5, Page #22 – Paragraph #1)

... તો ય આપઘાત ન જ કરાય!

હવે આવાં માણસો ધંધામાં ખોટ જાય, છોકરાનું દુઃખ આવ્યું એવું કશું થાય કે આપઘાત જ કરી નાખે! અમને કહી જાય કે દાદાજી, આ બીજી કશી મુશ્કેલી નહોતી, ત્યારે આ છોકરાંનું દુઃખ આવ્યું. થોડુઘણું મનમાં એમ કે હજી બાળક છે રાગે પડશે, પણ ત્યારે હોરું એનું દુઃખ આવ્યું. એટલે પછી દુઃખમાંથી ને દુઃખમાંથી પછી માણસ આપઘાત કરી નાખે.

પ્રશ્નકર્તા: આપઘાત કરીને મરી જાય તો શું થાય?

દાદાશ્રી: આપઘાત કરીને મરી જાય, પણ પાછું ફરી અહીં ફરજો ચૂકવવા આવવું પડે. મનુષ્ય છે તે તેને માથે દુઃખ તો આવે, પણ તે માટે કંઇ આપઘાત કરાય? આપઘાતનાં ફળ બહુ કડવાં છે. ભગવાને તેની ના પાડેલી છે, બહુ ખરાબ ફળ આવે. આપઘાત કરવાનો તો વિચારે ય ના કરાય. આ જે કંઇ કરજ હોય તો તે પાછું આપી દેવાની ભાવના કરવાની હોય, પણ આપઘાત ના કરાય.

દુઃખ તો રામચન્દ્રજીને હતું. તેમના ચૌદ વરસનાં વનવાસમાંના એક દહાડાનું દુઃખ તે આ ચકલાના (!) આખી જિંદગીનાં દુઃખ બરાબર છે! પણ અક્કરમી 'ચેં' 'ચેં' કરીને આખો દા'ડો દુઃખ ગા ગા કરે છે.

દાદાવાણી Magazin November 1998 (Page #8 - Paragraph #3 to #7)

×
Share on
Copy