Related Questions

કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?

પ્રશ્નકર્તા: શુદ્ધતા લાવવા શું કરવું?

દાદાશ્રી: કરવા જશો તો કર્મ બંધાશે. 'અહીં' કહેવાનું કે અમારે આ જોઈએ છે. કરવાથી કર્મ બંધાય છે. જે જે કરશો, શુભ કરશો તો શુભનાં કર્મ બંધાશે, અશુભ કરશો તો અશુભનાં બંધાશે અને શુદ્ધમાં તો કશું જ નથી. જ્ઞાન એની મેળે જ ક્રિયાકારી છે. પોતાને કશું કરવું ના પડે.

પોતે મહાવીરના જેવો જ આત્મા છે, પણ ભાન થયું નથી ને? આ 'અક્રમ વિજ્ઞાન'થી એ ભાન થાય છે. જાગૃતિ ખૂબ વધી જાય છે. ચિંતા બંધ થઈ જાય, મુક્ત થઈ જવાય! સંપૂર્ણ જાગૃતિ ઉત્પન્ન થાય છે. આ 'કેવળજ્ઞાન' વિજ્ઞાન છે. જેવું તેવું નથી. એટલે આપણું કામ નીકળી જાય.

પ્રશ્નકર્તા: આપ જેટલા 'જ્ઞાની' છો, તેટલું જ્ઞાન મેળવવા શું કરવું જોઈએ?

દાદાશ્રી: એમની પાસે બેસવું. એમની કૃપા પ્રાપ્ત કરવી. બસ બીજું કશું કરવાનું નથી. 'જ્ઞાની'ની કૃપાથી જ બધું થાય. કૃપાથી 'કેવળજ્ઞાન' થાય. કરવા જશો તો તો કર્મ બંધાશે, કારણ કે 'તમે કોણ છો?' એ નક્કી થયેલું નથી. 'તમે કોણ છો?' એ નક્કી થાય તો કર્તા નક્કી થાય.

સાપેક્ષ વ્યવહાર

'વ્યવહાર શું છે' એટલું જ જો સમજે તોય મોક્ષ થઈ જાય. આ વ્યવહાર બધો 'રિલેટિવ' છે અને ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ એન્ડ રિયલ ઈઝ ધી પરમેનન્ટ એડજસ્ટમેન્ટ!

નાશવંત વસ્તુમાં પોતાપણાનો આરોપ કરવો એ 'રોંગ બીલિફ' છે. 'હું ચંદુભાઈ છું, આનો ધણી છું' એ બધી 'રોંગ બિલીફ' છે. તમે 'ચંદુભાઈ' છો એમ નિશ્ચયથી માનો છો? પુરાવો આપું? 'ચંદુભાઈ'ને ગાળ ભાંડે તો અસર થાય કે?

પ્રશ્નકર્તા: જરાય નહીં.

દાદાશ્રી: ગજવું કાપે તો અસર થાય છે?

પ્રશ્નકર્તા: થોડી વાર થાય.

દાદાશ્રી: તો તો તમે 'ચંદુભાઈ' છો. વ્યવહારથી 'ચંદુભાઈ' હો તો તમને કશું અડે નહીં.

પ્રશ્નકર્તા: જો એવું હોય તો તો આપણામાં ને બીજામાં ફેર જ શો? ખોટી વસ્તુને ત્યજવી જ જોઈએ. એટલો પ્રયત્ન ધીમે ધીમે કેળવીએ તો ફેર પડતો જાય છે.

દાદાશ્રી: જો મોક્ષે જવું હોય તો ખોટી-ખરીના દ્વંદ્વ કાઢી નાખવા પડશે અને જો શુભમાં આવવું હોય તો ખોટી વસ્તુનો તિરસ્કાર કરો ને સારી વસ્તુનો રાગ કરો અને શુદ્ધમાં સારી-ખોટી બેઉ ઉપરેય રાગ-દ્વેષ નહીં. ખરેખર સારી-ખોટી છે જ નહીં. આ તો દ્રષ્ટિની મલિનતા છે. તેથી આ સારી-ખોટી દેખાય છે અને દ્રષ્ટિની મલિનતા એ જ મિથ્યાત્વ છે, દ્રષ્ટિવિષ છે. દ્રષ્ટિવિષ અમે કાઢી નાખીએ છીએ.

Reference: Book Name: આપ્તવાણી-૫ (Page #94 and Page #95)

આ તો અનંત અવતારથી લોકોની જોડે જ ખટપટ થયેલા હોય તે આ નવ કલમો બોલે એટલે બધા ઋણાનુબંધ છૂટી જાય, એ પ્રતિક્રમણ છે, એ બહુ મોટામાં મોટું પ્રતિક્રમણ છે. મોટામાં મોટું જબરજસ્ત પ્રતિક્રમણ છે એ.

પ્રશ્નકર્તા: આ નવ કલમો છે, તો એ નવ કલમોમાં જેમ કહે છે એ જ પ્રમાણે અમારી ભાવના છે, ઈચ્છા છે, બધું છે અભિપ્રાયથીય છે.

દાદાશ્રી: એ બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષ થઈ ગયેલાને એ બધા ઢીલા થઈ જાય બોલવાથી. અને આ તો પછી એનું ફળ તો આવે જ. બળેલી દોરી જેવા થઈ જાય, તે આમ હાથ કરીએ ને, એટલે એ પડી જાય.

Reference: Book Name: પ્રતિક્રમણ (ગ્રંથ) (Page #109 and Page #110)

Related Questions
  1. પૈસાનો સિદ્ધાંત શું છે? અનીતિના પૈસા વાપરવાનું પરિણામ શું આવે? અને તમે પ્રામાણિકતાથી કેવી રીતે વધારે પૈસા કમાઈ શકો?
  2. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
  3. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
  4. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
  5. પ્યોરિટી અને મુકિત - આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?
  6. શુદ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાના પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?
  7. કેવી રીતે ચિત્તશુદ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
  8. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
  9. શુદ્ધતાથી મળેલી લક્ષ્મીની નિશાની શું છે? અશુદ્ધ અને ભ્રષ્ટાચારથી મેળવેલા પૈસાના પરિણામ શું આવે છે?
  10. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
  11. પ્યોરિટીમાંથી ઉદ્ભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો કયા કયા છે?
  12. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?
  13. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
×
Share on