Related Questions

કાયમ પોઝિટિવ કેમ નથી રહેવાતું? નેગેટિવ કેમ થાય છે?

આજકાલ જીવન એટલું ઝડપી થઈ ગયું છે કે જ્યાં જોઈએ ત્યાં કામનું ટેન્શન, સ્ટ્રેસ, ચિંતા અને ઉપાધિમાં માણસો તરફડે છે. મોટાભાગના લોકો માનસિક અશાંતિ અનુભવે છે. સહેજ પણ મનની શાંતિ મળે, અંદર ઠંડક હોય તો મનુષ્યને સવળું સૂઝે, પણ આ બફારામાં સૌથી પહેલું અવળું અને નેગેટિવ જ વધારે સૂઝે છે. તેથી કાયમ પોઝિટિવ નથી રહેવાતું. બીજા અનેક કારણો, જેનાથી નેગેટિવ થાય છે તે નીચે મુજબ છે:

વિપરીત બુદ્ધિ

નેગેટિવિટીનું સૌથી મોટું કારણ છે વિપરીત બુદ્ધિ અને પોઝિટિવિટીનું કારણ છે સમ્યક્ બુદ્ધિ. વિપરીત બુદ્ધિને શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં વ્યભિચારિણી બુદ્ધિ કહ્યું છે અને સમ્યક્ બુદ્ધિને અવ્યભિચારિણી બુદ્ધિ કહ્યું છે. સો પોઝિટિવમાંથી એક નેગેટિવ શોધીને દુઃખી થાય અને પરિસ્થિતિને કોસ્યા કરે, એ વિપરીત બુદ્ધિ. વિપરીત બુદ્ધિવાળો પોતે તો દુઃખી થાય જ અને બધાને પણ દુઃખી કરી નાખે. જ્યારે સમ્યક્ બુદ્ધિ સો નેગેટિવમાંથી પણ એક પોઝિટિવ શોધી, દુઃખમાંથી સુખનું શોધન કરે.

ઘણોખરો સમય વિપરીત બુદ્ધિ આપણને ઊંધું કરવાનું બતાવે, અવળામાં ઊંડા ખૂંપાવી નાખે. જ્યારે સમ્યક્ બુદ્ધિ અવળા રસ્તે જતા હોઈએ ત્યાંથી આપણને સવળે ચડાવે. સમ્યક્ બુદ્ધિ અને વિપરીત બુદ્ધિ વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરતો હોય છે. પણ કળિયુગમાં મોટે ભાગે વિપરીત બુદ્ધિ હોય છે, એટલે એ ચડી બેસે છે. પરિણામે કાયમ પોઝિટિવ નથી રહી શકાતું. જ્યાં હૃદય વપરાય ત્યાં પોઝિટિવ થવાય અને બુદ્ધિ વપરાય ત્યાં નેગેટિવ. કારણ કે બુદ્ધિ હંમેશા “મારો સ્વાર્થ”, “મને ફાયદો”, “મને શેમાં સુખ મળશે?” એ જ દેખાડ દેખાડ કરે.

અભિપ્રાય

મોટે ભાગે આપણને આપણી નજીકની વ્યક્તિઓના નેગેટિવ વધુ દેખાય છે. કારણ કે, રાત-દિવસ જોડે રહેતાં હોઈએ એટલે ક્યાંક ને ક્યાંક અથડામણ થઈ હોય, એડજસ્ટમેન્ટ ના લેવાયા હોય અને સામસામે એકબીજાને દુઃખ થયું હોય. પરિણામે વ્યક્તિ માટે નેગેટિવ અભિપ્રાય બંધાઈ જાય કે, “આ આવા જ છે”, “કાયમ આવું જ કરે છે” વગેરે.

વ્યક્તિઓ માટે પોઝિટિવ અને નેગેટિવ બેઉ પ્રકારના અભિપ્રાય હોઈ શકે. પણ મોટે ભાગે વ્યક્તિઓના નેગેટિવ અભિપ્રાય વધુ હોય છે એટલે નજીકની વ્યક્તિઓનું બહુ ઓછું પોઝિટિવ બોલાય છે, જ્યારે નેગેટિવ વધારે બોલાય છે. વ્યક્તિ માટે જેટલા નેગેટિવ અભિપ્રાયો હોય એટલા આપણને દ્વેષ, દુઃખ અને ભોગવટા રહે અને સામાને પણ એના નેગેટિવ સ્પંદનો પહોંચે.

દોષિત દૃષ્ટિ

આપણે આપણા વ્યૂ પોઈન્ટના આધારે વ્યક્તિઓને દોષિત જોઈએ છીએ. જેમ કે, “આ આવું કરે છે. એણે આવું ના કરવું જોઈએ.” એટલે આપણને તે વ્યક્તિ માટે નેગેટિવ થાય છે.

દોષિત જોવા પાછળ આપણી અણસમજણ કામ કરે છે. કોઈ આપણને “બોલવાનું બંધ રાખો” કહીને બોલતાં અટકાવે તો આપણને તરત ગુસ્સો આવી જાય, એ વ્યક્તિ દોષિત જોવાય અને ઝઘડો પણ થઈ જાય. પણ ધારો કે, આપણે રેકોર્ડિંગ કરતાં હોઈએ ત્યારે માઈકની બેટરી ઊતરી જાય અને આપણું બોલવાનું બંધ થઈ જાય તો? ત્યારે કોઈના દોષ કે નેગેટિવ નથી જોવાતા, કે ગુસ્સો પણ નથી આવતો. અવળા સંજોગો ભેગા થાય પછી એ કોઈ વ્યક્તિના નિમિત્તે હોય કે પરિસ્થિતિના નિમિત્તે, ત્યાં પોઝિટિવ દૃષ્ટિ રહે તો દોષિત ના દેખાય.

ઊંધી સમજણથી નેગેટિવ થાય છે, જ્યારે સાચી સમજણથી પોઝિટિવ તરફ જવાય છે. એટલે આપણી દૃષ્ટિ જો બદલી નાખીએ તો નેગેટિવ સંજોગોમાં પણ પોઝિટિવ રહી શકાય છે.

કષાય

નેગેટિવ થવા પાછળનું સૌથી મોટું કારણ છે કષાય. એટલે કે, આપણા જ ક્રોધ, માન, માયા અને લોભ. કોઈક આપણું સહેજ અપમાન કરે, જેમ કે બધાની વચ્ચે ઉતારી પાડે કે અવગણના કરે, તો આપણો માન કષાય આપણને એ વ્યક્તિ માટે નેગેટિવ કરાવે છે. કોઈ જરાક અહંકારને છંછેડે તો નેગેટિવ થયા વગર રહે જ નહીં.

તેવી જ રીતે, આપણો મોહ ના પોષાય કે અપેક્ષા પૂરી ના થાય; જેમ કે આપણને કોઈ વસ્તુ જોઈતી હોય અને તે ના મળે તો નેગેટિવ થઈ જાય છે. પોતાના સુખમાં સહેજ પણ ઘસરકો લાગે ત્યારે નેગેટિવ થાય છે.

આપણી જ સ્વાર્થ બુદ્ધિ, લાલચ, ધાર્યું કરવું, માનની ભૂખ, આપણો જ મોહ આપણને છેવટે નેગેટિવ તરફ લઈ જાય છે.

લોકસંજ્ઞા

નેગેટિવ દૃષ્ટિ આપણી અંદર પેસવાની શરૂઆત નાનપણથી જ બીજાને જોઈ જોઈને થાય છે. દાખલા તરીકે, છોકરો નાનપણમાં ભાઈબંધોમાં માર ખાઈને રડતો રડતો આવે તો એની મા એને કહે, “કેવો છે? મારી ખાઈને આવ્યો. સામે બે-ચાર ઠોકીને ના અવાય?” આમ નાનપણમાં મળેલું જ્ઞાન પછી છોકરો મોટો થાય ત્યારે વર્તનમાં આવે છે. પણ તેને બદલે જો નાનપણમાં જ બાળકને પોઝિટિવ દૃષ્ટિ પેઠી હોય તો મોટા થયા પછી તેનામાં પોઝિટિવ વર્તન આવીને ઊભું રહે.

અહંકાર

નેગેટિવ દૃષ્ટિના મૂળમાં મુખ્યત્વે નેગેટિવ અહંકાર રહેલો છે. અહંકાર પોષાય તો પોઝિટિવ થાય અને અહંકાર દુભાય તો નેગેટિવ થઈ જાય. પોતાની ધારણા પ્રમાણે કામ થાય તો અહંકાર છકીને ફરતો હોય કે “આપણે તો આમ કામ પતાવી નાખીએ!” અને ધાર્યાથી વિરુદ્ધ થાય તો હતાશ અને નેગેટિવ થઈ જાય.

અહંકાર સતત “હું કઈ રીતે બીજાથી વધારે સારો, વધારે ચડિયાતો દેખાઉં, સામો કઈ રીતે મારાથી ખરાબ છે.” એમ પુરવાર કરવાની પેરવીમાં જ હોય અને તેના માટે બુદ્ધિની સરખામણીઓ સતત ચાલ્યા જ કરતી હોય છે. અહંકાર બીજાને નીચા પાડે, બીજાને ખરાબ કહે તો જ પોતે સારો છે એમ પુરવાર થાય. તેથી મૂળ અહંકારમાંથી જ નેગેટિવિટીનો જન્મ થાય છે.

×
Share on