Related Questions

આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આપણી દ્રષ્ટિ નકારાત્મક (નેગેટિવ) સંજોગો સાથે વ્યવહાર કરવા માટે કેવી રીતે વિસ્તૃત (વિશાળ) થાય છે? અને તેની હકારાત્મક બાજુ જુએ છે?

સંજોગ સુધારીને મોકલો

દાદાશ્રી: કેમ છે તમારાં બાની તબિયત?

પ્રશ્નકર્તા: આમ તો સારું છે પણ કાલે જરા બાથરૂમમાં પડી ગયા, ઘૈડપણ ખરું ને!

દાદાશ્રી: સંયોગોનો નિયમ એવો છે, કે નબળા સંયોગ આવે એટલે બીજા નબળા સંયોગ દોડતા આવે અને જો સબળો સંજોગ ભેગો થાય તો બીજા સબળા સંજોગ ભેગા દોડતા આવે. આ ઘૈડપણ એ નબળો સંયોગ છે તેથી તેમને બીજા નબળા સંયોગ ભેગા થાય; જરાક ધક્કો વાગે તો ય પડી જવાય, હાડકાં તૂટી જાય. નબળા પાછળ નબળા સંયોગ આવે. આ તો જયાંથી ત્યાંથી ઉકેલ લાવવાનો છે! દુનિયાના માણસો કેવા હોય? જે દબાયેલો ભેગો થાય તેને ટૈડકાવ ટૈડકાવ કરે. ભગવાને કહ્યું કે અલ્યા, તું જેટલા બીજાના સંયોગ બગાડે છે તે તું તારા પોતાના જ બગાડે છે, તે તને જ એવા સંયોગ ભેગા થશે.

સંયોગો એ તો ફાઇલ છે અને એનો સમભાવે નિકાલ કરવાનો છે. આ તો અનંત અવતારથી સંયોગો ને તરછોડ માર માર કરેલા તેથી અત્યારે આ કાળમાં લોકોને જયાં ત્યાં તરછોડ મળે એવા જ સંયોગ ભેગા થાય છે! સંયોગો તો વ્યવસ્થિતના હિસાબી પરમાણુથી જ ભેગા થાય. કડવા લાગે તેવા સંયોગોને લોક કાઢ કાઢ કરે ને તેને ગાળો આપે. સંયોગ શું કહે છે કે, 'અમને વ્યવસ્થિતે મોકલ્યા છે. તું અમને ગાળો દે છે પણ પછી તને વ્યવસ્થિત પકડશે.' અને જયારે મીઠો સંયોગ આવે છે ત્યારે લોક 'આવ બા! આવ બા!' એમ કરે. આ કેવું છે કે જો તું સંયોગો સાથે રહીશ તો સંયોગો તો વિનાશી છે, તે તું પણ વિનાશી થઇ જઇશ અને સંયોગોથી છૂટો 'સ્વ'માં રહીશ તો તું અવિનાશી જ રહીશ.

આ તો કેવું છે કે, કડવા સંયોગને 'ના' કહીએ તો ય એ આવે ને મીઠાને 'આવ, આવ' કહીએ તો ય એ ચાલ્યા જાય! આમ કરી કરીને તો અનંત અવતાર બગાડયા, કુધ્યાન કર્યા. મોક્ષ જોઇતો હોય તો 'શુકલધ્યાન'માં રહેજે અને સંસાર જોઇતો હોય તો 'ધર્મધ્યાન' રાખજે, કે કેમ કરીને બધાંનું ભલું કરું. 'ધર્મધ્યાન' તો, ક્યારેક કોઇ માણસ અવળું બોલે તો એને પોતે માને કે મારો હિસાબ કંઇ બાકી હશે, એથી આવો કડવો સંયોગ મળ્યો! ને તે પછી તે કડવા સંયોગને મીઠો કરે, સંયોગ સીધો કરે. કોઇ માણસ લઢતો આવે કે, 'તમે મને ૨૫ રૂ. ઓછા આપ્યા, તો તેને ૨૫ વત્તા ૫ બીજા આપીને રાજી કરીને જે તે રસ્તે એ સંયોગ સુધારીને મોકલવો. સંયોગને અજવાળીને મોકલે તો આવતે ભવે સવળા સંયોગ મળે. જયાં જયાં ગૂંચો પડી છે ત્યાં ત્યાં તે સંયોગ ગૂંચોવાળો આવે, એ જ નડે છે. માટે અવળા સંયોગને અવળા ના જોઇશ, પણ એને સવળા અને મીઠા કરીને મોકલ કે જેથી તે આવતે ભવે ગૂંચ વગરના સંયોગ મળે.

આ લોકોએ કહ્યું કે, 'તમે શાન્તાબહેન, આના વેવાણ, આની મા' અને બધું તમે માની લીધું અને પાછાં તેવા થઇ ગયાં! માણસ બહુ વિચાર કરતો હોય તો ય પોતાનું નામ ભૂલી જાય તેવું છે, તેમ આ સંયોગોથી ઘેરાયો ને 'પોતાને' ભૂલી ગયો; આનું નામ સંસાર! આમાં અજ્ઞાનતાનું જ એગ્રીમેન્ટ અને અજ્ઞાનતાની જ પુષ્ટિ કરી!

તે કહે કે, 'આનો જમાઇ ને આનો સસરો!' અલ્યા, તું જમાઇ શાનો? તો કહે કે, 'મે શાદી કરી ને!' આ તો માર ખાઇને ભોગવે તે શાદી. એવું છે, આ શાદી એ તો એક ભવ માટેનું એગ્રીમેન્ટ, પણ આને તો કાયમનું માની બેઠો! અને ઉપરથી ઇનામમાં એક જ ભવમાં પાર વગરના માર ખાવાના! આ તો ભગવાન પોતાનું ભાન ભૂલ્યા તેનાથી સંસાર ઊભો થઇ ગયો!

'આ સંયોગો સારા અને આ ખરાબ' તેથી સંસાર ઊભો છે, પણ જો 'આ બધા જ સંયોગો દુઃખદાયી છે' એમ કહ્યું તો પછી થઇ ગયો મોક્ષમાર્ગી! આ જ વીતરાગ ભગવાનનું સાયન્સ છે, ભગવાન મહાવીર કેવા સાયન્ટિસ્ટ હતા! વીતરાગો તો જાણતા હતા કે જગત માત્ર સંયોગોથી ઊભું થયું છે! લોકોએ સંયોગોને ફાવતા અને ના ફાવતા કર્યા અને એની ઉપર રાગદ્વેષ કર્યા, જયારે ભગવાને તો બંનેને ય ના ફાવતા કર્યા ને તે છૂટયા!

'એગો મે શાષઓ અપ્પા, નાણ દંશ્શણ સંજ્જૂઓ.' હું એક શાશ્વત આત્મા છું, જ્ઞાનદર્શનવાળો એવો શાશ્વત શુદ્ધાત્મા છું, હું સનાતન છું, સત્ એકલો જ છું.

'શેષા મે બાહિરાભાવા, સવ્વે સંજોગ લખ્ખણા,' આ શેષ રહ્યા તે બધા બહારના ભાવો છે. એ ભાવોનાં લક્ષણ શાં છે? એ સંયોગ લક્ષણવાળા છે. 'બાહિરાભાવા' કયા? સંયોગ લક્ષણ, એટલે કે, આડો વિચાર એ સંયોગ, પૈણવાના વિચાર આવે એ સંયોગ, રાંડવાનો વિચાર એ સંયોગ. એ બધા બાહિરાભાવ કહેવાય અને એ બધા સંયોગ લક્ષણવાળા છે. આ બધાના લક્ષણો સંયોગ સ્વરૂપે છે. જેનો વિયોગ થવાનો એ બધા સંયોગ, તે ભૂલથી બોલાવેલા તે આવેલા.

'સંજોગમૂલા જીવેણ પત્તા દુખમ્ પરંપરા, તમ્હા સંજોગ સંબંધમ્, સવ્વમ્ તીવીહેણ વોસરિયામી.'

તે બધા સંયોગ જીવનાં દુઃખોની પરંપરાના મૂળમાં છે. તે બધા સંયોગો 'દાદા ભગવાન'ને - વીતરાગને વોસરાવું છું : એટલે કે સમર્પણ કરું છુ, અને એટલે આપણે એના માલિક નહી. આ સંયોગો કેટલા બધા છે? અનંતા છે. એ અનંતા સંયોગોને એક પછી એક કયારે છોડી રહીએ? એના કરતાં એ બધા જ સંયોગોને 'દાદા'ને વોસરાવી દીધા એટલે આપણે છૂટયા!

આત્માની અનંત શક્તિ છે, એ એટલી બધી છે કે એક કલાકમાં જ કરોડ સંયોગો કમાઇ જાય તેમ એક જ કલાકમાં કરોડો સંયોગો કાઢી શકે! પણ કાઢવાનો અધિકાર કોને? 'જ્ઞાની પુરુષ'ને!

સંયોગો અને સંયોગી એમ બે જ છે. જેટલા પ્રમાણમાં સંયોગી સીધો એટલા પ્રમાણમાં સંયોગ સીધા અને જો સંયોગ વાંકો આવ્યો તો આપણે તરત જ સમજી લેવાનું કે, આપણે વાંકા હતા તેથી એ વાંકો આવ્યો. સંયોગોને સીધા કરવાની જરૂર નથી પણ આપણે સીધા થવાની જરૂર છે. સંયોગો તો અનંત છે, તે કયારે સીધા થાય? જગતના લોકો સંયોગોને સીધા કરવા જાય છે, પણ પોતે સીધો થાય એટલે સંયોગ એની મેળે સીધા થવાના, પોતે સીધા થયા છતાં થોડો વખત સંયોગ વાંકા દેખાય, પણ પછી એ સીધા જ આવવાના. કોઇ ઉપરી છે નહીં, ત્યાં સંયોગ કેમ વાંકો આવે? આ તો પોતે વાંકો થયેલો તેથી સંયોગ વાંકા આવે છે. આ મરડો થાય ત્યારે કંઇ એના તરતનાં જ બીજ હોય? ના, એ તો બાર વર્ષ પહેલાં બીજ પડેલાં હોય તેનો અત્યારે મરડો થાય ને મરડો થયો એટલે બાર વર્ષની ભૂલ તો ભાંગે ને? પછી ફરી ભૂલ ના કરી એટલે પછી ફરી મરડો ના થાય. આ ગાડીમાં ચઢયા પછી ભીડવાળી જગ્યા મળે, કારણ કે પોતે જ ભીડવાળો છે. પોતે જો ભીડ વગરનો થયો હોય તો જગ્યા પણ ભીડ વગરની મળે. પોતાની ભૂલો જ ઉપરી છે, એ આપણને સમજાઇ ગયું પછી છે કશો ભો? આ અમને દેખીને કોઇ પણ ખુશ થઇ જાય છે. અમે જ ખુશ થઇ જઇએ એથી એની મેળે સામેવાળો ખુશ થઇ જાય. આ તો સામેવાળો અમને દેખીને ખુશ તો શું, પણ આફ્રીન થઇ જાય. આપણો જ ફોટો છે સામાવાળો!

Related Questions
 1. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
 2. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
 3. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આપણી દ્રષ્ટિ નકારાત્મક (નેગેટિવ) સંજોગો સાથે વ્યવહાર કરવા માટે કેવી રીતે વિસ્તૃત (વિશાળ) થાય છે? અને તેની હકારાત્મક બાજુ જુએ છે?
 4. શા માટે મારી સાથે ખોટું થાય છે? હકારાત્મક (પોઝિટિવ) ઊર્જા અને નકારાત્મક (નેગેટિવ) ઊર્જા કેવી રીતે કામ કરે છે?
 5. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
 6. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
 7. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
 8. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
 9. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
 10. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
 11. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
 12. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
×
Share on