Related Questions

યુગને આધીન માણસ છે કે માણસને આધીન યુગ છે? અને શું વર્તમાનમાં રહેવા માટે ભૂત અને ભવિષ્યને ભૂલી જવાનું?

વર્તમાનમાં વર્તે, જ્ઞાની!

પ્રશ્નકર્તા: યુગની વ્યાખ્યામાં આ પહેલાં કળિયુગ આવેલો?

દાદાશ્રી: દરેક કાળચક્રમાં કળિયુગ હોય જ. કળિયુગ એટલે શું કે આ દિવસ પછી રાત આવે છે ને? એવું આ કળિયુગ. કળિયુગ છે તો સતયુગને સતયુગ કહેવાય. જો કળિયુગ ના હોય તો સતયુગની કિંમત જ ના હોત ને?

પ્રશ્નકર્તા: યુગને આધીન માણસ છે કે માણસને આધીન યુગ છે?

દાદાશ્રી: એવું છે ને, અત્યારે માણસ તો સમયને આધીન છે. પણ મૂળ જે સમય થયો છે તે 'આપણા'થી જ ઉત્પન્ન થયો છે. તમે જ રાજા છો ને રાજાની પાછળ ઊભું થયેલું આ બધું છે.

પ્રશ્નકર્તા: સમય એ જ ભગવાન છે ને સમય એ જ પરમેશ્વર છે?

દાદાશ્રી: સમય એ પરમેશ્વર હોય નહીં. નહીં તો લોક 'સમય, સમય' કર્યા કરે. પરમેશ્વર તો તમે પોતે જ છો, એને ઓળખવાની જરૂર છે. કાળ તો વચ્ચે નિમિત્ત છે માત્ર.

અમારામાં ને તમારામાં ફેર કેટલો? અમે કાળને વશ કર્યો છે. લોકોને તો કાળ ખાઈ જાય. તમારે કાળને વશ કરવાનો બાકી છે. કાળ વશ કેવી રીતે થાય? ભૂતકાળ વિસારે પડી ગયો. ભવિષ્ય કાળ 'વ્યવસ્થિત'ના હાથમાં છે, માટે વર્તમાનમાં રહો. એટલે કાળ વશ થાય. આપણું 'અક્રમ'નું સામાયિક કરતા કરતા વર્તમાન કાળને પકડતા આવડે. એમ સીધેસીધું ના આવે. તમે કલાક સામાયિકમાં બેસો છો, ત્યારે વર્તમાનમાં જ રહો છો ને!

વર્તમાનમાં રહેવું એટલે શું? અત્યારે ચોપડા લખતા હો તો બિલકુલ 'એક્ઝેક્ટ' એમાં જ રહો છો ને? તે વખતે ભવિષ્યમાં જાય તો ચોપડામાં ભૂલ થાય. વર્તમાનમાં જ રહે તો એક પણ ભૂલ ના થાય એવું છે. પ્રાપ્ત વર્તમાનને ભોગવો એમ હું કહું છું. ભૂતકાળ તો વહી ગયો. ભૂતકાળને તો આ બુદ્ધિશાળીઓય ના ઉથામે. અને ભવિષ્યનો વિચાર કરે એ અગ્રશોચ છે. માટે વર્તમાનમાં રહો. વર્તમાનમાં સત્સંગ થાય છે તો તે એકાગ્ર ચિત્તથી સાંભળવું. ચોપડા લખતા હો તો તે એકાગ્ર ચિત્તથી લખો અને ગાળો ભાંડતા હો તો તે પણ એકાગ્ર ચિત્તથી ગાળો ભાંડો! વર્તમાનમાં વર્તે સદા એ જ્ઞાની. લોક ભવિષ્યની ચિંતાને લઈને અને ભૂતકાળને લઈને વર્તમાન ભોગવી શકતા નથી, ને ચોપડામાંય ભૂલ કરે છે. 'જ્ઞાની પુરુષ' વર્તમાન ના બગાડે.

પ્રશ્નકર્તા: ભૂત અને ભવિષ્યને ભૂલી જવાનું?

દાદાશ્રી: ના, ભૂલી જવાનું નહીં, વર્તમાનમાં જ રહેવાનું. ભૂલવું એ તો બોજો કહેવાય. ભૂલ્યું ભૂલાય નહીં ને જે ભૂલવા જઈએ તે વધારે યાદ આવે. એક જણ મને કહેતો હતો કે, 'હું સામાયિક કરવા બેસું છું ત્યારે વિચાર કરું છું કે 'દુકાન આજે યાદ ના આવે.' તે દહાડે સામાયિકમાં પહેલો જ ધબડકો દુકાનનો પડે છે! આમ શાથી થાય છે? કારણ કે, દુકાનનો તિરસ્કાર કર્યો ને કે દુકાન યાદ ના આવે! આપણે તો કોઈનો તિરસ્કાર કરવાનો નહીં. વર્તમાનમાં રહેવું એ એક જ વાત છે. ભૂતકાળ ને ભવિષ્યકાળ જોડે આપણે લેવાય નથી ને દેવાય નથી. વર્તમાનમાં જ રહે એનું નામ અમરપદ. અમે વર્તમાનમાં એવા ને એવા જ રહીએ છીએ. રાત્રે ઉઠાડો તોય એવા ને દહાડો ઉઠાડો તોય એવા. જ્યારે જોઈએ ત્યારે એવા ને એવા જ હોઈએ.

×
Share on