Related Questions

દુનિયામાં સાચા લોકો દુઃખી અને ખોટું કામ કરનારા મોજમાં કેમ?

આપણે પોતાના જીવનમાં કે આસપાસ બનાવો બનતા જોઈએ છીએ કે બે ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણીમાં એક ભાઈ બધું પચાવી જાય અને બીજાને ઓછું મળે. પછી બીજો ભાઈ ન્યાય ખોળે, છેવટે કોર્ટનો આશરો લે અને સુપ્રીમ કોર્ટ સુધી ઝઘડે. ન્યાય તો ન મળે, પણ બંને ભાઈઓ દુઃખી દુઃખી થતા જાય. એવું પણ જોવા મળે કે નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે, જ્યારે ગુનેગાર વ્યક્તિ મોજ કરે છે. ત્યારે આપણને મનમાં થાય કે આમાં ન્યાય શું રહ્યો? ભગવાનની ન્યાયની ભાષા શું છે? જ્યાં નીતિ કરવાવાળા માણસો દુઃખી થાય, અનીતિ કરવાવાળા બંગલા બાંધીને ગાડીમાં ફરે, ત્યાં જગત આપણને સતત અન્યાય સ્વરૂપ જ લાગે છે.

ન્યાય અને અન્યાય

પણ વાસ્તવિકતામાં કુદરતનો ન્યાય તદ્દન ચોક્કસ છે. એક ક્ષણ પણ કુદરત અન્યાય કરતી નથી. દુનિયાની કોર્ટમાં નિર્દોષ સાથે અન્યાય અને દોષિત સાથે ન્યાય થતો દેખાય, પણ કુદરતની કોર્ટમાં ક્યારેય અન્યાય થતો નથી. 

કુદરતનો ન્યાય અનોખો

કુદરતનો ન્યાય કઈ રીતે કામ કરે છે? જો એક ચોખ્ખો માણસ હોય અને આજે એ ચોરી કરવા જાય અથવા કોઈ પણ ખોટું કામ કરવા જાય, તો કુદરત શરૂઆતમાં જ તેને પકડાવી દેશે. જ્યારે બીજો મેલો માણસ હોય અને ચોરી કરે તો કુદરત તેને પહેલા દિવસે મદદ કરીને પ્રોત્સાહિત કરશે. કારણ કે કુદરતનો હિસાબ એવો હોય છે કે જે ચોખ્ખો માણસ છે તેને ચોખ્ખો રાખવો છે, એટલે એ ખોટું કરવા જાય ત્યાં જ એને દંડ અપાવી દે અને એને મદદ નહીં કરે. પણ બીજાને મદદ કર્યા જ કરશે. પછી આગળ જતાં ખોટું કરનારને એવો મોટો માર મારશે કે એ ક્યારેય ફરી ઊંચો નહીં આવે. બહુ અધોગતિમાં જશે..

કુદરતનો ન્યાય

માટે, આપણે જ્યારે જોઈએ કે દુનિયામાં ગોટાળા કરનારા મજા કરે છે, અપ્રમાણિકતા ને ભ્રષ્ટાચાર કરનારા લોકો સુખી છે, બંગલામાં રહે છે, મોંઘી ગાડીઓમાં ફરે છે તો સમજવું કે તેઓ અધોગતિમાં જવાની તૈયારી કરે છે. અત્યારે ખોટા કામમાં કુદરતની સહાયથી પાપનું એટલું મોટું પોટલું બાંધે છે કે જ્યારે મોટો દંડ આવશે, ત્યારે અધોગતિમાં જશે. પછી ત્યાં બહુ દુઃખ ભોગવીને પાછો ફરશે. તેમ છતાં, આપણે ખોટું કરનાર પ્રત્યે દ્વેષભાવ ન રાખવો. એના બદલે તેમના માટે પ્રાર્થના કરવી કે સૌને સદ્‌બુદ્ધિ આવે અને તેઓ સવળે માર્ગે ચડે.

નીતિ અને પ્રમાણિકતાવાળા દુઃખી દેખાય, કારણ કે જેને ઊંચી ગતિમાં જવાનું છે, એ થોડુંક ખોટું કરશે તોય પકડાઈ જશે. પછી આખી જિંદગીમાં ક્યારેય ખોટું કામ કરવાની હિંમત નહીં કરે. એ કુદરતનો ન્યાય જ છે. કુદરતને સહેજ પણ અન્યાયી સમજીએ, એટલે આપણું ગૂંચાવાનું સ્થાન નક્કી થઈ ગયું.

આપણને દેખાય કે સાચા લોકો દુઃખી રહે છે. પણ ઘણી વખત સાચા કે સારા કામ કરનારા લોકોમાં અહંકાર મોટો હોય છે. પુણ્યના હિસાબે કામ સફળ થાય, એટલે અહંકાર વધે. એમાં પોતે ગર્વ લે કે “હું હોશિયાર છું, મારા લીધે કામ સફળ થયું.” પછી બીજા લોકો પ્રત્યે તિરસ્કાર થાય કે તેઓ અનફિટ છે, એમને કશું આવડતું નથી. કુદરતનો ખોરાક અહંકાર છે. જેટલો અહંકાર વધુ, એટલો મોટો કુદરતનો માર પડે. કોઈપણ નિમિત્ત કે સંજોગો દ્વારા માર પડે તેમાં તે અહંકારનું રક્ષણ કરે અને સંજોગોને ગુનેગાર જુએ. પરિણામે દુઃખ, ભોગવટા, બળતરા વધ્યાં જ કરે..

કુદરતનો ન્યાય

આપણે લૌકિક દૃષ્ટિએ એમ માનીએ કે સારા લોકો દુઃખી થાય છે. પણ પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને વાસ્તવિકતા સમજાવે છે કે, “જેનો વધારે દોષ તે જ આ જગતમાં માર ખાય છે.” માટે કોણ વધુ માર ખાય છે તે જોઈ લેવું, તેની ભૂલ. ધારો કે, ઘરમાં દસ માણસો હોય, તેમાં બે જણને ઘર કેમ ચાલતું હશે તેનો વિચાર સરખોય નથી આવતો; બે જણને ઘરમાં મદદ કરીએ તેવો વિચાર આવે છે; બે-ત્રણ જણા મદદ કરે છે; અને એક જણ તો આખો દિવસ ઘર શી રીતે ચલાવવું તેની જ ચિંતામાં રહે છે; જ્યારે બીજા બે જણ આરામથી ઊંઘે છે. તે ભૂલ કોની? જે ભોગવે એની જ, વધુ ચિંતા કરે એની જ.

બીજો દાખલો લઈએ, તો નોકરના હાથે દસ પ્યાલા ફૂટી ગયા કે મોટું નુકસાન ગયું, તો એની અસર ઘરમાં કોના ઉપર સૌથી વધારે પડે? ઘરમાં નાના બાળકો હોય, તેમને તો કંઈ ભોગવવાનું હોય નહીં. પપ્પા-મમ્મી અકળાયા કરે. એમાં મમ્મી તો થોડીવાર પછી નિરાંતે ઊંઘી જાય, પણ પપ્પા ગણતરી કર્યા કરે કે, દસ પ્યાલાના આટલા રૂપિયા થયા! કારણ કે જે સંસારમાં વધુ જાગૃત છે, વધારે બુદ્ધિ વાપરે છે, એને વધારે ભોગવવાનું આવે.

સાચી સમજણે સમાધાન

આપણી બુદ્ધિથી આપણે ન્યાય અને અન્યાય તોળીએ છીએ. પણ જે બની રહ્યું છે તેને ન્યાય માનવું, એ સાચી સમજણ છે. એવી કેટલીક સમજણ અહીં આપેલ છે.

જેમ ટપાલી એક વ્યક્તિની ટપાલ એના સરનામે પહોંચાડે અને ટપાલમાં મૃત્યુના સમાચાર હોય તો તેમાં ટપાલીનો દોષ નથી. એવામાં કોઈ ટપાલી સાથે ઝઘડી પડે તો એ ન્યાય કહેવાય? તેવી જ રીતે, કર્મનું ફળ આપનાર નિમિત્ત માત્ર છે, એ દોષિત નથી. પોતાને જે કંઈ ભોગવવાનું આવે છે તે પોતાના જ કર્મના હિસાબે છે. આ સાચી સમજણનું ફળ સમાધાન છે અને સમાધાનનું ફળ સમાધિ રહે છે. જ્યારે ઊંધી સમજણનું ફળ અસમાધાન છે અને તેનું ફળ અસમાધિ, ચિંતા અને દુઃખ રહે છે.

કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી ઉધાર પૈસા લે અને ન ચૂકવે ત્યારે પણ સમ્યક્ સમજણથી શાંતિ રહી શકે છે. જ્યારે એક વ્યક્તિ બીજા પાસેથી પૈસા ઉધાર લે છે, ત્યારે હકીકતમાં પોતાનો અહંકાર ગીરવે મૂકે છે. વ્યક્તિ તેની પાસે આવીને પૈસા માંગે કે વિનંતી કરે અને બીજી વ્યક્તિ એને પૈસા આપે, ત્યારે બાહ્ય દૃષ્ટિએ પૈસા આપ્યા એવું દેખાય છે. પણ વ્યક્તિએ પોતાનો અહંકાર ધીર્યો એ દેખાતું નથી. પછી જ્યારે વ્યક્તિ પૈસા ચૂકવે છે, ત્યારે પોતાનો ગીરવે મૂકેલો અહંકાર પાછો લઈ જાય છે. પણ જો તે પૈસા પાછા ના આપે, તો એનો અહંકાર, એના વ્યક્તિત્વના ઐશ્વર્યનો એક ભાગ આપીને જાય છે. આપણને લાગે કે પૈસા નહીં આપે તો બીજાને ખોટ જશે, પણ એ એની શક્તિ તેને આપીને જાય છે, એટલે ખરેખર ખોટ જતી નથી. જમા-ઉધારની આ નવી રીત સમજીએ તો સૂક્ષ્મ લેણદેણનો હિસાબ સમજાય અને રાગ-દ્વેષ કે વેરઝેર મટી જાય.

એક વ્યક્તિ બેંકમાં લોન લેવા જાય તો બેંક તેને પૈસા ચૂકવે છે. બીજી વ્યક્તિ બેંકમાં પૈસા જમા કરાવવા જાય તો બેંક તેની પાસેથી પૈસા લે છે. બેંકની દૃષ્ટિએ બંને સરખા છે, કોઈ ગુનેગાર નથી. તેમ એક વ્યક્તિ ચોરી કરીને લઈ જાય છે અને બીજી વ્યક્તિ દાન આપે છે તે બંને કુદરતની બેંકમાં સમાન છે. એકે પૂર્વે ડિપોઝિટ કર્યું છે એ લેવા આવે છે, જ્યારે બીજાએ લોન લીધી છે એ ચૂકવે છે. હવે જેણે બેંકમાંથી લોન લીધી હોય, એની ઉઘરાણી માટે બેંક પૈસા પાછા માંગે, ને એ ઊલટું સામા ઝઘડે તો તે નવા ગુના બંધાય. એને બદલે દેવું ચૂકવી દે તો ગુનામાંથી મુક્ત થાય. આ જગતમાં આજે જે કંઈ બને છે, તે કર્મમાંથી છોડાવે છે, દેવામાંથી મુક્ત કરે છે, એમ માનીને સ્વીકારી લેવું જોઈએ. સાચી સમજણ હાજર થાય તો જીવનની દરેક પરિસ્થિતિને સ્વીકારી તેમાં ખુશ રહી શકાય..

કુદરતનો ન્યાય

કુદરતના ન્યાયાલયમાં સારું-ખરાબ, ન્યાય-અન્યાય હોતા જ નથી. ચોર ચોરી કરવામાં ધર્મ માને છે ને દાનેશ્વરી દાન આપવામાં ધર્મ માને છે. ચોરી એ ખરાબ અને દાન એ સારું એ લોકભાષા છે. વાસ્તવિકતામાં, કોઈ જીવને દુઃખ ના થાય એ જ મહાન્યાય છે! કોઈને દુઃખ આપ્યું હશે, તો દુઃખ આવશે અને સુખ આપ્યું હશે તો સુખ આવશે. માટે, આજે દુઃખી ન થવું હોય તો નવા દુઃખ આપવાના બંધ કરી દેવા જોઈએ. પણ મોટેભાગે લોકો સામાને ગુનેગાર જોઈને દાવો માંડે છે. પરિણામે નવા ગુના ઊભા કરે છે.

×
Share on