Related Questions

વારસાઈ મિલકત અને વસિયતનાં પ્રશ્નો કેવી રીતે ઉકેલવા?

એક ભાઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભાઈઓની જમીન છે, તે પેલા મોટા ભાઈની પાસે હાથમાં આવે. હવે મોટો ભાઈ છે તે પેલાને દબડાય દબડાય કરે, આપે નહીં. પચાસ-પચાસ વીઘા આપવાની હતી. અઢીસો વીઘા જમીન હતી. તે ચાર જણને પચાસ-પચાસ વીઘા આપવાની હતી. તે કોઈ પચ્ચીસ લઈ ગયો હોય, કોઈ પચાસ લઈ ગયો હોય, કોઈ ચાલીસ લઈ ગયો હોય અને કોઈને પાંચ જ આવી હોય.

હવે તે વખતે શું માનવાનું ? જગતનો ન્યાય શું કહે કે મોટો ભાઈ નાગો છે, જૂઠ્ઠો છે. કુદરતનો ન્યાય શું કહે છે, મોટો ભાઈ કરેક્ટ છે.  પચાસવાળાને પચાસ આપ્યા, વીસવાળાને વીસ આપી, ચાલીસવાળાને ચાલીસ ને આ પાંચવાળાને પાંચ જ આપી. બીજું, બીજા હિસાબમાં પતી ગયું, ગયા અવતારનાં. તમને મારી વાત સમજાય છે ?

એટલે જો ઝઘડો ના કરવો હોય તો કુદરતની રીતે ચાલવું, નહીં તો આ જગત તો ઝઘડો છે જ. અહીં ન્યાય હોઈ શકે નહીં. ન્યાય તો જોવા માટે છે કે મારામાં કંઈ પરિવર્તન, ફેરફાર થયો છે ? જો મને ન્યાયી મળતું હોય તો હું ન્યાયી છું એ વાત નક્કી થઈ ગઈ. ન્યાય તો એક આપણું થર્મોમીટર છે. બાકી, વ્યવહારમાં ન્યાય હોઈ શકે નહીં ને ! ન્યાયમાં આવે એટલે માણસ પૂર્ણ થઈ ગયો. ત્યાં સુધી આમનો પડેલો હોય, કાં તો એબોવ નોર્માલિટી હોય કે બીલો નોર્માલિટી હોય !

એટલે પેલો મોટો ભાઈ પેલાંને નથી આપતો, પાંચ જ વીઘા આપે છે, એને આપણાં લોકો ન્યાય કરવા જાય અને પેલા મોટા ભાઈને ખરાબ ઠરાવે. હવે એ બધોય ગુનો છે. તું ભ્રાંતિવાળો, તે મૂઆ ભ્રાંતિને પાછી સાચી માની. પણ છૂટકો જ નહીં અને સાચી માની છે એટલે પછી આ વ્યવહારને જ સાચો માન્યો છે. તે માર ખાય જ ને ! બાકી, કુદરતના ન્યાયમાં તો કોઈ ભૂલચૂક જ નથી.

હવે ત્યાં અમે કહીએ નહીં કે, 'તમારે આવું નહીં કરવાનું. આમને આટલું કરવાનું છે.' નહીં તો અમે વીતરાગ ના કહેવાઈએ. આ તો અમે જોયા કરીએ, પાછલો શું હિસાબ છે !

અમને કહે કે તમે ન્યાય કરો. ન્યાય કરવાનું કહે, તો અમે કહીએ કે ભાઈ, અમારો ન્યાય જુદી જાતનો હોય અને આ જગતનો ન્યાય જુદી જાતનો. અમારે કુદરતનો ન્યાય છે. વર્લ્ડનું રેગ્યુલેટર છે ને, તે એને રેગ્યુલેશનમાં જ રાખે છે. એક ક્ષણવાર અન્યાય થતો નથી. પણ લોકોને અન્યાય શી રીતે લાગે છે ? પછી પેલો ન્યાય ખોળે. કેમ તને બે ના આપ્યા ને પાંચ કહ્યા ? અલ્યા મૂઆ, જે આપે છે એ જ ન્યાય. કારણ કે પહેલાંના હિસાબ છે બધાં સામસામી. ગૂંચવાડો જ છે, હિસાબ છે. એટલે ન્યાય તો થર્મોમીટર છે. થર્મોમીટરથી જોઈ લેવાનું કે મેં પહેલાં ન્યાય કર્યો નથી, માટે મને અન્યાય થયો છે આ. માટે થર્મોમીટરનો દોષ નથી. તમને કેમ લાગે છે ? આ મારી વાત કંઈ હેલ્પ કરે ?

×
Share on
Copy