Related Questions

શું તમે તમારા વિચારોને કાબુ કરી શકો છો? શું તમે તમારા મનને કાબુ કરી શકો છો? તમે કેવી રીતે તમારા વિચારોને કાબુ કરી શકો?

mind and thoughts

કોણ ચંચળ, કોણ અચળ?

પ્રશ્નકર્તા: મનુષ્યનું મન ચંચળ કેમ હોય?

દાદાશ્રી: એનો સ્વભાવ જ ચંચળ છે. એ અચળ થાય એવું છે જ નહીં. મન મનોધર્મમાં રહેવું જ જોઈએ. નહીં તો સ્થિર થયું કે એ તો બ્લંટ (બુઠ્ઠું) થઈ જાય.

પ્રશ્નકર્તા: મન ચંચળ છે, એ સ્થિર થોડો વખત જ રહી શકે છે.

દાદાશ્રી: પણ મનની ચંચળતાને અચળતા કરવી એ ગુનો છે. મન ચંચળ છે, તો આત્મા અચળ છે. નહીં તો મનને અચળ કરશો તો આત્મા ચંચળ થશે. એવું છે, આ તો બધું બેલેન્સ (સમતોલન) છે. કાઉન્ટર વેઈટ છે બધાં. જો પાંચ શેરી આમ નાખશો તો આ બાજુ ત્રાજવું કંઈનું કંઈ ઊંચું જતું રહે.

પ્રશ્નકર્તા: મન આમ આંટા માર્યા કરે છે એટલે મારે ચંચળતા ઓછી કરવી છે.

દાદાશ્રી: પારકી પીડા શું કરવા કર્યા કરો છો? જુઓને, આવું જ જ્ઞાન વર્તે છે કે આ ચંચળ છે, તે અચળ કરો કહે છે હવે. આ તો મિકેનિકલ છે, શી રીતે અચળ થાય? અચળ કરવા જઈએ, પણ તે નાક બંધ કરીએ, દબાવી દઈએ તો અચળ થાય. પણ તે પછી શું કામનું? મરી જાય તો અચળ થાય. નાક દબાવી દઈએ ને કે ચૂપ! કાયમનો ચૂપ થઈ જાય. પણ એ તો કામનું નહીંને! લોકોને એ પસંદ ના પડે, કહેશે. એ તો મરી ગયા ઊલટાં!

પ્રશ્નકર્તા: માણસના મનમાં ચાલતા વિચારો પર કાબૂ લાવવા માટે શું કરવું?

દાદાશ્રી: શું કામ છે, કાબૂ લાવીને? પણ ફાયદો શો છે એમાં? ચાલતા વિચારો તો એવું છે ને, વિચાર જે આવે છે ને, એ વિચાર જુદા છે અને તમે જુદા છો. જે વિચાર તમને ગમે છે, તેમાં તમે તન્મયાકાર થાવ છો. અને ના ગમે તેમાં તમે તન્મયાકાર થાવ છો? કેમ નથી થતા?

પ્રશ્નકર્તા: રસ નથી પડતો એટલે.

દાદાશ્રી: તો પછી ગમતા વિચારોમાં તમે શું કરવા ભેગા થાવ છો તે?

પ્રશ્નકર્તા: પણ બધા જ મહાપુરુષો વિચારો ઉપર કાબૂ મેળવવા માટે કહે છે.

દાદાશ્રી: પણ મારું કહેવાનું કે તમને વિચાર ના ગમતા હોય તેમાં કાબૂ રહે છે કે નથી રહેતો?

પ્રશ્નકર્તા: મન ચંચળ છે એટલા માટે આ કહ્યું.

દાદાશ્રી: ચંચળ કયું નથી આમાં? એ મને કહે. તું બોલ બોલ કરું છું તેય ચંચળ. મન એકલું ચંચળ નહીં, આમાં કયો ભાગ ચંચળ નથી? તું જે આત્મા માનું છું તે આત્મા સચર છે. સચર એટલે ચંચળ છે અને જે દરઅસલ આત્મા છે, એ અચળ છે. એટલે સચરાચર જગત છે. સચરાચર શબ્દ સાંભળેલોને આપે?

તે અત્યારે આ ભ્રાંતિમાં જ રહે છે, તમે જે આત્મામાં મુકામ કર્યો છે, જેને આત્મા માનો છો, તે સચર આત્મા છે. અને ભ્રાંતિ જાય ત્યારે અચળ પ્રાપ્ત થાય પછી થઈ રહ્યું. એટલે આ બધું ચંચળ જ છે. એટલે મનને કશું કાબૂમાં રાખી શકેલા જ નહીં. એ અહંકાર કરે એટલું જ છે. એ શું કરે? અહંકાર. 'હું મનને કાબુમાં રાખું છું.' કાબૂમાં રહેવું, ના રહેવું એ તો કુદરતી છે.

પ્રશ્નકર્તા: મનને કાબૂમાં રાખવા શું કરવું પડે?

દાદાશ્રી: શી રીતે કાબૂમાં રાખો તમે તો? એક સંડાસ જવું હોય તો કાબૂમાં ના રહે, તો આ શી રીતે કાબૂમાં રહે તે? આ લોકો ખોટા ઈગોઈઝમ (અહંકાર) કરે છે. કાબૂમાં રાખીને શું ઉપયોગ કરશો?

પ્રશ્નકર્તા: કાબૂમાં રાખવાથી એના ઘણા ઉપયોગ થઈ શકે ને?

દાદાશ્રી: અત્યારે ઘણુંય મનને અમેરિકા જવું છે પણ જવાય છે? એવું છે ને, આપણે પોલાં તો મન ચંચળ છે. આપણે પોલાં ના હોય તો એ ચંચળ છે જ નહીં. મન એ તો મોક્ષે લઈ જનારું નાવડું છે. મન સ્વભાવથી જ ચંચળ છે. અને ચંચળ ના હોય તો ખાવા-પીવાનું યાદેય ના આવે. તો હવે શું કરવું છે એ કહોને?

Related Questions
  1. મન કેવી રીતે ઉત્પન્ન થાય છે? મનનું વિજ્ઞાન શું છે? અભિપ્રાયોથી ભરેલા મનને કેવી રીતે કાબુ કરવું?
  2. શું તમે તમારા વિચારોને કાબુ કરી શકો છો? શું તમે તમારા મનને કાબુ કરી શકો છો? તમે કેવી રીતે તમારા વિચારોને કાબુ કરી શકો?
  3. નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબુ મેળવી શકાય?
  4. શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?
  5. શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?
  6. મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?
  7. મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?
  8. શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?
  9. બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?
  10. તમે કેવી રીતે તમારા મન પર કાબુ મેળવી શકો?
×
Share on