Related Questions

શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?

બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમજ તેના માટેનો નિશ્ચય દૃઢ થવો, તે માટેનું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું સતત માર્ગદર્શન મળી રહે, એ તો અત્યંત આવશ્યક છે, છતાં પણ, બ્રહ્મચર્યની સર્વ રીતે 'સેફ સાઈડ' રહે તે માટેની પોતાની મહીંલી જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. 'અનસેફ' જગ્યાએથી 'સેફલી' છૂટી જવાની જાગૃતિ ને તેના 'પ્રેક્ટિકલ'માં સમયસૂચકતાની વાડ સાધક પાસે હોવી જરૂરી છે.

નીચે બ્રહ્મચર્ય અંગેના નિયમોનું સંકલન કરવામાં આવ્યું છે, જે બ્રહ્મચારી સાધકોને અને જેનો દૃઢ નિશ્ચય છે કે, ગમે તે થાય પણ વિષયી બાબતમાં કોઈ પણ કિંમતે ગાફેલ રહેવું નથી, તેમને મદદરૂપ નીવડશે.

  • તમારે એવા વિડીયો, પુસ્તકો કે ચિત્રો ન જોવા જોઈએ કે જે વિષયની ઈચ્છાઓ કે સ્પંદનો ઊભા કરે.
  • તમારે કોઈના પણ માટે વિષય-વિકારી કલ્પનાઓ ન કરવી જોઈએ; જો એવું થાય તો તમારે તરત જ પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું.
  • તમારે વિજાતીય વ્યક્તિનો સંગ ટાળવો.
  • દૃષ્ટિ મિલાવવાનું ટાળો.
  • કોઈ પણ કિંમતે ભૂલથી પણ સ્પર્શ ટાળો.
  • તમારે વિષય-વિકારી વાતો ના કરવી અને કોઈ કરતું હોય તો સાંભળવું પણ નહીં.
  • તમારે એવા બધા જ સંજોગો ટાળવા કે જે વિષય-વિકાર તરફ લઈ જાય.
  • જો મનમાં વિષયનો વિચાર ઊભો થાય તો, તમારે પ્રતિક્રમણ કરવું જોઈએ. મનથી દોષ ઊભો થાય તો તેનો ઉપાય છે. પરંતુ, વર્તન કે વાણીમાં ક્યારેય ના આવવું જોઈએ. પ્યોરિટી હોવી જોઈએ!
  • જેને બ્રહ્મચર્ય પાળવું છે, તેણે ખ્યાલ રાખવો કે અમુક ખોરાકથી ઉત્તેજના વધી જાય છે. તે ખોરાક ઓછો કરી નાખવો. ચરબીવાળા ખોરાક જેવા કે ઘી-તેલ ના લેવાય.
  • દૂધનું પ્રમાણ ઓછું કરવું.
  • તમે દાળ-ભાત-શાક-રોટલી એ બધું નિરાંતે ખાવ અને તે ખોરાકનું પ્રમાણ ઓછું રાખવું.
  • અતિશય ખાવું નહીં. એટલે ખોરાક કેટલો લેવો જોઈએ કે આમ મેણો (સુસ્તી) ના ચઢે અને રાતે ત્રણ-ચાર કલાક જ ઊંઘ આવે એટલો ખોરાક લેવો જોઈએ.
  • તમારે રાત્રે વધુ ના ખાવું જોઈએ; જો બહુ ઈચ્છા થાય તો બપોરે વધુ ખાવું. રાત્રે વધુ ખાશો તો તમે વીર્યને ડિસ્ચાર્જ થતું અટકાવી નહીં શકો.
  • તમારે કોઈ પણ કંદમૂળ ન ખવાય - જેવા કે ડુંગળી, લસણ, બટેટા વગેરે.
  • સત્સંગના વાતાવરણમાં જ રહો. કારણ કે, કુસંગ ક્યારે કૈડી ખાય તે ખબર નથી. કુસંગ એ જ પોઈઝન છે. કુસંગથી તો બહુ છેટા રહેવું જોઈએ. કુસંગની અસર મન પર થાય, બુદ્ધિ પર થાય, ચિત્ત પર થાય, અહંકાર પર થાય, શરીર પર થાય. એક જ વર્ષના કુસંગની થયેલી અસર તો પચ્ચીસ-પચ્ચીસ વર્ષ સુધી રહ્યા કરે.
  • તમારે બ્રહ્મચારીઓના ટોળામાં રહેવું જોઈએ, નહીં તો એક બ્રહ્મચારી તરીકેની તમારી ઓળખ નહીં થાય.
  • એ તો (બધા બ્રહ્મચારીઓનું) ટોળું આખું જોઈએ. જ્યાં બધા ભેગા બેસીને વાતોચીતો કરે, સત્સંગ કરે, ઘડીવાર આનંદ કરે. એમની દુનિયા જ નવી! આમાં તો બ્રહ્મચારીઓ ભેગા રહેવા જોઈએ. બધા ભેગા ના રહે ને ઘેર રહે તો મુશ્કેલી. બ્રહ્મચારીઓના સંગ વગર બ્રહ્મચર્ય ના પાળી શકાય. બ્રહ્મચારીઓનું ટોળું હોવું જોઈએ અને તેય પંદર-વીસ માણસનું જોઈએ. બધા ભેગા રહે તો વાંધો ના આવે. બે-ત્રણનું કામ નહીં. પંદર-વીસની તે હવા જ લાગ્યા કરે. હવાથી જ વાતાવરણ બધું ઊંચું રહે, નહીં તો બ્રહ્મચર્ય રાખવું તે સહેલું નથી.
  • તમારે માથે પ્રત્યક્ષ 'જ્ઞાની પુરુષ' હોવા જોઈએ, કે જેને તમારે જવાબ આપવો પડે અને જે તમને બ્રહ્મચર્ય પાળવા માટેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડે અને તમે તેમની પાસે તમારી ભૂલો ખૂલ્લી કરી શકો. આમ કરીને તમે તમારી વિષયની ભૂલોનું રક્ષણ નથી કરતા અને બ્રહ્મચર્યને પોષણ આપો છો. એ તમને જે પણ માર્ગદર્શન આપે તે પ્રમાણે ચાલીને તમે તમારી ભૂલોમાંથી બહાર નીકળીને આધ્યાત્મિક પ્રગતિ કરી શકો.

જો કે, ઉપરના બ્રહ્મચર્યના નિયમો જે લોકો બ્રહ્મચર્યના સાધક છે, તેમના માટે છે, પરંતુ, આત્મજ્ઞાન પ્રાપ્તિ દ્વારા બ્રહ્મચર્ય પાળવું ઘણું સહેલું થઈ પડે છે.

Related Questions
  1. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
  2. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
  3. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી?
  4. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
  5. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
  6. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રહેવું?
  7. સંબંધોમાં થતા ક્લેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઈ શકે?
  8. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
  9. લગ્નજીવનમાં થતા અણહક્કના વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
  10. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
  11. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
  12. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
×
Share on