Related Questions

સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?

સ્વપ્નદોષનાં બે મુખ્ય કારણો છે:

 • વિષયનું આકર્ષણ આ દોષના કારણે વીર્યનું શરીરમાંથી સૂક્ષ્મમાં લીકેજ થાય છે અને તે મડદાલ બનાવે છે. અને આ મડદાલ વીર્ય જ્યારે રાત્રે ડીસ્ચાર્જ થાય છે, તેને સ્વપ્નદોષ કહે છે. 
 • ખોરાક સ્વપ્નદોષનું કારણ વધુ પડતો ખોરાક

સ્વપ્નદોષનું કારણ વિષય વિકારી આકર્ષણ:

તો ચાલો આપણે ઊંડાણમાં જાણીએ કે, વિકારી આકર્ષણ કઈ રીતે સ્વપ્નદોષ કરાવે છે અને પરમ પૂજ્ય દાદાશ્રીએ સમજાવ્યા પ્રમાણે સ્વપ્નદોષ કેવી રીતે અટકાવી શકાય:

બ્રહ્મચર્ય વ્રત લીધું હોય. કશુંક અવળું-હવળું થાયને ત્યારે ગૂંચાય. એક છોકરો મુંઝાતો'તો, મેં કહ્યું, 'કેમ ભઈ, મુંઝાઉ છું ?' તમને કહેતાં મને શરમ આવે છે. મેં કહ્યું, 'શું શરમ આવે છે ? લખીને આપ બળ્યું.' મોઢે કહેતાં શરમ આવે તો લખીને આપ. 'મહિનામાં બે-ત્રણ વખત મને ડિસ્ચાર્જ થઈ જાય છે.' કહે છે. 'મેર ગાંડિયા, એમાં તો શું આટલો બધો ગભરાઉ છું! તારી દાનત નથી ને ? તારી દાનત ખોટી છે ?' ત્યારે કહે, 'બિલકુલ નહીં, બિલકુલ નહીં.' ત્યારે મેં કહ્યું, 'તારી દાનત ચોખ્ખી હોય તો બ્રહ્મચર્ય જ છે' કહ્યું. ત્યારે કહે, 'પણ આવું થાય ?' મેં કહ્યું, ભઈ, એ ગલન ન્હોય ? એ તો પૂરણ થયેલું ગલન થઈ જાય. એમાં તારી દાનત ના બગડવી જોઈએ. એવું રાખજે, એ સાચવવી. દાનત ના બગડવી જોઈએ કે આમાં સુખ છે. મહીં મુંઝાયને બિચારો ! તો ચોખ્ખું તરત કરી આપું.

પ્રશ્નકર્તા : એ દાનત જ મૂળ છે વાત ! 'દાનત કેવી છે' એના ઉપર જ છે બધું આખું.

દાદાશ્રી : તમારી દાનત પછી કઈ બાજુ છે ? તમારી દાનત ખરાબ હોય અને વખતે ડિસ્ચાર્જ ના થાય તેથી કરીને તું બ્રહ્મચારી નહીં થઈ જઉં. ભગવાન બહુ પાકાં હતા, કોણ આવી સમજણ પાડે ? અને કુદરત તો એનાં નિયમમાં જ હોય ને. ઉલટી થઈ ગઈ એટલે મરી જઈશ એવું થઈ ગયું ? શરીર હોય તો ઉલટી ના થાય, તો શું થાય ? રોજ સુલટી થાય, પછી ઉલટી ના થાય પાછી ?

પ્રશ્નકર્તા : હમણાં છેલ્લા થોડા વખતમાં બહુ બધી વખત પતન થયું હતું, ડિસ્ચાર્જ થયું હતું.

દાદાશ્રી : જેટલું તમારું કશામાં ચિત્ત ચોંટ્યું એટલું મહીં એની મેળે જ ડિસ્ચાર્જ થઈ ગયેલું હોય, તે પછી નીકળી જાય છે. મડદાલ થઈ જાય, એ નીકળી જાય. જે મડદાલ નથી થયું એ નીકળે નહીં.

પ્રશ્નકર્તા : ના, એનો મતલબ એ થાય છે કે હજી કશેક ચિત્ત ચોંટે છે.

દાદાશ્રી : હં, ચોંટ્યું નથી. મહીં ચોંટતું હશે થોડું ઘણું, એનું ફળ છે. આ બધું ચોંટ્યા પછી ઉખાડી લ્યો, તમે આમ પ્રતિક્રમણ કરીને. થોડું ચોંટી જાયને ? એટલે ચોંટ્યું તો કાયદો એવો છે કે તરત છે તે પેલું મહીં છૂટું પડી જાય અને પછી મડદાલ થયું. એ તો મહીં રહે, તેનાં કરતાં નીકળી જાય તેનો વાંધો નહીં રાખવાનો.

ખોરાક વધુ પડતો ખોરાક સ્વપ્નદોષનું કારણ

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, રાત્રે વધારે પડતું ખાવાથી સ્વપ્નદોષ થાય છે તો ચાલો આપણે સ્વપ્નદોષને કેવી રીતે અટકાવી શકાય તે હકીકતને સમજીએ એમના શબ્દોમાં:

પ્રશ્નકર્તા : સ્ત્રીની બાબતમાં જે કંઈ સ્વપ્ના આવે, તે આપણને આ બ્રહ્મચર્યની ભાવનાના કારણે ગમતા ના હોયને ? તો એનો કંઈ ઉપાય ખરો ?

દાદાશ્રી : સ્વપ્ના એ તો જુદી વસ્તુ છે. આપણને ગમતું હોય તો નુકસાન કરે ને ના ગમતું હોય તો કંઈ નુકસાન ન કરે. એ ગમે તે આવે, ગમતું હોય તો ફરી આપણે ત્યાં એવું ઊભું થાય અને ના ગમતું હોય તો કશી ભાંજગડ જ નથી.

પ્રશ્નકર્તા : સ્વપ્નદોષ કેમ થતાં હશે ?

દાદાશ્રી : ઉપર ટાંકી હોય પાણીની, તે પાણી નીચે પડવા માંડે એટલે ના સમજીએ કે ઉભરાઈ ! સ્વપ્નદોષ એટલે ઉભરાવું. ટાંકી ઉભરાઈ ! તે કો'ક ના રાખવો જોઈએ ?

એટલે ખોરાક ઉપર કંટ્રોલ કરે તો સ્વપ્નદોષ ના થાય. તેથી આ મહારાજ આ એક વખત આહાર કરે છે ને ત્યાં ! બીજું કશું લેવાનું જ નહીં, ચા-બા કશું નહીં લેવાનું.

પ્રશ્નકર્તા : એમાં રાત્રિનો ખોરાક મહત્વનો. રાત્રિનું ઓછું કરવું જોઈએ.

દાદાશ્રી : રાતના ખોરાક જ ના જોઈએ, આ એક જ વખત મહારાજ આહાર લે છે. પણ ચાર રોટલી ખઈ જાય છે, આ એની ઉંમર તો ખરી ને ! બીજું ચા નહીં, બીજી કોઈ ભાંજગડ જ નહીંને ! આખો દહાડો એ ટાંકી ભરી લીધી. તે ટાંકી ભરી લીધી, તે પેટ્રોલ ચાલ્યા કરે.

એટલે ડિસ્ચાર્જ તો આ ખાવાનું જો કંટ્રોલમાં હોય તો બીજું કશું ના થાય. આ તો ઠોક ને ઠોક ખાવાનું રાખે છે. જે હોય તે અને અજુગતું વસ્તુ આહાર હોય, ત્યારે શું થાય ? જૈન તો કેવો ડાહ્યો ! આવા આહાર નહીં. એવું તેવું ના હોય કશું. છતાં ડિસ્ચાર્જ થાય એનો વાંધો નહીં. એ તો ભગવાને કહ્યું, વાંધો નહીં. એ ભરાય પછી બૂચ ખુલ્લો થઈ જાય. ઊર્ધ્વગમન થયું નથી બ્રહ્મચર્ય, ત્યાં સુધી અધોગમન જ થાય. ઊર્ધ્વગમન તો બ્રહ્મચર્ય લેવાની શરત કરી, ત્યારથી જ શરુઆત થાય.

ચેતીને આપણે ચાલવું સારું. મહિનામાં ચાર વખત થાય તોય વાંધો નહીં. આપણે જાણી-જોઈને ડિસ્ચાર્જ કરવું ના જોઈએ. એ ગુનો છે. એમ ને એમ થાય તેનો વાંધો નહીં. આ તો આ બધું આડા-અવળું ખાવાનું પરિણામ છે. જાણી-જોઈને ડિસ્ચાર્જ કરવું એ ભયંકર ગુનો. આપઘાત કહેવાય.

Related Questions
 1. બ્રહ્મચારીનાં લક્ષણો ક્યા ક્યા છે?
 2. બ્રહ્મચર્ય માટે આધ્યાત્મિક જીવન કેવી રીતે મદદરૂપ થાય છે? આત્મજ્ઞાન અને બ્રહ્મચર્ય વચ્ચે શું સંબંધ છે?
 3. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ
 4. વિષયનાં જોખમો શું છે?
 5. સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?
 6. અધ્યાત્મમાં વીર્ય એટલે શું? ઉર્ધ્વગામી વીર્યશકિત અધ્યાત્મમાં કઈ રીતે મદદ કરી શકે?
 7. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં આકર્ષણનું વિજ્ઞાન શું છે?
 8. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?
 9. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?
 10. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?
 11. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?
×
Share on