Related Questions

સ્પર્ધામાંથી કઈ રીતે બહાર આવવું?

 competition

સાચી સમજણ કેળવવી

સ્પર્ધા એ અણસમજણનું પરિણામ છે. તેની સામે સાચી સમજણ ગોઠવવાથી સ્પર્ધા થતી નથી.

જેમ કે, રસ્તા ઉપર ગાડી ચલાવતાં હોઈએ અને બાજુમાંથી બીજી ગાડી ઓવરટેક કરે ત્યારે આપણને સ્પર્ધા થાય કે, હું પણ સ્પીડ વધારું અને આગળ નીકળું! પણ લાખો ગાડીઓ એ જ રસ્તે આપણાથી આગળ નીકળી ગઈ, તો તેની સાથે સ્પર્ધા કેમ નથી કરતા? તેવી જ રીતે, આપણી જોડેવાળું કોઈ આપણાથી આગળ નીકળે તો આપણે સ્પર્ધા કરીએ છીએ. પણ એની પહેલાં કેટલાય લોકો આપણાથી આગળ નીકળી ગયા છે અને હજુ પણ આગળ જ છે, તો ત્યાં સ્પર્ધા કેમ નથી થતી? થોડું વિચારીએ તો સ્પર્ધામાં પડાય જ નહીં.

બીજું, જે વસ્તુ માટે સ્પર્ધા થાય છે એ બરફ જેવી વિનાશી છે, આજે છે ને કાલે ઓગળી જશે. કોઈ ભરોસો નથી. પણ એને મેળવવા કે સાચવવા માટે અત્યાર સુધી જે ખટપટ કરી હશે, લોકોને ખસેડ્યા હશે, દ્વેષથી વેર બાંધ્યા હશે એ બધું કર્મરૂપે આપણી સાથે ને સાથે જ રહેશે. માટે તકલાદી વસ્તુની સ્પર્ધામાં પડવા જેવું નથી.

છેવટે, બધા પોતપોતાના પુણ્યથી આગળ વધે છે. આજે એકનું પુણ્ય જોર કરે છે તેથી તેને સફળતાના, આગળ વધવાના સવળા સંજોગ ભેગા થયા છે. કાલે કોઈ બીજાનું પુણ્ય જોર કરશે તો એ આગળ આવશે. એટલે પુણ્ય-પાપના ખેલમાં આપણે અટકવું નહીં.

બધા આગળ વધો

કુદરતનો નિયમ એવો છે કે “બધા પાછળ પડે ને હું આગળ આવું” એવું વિચારીશું, તો આપણે પોતે જ પાછળ પડીશું અને બધા આગળ આવશે. પણ આપણે બીજા માટે વિચારીશું તો આપણું કશું બગડવાનું જ નથી. એટલે, આપણે એમ રાખવું કે બધા જ આગળ વધે. હું પણ મારી ક્ષમતા પ્રમાણે આગળ વધીશ. આપણે આપણી શક્તિ પ્રમાણે આગળ વધવું.

એટલું જ નહીં, જેની માટે સ્પર્ધા થતી હોય તેની માટે આપણે એક પણ નેગેટિવ ભાવ ના થવા દેવો. સામો ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે એવી ભાવના કરવી. સામાની પ્રગતિમાં કિંચિત્માત્ર બાધા થાય એવો ભાવ આપણે ના કરવો.

પોઝિટિવ રહેવું

જે વ્યક્તિ સાથે સ્પર્ધા થતી હોય તે વ્યક્તિના પોઝિટિવ જોવા, એના પોઝિટિવ એટલે કે સારા ગુણોને લોકો આગળ એપ્રિશિએટ કરવા, વખાણવા. તેમજ સામાના નેગેટિવ માટે પ્રાર્થના કરવી કે એમાંથી એ બહાર આવે.

ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ભણવામાં કે કરિયરમાં આગળ આવવા માટે સ્પર્ધા થતી હોય છે. પણ વાસ્તવિકતામાં સ્પર્ધા કરવાથી આપણે બહુ આગળ નથી નીકળી જતા. આપણી મહેનત અને પુણ્ય બેઉના આધારે પરિણામ આવે છે. કોઈ બીજું આગળ નીકળે તો રાખવું કે એણે કેવી સરસ મહેનત કરી, એનું પુણ્ય કેવું સરસ છે. આપણે પાછળ પડીએ ત્યારે નેગેટિવ ના થવું અને પોતે વધારે મહેનત કરવી.

ઈર્ષ્યામાં ના પડવું

કોઈની સાથે સ્પર્ધામાં ઊતરીને આપણે ઈર્ષ્યામાં ના પડવું. ઈર્ષ્યામાંથી એ વ્યક્તિના નેગેટિવ જોવા, નેગેટિવ વાતો કરવી વગેરે શરૂ થઈ જાય છે. ઈર્ષ્યા અને નેગેટિવિટી આપણા જ સારા ગુણોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. આપણે સામાને તેની પ્રગતિમાં ટેકો ના આપી શકીએ તો કંઈ નહીં, પણ ટીકા તો ના જ કરવી જોઈએ. જીવનમાં આગળ વધવાની સ્વાભાવિક મહત્ત્વકાંક્ષા હોય તેનો વાંધો નથી. પણ પોતે આગળ વધવા માટે બીજાની પડતીની ઇચ્છા ના થવી જોઈએ.

હંમેશા કોઈ વ્યક્તિ પોતાનાથી આગળ નીકળી જાય તો તેના પોઝિટિવ ગુણો વખાણવાથી, બીજાનું એપ્રિશિએટ કરવાથી ઈર્ષ્યાનો દુર્ગુણ ખલાસ થાય છે. તેના પોઝિટિવના વખાણ ના કરાય તો વાંધો નહીં, પણ નેગેટિવ ચર્ચા કે નિંદામાં તો ના જ પડવું જોઈએ. કોઈ સામાનું નેગેટિવ કરતું આવે તો આપણે ઊલટું કહેવું કે “આફ્ટર ઓલ એ સારા માણસ છે.” ત્યાં જબરજસ્ત જાગૃત રહેવું.

વિશાળ દૃષ્ટિ રાખવી

જેમની ટૂંકી બુદ્ધિ હોય, વિઝન શોર્ટ પડતું હોય એ જ લોકો સ્પર્ધામાં પડે. જેમની બુદ્ધિ વિકાસ પામેલી હોય અને જેમનું વિઝન બ્રોડ હોય, તેમને સમજાય કે સ્પર્ધામાં પડવાથી કોઈને ફાયદો થવાનો નથી.

બ્રોડ વિઝન એટલે કે જેમની દૃષ્ટિ વિશાળ હોય તેમને ખ્યાલ આવે કે જીવનમાં સ્પર્ધાની જરૂર નથી. બધા પોતપોતાના રસ્તે આગળ વધી રહ્યા છે. સ્પર્ધામાં પડવાથી શું નુકસાન થાય, આમ કરીએ તો એનું શું પરિણામ આવે એ બધાનું એમની પાસે વિગતવાર એનાલિસિસ હોય. એવી વિશાળ દૃષ્ટિ કેળવીએ તો પણ સ્પર્ધા નહીં થાય.

એડજસ્ટ થઈ જવું

વ્યવહારમાં સામસામી સ્પર્ધા થતી હોય તો બેમાંથી એક વ્યક્તિ એડજસ્ટ થઈ જાય તો સ્પર્ધાનો અંત આવે છે. જેમ કે, સાસુ-વહુ વચ્ચે સ્પર્ધા થતી હોય, ત્યાં સાસુ વહુની ભૂલો કાઢ કાઢ કરે અને વહુ પણ સાસુની સામે થાય, પરિણામે ઝઘડા અને અશાંતિ વધે. એના કરતાં સાસુ કામમાં ભૂલ બતાવે ત્યારે વહુએ સાસુને પગે લાગીને આશીર્વાદ લેવા કે “મને તો આવડતું નથી, તમે મને શીખવાડો.” બીજી બાજુ, સાસુએ પણ પોતે વહુની પણ વહુ થઈને રહેવું. જેને શાંતિ જોઈતી હોય તે આમ એડજસ્ટમેન્ટ લઈ લે તો સ્પર્ધા અને પરિણામે ઝઘડા ના થાય. કારણ કે આવડતવાળાઓ તો ઘોડદોડમાં હાંફી મરે. આજે પહેલો નંબર આવે તોય પાછો છેલ્લો નંબર ક્યારેક તો આવવાનો જ. એના કરતાં આવડત જ નથી કરીને બાજુએ બેસી રહેવામાં મજા છે. રેસકોર્સમાંથી ખસી જતાં જ વ્યક્તિત્વ ઝળકવા માંડે છે.

લોકો પોતપોતાની આવડત સાબિત કરવાની સ્પર્ધામાં પડ્યા હોય તેમને પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “લોકોને કહેવું પડે કે, 'તારામાં બરકત નથી, તારામાં બરકત કશી નથી!' અને આપણે એ બરકત લાવવા ફરીએ, આનો સોદો ક્યારે જડે? એના કરતાં આપણે જ 'સર્ટિફાઈડ' બરકત વગરના થઈ જઈએ ને! તો ઉકેલ આવે ને!

હારીને જીતવું

આપણે સ્પર્ધામાં ના પડવું હોય, પણ બીજા આપણી સાથે સ્પર્ધામાં પડે તો ત્યાં કેવી રીતે વર્તવું, તેની પ્રેક્ટિકલ ચાવી આપતા પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “ત્યાં આગળ એ લોકોમાં આપણે એકદમ હસી-ખુશીને ના રહેવું. પણ દેખાવ તો એવો રાખવો કે અમારે તમારી જોડે ઘોડદોડમાં આવવું છે, દેખાવમાં જ ફક્ત! પણ અંદરખાને તો, ત્યાં ગયા હોય ને, તો હારી જવું પાછાં! એટલે એમનાં મનમાં 'અમે જીત્યા છે' એવું લાગે. અમે તો આવું સામે ચાલીને કેટલાંયને કહી દીધું કે, 'ભઈ, અમારામાં બરકત નથી.' એ સારામાં સારો રસ્તો. બાકી, એ બધી ઘોડદોડો છે! 'રેસકોર્સ' છે!!

જો આપણે સ્પર્ધામાં જ નથી ઊતર્યા તો સામાને જીતવાની મજા નહીં આવે. એટલે સ્પર્ધામાં ઊતર્યા છીએ એવું બહાર રાખવું, પણ મનથી પહેલાં જ હારી જવું. આપણે જો સામાને હરાવીએ તો એને ઊંઘ ના આવે. આપણે એવી કળા શીખી જઈએ કે આપણને હારીને પણ સરસ ઊંઘ આવે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “હારવાનું શોધી કાઢો! આ નવી શોધખોળ છે આપણી. એ જીતેલો માણસ કોઈક દહાડોય હારે. પણ જે હારીને બેઠા ને, તે કોઈ દહાડોય હારે નહીં.

અહંકારથી લઘુત્તમ રહેવું

જે ગુરુત્તમ અહંકાર છે, એટલે કે મોટા થવાની ભાવનાઓ, હું આ બધાથી મોટો છું એવી માન્યતાઓ છે, એનાથી આ સંસાર ઊભો થયો છે. જ્યારે લઘુ એટલે હું નાનો છું, લઘુત્તર એટલે કે નાનાથીયે હું નાનો છું અને લઘુત્તમ એટલે મારાથી બધા જ મોટા છે એવી માન્યતા.

આપણે આપણા અહંકારને લઘુત્તમ રાખીએ તો કોઈને આપણાથી સ્પર્ધા જ ના થાય. જ્યાં લઘુત્તમભાવ છે ત્યાં સ્પર્ધા જ નથી. જે પહેલેથી જ હારી ગયો હોય તેને કોણ હરાવે? પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, એક વખત દાઢી કરતા ચામડી છોલાઈ ગઈ હોય તો પછી હું કાયમ માટે “મને દાઢી કરતા આવડતું નથી.” એમ કહું. તે જ રીતે, જેમાં આપણને એમ લાગતું હોય કે “મને આવડે છે” ત્યાં એકાદ વખત પણ ભૂલ થઈ હોય, એને યાદ કરીને ”મને નથી આવડતું” એમ માનીએ તો અહંકાર નાનો થાય.

વ્યવહારમાં કઈ રીતે નાના થઈ જવું તેનું બીજું સુંદર ઉદાહરણ પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનમાંથી તેમના જ શ્રીમુખે મળે છે.

દાદાશ્રી: અમારા સંબંધી સાથે પૈસા સંબંધી વાત નીકળી ને, ત્યારે મને કહે છે, 'તમે તો બહુ સારું કમાયા છો.' મેં કહ્યું, 'મારે તો એવું કશું છે જ નહીં. અને કમાણીમાં તો, તમે કમાયેલા છો. હેય... મિલો રાખી ને એ બધું રાખ્યું. ક્યાં તમે ને ક્યાં હું!? તમને નહીં જાણે શું આવડ્યું, તે આટલું બધું નાણું ભેગું થયું. મને આ બાબતમાં ના આવડ્યું. મને તો પેલી બાબતમાં જ આવડ્યું.' આવું કહ્યું એટલે આપણે અને એને સાઢું-સહિયારું જ ના રહ્યું ને! 'રેસકોર્સ' જ ના રહ્યું ને! હા, કંઈ લેવા-દેવા જ નહીં. ક્યાં એમની જોડે સ્પર્ધામાં ઊતરવાનું હતું?

હંમેશાંય લોક આવી સ્પર્ધામાં હોય, પણ હું એમની જોડે ક્યાં દોડું? એમને ઈનામ લેવા દો ને! આપણે જોયા કરો. હવે હરીફાઈમાં દોડે તો શી દશા થાય? ઘૂંટણિયા બધું છોલાઈ જાય. એટલે આપણું તો કામ જ નહીં.

જેને સ્પર્ધામાંથી નીકળવું છે, તેને તો જગત ગાંડા કહે, મારે, કાઢી મૂકે તોય ત્યાં હારીને બેસી જવું. સામાને જીતાડીને જગત જીતી જવાની આ રીત!

સ્પર્ધાને ડિવેલ્યૂ કરવી

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “અનંત અવતાર આ 'રેસકોર્સ'માં દોડ દોડ કરીશ તોય છેલ્લે દહાડે તું છેતરાઈશ, એવું આ જગત છે. બધું નકામું જશે. ઉપરથી પાર વગરનો માર ખાવાનો. એનાં કરતાં ભાગો અહીંથી, આપણી અસલ જગ્યા ખોળી કાઢો, જે આપણું મૂળ સ્વરૂપ છે.”

તેઓશ્રી પોતાના અનુભવનું તારણ આપતા કહે છે, “અનંત અવતારથી દોડ્યો, તે બધું નકામું ગયું. 'ટોપ' ઉપર બેસે એવું દોડ્યો છું, પણ બધે માર ખાધો છે. એનાં કરતાં ભાગો ને, અહીંથી! આપણી અસલ જગ્યા ખોળી કાઢો, હેય... જાયજેન્ટિક!!

સ્પર્ધા બધી વિનાશી વસ્તુઓ માટેની છે. પણ પોતે આત્મસ્વરૂપ છે, અવિનાશી છે. આત્મસાક્ષાત્કાર થાય અને પોતે પોતાના સ્વરૂપમાં આવે ત્યારે વિનાશી વસ્તુઓ માટેની સ્પર્ધાનો કાયમી અંત આવે છે.

હેલ્ધી કોમ્પિટિશન રાખવી

સ્પર્ધાના અનેક નુકસાન હોવા છતાં કોમ્પિટિશન જો હેલ્ધી હોય તો તે પ્રગતિમાં મદદરૂપ થઈ શકે છે. સામાની લાંબી લીટીને અડ્યા વગર પોતાની લીટી લાંબી કરવી, તેને હેલ્ધી કોમ્પિટિશન કહેવાય. જેમ કે, રમતગમતમાં હાર-જીત અને સ્પર્ધા હોય જ. પણ રમતમાં ખેલદિલીની ભાવના કેવી હોય કે, જે હારે તે “તું જીત્યો, હું હાર્યો” એમ સ્વીકારી લે. રમતના અંતે બંને એકબીજા સાથે હાથ પણ મિલાવે અને બીજી રમતમાં વધારે સારો દેખાવ કરવા મહેનત કરે.

ધંધા અને ઉદ્યોગ જગતમાં પણ આવી હેલ્ધી કોમ્પિટિશન જોવા મળે છે. એવા ઉદાહરણ મળે છે કે બે કંપની એકસરખી વસ્તુ બનાવતી હોય તો બંને ફક્ત એક જ પ્રોડક્ટ સરખી રાખે. બાકીની બધી જ પ્રોડક્ટ જુદી જુદી છતાં ઉત્તમ ગુણવત્તાવાળી બનાવે. જેથી ખરીદનારને પણ ફાયદો થાય ને બંનેનો ધંધો સરસ ચાલે.

ઘણી વખત આપણને નોકરી કે ધંધામાં પ્રોડક્ટ વેચવા માટે નાછૂટકે સ્પર્ધામાં ઊતરવું પડતું હોય છે. ત્યારે કંપની વતી બધું કરવું, કે આ પ્રોડક્ટ આટલી સરસ છે વગેરે. પણ એમાં પ્રામાણિકતા રાખવી. આપણી દાનતમાં એવું ના હોય કે સામાને પછાડીને આગળ વધું. સામી કંપની માટે નેગેટિવ વાતો થાય એમાં પડવું નહીં. એ કંપનીને તોડી પાડીને, નુકસાન કરીને, એના માણસોને ફેરવીને આગળ આવવાનું ના કરીએ તો એ હેલ્ધી કોમ્પિટિશન કહેવાય.

આપણા કારણે કોઈને સ્પર્ધા થાય ત્યારે

આપણે એવા પદ ઉપર હોઈએ કે આપણા હાથ નીચે બે વ્યક્તિને સ્પર્ધા થતી હોય તો ત્યાં પણ જાગૃત રહેવું. બંને સ્પર્ધામાં ઊતર્યા હશે, તો બંને એકબીજાને તોડ તોડ કરશે અને આપણી પાસે ફરિયાદ લઈને આવશે. તેવા સમયે બહુ સાચવીને વર્તવું.

એકની આવડત વધુ હોય તો ઓછી આવડતવાળાને એના માટે સ્પર્ધા ઈર્ષ્યા થઈ શકે. ત્યારે આપણે વધારે આવડતવાળાના ખૂબ વખાણ કરીએ અને ઓછી આવડતવાળાના કામમાં ભૂલ કાઢીએ તો વાત વધુ વણસી જાય. બેઉ વચ્ચે સરખામણી વધશે અને સ્પર્ધા, ઈર્ષ્યા વધશે. આપણે બંનેને એકસરખું પ્રોત્સાહન આપવું.

જેની ઓછી આવડત હોય તેને હિંમત આપવી કે તું પહોંચી વળીશ, પોઝિટિવ રહેજે, સામા માટે નેગેટિવ ના કરીશ. જેની વધુ આવડત હોય તેને પણ સમજાવીએ કે તું કોઈને દુઃખ ના થાય, કોઈને ઇન્ફિરિયર ના લાગે તેમ સાચવીને રહેજે. સામો ઈર્ષ્યા કરે તો એના માટે દ્વેષ ના કરીશ.

આ બધું કરવા છતાં આપણે કોઈ એકના પક્ષમાં કે સાચા-ખોટામાં ના પડવું. દિલમાં એમ રાખવું કે બેઉ પોતપોતાની જગ્યાએ બરાબર છે.

×
Share on