Related Questions

સ્પર્ધા અને ઈર્ષ્યા એટલે શું? તે કયા કારણે થાય છે?

સ્પર્ધા, એક રેસકોર્સ!

પરમ પૂજ્ય દાદા ભગવાન સ્પર્ધાને રેસકોર્સ, એટલે કે ઘોડદોડ સાથે સરખાવે છે. તેઓશ્રીની નીચેની વાત સૌને વિચારતા કરી મૂકે તેવી છે!

પ્રશ્નકર્તા: પામેલો વધુ પામવા અને ના પામેલા પામવા માટે વ્યગ્ર કેમ હોય છે?

દાદાશ્રી: શું પામવાની વાત છે આમાં?

પ્રશ્નકર્તા: આ આર્થિક વાત છે. ભૌતિક વાત છે. જે ભૌતિક પામેલાઓ છે, એમને વધારે પામવા માટે વ્યગ્રતા હોય છે અને ના પામેલા, પામવા માટે વ્યગ્ર હોય છે એ શાથી?

દાદાશ્રી: લોકોને રેસકોર્સમાં ઊતરવું છે. રેસકોર્સમાં ઘોડાઓ દોડે છે, એમાં કયા ઘોડાને ઈનામ હોય છે?

competiton

પ્રશ્નકર્તા: પહેલા ઘોડાને.

દાદાશ્રી: તે તમારા ગામમાં કયો ઘોડો પહેલા નંબરે છે? રેસકોર્સમાં જે પહેલો આવ્યો, એમાં કોનું નામ છે? એટલે બધા ઘોડા દોડ દોડ કરે છે ને હાંફી હાંફીને મરી ગયા પણ પહેલો નંબર કોઈનોય લાગતો નથી. અને આ દુનિયામાંય કોઈનો પહેલો નંબર લાગ્યો નથી. આ તો વગર કામની દોડમાં પડ્યા છે! તે હાંફી હાંફીને મરી જવાનું! અને ઈનામ તો એકને જ મળવાનું! માટે આ દોડમાં પડવા જેવું નથી. આપણે આપણી મેળે શાંતિપૂર્વક કામ કર્યે જવાનું. આપણી ફરજો બધી બજાવી છૂટવી. પણ આ રેસકોર્સમાં પડવા જેવું નથી! તમારે આ રેસકોર્સમાં ઊતરવું છે?

પ્રશ્નકર્તા: જીવનમાં આવ્યા એટલે રેસકોર્સમાં ઊતરવું જ પડશે ને?

દાદાશ્રી: તો દોડો, કોણ ના પાડે છે? જેટલું દોડાય એટલું દોડો! પણ અમે તમને કહી છૂટીએ છીએ કે ફરજો સવળી બજાવજો ને શાંતિપૂર્વક બજાવજો. રાતે અગિયાર વાગે આપણે બધે તપાસ કરવી કે લોકો ઊંઘી ગયા છે કે નથી ઊંઘી ગયા? તો આપણે જાણીએ કે લોકો ઊંઘી ગયા છે. એટલે આપણે પણ ઓઢીને સૂઈ જવું ને દોડવાનું બંધ કરી દેવું. લોક ઊંઘી ગયા હોય ને આપણે એકલા એકલા વગર કામના દોડ દોડ કરીએ એ કેવું? આ શું છે? લોભ નામનો ગુણ છે એ પજવે છે.

સરખામણીમાંથી સ્પર્ધા

સ્પર્ધા હંમેશા પોતાની જોડેવાળા સાથે થાય છે. કડિયો હોય તેને બીજા કડિયાઓ સાથે, સુથાર હોય તો બીજા સુથારો સાથે સરખામણી થાય. ડોક્ટરને બીજા ડોક્ટર્સ સાથે, એન્જીનીયરને બીજા એન્જીનીયર્સ સાથે, વિધાર્થીને પોતાના ધોરણના વિધાર્થીઓ સાથે સરખામણી થાય. અરે! શેરીમાં કૂતરું પણ એના રસ્તા પરથી ભેંસ પસાર થાય તો કશું ના કરે, હાથી પસાર થાય તો પણ કશું ના કરે, પણ બીજું કૂતરું જો પસાર થાય તો ભસ ભસ કરીને શેરી માથે લઈ લે! આમ, સ્પર્ધામાં બે સરખેસરખી વ્યક્તિઓ સામસામે આવે છે.

જેમ હાઈવે ઉપર ટ્રાફિકમાં ગાડીઓ જતી હોય, તેમાં આપણી ગાડીને કોઈ ઓવરટેક કરીને આગળ જાય તો તરત મનમાં ખૂંચે કે એ મારાથી આગળ ગયો? બાજુમાંથી ટ્રક પસાર થાય તો કશું નહીં, સાઈકલ પસાર થાય તો પણ કશું નહીં, પણ જો બીજી ગાડી હોય તો આપણે તરત આપણી ગાડીની ઝડપ વધારીને એને ઓવરટેક કરીએ, ત્યારે સંતોષ થાય કે હું આગળ વધી ગયો! પણ આપણને એ વિચાર નથી આવતો કે આ રસ્તા ઉપર લાખો ગાડીઓ આપણાથી આગળ જતી રહી, ત્યાં કેમ સ્પર્ધા ના થઈ? આપણી પહેલાં પણ અનેક લોકો સફળ થઈ ગયા, એમની સાથે સ્પર્ધા કેમ નથી થતી? પણ જો કોઈ જોડે આવ્યો, ને પોતાની બુદ્ધિ અવળું દેખાડે કે સ્પર્ધા જાગે!

સ્પર્ધાનું મૂળ અહંકાર

સ્પર્ધામાં મૂળ ભાગ ભજવનાર અહંકાર છે. અહંકાર કંઈક ને કંઈક કરવાપણામાં હોય જ. હું કંઈક કરું, હું કંઈક આગળ વધું, હું કંઈ મોટો થઉં અને ના હોય તો બીજા લોકોના સંપર્કથી, દેખાદેખીથી ”બીજા કરતાં હું વધારે સફળ થઉં” એવું થઈ જ જાય અને સ્પર્ધા જન્મે. અહંકારને ઊંચા આવવું છે, ગુરુત્તમ થવું છે, વિશેષ થવું છે. બીજાની આવડત વધારે હોય અને પોતાની ઓછી, તો પોતે સરખામણી કરીને એટલું દોડે એટલું દોડે કે પછી પડે. કહે છે ને, “લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય!”

જ્યારે સ્પર્ધામાં અહંકાર ગાંડો કે બેફામ બને, બુદ્ધિ વિપરીત થાય ત્યારે તે ભયંકર સ્વરૂપ લે છે. મોટી મોટી મહાસત્તાઓ, એમની વચ્ચેની લડાઈઓ અને તોફાનો બધું સ્પર્ધામાંથી જ જન્મે છે. જેમ કે, મહાભારતના યુદ્ધ પાછળ રાજ્ય અને સત્તા મેળવવાની સ્પર્ધા હતી. પરિણામે ભીષણ મહાયુદ્ધ ખેલાયું અને સેંકડો લોકો માર્યા ગયા.

સ્પર્ધાનું વિકૃત સ્વરૂપ

સ્પર્ધામાં પોતે આગળ વધે તેનો વાંધો નથી, પણ જ્યારે સમજાય કે પોતાની આગળ વધવાની શક્તિ નથી, ત્યારે બીજાને તોડીને, કાપીને, પછાડીને કે બીજાને અટકાવીને પોતે આગળ વધવા જાય છે. પોતાનામાં સુપિરિયારિટીના ગુણો છે નહીં, તેથી એ બીજાની સુપિરિયારિટીને તોડી, એને પોતાનાથી ઇન્ફિરિયર કરવા જાય છે. “એ પડે તો સારું, તો હું આગળ આવું!” એવી ઇચ્છા થાય, તો જ પોતે સુપિરિયર બને ને! પોતાની લીટી લાંબી નથી, ત્યારે બીજાની લીટી ટૂંકી કરીને પોતાની લાંબી કરવા જાય છે. તેમાંથી ઈર્ષ્યા જન્મે છે.

ઈર્ષ્યા એટલે અદેખાઈ, જેમાં બીજાની ચડતી દેખી ના શકવી. બીજા વધારે સફળ થાય, બીજા પાસે પોતાનાથી વધારે કંઈક હોય કે બીજી વ્યક્તિ આપણાથી વધારે ખુશ હોય તે સહન ના થવું એટલે ઈર્ષ્યા.

આપણને કોઈ વ્યક્તિ માટે સ્પર્ધા કે ઈર્ષ્યા છે એ કઈ રીતે ખબર પડે? તેના કેટલાક લક્ષણો આપણને નીચે મળે છે.

ઈર્ષ્યા એ અગ્નિ

ઈર્ષ્યા એ અગ્નિ જેવી હોય છે જે પોતાને બાળ્યા જ કરે, પોતાને ખૂબ દુઃખ આપે છે. સતત જે વ્યક્તિ માટે ઈર્ષ્યા થતી હોય તેના વિશે વિચારો આવ્યા કરે, કઈ રીતે એ પાછળ પડે અને હું આગળ નીકળી જઉં તેની જ ગણતરીઓ ચાલ્યા કરતી હોય. સામો કેવી રીતે કરે છે? શું કરે છે? ક્યાં ભૂલ કરે છે? કઈ રીતે એને દોષિત ઠરાવું એમ આખો દિવસ બુદ્ધિ બતાવ્યા કરતી હોય અને પછી કોઈ ભૂલ ઉપર સામાને સકંજામાં લઈને ગુનેગાર ઠરાવે. પછી સામાને દુઃખ થાય એટલે એ પણ ગોદો મારે, પરિણામે બેઉ સંડોવાય.

જેની પ્રત્યે ઈર્ષ્યા હોય એ વ્યક્તિ નિષ્ફળ જાય, એનું ઘટે કે એ દુઃખી થાય તો તેમાં પોતાને ખુશી લાગે છે. આવી ખુશીને પાશવી આનંદ કહેવાય છે. અંતરમાં ઈર્ષ્યાનો અગ્નિ બળ્યા જ કરતો હોય. જેમાં વ્યક્તિ પોતાનું વધારે અહિત કરે છે, પોતે વધારે નીચે પડે છે.

ઈર્ષ્યાનું લક્ષણ નિંદા અને ટીકા

ઈર્ષ્યા અને અદેખાઈમાં વ્યક્તિ સામાનું પોઝિટિવ ના જોઈ શકે, ફક્ત નેગેટિવ જ જુએ. જેની માટે ઈર્ષ્યા થતી હોય એ વ્યક્તિની પીઠ પાછળ નિંદા કૂથલી થાય, એના વિશે નેગેટિવ ચર્ચાઓ થાય, એની નાની ભૂલનો ધજાગરો ઉડાવે અને આવાં પગલાં લેવામાં પોતાને અચકાટ ન થાય.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “આ ટીકા એ તો અહંકારનો મૂળ ગુણ છે. એ સ્પર્ધાનો ગુણ છે એટલે ટીકા તો રહેવાની જ.” ટીકા એટલે સામાના પ્રત્યક્ષ દેખાતા દોષો ખુલ્લા કરવા અને નિંદા એટલે સામાના દેખાતા-ના દેખાતા બધા જ દોષો ગા ગા કર્યા કરવા, એનું અવળું જ બોલ બોલ કરવું. જ્યારે કોઈ માણસની લોકોમાં આબરૂ સારી હોય, મોભો હોય, કીર્તિ હોય, તો આપણને તેની ઈર્ષ્યા થાય અને તેનું ઊંધું બોલીને તોડી પાડીએ એ તો ગાઢ નિંદા કહેવાય. નિંદા એ ભારે ખરાબ વસ્તુ છે.

જે પોતે દુઃખી હોય તે જ કોઈની નિંદા કે ટીકા કરે. સુખિયો માણસ કોઈની નિંદા કે ટીકા કરે નહીં.

ઈર્ષ્યાનું મૂળ અસલામતી

ઈર્ષ્યાનું સૌથી મોટું કારણ છે અહંકારનો ભય અને અસલામતી! પોતે સંસારની ચીજવસ્તુઓ, વ્યક્તિઓ, સફળતા કે કામના આધારે પોતાનું અસ્તિત્વ સ્થાપન કરે છે અને તેને જ પોતાનો સર્વસ્વ આધાર માને છે. જ્યારે કોઈ બીજી વ્યક્તિ પોતાના એ આધાર ઉપર તરાપ મારશે એવી અસલામતીનો ભય પેદા થાય છે ત્યારે ઈર્ષ્યા જન્મે છે. એવી સંકુચિતતા ઊભી થવાથી એ નિમિત્તને પોતાના અવલંબનરૂપી વસ્તુ કે વ્યક્તિથી દૂર રાખવાના પ્રયત્નો સહેજે થાય છે. એમાં જો પોતે સફળ ના થાય તો સામા નિમિત્ત પ્રત્યે અત્યંત દ્વેષ ઊભો થાય છે, જે વધીને વેર સુધી પહોંચે છે.

ઈર્ષ્યાના અંધાપામાં પોતાને એ નથી સમજાતું, કે આ બધા સંસારના આધાર બરફ જેવા ક્ષણભંગુર છે. ક્યારે બરફ ઓગળી જશે, આધાર જતો રહેશે એનો ભરોસો નથી. પણ એ બરફને સાચવવા અત્યાર સુધી જે ખટપટ કરી, લોકોને ખસેડ્યા, દ્વેષ કર્યા, વેર બાંધ્યા એ બધું કર્મરૂપે આપણી સાથે ને સાથે જ રહેશે.

×
Share on