Related Questions

બાળકો પ્રત્યે પ્રેમથી કેવી રીતે વર્તવું?

love

વ્યવહારમાં બાળકો ફક્ત પ્રેમથી જ વશ થઈ શકે, ત્યાં બીજા બધા હથિયાર અંતે નકામા નીવડે. મા-બાપને એમ જ લાગતું હોય છે કે અમે અમારા બાળકોને પ્રેમ જ આપીએ છીએ. પણ પ્રેમ શબ્દનો અર્થ બહુ ગૂઢ છે. ઘણા મા-બાપ બાળકોને મોહથી ઉછેરે છે, અથવા તો ફરજ છે એમ કરીને કંટાળીને ઉછેરે છે. મા-બાપને અપેક્ષા હોય છે કે મારું બાળક મારા કહ્યા પ્રમાણે કરે, અને એમ ના થાય તો ચિડાઈ જાય. એ પ્રેમ નથી પણ આસક્તિ છે.

છોકરો બારમામાં નેવું ટકા માર્કસ લાવ્યો હોય તો મા-બાપ ખુશ થઈને પાર્ટી આપે ને છોકરાની હોશિયારીના વખાણ કરતા ના થાકે! એને નવું બાઈક ગિફ્ટમાં લાવી આપે. એ જ છોકરો ચાર દિવસ પછી બાઈક અથાડી લાવે, બાઈકનો કચ્ચરઘાણ થઈ જાય તો એ જ મા-બાપ એને શું કહે? “અક્કલ વગરનો છે, મૂરખ છે, હવે તને કશું નહીં મળે!” ચાર દિવસમાં તો “મારો દીકરો હોશિયાર” એ સર્ટિફિકેટ પાછું લઈ લીધું! પ્રેમ બધો જ ઊતરી ગયો! આને તે કંઈ પ્રેમ કહેવાય?

બાળકો સાથે પ્રેમ રાખવાનો છે. પ્રેમ એટલે શું? બાળક સારું કરીને આવે તો મા-બાપને ઉછાળો ના આવે અને ખરાબ કરીને આવે તો એના ઉપર તૂટી ના પડે. પણ એવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે “પ્રેમ સમજણપૂર્વકનો હોવો જોઈએ.” તેઓશ્રી મા-બાપને પોતાના બાળકો પ્રત્યેનો પ્રેમ સમજણપૂર્વકનો છે કે નહીં તે પારખવાની દ્રષ્ટિ આપે છે.

પ્રશ્નકર્તા : અત્યારે તો, છોકરાં ઉપર વહાલ કરીએ એને જ પ્રેમ માનીએ છીએ ને!

દાદાશ્રી : એમ? પ્રેમ તો આ ચકલીને એનાં બચ્ચાં પર હોય છે. એ ચકલી નિરાંતે દાણા લાવી અને માળામાં આવે, એટલે પેલાં બચ્ચાં ‘માજી આવ્યાં, મમ્મી આવ્યાં’ કરી મૂકે. ત્યારે ચકલી એ બચ્ચાનાં મોઢામાં દાણા મૂકે. ‘એ દાણા કેટલાક રાખી મૂકતી હશે મહીં મોઢામાં? અને કેવી રીતે એક-એક દાણો કાઢતી હશે?’ એ હું વિચારમાં પડેલો. તે ચારેય બચ્ચાંને એક-એક દાણો મોઢામાં મૂકી આપે.

પ્રશ્નકર્તા : પણ એમનામાં આસક્તિ ક્યાંથી આવે? એમનામાં બુદ્ધિ નથી ને!

દાદાશ્રી : હા, તે જ હું કહું છું ને? એટલે આ તો એક જોવા માટે કહું છું. ખરેખર તો એ પ્રેમ ગણાય નહીં. પ્રેમ સમજણપૂર્વકનો હોવો જોઈએ. પણ એ ય પ્રેમ ગણાય નહીં. પણ છતાં ય આપણે આ બેનો ભેદ સમજવા દાખલો મૂકીએ છીએ. આપણા લોકો નથી કહેતા કે ભઈ, આ ગાયનો વાછરડા પર કેટલો ભાવ છે? તમને સમજ પડી ને? એની મહીં એ બદલાની આશા ના હોય ને!

અહીં આપણને બાળકો સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કેવો હોય? તે કેવી રીતે કેળવાય? મા-બાપ તરીકે આપણે ક્યાં ઊભા છીએ? તે સર્વેની સમજણ મળે છે.

માળીની જેમ પ્રેમથી ઉછેરો છોડવાને

love

માળી બગીચામાં જુદાજુદા કેટલાય ફૂલો હોય, એ દરેક ફૂલના છોડવાને પ્રેમથી ઉછેરે છે. છોડવાને ખાતર-પાણી આપે, છોડમાંથી સડેલાં પાંદડાં કાઢી નાખે, છોડની ફરતે વાડ બાંધીને તેને રક્ષણ આપે, ક્યાંકથી ડાળી વાંકી નીકળવા માંડે, તો એને ટેકો આપે જેથી છોડ વધે. પણ માળી એવી અપેક્ષા ના રાખે કે મોગરાના છોડમાંથી ગુલાબ ઊગવો જોઈએ, અથવા ગુલાબના છોડમાંથી મોગરો જ નીકળવો જોઈએ.

તેવી જ રીતે, આપણે બાળકોને પણ એમની પ્રકૃતિ પ્રમાણે ખીલવા દેવા જોઈએ. એની પ્રકૃતિ પ્રમાણે પોષણ આપવું જોઈએ. પણ મા-બાપની ભૂલ ત્યાં થાય છે જ્યારે તેઓ પોતાની પ્રકૃતિ પ્રમાણે બાળકોનું ઘડતર કરવા જાય છે. મા-બાપને બે દીકરા હોય, જેમાં એક ડાહ્યો હોય અને બીજો તોફાની હોય, તો મહેમાનોની સામે મા-બાપ ટકોર કરે કે, ‘નાનો બહુ જીદ્દી છે, સાંભળતો જ નથી.’ એટલે નાનો દીકરો પણ એ સાંભળે અને મનમાં આંટી વાળે કે ‘જાઓ હવે નહીં જ સાંભળું!’ અને વધારે જીદ પકડે.

બાળકોની પ્રકૃતિમાં સારા અને ખરાબ બંને ગુણો રહેવાના. બાળકોને પ્રેમથી ઉછેરવા એટલે એમના સારા ગુણોને એપ્રિશિએટ કરવા, એન્કરેજ કરવા. જ્યારે બાળક કંઈક ખરાબ કરીને આવે, જુઠું બોલે, ચોરી કરે, ધાર્યું ના થાય તો ગુસ્સો કરે, જીદ પકડે ત્યારે મા-બાપે તેમને સાચી સમજણ પાડવી. પણ બાળકોને કંઈક ખોટું કરતા જોઈએ કે તરત પેરન્ટ્સ રીએક્ટ થઈ જાય છે. તેની સામે પરમ પૂજ્ય દાદા ભગવાન સુંદર સમજણ આપે છે.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી પડે છે, તો એનાથી તેને દુઃખ થાય છે. તો તે કેવી રીતે એનો નિકાલ કરવો?

દાદાશ્રી : ટકોર કરવામાં વાંધો નથી, પણ આપણને આવડવું જોઈએને! કહેતાં આવડવું જોઈએ ને, શું?

પ્રશ્નકર્તા : કઈ રીતે?

દાદાશ્રી : બાબાને કહીએ, ‘તારામાં અક્કલ નથી, ગધેડો છું.’ આવું બોલીએ તો પછી શું થાય તે! એને ય અહંકાર હોય કે નહીં? તમને જ તમારો બોસ કહે કે ‘તમારામાં અક્કલ નથી, ગધેડો છું.’ એવું કહે તો શું થાય? ના કહેવાય આવું. ટકોર કરતાં આવડવી જોઈએ.

પ્રશ્નકર્તા : કઈ રીતે ટકોર કરવાની?

દાદાશ્રી : એને બેસાડવો. પછી કહીએ, આપણે હિન્દુસ્તાનના લોક, આર્ય પ્રજા આપણી, આપણે કંઈ અનાડી નથી અને આપણાથી આવું ન થાય કંઈ. આમતેમ બધું સમજાવી અને પ્રેમથી કહીએ ત્યારે રાગે પડે. નહીં તો તમે તો માર, લેફ્ટ એન્ડ રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ લઈ લો તે ચાલતું હશે?

પરિણામ પ્રેમથી કર્યા સિવાય આવે નહીં. એક છોડવો ઉછેરવો હોયને, તો ય તમે પ્રેમથી ઉછેરો, તો બહુ સારો ઉછરે. પણ એમ ને એમ પાણી રેડોને, બૂમાબૂમ કરો, તો કશું ના થાય. એક છોડવો ઉછેરવો હોય તો! તમે કહો કે ઓહોહો, સરસ થયો છોડવો. તે એને સારું લાગે છે! એ ય સરસ ફૂલાં આપે મોટાં મોટાં! તો આ પછી મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે?

મા-બાપે બાળકો સાથે ધીરજથી કામ લેવું અને ભૂલોમાંથી પાછા વાળવા. પ્રેમવાળો વ્યવહાર એવો હોય જ્યાં બાળકની નબળાઈ મા-બાપના લક્ષમાં જ હોય, અને એ કઈ રીતે એમાંથી બહાર નીકળે એના પોઝિટિવ પ્રયત્નો ચાલુ હોય.

સમજો નેગેટિવ શબ્દોની અસરો

બાળકો નાના હોય ત્યારથી મા-બાપ તેમને “બહુ જીદ્દી છે”, “એટલું પજવે છે મને!”, “મારું માનતા જ નથી!”, “તું ભણીશ નહીં તો કોઈ દિવસ ઊંચે નહીં આવે! મજૂરી કરીશ”, “ભાઈ કેટલું સરસ ભણે છે, તું કાંઈ કરતો જ નથી!” એવા અનેક નેગેટિવ વાક્યો બોલ બોલ કરતા હોય છે. વર્ષો સુધી એકધારા નેગેટિવ વાક્યો સાંભળી સાંભળીને બાળકની માનસિકતા ડીફોર્મ થઈ જાય છે. વર્ષો સુધી મા-બાપ બાળકો ઉપર ચિડાય, એની બીજા સાથે કમ્પેરિઝન કરે, ટોક ટોક કરે એનાથી બાળકોના દિલને દુઃખ પહોંચે છે.

love

પછી બાળકો પણ સામે મા-બાપને સર્ટીફીકેટ આપે છે કે “તમે મને પ્રેમ નથી કરતા!” બાળકો મોટા થાય એટલે ઘરથી ભાગે, મોટેભાગે મિત્રોમાં બહાર રહે અને મોડેથી પાછા આવે. પ્રેમ હોય તો ઘરમાં મા-બાપ આવે એટલે બાળકો ખુશ ખુશ થઈ જાય.

મા-બાપને અપેક્ષા હોય કે મારા બાળકો મારા જેવા જ ભણવામાં હોશિયાર થાય. ઘણીવાર બાળક ભણતરમાં નબળું હોય તો એની પાસે ભણવા સિવાય બીજી કોઈ આવડત હોય. પણ મા-બાપ એની પ્રાકૃતિક આવડતને ઓળખી શકતા નથી. માતા-પિતાએ બાળકની સારી વસ્તુ કઈ છે એનું નિરીક્ષણ કરવું જોઈએ.

બાળકો ઉપર પ્રેમ હોય તો એમનો એકપણ દોષ ના દેખાય. ફરજના ભાગરૂપે ટકોર કરવી હોય તો પણ સમજાવીને વાત કરવી. પણ બાળકોને વઢીને, નેગેટિવ બોલીને દુઃખ ના આપવું. ઘણા મા-બાપને પ્રશ્ન હોય છે કે બાળકોને ઘણી વખત સમજાવવા છતાં એ લોકો સમજે નહીં તો શું કરવું? પરમ પૂજ્ય દાદાશ્રીને પણ આવો જ પ્રશ્ન પૂછાયો હતો. ત્યારે તેમણે જે સમજણ આપી હતી તે આજે પણ કામ લાગે તેવી છે.

પ્રશ્નકર્તા : સંસારમાં રહ્યા પછી કેટલીક જવાબદારીઓ બજાવવી પડે છે અને જવાબદારીઓ અદા કરવી એ એક ધર્મ છે. એ ધર્મ બજાવતાં, કારણે કે અકારણે કટુવચન બોલવાં પડે છે, તો એ પાપ કે દોષ ગણાય? આ સંસારી ધર્મો બજાવતી વખતે કડવાં વચન બોલવાં પડે, તો એ પાપ કે દોષ છે?

દાદાશ્રી : એવું છે ને, કડવું વચન બોલીએ તે ઘડીએ આપણું મોઢું કેવું થઈ જાય? ગુલાબનાં ફૂલ જેવું, નહીં? આપણું મોઢું બગડે તો જાણવું કે પાપ લાગ્યું. આપણું મોઢું બગડે એવી વાણી નીકળી ત્યાં જ જાણવું કે પાપ લાગ્યું. કડવાં વચન ના બોલાય. ધીમે રહીને, આસ્તે રહીને બોલો. થોડાં વાક્યો બોલો, પણ આસ્તે રહીને સમજીને કહો, પ્રેમ રાખો, એક દહાડો જીતી શકશો. કડવાથી જીતી નહીં શકો. પણ એ સામો થશે ને અવળાં પરિણામ બાંધશે. એ છોકરો અવળાં પરિણામ બાંધે. ‘અત્યારે તો નાની ઉંમરનો છું, તે મને આવું ટૈડકાવે છે. મોટી ઉંમરનો થઈશ એટલે આપીશ.’ એવાં પરિણામ મહીં બાંધે. માટે આવું ના કરો. એને સમજાવો. એક દહાડો પ્રેમ જીતશે. બે દહાડામાં જ એનું ફળ નહીં આવે. દસ દહાડે, પંદર દહાડે, મહિના સુધી પ્રેમ રાખ્યા કરો. જુઓ, આ પ્રેમનું શું ફળ આવે છે એ તો જુઓ! તમને ગમી આ વાત? કડવું વચન બોલીએ તો આપણું મોઢું ના બગડી જાય?

પ્રશ્નકર્તા : આપણે અનેક વાર સમજાવીએ છતાં એ ના સમજે તો શું કરવું?

દાદાશ્રી : સમજાવવાની જરૂર જ નથી. પ્રેમ રાખો. છતાં આપણે એને સમજણ પાડીએ ધીમે રહીને. આપણા પડોશીને ય એવું કડવું વચન બોલીએ છીએ આપણે?

પ્રશ્નકર્તા : પણ એવી ધીરજ હોવી જોઈએ ને?

દાદાશ્રી : હમણે ડુંગર ઉપરથી ઢેખાળો પડે ને એ તમારા માથે પડે તો તમે ઉપર જોઈ લો ને પછી કોની ઉપર ક્રોધ કરો? તે ઘડીએ શાંત રહો ને? કોઈ દેખાય નહીં એટલે આપણે જાણીએ કે આ કોઈએ નથી નાખ્યો. માટે એની મેળે પડ્યો છે. એટલે એનો આપણે ગુનો નથી ગણતા. ત્યારે પેલોય એની મેળે જ પડે છે. એ તો, નાખનાર તો, વ્યક્તિ દેખાય છે એટલું જ છે. બાકી, એની મેળે જ પડે છે. તમારા જ હિસાબ ચૂકતે થાય છે બધા. આ દુનિયામાં બધા હિસાબ ચૂક્તે થઈ રહ્યા છે. નવા હિસાબ બંધાઈ રહ્યા છે ને જૂના હિસાબ ચૂક્તે થઈ રહ્યા છે. સમજ પડીને? માટે સીધું બોલજો છોકરાં જોડે, સારી ભાષા બોલજો.

બદલાની આશા ટાળો

બાળકો નાના હોય ત્યારથી મા-બાપ તેમના માટે ખૂબ મહેનત કરે, પૈસા કમાય, બચત કરીને બાળકોને ભણાવે-ગણાવે. પછી જ્યારે બાળકો મોટા થાય ત્યારે મા-બાપને એમની પાસેથી બદલાની અપેક્ષા ઊભી થાય. અપેક્ષા પૂરી ના થાય ત્યારે મા-બાપને એટલો જ દ્વેષ અને દુઃખ થાય. જ્યાં સહેજ પણ બદલાની અપેક્ષા છે ત્યાં પ્રેમ નથી. પરમ પૂજ્ય દાદા ભગવાન આ જ બાબત ઉપર પ્રકાશ પાડે છે.

દાદાશ્રી : એટલે આસક્તિ ક્યાં હોય? કે જ્યાં એની પાસે કંઈક બદલાની આશા હોય, ત્યાં આસક્તિ હોય અને બદલાની આશા વગરના કેટલા માણસો હશે હિન્દુસ્તાનમાં?

એક આંબો ઉછેરે છેને આપણા લોક, તે કંઈ આંબાને ઉછેરવા માટે ઉછેરે છે? ‘શા સારુ ભઈ, આંબાની પાછળ આટલી બધી માથાકૂટ કરો છો?’ ત્યારે એ કહે છે, ‘આંબો મોટો થશેને, તે મારા છોકરાનાં છોકરાં ખાશે અને પહેલાં તો હું ખાઈશ.’ એટલે ફળની આશાથી આંબો ઉછેરે છે. તમને કેમ લાગે છે? કે નિષ્કામ ઉછેરે છે? નિષ્કામ કોઈ ઉછેરતા નહીં હોય! એટલે બધાય પોતાની ચાકરી કરવા સારુ છોકરાં ઉછેરતાં હશે ને કે ભાખરી કરવા સારુ!

પ્રશ્નકર્તા : ચાકરી કરવા માટે.

દાદાશ્રી : પણ અત્યારે તો ભાખરી થઈ જાય છે. મને એક જણ કહે છે, ‘મારો છોકરો ચાકરી નથી કરતો.’ ત્યારે મેં કહ્યું, ‘ત્યારે ભાખરી ના કરે તો શું કરે તે? હવે કંઈ લાડવા થાય એવા છો નહીં, તે ભાખરી કરે એટલે ઉકેલ(!) આવી જશે.’

મા-બાપની ચાકરી કરવાની દરેક બાળકની ફરજ છે જ, અને કરવી જ જોઈએ. પણ મા-બાપ જ્યારે વધુ પડતું લૂંટાવે છે ત્યારે એમના લક્ષમાં રહેવું જોઈએ કે બાળકો એનો બદલો આપે કે ન આપે તોય પ્રેમ ઘટે નહીં. કહે છે ને, “છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ના થાય!”

બાળકોને પ્રેમથી સુધારો

બાળકોને સુધારવા માટે મા-બાપની ઈચ્છા હોય કે એ લોકો સાંભળે તો મા-બાપે તેમની કહેવાની રીત બદલવાની જરૂર છે. કારણ કે, બાળકો સહેજ સત્તાવાહી અવાજ સાંભળે કે એમના બારણા બંધ કરી દે છે, એટલે કે એમની સ્વીકારવાની શક્તિ બંધ થઈ જાય છે. જેમ ચામાં એક ચમચી ખાંડ નાખીએ તો એ ઓગળે. પણ પચીસ પચીસ ચમચી ખાંડ નાખીએ તો? તેમ મા-બાપ બાળકોને નાનપણથી વધુ પડતું કહે કહે કરે તો બાળકો મા-બાપની વાત પછી સ્વીકારતા નથી. નાના ચાર વર્ષના બાળકની સાથે પણ સમજાવીને વાત કરવી જોઈએ.

love

પરમ પૂજ્ય દાદા ભગવાન બાળકોને સુધારવાની માસ્ટર કી આપે છે.

દાદાશ્રી : સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : હા, આપે કહેલું કે કોઈ આપણા માટે બારણાં વાસી દે, તે પહેલાં આપણે અટકી જવું.

દાદાશ્રી : હા, ખરી વાત છે. એ બારણાં વાસી દે, તે પહેલાં આપણે અટકી જવું જોઈએ. તે એને વાસી દેવાં પડે ત્યાં સુધી આપણી મૂર્ખાઈ કહેવાય, શું? આવું ના હોવું જોઈએ અને સત્તાવાહી અવાજ તો કોઈ દહાડો મારો નીકળ્યો જ નથી. એટલે સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ. નાનો હોય ત્યાં સુધી સત્તાવાહી અવાજ દેખાડવો પડે. ચૂપ બેસી જા. તેય હું તો પ્રેમ જ દેખાડું. હું તો પ્રેમથી વશ કરવા માંગું.

પ્રશ્નકર્તા : પ્રેમમાં જેટલો પાવર છે એટલો પાવર સત્તામાં નહીં ને?

દાદાશ્રી : ના. પણ તમને પ્રેમ ઉત્પન્ન થાય નહીંને, જ્યાં સુધી પેલો કચરો નીકળી ના જાય, કચરો બધો કાઢે છે કે નથી કાઢતી? કેવા સરસ હાર્ટવાળા! જે હાર્ટિલિ હોયને તેની જોડે ડખો ના કરવો, તારે એની જોડે સારું રહેવું. બુદ્ધિવાળા જોડે ડખો કરવો, કરવો હોય તો. છોડ રોપ્યો હોય તો, તમારે એને વઢવઢ નહીં કરવાનું કે જો તું વાંકો ના થઈશ, ફૂલ મોટાં લાવજે. આપણે એને ખાતર અને પાણી આપ્યા કરવાનું. જો ગુલાબનો છોડ આટલું બધું કામ કરે છે, આ છોકરાઓ તો મનુષ્ય છે. અને મા-બાપો ધબેડે હઉ, મારે હઉ!

હંમેશાં પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે. જો ધાકથી સુધરતું હોય ને તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે, એને જેલમાં ઘાલી અને ફાંસી કરે. પ્રેમથી જ સુધરે જગત.

બાળકો છે, પ્રેમ ભૂખ્યા

બાળકો પ્રેમના ભૂખ્યા છે. જો તેમને ઘરમાં જ પ્રેમનું વાતાવરણ મળશે તો તેઓ બહાર પ્રેમ નહીં ખોળે. પણ ઘરમાં મમ્મી સાથે કચકચ, પપ્પા સાથે ટકરામણના કારણે તેઓ નાની ઉંમરે પછી ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના ચક્કરમાં ફસાય છે. પ્રેમ સાચો હશે તો પછી પ્રેમથી કહેલા બે કઠણ શબ્દો પણ બાળકોને દુઃખ નહીં આપે, ઘા નહીં મારે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “તમે એને એક ટપલી મારો તો એ રડવા માંડશે, એનું શું કારણ? એને વાગ્યું તેથી! ના, એને વાગ્યાનું દુઃખ નથી. એનું અપમાન કર્યું, તેનું એને દુઃખ છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે બાળકો કોઈ શાકભાજી નથી કે એમને સુધારવા જોઈએ. તેઓશ્રી બાળકોને સુધારવાનો અક્સીર ઈલાજ આપતા કહે છે કે, “આ જગતને સુધારવાનો રસ્તો જ પ્રેમ છે. જગત જેને પ્રેમ કહે છે તે પ્રેમ નથી, તે તો આસક્તિ છે. આ બેબી પર પ્રેમ કરો, પણ તે પ્યાલો ફોડે તો પ્રેમ રહે? ત્યારે તો ચિડાય. માટે એ આસક્તિ છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે ઘરમાં માતા-પિતા પાસેથી પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ મળતો દેખે, પછી બાળકોને ઘરની બહાર પ્રેમ ખોળવાની જરૂર જ નહીં રહે. ઘરનું એવું વાતાવરણ થાય પછી બાળકોને જેવા સંસ્કાર આપીશું તે પ્રમાણે તેઓ ચાલશે.

બાળકો પ્રત્યેના પ્રેમની પરખ

બાળકો માટે મા-બાપનો પ્રેમ સાચો છે કે નહીં તે ક્યારે ખબર પડે? જ્યાં સુધી મીઠાશ વર્તે ત્યાં સુધી કાંઈ ના લાગે, પણ જેવી સંબંધમાં કડવાટ ઊભી થાય ત્યારે ખબર પડે.

આખી જિંદગી દીકરો મા-બાપની સંપૂર્ણ આમન્યામાં રહ્યો હોય. પણ એક જ વખત ગુસ્સામાં, સંજોગવશાત્ જો બાપને દીકરો ‘તમે અક્કલ વગરના છો’ એમ બોલી દે, તો આખી જિંદગી માટેનો સંબંધ તૂટી જાય! બાપ પણ કહે, ‘તું મારો દીકરો નહીં, ને હું તારો બાપ નહીં!’ અને બંને છૂટા પડી જાય. કાયમનો બંને વચ્ચે ભેદ પડી જાય. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “જો સાચો પ્રેમ હોય તો એ કાયમ માટે તેવો ને તેવો જ રહે, પછી ગાળો ભાંડો કે ઝઘડો કરે. એ સિવાયના પ્રેમને તો સાચો પ્રેમ શી રીતે કહેવાય? ઘાટવાળો પ્રેમ તેને જ આસક્તિ કહેવાય.

બાળકો સારું કરે તો તેમની જોડે સારો વ્યવહાર હોય અને વાંકું કરે તો વાંકો વ્યવહાર થાય એવો એક્શન-રિએક્શનવાળો પ્રેમ સાચો ના કહેવાય. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “એ તો વેપારી અને ગ્રાહક જેવો પ્રેમ છે, સોદાબાજી છે. જગતનો પ્રેમ તો આસક્તિ કહેવાય. પ્રેમ તો તેનું નામ કહેવાય કે જોડે ને જોડે રહેવાનું ગમે. તેની બધી જ વાત ગમે. તેમાં એક્શન એન્ડ રિએક્શન ના હોય. પ્રેમ પ્રવાહ સરખો જ વહ્યા કરે. વધઘટ ના હોય, પૂરણ ગલન ના હોય. આસક્તિ પૂરણ-ગલન સ્વભાવની હોય.

પરમ પૂજ્ય દાદા ભગવાને આપેલી આ સુંદર ચાવીઓ વાપરીને દરેક મા-બાપ પોતાના બાળકો સાથે પ્રેમભર્યો વ્યવહાર કરતા શીખી જશે.

×
Share on