Related Questions

મતભેદ થવાના કારણો શું છે?

અથડામણો આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલ છે, પરંતુ તેમાંથી છૂટકારો કઈ રીતે મેળવવો? જો આપણે અથડામણ થવાના કારણો જાણીએ તો આપણે તેના પ્રત્યે જાગૃત બની શકીએ અને અથડામણ પણ ટાળી શકીએ. અથડામણ થવાના અનેક કારણો હોય છે, તેમાંના અમુક કારણો નીચે દર્શાવેલ છે:

  • જ્યારે તમારી ઈચ્છા પૂર્ણ થતી નથી.
  • જ્યારે તમારી અપેક્ષા મુજબ થતું નથી.
  • જ્યારે કોઈ તમારું અપમાન કરે છે.
  • જ્યારે કોઈ તમારી ભૂલો બતાવે છે.
  • જ્યારે કોઈ તમને દુ:ખ આપે છે.
  • જ્યારે સામી વ્યક્તિ કરતા તમારો દ્રષ્ટિકોણ અલગ હોય છે.
  • જ્યારે તમે ઈચ્છો તેવું વર્તન લોકો ન કરે.
  • જ્યારે કોઈ તમારી વાત સાંભળે નહીં.
  • જ્યારે કોઈ તમને મદદ ન કરે.
  • જ્યારે કોઈ તમારી સાથે વિશ્વાસઘાત કરે.
  • જ્યારે કોઈ તમારી ઉપર ગુસ્સે થાય.
  • જ્યારે કોઈ તમને અંકુશમાં લેવાનો પ્રયત્ન કરે.
  • જ્યારે કોઈ કારણ વગર તમારી મજાક ઉડાવે.
  • જ્યારે કોઈ તમારો અહમ દુભાવે.
  • જ્યારે તમારો સમય ખરાબ ચાલી રહ્યો હોય અને કોઈ તમને હેરાન કરે.
  • જ્યારે કોઈ તમને એકનો એક સવાલ વારંવાર પૂછે.
  • જ્યારે કોઈ તમને ત્વરિત નિર્ણય લેવા દબાણ કરે.
  • જ્યારે કોઈ તમને ગણકારે નહીં.
  • જ્યારે કોઈ તમારી નિંદા કરતું હોય અને તેની તમને ખબર પડે.
  • જ્યારે કોઈ એક જ વાત વિશે વારંવાર તમને ચીડવે.
  • જ્યારે તમે ખૂબ વ્યસ્ત હોવ અને કોઈ તમારો સમય બગાડવા આવે.
  • જ્યારે કોઈ તમને ગાઢ નિદ્રામાંથી જગાડે અથવા તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે.
  • જ્યારે કોઈ તમને સમયસર જવાબ ન આપે.
  • જ્યારે તમારે કોઈ એક જ વસ્તુ બીજાને સમજાવવા વારંવાર કહેવી પડે.
  • જ્યારે કોઈ તમારા અંગત જીવન વિશે પ્રશ્ન પૂછે અથવા તેમાં દખલ કરે.
  • તમે પહેલેથી સમજી ગયા હોવ છતાં કોઈ એક જ વાંરવાર તમને કહ્યા કરે.
  • જ્યારે તમે અમુક વસ્તુ કેટલીક વાર સહન કરો છો પરંતુ, પછી તમારી સહન કરવાની હદ આવી જાય અને તમે સ્પ્રિંગની જેમ ઊછળી પડો છો.
  • જ્યારે તમે તમારી ભૂલ સ્વીકારી લો છો પરંતુ, કોઈ તમને તે જ વાત સંભળાવ્યા કરે છે.
  • જ્યારે તમે ચોખ્ખું રાખવાનો આગ્રહ રાખો છો અને કોઈ ગંદુ કરી નાખે છે.
  • જ્યારે કોઈ વસ્તુ તમે જે જગ્યાએ રાખો છો તે જગ્યાએ મળતી નથી.
  • જ્યારે કોઈ તમને ન ભાવતી રસોઈ બનાવી આપે.
  • જ્યારે અન્યની સામે કોઈ તમારો સાથ ન આપે.
  • જ્યારે તમે ટી.વી. ઉપર કંઈક જોવા ઈચ્છતા હોવ અને બીજા લોકો બીજું કંઈક જોવા ઈચ્છતા હોય.
  • જ્યારે તમારે ન ગમતી વ્યક્તિ સાથે રહેવું પડે છે અથવા વ્યવહાર કરવો પડે છે.
  • જ્યારે કોઈ નકામી વાતો કર્યા કરે છે અને મુદ્દાની અગત્યની વાત કરતા નથી.
  • જ્યારે કોઈ તમારા વિશે ગેરસમજ કરે છે.
  • જ્યારે કોઈ તમારો લાભ અને ગેરલાભ ઉઠાવે છે.
  • જ્યારે તમને એમ છે કે તમે બહુ સરસ કામ કર્યું છે અને કોઈ તમારી નિંદા કરે.
  • જ્યારે તમને ખૂબ ભૂખ લાગી હોય અને વધારાનું કામ કરવું પડે છે.
  • જ્યારે તમારે બિનજરૂરી કાયદાઓ અને નિયમોનું પાલન કરવું પડે છે.

આવા તો અસંખ્ય કારણો હોય છે...

જુદી જુદી જગ્યાએ અસંખ્ય અથડામણો થાય અને મનની શાંતિ ગુમાવવી પડે, તેના કરતા તો શું શરૂઆતથી જ અથડામણને ટાળી દેવી એ જ સહેલો રસ્તો નથી? તેના માટે તમારે અથડામણના સૂક્ષ્મ કારણો સમજવા જોઈએ, જે તમે ક્યારેય જાણ્યા નહીં હોય. પરમ પૂજ્ય દાદા ભગવાને તેને વિગતવાર અહીં સમજાવ્યા છે:

અથડાયા, તે આપણી જ ભૂલથી!

conflict

આ દુનિયામાં કંઈ પણ અથડામણ થાય એ તમારી જ ભૂલ છે, સામાની ભૂલ નથી. સામા તો અથડાવાના જ છે. 'તમે કેમ અથડાયા?' ત્યારે કહે, 'સામો અથડાયો એટલે.' તે તો આંધળો છે અને તેની સાથે અથડામણ કરીને તમે પણ આંધળા થઈ જાઓ છો.

તો ચાલો જોઈએ શું કહે છે પરમ પૂજ્ય દાદા ભગવાન તેમના જ શબ્દોમાં:

પ્રશ્નકર્તા: અથડામણમાં અથડામણ કરીએ તો શું થાય?

દાદાશ્રી: માથું ફૂટી જાય! તો અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું?

પ્રશ્નકર્તા: આપણી જ ભૂલ છે.

દાદાશ્રી: હા, અને તે તરત એક્સેપ્ટ કરી લેવી. અથડામણ થઈ એટલે આપણે જાણવું કે, 'એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ!' પોતાની ભૂલ જડે એટલે ઉકેલ થઈ ગયો, પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આપણે 'સામાની ભૂલ છે' એવું ખોળવા જઈશું, તો કોઈ દહાડોય આ પઝલ સોલ્વ નહીં થાય. 'આપણી ભૂલ છે' એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે, બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે અને ઉપાયો કરવા, એ આપણો અંદરખાને છૂપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો? સામો આપણી ભૂલ કાઢે, તો આપણે એમ કહેવું કે, 'હું તો પહેલેથી જ વાંકો છું.'

બુદ્ધિ જ સંસારમાં અથાડી મારે છે. અરે, એક બાયડીનું સાંભળીને ચાલે તોય પડતી આવે, અથડામણ થઈ જાય, તો આ તો બુદ્ધિબેન! તેનું સાંભળે તો ક્યાંનો ક્યાંય ફેંકાઈ જાય! અરે, રાત્રે બે વાગે ઉઠાડીને બુદ્ધિબેન અવળું દેખાડે. બૈરી તો અમુક વખત ભેગી થાય પણ બુદ્ધિબેન તો નિરંતર સાથે ને સાથે જ રહે. તે બુદ્ધિ તો 'ડીથ્રોન' (ફેંકાવી દે) કરાવે તેવી છે.

અથડામણ સૂઝના અભાવથી

કોઈ સમસ્યાનું સમાધાન ન મળવાના કારણે અથડામણ થાય છે. કંઈક એવું બને છે કે જેની સાથે આપણે વ્યવહાર કરવા સક્ષમ નથી હોતા અને આપણે ખૂબ આવેશમાં આવી જઈએ છીએ, જેથી આપણી આસપાસના લોકો સાથે અથડામણ થઈ જાય છે. આમ, અથડામણનું મૂળ કારણ આપણી અજ્ઞાનતા જ છે. જો આપણે કોઈ સાથે અથડાઈએ છીએ તો તે આપણી જ અજ્ઞાનતાની નિશાની છે.

ભીંત સાથે અથડાવવું અને કોઈ સાથે મતભેદમાં ઊતરવું બંને સરખું જ છે. આ મૂળભૂત રીતે તો સરખી જ વસ્તુ છે. વ્યક્તિ ભીંત સાથે અથડાય છે, કારણ કે તેને દેખાતું નથી. તેવી જ રીતે વ્યક્તિ કોઈ સાથે અથડામણમાં આવે છે, કારણ કે તેને દેખાતું નથી. એક પોતાની સામે શું રહેલું છે તે જોઈ શકાતું નથી, અને બીજું તે પોતાની સામે આવેલ પરિસ્થિતિનું સમાધાન કઈ રીતે લાવવું તે દેખાતું નથી, તેથી અથડાય છે. આ બધા શત્રુઓ, ક્રોધ-માન-માયા-લોભ આપણી સામે શું રહેલું છે તે જોઈ ન શકવાની ક્ષમતાને કારણે જ ઉદ્ભવે છે. આ રીતે બધી સમજણ ગોઠવવી જોઈએ. અથડાઈએ છીએ તેમાં ભીંતનો કોઈ દોષ નથી, જે વ્યક્તિને ઈજા થાય છે તેનો દોષ છે. અથડામણ થાય છે તે બધા માણસો ભીંત જેવા જ છે. જ્યારે તમે ભીંત સાથે અથડાવ છો, ત્યારે શું તમે એવું વિચારો છો કે કોનો દોષ છે? શું તમે એવું સાબિત કરવા પણ મથો છો કે તમે સાચા જ છો? તમારે જેની જોડે અથડામણ થાય છે તે બધા માણસો ભીંત જેવા જ છે, તેવું વિચારવું જોઈએ. દરવાજા તરફ જોવું જોઈએ તો જ તમે અંધકારમાં પણ તમારો રસ્તો કાઢી શકશો. તમારે આ એક નિયમ નક્કી કરવાનો કે કોઈની જોડે અથડામણમાં આવવું નથી.

પૂર્વજન્મના કર્મોનો હિસાબ

અથડાવું એ સ્વાભાવિક છે. વ્યક્તિ જોડે પૂર્વજન્મના હિસાબના કારણે અથડામણ થાય છે. જેની સાથે તમારે આવા હિસાબો નથી, તેની સાથે અથડામણ નહીં થાય. તમારા પૂર્વજન્મના ઘર્ષણો જ ફરીથી ઘર્ષણ જન્માવે છે. ઘર્ષણ સંઘર્ષણને જન્માવે છે અને આ રીતે વધુ ને વધુ ઘર્ષણો થયા જ કરે છે.

પણ જો અથડામણમાં સમજણથી વ્યવહાર કરવામાં આવે તો ખૂબ સારી આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે છે. તે તમને ખૂબ ઉપર લઈ જશે. જેટલી અથડામણની તીવ્રતા વધુ, તેટલા જ વધુ ઉપર જઈ શકાશે. નદીના તીવ્ર પ્રવાહમાં પથ્થરો ઘસાઈ ઘસાઈને લીસા અને ગોળ થાય છે, તે જ રીતે વ્યક્તિના જીવનમાં અથડામણો અને ઘર્ષણો થવાથી વ્યક્તિત્વને નિખારે છે.

જો આ ઘર્ષણ ન થાય તો તમારો વિકાસ રૂંધાય છે. તેથી અથડામણ થાય તો નિરાશ થવાની જરૂર નથી, જ્યારે જ્યારે અથડામણ થાય ત્યારે પ્રતિક્રમણ કરો (માફી માગો).

અથડામણ તો થશે જ. પરંતુ, જેની સાથે અથડામણ થાય છે, તેની સાથે ભેદ ન પડી જવો જોઈએ એ અગત્યનું છે. તમારે એ લક્ષમાં રાખવું જોઈએ કે ઘર્ષણથી અભેદતા તૂટી ના જાય. આ જ આધ્યાત્મિક પ્રગતિ માટે જરૂરી છે.

અથડામણ ટાળવા માટેનો તમારો સ્ટ્રોંગ નિશ્ચય હોવો જોઈએ. જ્યારે જ્યારે અથડામણ થાય ત્યારે તમારે તે વ્યક્તિની અંદર રહેલા શુદ્ધાત્મા પાસે માફી માગવી જોઈએ અને તે વ્યક્તિ સાથે સાચો મિત્રતાભર્યો વ્યવહાર રાખવો જોઈએ.

તો પણ તે વ્યક્તિ સાથે તમારે ફરીથી અથડામણ થશે. તમારે ફરીથી પ્રતિક્રમણ કરવાના. આવી અથડામણો ચાલુ જ રહેશે, કારણ કે તે કર્મોના ઘણા બધા પડ બંધાયેલા હશે, પરંતુ દરેક પ્રતિક્રમણથી અને તમારા ફરીથી ન અથડાવાના નિશ્ચયથી તે કર્મનું એક પડ જશે અને તમે મોક્ષના માર્ગે આગળ વધશો. એક દિવસ તમે તમામ અથડામણોથી મુક્ત થઈ જશો.

અને જે વ્યક્તિ સાથે તમારે અથડામણ થઈ છે, તેનો દોષ જોવાઈ ગયો છે અથવા તમારે તે વ્યક્તિ સાથે ગંભીર મતભેદ પડી ગયો છે, તો તમારે તે બધા માટે અલગ પ્રતિક્રમણ કરવું જોઈએ. તમને બીજાનો દોષ દેખાયો તે જ તમારો દોષ છે, તેવું સમજવું જોઈએ. કોઈ પણ જીવ પ્રત્યે જોયેલો એક નાનકડો દોષ પણ ખૂબ હાનિકારક છે. બંને તરફ તેનાથી નુકસાન થાય છે. જો કે, તમે પ્રતિક્રમણ કરો છો તો તમારો દોષ ભૂંસાઈ જાય છે. તેથી જ્યારે પણ ઘર્ષણ થાય ત્યારે પ્રતિક્રમણ કરવું, જેથી તેનો અંત આવશે. નહીતર તેના ખૂબ ભયંકર પરિણામો આવશે.

બધી અથડામણનું મૂળ કારણ અજ્ઞાનતા

જ્યારે તમે ખરેખર કોણ છો તે સમજાય, તો તમે બાહ્ય તેમજ આંતરિક શાંતિ મેળવી શકશો. તેથી કોઈ પણ બાબત હોય, ‘તમારે’ અથડાવાનું નહીં. આમ, જ્યારે તમને તમારી જાતનું ખરું ભાન થશે, ત્યારે કોઈ પણ પરિસ્થિતિ તમને ગૂંચવી નહીં શકે કે અસર નહીં કરી શકે. તમે સ્થિર રહી શકશો અને સમસ્યાનું સમાધાન મેળવી શકશો. ફક્ત જ્ઞાની પુરુષ જ આ અજ્ઞાનતાને દૂર કરી શકશે.

×
Share on