Related Questions

ક્લેશ નિવારવાની સચોટ ચાવી

જીવનમાં અથડામણના પ્રસંગમાં કઇ રીતે વ્યવહાર કરવો તે માટેના અસંખ્ય રસ્તાઓ છે, જો કે, અથડામણ નિવારવા માટે તથા શાંતિ પ્રાપ્તિની અંતિમ રણનીતિ અને ચાવી છે પ્રતિક્રમણ (માફી માગવી).

બાળક દિન-પ્રતિદિન ચાલવા માટે પ્રયત્નો કર્યા જ કરે છે, પરંતુ તેને ક્યારેય મનમાં એમ વિચાર આવતો નથી કે – ‘મેં અસંખ્ય વખત પ્રયત્નો કર્યા, પરંતુ મને સફળતા ન મળી.’ તે ફક્ત પોતાનો આ પ્રયાસ ચાલુ જ રાખે છે. ધીમે ધીમે તેઓ પોતાની જાતે ચાલતા શીખી જાય છે. તે જ રીતે, દરેક વખતે જ્યારે તમે અથડામણમાં આવો છો, ત્યારે તમારે પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઇએ. તમારે નિરાશ થવાની જરૂર નથી કે ‘ મેં તો બહુ વખત માફી માગી લીધી છે, છતાં શા માટે અથડામણ થયા કરે છે?’ સતત પ્રતિક્રમણોથી તમારું જીવન નિશ્ચિત જ એક દિવસ અથડામણ રહિત થઇ જશે.  

રોજ સવારે તમારે એવું નક્કી કરવું કે, “ આખા દિવસ દરમિયાન મારે કોઇની સાથે અથડામણમાં આવવું જ નથી.” તમારો નિશ્ચય હંમેશા એવો જ હોવો જોઇએ કે ‘ ગમે તે પરિસ્થિતિ આવે પણ, મારે કોઇની સાથે અથડામણમાં આવવું જ નથી.’  

અને હા, જે સમયે તમે અથડામણમાં આવો છો (અતિક્રમણ થાય છે), તે પછી તમે તેના પરિણામો પ્રતિક્રમણથી (હ્રદયપૂર્વક માફી માગવાથી) ભૂંસી શકો છો. પ્રતિક્રમણ કરવાથી તમારા ગુનાઓ ધોવાઇ જાય છે અને ઘર્ષણનો અંત આવે છે. નહિં તો, તેના ભયંકર પરિણામો આવે છે. જો તમે અથડામણ કરો છો, તો તમારે પ્રતિક્રમણ કરવું જ જોઇએ.  

પ્રતિક્રમણ કરવાની રીત નીચે મુજબ છે :  

તમારે જે વ્યક્તિ સાથે અથડામણ થઇ છે તેમની અંદર રહેલા શુધ્ધાત્મા ભગવાનને યાદ કરો અને માફી માગો. 

(વ્યક્તિનું નામ) ની અંદર બિરાજેલા હે ભગવાન! હું આપની સામે ઊંચા અવાજે બોલ્યો તે ભૂલ બદલ આપની માફી માગું છું. મને માફ કરો અને આજથી એવો દ્રઢ નિશ્ચય કરું છું કે ફરી આવી ભૂલ નહિ કરું, તે માટે મને શક્તિ આપો.”  

પ્રતિક્રમણ કરવાથી માત્ર તમારા ભાવ જ શુધ્ધ થશે એવું નહિ, પરંતુ સામી વ્યક્તિના ભાવ અને તમારા પ્રત્યે તેઓના વ્યવહારમાં પણ હકારત્મક (પોઝીટિવ) પરિવર્તન આવશે. 

સામી વ્યક્તિને તમારા સ્પંદન તરત જ પહોંચશે અને તેનાથી સામના મનને શાંતિનો અનુભવ થશે. પ્રતિક્રમણ ખરેખર અદ્‍ભૂત પરિણામો આપે છે, અંતે તો આ એક વૈજ્ઞાનિક રસ્તો છે. 

જો સામી વ્યક્તિ કર્મોના હિસાબોનો ગુણાકાર કરે છે, તો તમારે તેનો ભાગાકાર કરવો જોઇએ, જેથી હિસાબ સરભર થાય. બીજી વ્યક્તિ વિષે નકારાત્મક (નેગેટીવ) વિચારવું એ મોટી ભૂલ છે.  

શબ્દોથી ઊભા થયેલા ઝઘડાઓની અસર અત્યારે ને અહીં જ થશે અને પછી તે ભૂંસાઇ જશે. પરંતુ મનથી થયેલ ઝઘડાઓ તો આગળ ચાલશે. જ્યારે તમે બોલીને કશું કહો છો તો સામી વ્યક્તિ તમને પાછો જવાબ આપશે અને તે માટે તમારે તૈયાર રહેવું જોઇશે. પરંતુ જ્યારે આવી ટકરામણ થાય છે ત્યારે મન તેનાં (વેરના) બીજ વાવી દે છે, પછી તે કર્મ પાકે છે અને ફળ આપે છે. તેથી અત્યારે તમે બીજ વાવી રહ્યા છો તે એક કારણ છે તેથી તમારે આવા ‘કારણો’ બંધાય ન જાય તે માટે પ્રતિક્રમણ કરવું જોઇએ.

આ ભીંતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ કે એકપક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે. બન્નેપક્ષી ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરીએ તો બધા દોષો જાય, એટલે જ્યાં જ્યાં ઘર્ષણ થાય છે, ત્યાં આગળ પ્રતિક્રમણ કરો એટલે ઘર્ષણ ખલાસ થઇ જાય. 

જ્યારે તમે અથડામણમાં આવો છો, ત્યારે હંમેશા પ્રતિક્રમણ કરો જેથી તમે ભૂલથી વાવી દીધેલ બીજ શેકાય જાય. પ્રતિક્રમણ કરવાથી, આપણે આપણી પહેલાની અને અત્યારની ભુલોનો પસ્તાવો કરીએ છીએ અને સામી વ્યક્તિ કે જેને આપણે દુ:ખ પહોંચાડ્યું હોય તેની પાસે માફી માગીએ છીએ જેનાથી આપણે આપણું અત્યારનું અને ભવિષ્યનું જીવન સુધારીએ છીએ અને આપણા ખરાબ કર્મોની અસરોથી મુક્ત બનીએ છીએ. 

×
Share on