Related Questions

મા-બાપની સેવા શા માટે કરવી?

પહેલી મા-બાપની સેવા, જેણે જન્મ આપ્યો તે. પછી ગુરુની સેવા. ગુરુની સેવા ને મા-બાપની સેવા તો ચોક્કસ રહેવી જોઈએ. વખતે ગુરુ સારાં ના હોય તો સેવા છોડી દેવી જોઈએ.

પ્રશ્નકર્તા: અત્યારે મા-બાપની સેવા કરતાં નથી ને, તેનું શું? તો કઈ ગતિ થાય?

દાદાશ્રી: મા-બાપની સેવા ના કરે એ આ ભવમાં સુખી થાય નહીં. મા-બાપની સેવા કરવાનો પ્રત્યક્ષ દાખલો શું? ત્યારે કહે છે કે આખી જિંદગી સુધી દુઃખ ના આવે. અડચણો ય ના આવે, મા-બાપની સેવાથી!

આપણા હિન્દુસ્તાનનું વિજ્ઞાન તો બહુ સુંદર હતું. તેથી તો શાસ્ત્રકારોએ ગોઠવી દીધેલું ને કે મા-બાપની સેવા કરજો. જેથી કરીને તમને જિંદગીમાં ય ધનનું દુઃખ નહીં પડે. હવે એ કાયદેસર હશે કે નહીં હોય એ વાત જુદી છે, પણ મા-બાપની સેવા અવશ્ય કરવા જેવી છે. કારણ કે જો તમે સેવા નહીં કરો તો તમે કોની સેવા પામશો? તમારી પાછળની પ્રજા શી રીતે શીખશે કે તમે સેવા કરવા લાયક છો. છોકરાંઓ બધું જોતા હોય છે. એ જુએ કે આપણા ફાધરે જ કોઈ દહાડો એમના બાપની સેવા કરી નથી ને! પછી સંસ્કાર તો ના જ પડે ને!

પ્રશ્નકર્તા: મારું કહેવાનું એમ હતું કે પુત્રની પિતા પ્રત્યે ફરજ શું છે?

દાદાશ્રી: છોકરાંઓએ પિતા પ્રત્યે ફરજ બજાવવી જોઈએ અને છોકરાં જો ફરજ બજાવે ને તો છોકરાંને ફાયદો શું મળે? મા-બાપની જે છોકરાઓ સેવા કરે, તેને કોઈ દહાડો ય પૈસાની ખોટ આવે નહીં, એની જરૂરિયાત બધી મળી આવે અને ગુરુની સેવા કરે એ મોક્ષે જાય. પણ આજના લોકો મા-બાપની કે ગુરુની સેવા જ કરતા નથી ને? તે બધા લોકો દુઃખી થવાના.

જે માણસ મા-બાપનો દોષ જુએ, એમનામાં કોઈ દા'ડો ભલીવાર જ ના આવે. પૈસાવાળો થાય વખતે, પણ એની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારેય પણ ના થાય. મા-બાપનો દોષ જોવાય નહીં. ઉપકાર તો ભૂલાય જ શી રીતે? કોઈએ ચા પાઈ હોય તો ઉપકાર ભૂલાય નહીં. આપણે તો મા-બાપનો ઉપકાર તો ભૂલાય જ શી રીતે? તું સમજી ગયો? હં... એટલે બહુ ઉપકાર માનવો જોઈએ. સેવા બહુ કરવી. ફાધર-મધરની બહુ સેવા કરવી જોઈએ.

આ દુનિયામાં ત્રણનો મહાન ઉપકાર છે. એ ઉપકાર છોડવાનો જ નથી. ફાધર, મધર અને ગુરુનો! આપણને જેમણે રસ્તો ચઢાવ્યા હોય, તે આ ત્રણનો ઉપકાર ભૂલાય એવો નથી. (સેવા,૩૫)

'જ્ઞાની'ની સેવાનું ફળ!

આપણું સેવ્યપદ છૂપું રાખીને સેવકભાવે આપણે કામ કરવું. 'જ્ઞાની પુરુષ' એ તો આખા 'વર્લ્ડ'ના સેવક અને સેવ્ય કહેવાય. આખા જગતની સેવા પણ 'હું' જ કરું છું ને આખા જગતની સેવા પણ 'હું' લઉં છું. આ જો તને સમજાય તો તારું કામ નીકળી જાય તેમ છે!

'અમે' એટલે સુધી જવાબદારી લઈએ કે કોઈ માણસ, અમને મળવા આવ્યો તો એને 'દર્શન'નો લાભ થવો જ જોઈએ. 'અમારી' કોઈ સેવા કરે તો અમારે માથે એની જવાબદારી આવી પડે અને અમારે એને મોક્ષે લઈ જ જવો પડે. 

×
Share on