Related Questions

‘પોતાની સેવા’ એટલે શું?

પ્રશ્નકર્તા: 'પોતાની સેવાથી' આપનો કહેવાનો આશય શું છે? શું આપ એ મને સમજાવશો?

દાદાશ્રી: બે પ્રકારના ધર્મ, ત્રીજા પ્રકારનો કોઈ ધર્મ હોતો નથી. જે ધર્મમાં જગતની સેવા છે, તે એક પ્રકારનો ધર્મ અને જ્યાં પોતાની (સ્વની-આત્માની) સેવા છે એ બીજા પ્રકારનો ધર્મ. પોતાની સેવાવાળા હોમ ડિપાર્ટમેન્ટમાં (આત્મ સ્વરૂપમાં) જાય અને આ જગતની સેવા કરે, એ એનો સંસારી લાભ મળે કે ભૌતિક મઝા કરે. અને જેમાં જગતની કોઈ પણ પ્રકારની સેવા સમાતી નથી, જ્યાં પોતાની સેવા સમાતી નથી એ બધું એક જાતના સામાજિક ભાષણો છે ! અને પોતાની જાતને ભયંકરપણે કેફ ચઢાવનારા છે. જગતની કંઈ પણ સેવા થતી હોય તો ત્યાં ધર્મ છે. જગતની સેવા ના થાય તો પોતાની સેવા કરો. જે પોતાની સેવા કરે છે એ જગતની સેવા કર્યા કરતાં ય વધારે છે. કારણ કે પોતાની સેવા કરનારો કોઈને ય દુઃખ ના દે !

પ્રશ્નકર્તા : પણ પોતાની સેવા કરવાનું સૂઝવું જોઈએ ને !

દાદાશ્રી : એ સૂઝવું સહેલું નથી.

પ્રશ્નકર્તા : એ કેમ કરવું ?

દાદાશ્રી : એ તો પોતાની સેવા કરતાં હોય એવા જ્ઞાની પુરુષને પૂછવું કે 'સાહેબ, આપ પારકાંની સેવા કરો છો કે પોતાની ?' ત્યારે સાહેબ કહે છે કે 'અમે પોતાની કરીએ છીએ.' ત્યારે આપણે એમને કહીએ, 'મને એવો રસ્તો દેખાડો !'

'પોતાની સેવા'નાં લક્ષણો !

પ્રશ્નકર્તા : પોતાની સેવાનાં લક્ષણો કયાં ?

દાદાશ્રી : 'પોતાની' સેવાનાં એટલે કોઈને દુઃખ ન દે એ પહેલામાં  પહેલું લક્ષણ. એમાં બધી જ ચીજ આવી જાય. એમાં એ અબ્રહ્મચર્યે ય ના સેવે. અબ્રહ્મચર્ય સેવવું એટલે કોઈને દુઃખ દીધા બરોબર છે. અગર એમ માનો કે રાજીખુશીથી અબ્રહ્મચર્ય થયું હોય, તો કેટલાં જીવો મરી જાય છે ! માટે એ દુઃખ દીધા બરાબર છે. એટલે એનાથી સેવા જ બંધ થઈ જાય છે. પછી જૂઠું બોલાય નહીં, ચોરી ના કરાય, હિંસા ના કરાય, પૈસા ભેળા ના કરાય. પરિગ્રહ કરે, પૈસા ભેળા કરવા એ હિંસા જ છે. એટલે બીજાને દુઃખ દે છે, આમાં બધું આવી જાય છે.

પ્રશ્નકર્તા : પોતાની સેવાનાં બીજાં લક્ષણો કયા કયા ? પોતાની સેવા કરી રહ્યો છે એમ ક્યારે કહેવાય ?

દાદાશ્રી : 'પોતાની' સેવા કરનારાને આ જગતના તમામ માણસો દુઃખ દે, પણ એ કોઈને ય દુઃખ ના દે. દુઃખ તો આપે નહીં, પણ એને ખોટા ભાવ પણ ના કરે કે તારું ખરાબ થજો ! 'તારું સારું થજો' એમ કહે.

હા, છતાં સામો બોલે તો વાંધો નહીં. સામો બોલે કે તમે નાલાયક છો, બદમાશ છો, તમે દુઃખ દો છો, એનો આપણે વાંધો નથી. આપણે શું કરીએ છીએ એ જોવાનું છે. સામો તો રેડિયાની પેઠ બોલ્યા જ કરશે, જાણે રેડિયો વાગતો હોય એવું ! 

×
Share on