Related Questions

બીજાને શા માટે મદદ કરવી?

પ્રશ્નકર્તા: હું જાણવા માંગતો હતો કે, આપણે શા માટે લોકોની સેવા કે મદદ કરવી જોઈએ? આ બાબતે આપ મને સલાહ આપો.

દાદાશ્રી: અને આ લાઈફ જો પરોપકાર માટે જશે તો તમને કશી ય ખોટ નહીં આવે, કોઈ જાતની તમને અડચણ નહીં આવે. તમારી જે જે ઈચ્છાઓ છે તે બધી જ પૂરી થશે અને આમ કૂદાકૂદ કરશો તો એકેય ઈચ્છા પૂરી નહીં થાય. કારણ કે એ રીતે તમને ઊંઘ જ નહીં આવવા દે. આ શેઠિયાઓને તો ઊંઘ જ નથી આવતી, ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી ઊંઘી નથી શકતા. કારણ કે લૂંટબાજી જ કરી છે જેની ને તેની.

એટલે ઓબ્લાઈઝિંગ નેચર કર્યો કે રસ્તે જતાં જતાં, અહીં પાડોશમાં કો'કને પૂછતા જઈએ કે ભઈ, હું પોસ્ટ ઓફિસ જઉં છું, તમારે કંઈ કાગળ નાખવાના છે? એમ પૂછતા પૂછતા જઈએ, શું વાંધો પણ? કોઈ કહેશે, મને તારી પર વિશ્વાસ નહીં આવતો. ત્યારે કહીએ, ભઈ, પગે લાગીએ છીએ. પણ બીજાને વિશ્વાસ આવે છે તેને તો લઈ જઈએ.

આ તો મારો નાનપણનો ગુણ હતો તે હું કહું છું, ઓબ્લાઈઝિંગ નેચર અને પચ્ચીસ વર્ષે મારા બધા ફ્રેન્ડ સર્કલ મને સુપર હ્યુમન કહેતા'તા.

હ્યુમન કોને કહેવાય કે જે આપે-લે, સરખા ભાવે વ્યવહાર કરે. સુખ આપ્યું હોય તેને સુખ આપે, દુઃખ આપ્યું હોય તેને દુઃખ ન આપે, એવો બધો વ્યવહાર કરે એ મનુષ્યપણું કહેવાય.

એટલે જે સામાનું સુખ લઈ લે છે એ પાશવતામાં જાય છે. જે પોતે સુખ આપે છે ને સુખ લે છે એવો માનવ વ્યવહાર કરે છે એટલે મનુષ્યમાં રહે છે અને જે પોતાનું સુખ બીજાને ભોગવવાં આપી દે છે, એ દેવગતિમાં જાય છે, સુપરહ્યુમન. પોતાનું સુખ બીજાને આપી દે, કોઈ દુઃખીયાને, એ દેવગતિમાં જાય.

×
Share on