Related Questions

અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ?

સૂર્યનારાયણના પ્રકાશમાં પડછાયાને ઉત્પન્ન થતા કેટલો સમય લાગે? અરીસાની સામે વસ્તુ આવે તો તેનું પ્રતિબિંબ ઉત્પન્ન થતા કેટલી વાર લાગે? એ કેવી રીતે બનતું હશે? એ ક્રિયા સહજ સ્વભાવિક જ છે. એ રીતે બે તત્વો જડ અને ચેતન સાથે આવવાથી વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે અને એની અસરથી રોંગ બિલીફ ઉત્પન્ન થઈ જાય છે. પાંચ તત્વોના પરિવર્તનથી એનું દબાણ આત્મતત્વ ઉપર આવે છે અને ભ્રાંતિ ઉત્પન્ન થઈ જાય છે. પુદગ્લના દબાણની અસરથી વ્યતિરેક ગુણો ‘હું’ અને ‘મારાપણું’ ઊભું થઈ જાય છે અને એનાથી સર્જાય છે આ સંસારની ઘટમાળ.

Reference: Book Name: દાદાવાણી Feb 2013 (સંપાદકીય - Page #1 - Paragraph #1)

વિશેષભાવનું વધુ વિશ્લેષણ

પ્રશ્નકર્તા: વિશેષ પરિણામના વધારે દાખલા આપીને સમજાવોને, એટલે બધાને ગેડ બેસી જશે.

દાદાશ્રી: હા. આપણે દરિયા કિનારા આગળ, દરિયાથી અરધા એક માઈલ છેટે એક મકાન બાંધ્યું હોય, હવા ખાવા માટે અને ત્યાં આગળ એ મકાનમાં છે તે બે એક લોરીઓ નવેનવું લોખંડ ત્યાં નાખી આવીએ. પછી પેલા ચોકીદારને કહીએ કે ‘ભઈ, આ લોખંડ જરા સાચવજે બરોબર.’ પછી આપણે બે વરસ માટે ફોરેન (વિદેશ) ગયા. પણ બે વરસ પછી ત્યાં પાછા આવીએ ત્યારે લોખંડમાં કશો ફેરફાર લાગે ખરો? લોખંડને કશી અસર થયેલી હોય?

પ્રશ્નકર્તા: કટાઇ ગયેલું હોય.

દાદાશ્રી: કેમ ઉપર વરસાદ ના પડે એવી જગ્યા હોય, ઢાંકેલી જગ્યા હોય તોય?

પ્રશ્નકર્તા: કાટ ખાઇ જાય.

દાદાશ્રી: હેં! કેમ કરીને તમને આવું ભવિષ્યજ્ઞાન થઇ ગયું, કાટ લાગ્યાનું? લોખંડ આવતાં પહેલાં પોતાને ભવિષ્યજ્ઞાન હોય, કારણ કે અનુભવ થયેલો છેને!

આ તે કાટ ચડી ગયો હવે, તે આ કાટ કોણે ચઢાવ્યો એ તમે મને કહો. સાબિત કરી આપો. આ કાટ કોનો અને કોની ઇચ્છાથી થયો? આટલો આટલો કાટ ચઢી ગયો હોય! આપણે કહીએ, ‘મારું આ લોખંડ આવું નહોતું. મારું લોખંડ કોણે બગાડ્યું? અને ગોડાઉનમાં કોણ પેસી ગયું’તું?’ આવી બૂમો પાડે તો શું કહે લોકો?

પ્રશ્નકર્તા: દરિયાની ખારી હવાથી.

દાદાશ્રી: હા, તે પણ એ કોણે કર્યું એ કહો ને! દરિયાના પવને કર્યું કે દરિયાએ કર્યું કે લોખંડે કર્યું?

પ્રશ્નકર્તા: જે એને મૂકી આવ્યો તેણે.

દાદાશ્રી: એણે કર્યું આ?

પ્રશ્નકર્તા: લોખંડ ના મૂકયું હોય તો ના થાત.

દાદાશ્રી: જગતના લોકો એને પકડે છે. ‘તે મૂઆ આ અહીં નાખ્યું શું કરવા? તેથી કટાઈ ગયું.’ એવું નથી. આ જગતના લોકોને ભ્રાંતિવાળાને એક્ઝેક્ટ ખોળી કાઢવું હોય કે કોણ ગુનેગાર છે, તો?

પ્રશ્નકર્તા: જે માણસ મૂકી આવ્યો તે ગુનેગાર નથી?

દાદાશ્રી: એ તો આપણા જ લોકો. આંખે દેખેલું હોય એ આંખે દેખ્યો પુરાવો છે, દાર્શનિક પુરાવો છે એ. દાર્શનિક પુરાવો ના ચાલે. સાયન્ટિફિક એવિડન્સ ખરેખરો, એક્ઝેક્ટ જોઈએ. દાર્શનિક પુરાવો સંસારના લોકોને જોઈએ કે કોર્ટમાં જોઈએ, અહીં તો એક્ઝેક્ટનેસ જોઈએ. તમે તો નોકરને કાઢી મેલો ઝટ. એ કંઈ ચાલે નહીં. સાયન્ટિફિક, વૈજ્ઞાનિક રીતે તપાસ કરવી જોઈએ બરોબર કે ભઈ, કોણે કર્યું આ? કોણે કાટ ચડાવ્યો? હુ ઈઝ રિસ્પોન્સિબલ? (કોણ જવાબદાર છે) બોલો! હું તો એવું જાણતો પણ નથી, કે દરિયા કિનારે નાખીએ તો કાટ ચઢે જ.

એટલે પછી આપણે પેલા ચોકીદારને ટૈડકાવીએ કે ‘અલ્યા, આ શું કર્યું લોખંડનું બધું? આ લોખંડ કેવું ચોખ્ખું હતું, આ હાથ કશા બગડે નહીં ને આ શું થયું? ઉપર શું ચોટાડ્યું છે તે?’ ત્યારે ચોકીદાર કહેશે, ‘હું શું કરું સાહેબ, મેં કશું નથી કર્યું. તમે મને શું કરવા વઢો છો પણ? એ તો અહીં નાખ્યું એટલે એને કાટ ચઢે જ.’ ‘અરે, પણ કાટ કોણે ચઢાવ્યો?’ પછી તપાસ કરીએ કે આ કોનો ગુનો છે? ત્યારે આપણને આજુબાજુવાળા લોકો કહેશે કે આ દરિયા કાંઠે નાખ્યું તેથી.

એટલે આપણે ખારી હવાને કહીએ કે ‘અમારા લોખંડને તેં શું કામ બગાડ્યું? અમે તારું શું નુકસાન કર્યું છે?’ ત્યારે ખારી હવા કહે, ‘હું ક્યાં બગાડું છું? મને શું કરવા વગર કામના આક્ષેપો આપ્યા જ કરો છો? મારામાં બગાડવાના ગુણ જ નથી. હું તો મારા સ્વભાવમાં રહું છું, મારે શું લેવાદેવા? જો મારામાં બગાડવાના ગુણ હોત, તો હું કાયમ વહ્યા કરું છું પણ બધા લાકડાં-બાકડાંને કશું થતું નથી. એ તો લોખંડ એવું હશે તેથી થાય, તેમાં અમારો શો દોષ?’ એણેય દરિયાની પેઠ જવાબ આપ્યો કે ‘તમારું આ લોખંડ એકલું જ આવું બૂમો પાડે છે, બીજું કોઈ બૂમ પાડતું નથી. એ તમારું લોખંડ જ એવું હોય, તો હું શું કરું? આ બીજા કોઈને અસર થતી નથી. તમારા લોખંડના આધારે અસર થાય છે. એ તે અમારો દોષ નથી, તમારા લોખંડનો દોષ હશે. તમે ખોટા અમારી પર શું કરવા ચોંટી પડો છો!’ તો પછી એ ગુનેગાર ઠરતી નથી, ખારી હવા. ત્યારે આપણે પછી કહીએ કે બહારનો કોઈ ગુનેગાર લાગતો નથી.

એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. આ કાટ કંઇ લોખંડે કર્યો નથી. બાકી, લોખંડને કટાવાનો સ્વભાવ નથી. જો કટાવાનો સ્વભાવ હોય તો આરસીસીની અંદર લોખંડ પડેલું હશે, તે સો વરસે કાઢો તો એવા ને એવા સળિયા હોય? એનો સ્વભાવ નથી એવો. આ બીજા તત્વો એને ભેગા મળી આવે તો? આરસીસીમાં છે ને, એને તોડોને? અમે તોડેલા. પચાસ વરસ પહેલા નાખેલા સળિયા તોડેલા. એક્ઝેક્ટ આમ આજ વેચાતા લેવા જાઓ એવા, હં... તમને સમજાયું આ ઉપરથી, હું શું કહેવા માગું છું તે? કોઈ ગુનેગાર લાગે છે?

પ્રશ્નકર્તા: કોઈ ગુનેગાર આમ દેખાતો નથી.

દાદાશ્રી: છતાંય લોખંડને કાટ દેખાય છે. એ રીતે જગત ઊભું થયું છે.

કાટ એ જ અહંકાર

જેમ લોખંડમાં કાટ થયો, કોઇએ કર્યો નથી, એવી રીતે આમાં ‘હું કર્તા છું’ એવી ભ્રાંતિ ઉત્પન્ન થઇ છે. આ આત્મા તો તેની તે જ દશામાં છે. આત્મા તમારામાં જે છે ને, એ તો મુક્ત દશામાં જ છે. આ આત્મા એ તો પરમાત્મા છે. એને કશું અજ્ઞાનતા થઇ નથી. આ વિશેષ ગુણ ઉત્પન્ન થયો છે. છતાં આત્મામાં કંઇ ફેરફાર થયો નથી.

પ્રશ્નકર્તા: આ જે તમે દાખલો આપ્યો છે એ આત્માની જોડે કેવી રીતે બંધ બેસે છે?

દાદાશ્રી: આ આત્માની જોડે આ જડ તત્વ છે. એ બે ભેગા થયા ને, તે આ અહંકાર ઊભો થઈ ગયો છે.

પ્રશ્નકર્તા: એને જ કાટ કહેવાય?

દાદાશ્રી: હા, પેલો જેમ કાટ ઊભો થયો છે, એવો આ અહંકાર ઊભો થયો છે. એ અમે અહંકાર કાઢી આપીએ એટલે પાછો રાગે થઈ જાય. અમે દવા ચોપડીને (આત્મજ્ઞાન આપીને) અહંકાર કાઢી આપીએ તે થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. પછી ચિંતા-વરીઝ કશું ના થાય.

પ્રશ્નકર્તા: આ દ્રષ્ટાંતમાં લોખંડને આત્માનું પ્રતિક ગણો છો ને?

દાદાશ્રી: હા, એટલે આ જે ઉપર બાઝ્યું છે, એ વિશેષભાવ ઉત્પન્ન થયો છે.

પ્રશ્નકર્તા: જે વિશેષભાવ આખો સંસાર છે, તો અનુસંધાન તો એટલું હોવું જોઈએ કે આ હું પોતે તે નથી. વિશેષભાવ મારું સ્વરૂપ નથી, મારું પેલું શુદ્ધ સ્વરૂપ છે.

દાદાશ્રી: એને કશું અડ્યું જ નથી. આપણે આ આત્મજ્ઞાન આપીએ છીએ એટલે ચોખ્ખો થઈ જાય છે. પછી કાટ એય મારું સ્વરૂપ નથી ને આ સંજોગોય મારું સ્વરૂપ નહીં. અહંકાર ભાંજગડ કરતો બંધ થઈ ગયો ને! અહંકારથી જગત ઊભું થયું છે અને આત્મજ્ઞાન પછી અહંકાર બંધ થઈ જાય, એ અહંકાર જતો રહે છે. આ તો તમારો આ ભરેલો (ડિસ્ચાર્જ) અહંકાર બોલે છે, એને તમે સાચો અહંકાર માનો છો.

વિશેષભાવમાં અહંકાર ઊભો થયો, પછી એમાંથી પ્રકૃતિ ઊભી થાય છે. લોખંડ લોખંડના ભાવમાં છે, પ્રકૃતિ પ્રકૃતિના ભાવમાં છે. આ બે છૂટાં પાડો તો લોખંડ લોખંડની જગ્યાએ છે, પ્રકૃતિ પ્રકૃતિમાં છે. જ્યાં સુધી એકાકાર છે ત્યાં સુધી કાટ વધ્યા જ કરવાનો, દિવસે દિવસે.

આ મૂળ પુરુષ (આત્મા)ને કશું જ થતું નથી. ‘પોતે’ (હું) પોતાનો સ્વભાવ ભૂલ્યો, પોતાનું ભાન ભૂલ્યો છે. એ જ્યાં સુધી પોતાની જાગૃતિમાં ના આવે ત્યાં સુધી ‘એ’ પ્રકૃતિભાવમાં રહ્યા કરે. પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવની અજાગૃતિ અને ભ્રાંતિની જાગૃતિ, એ પ્રકૃતિ કહેવાય.

Reference: Book Name: દાદાવાણી Feb 2013 (Page #6 - Paragraph #3 to #18, Entire Page #7, Page #8 - Paragraph #1 to #3)

Related Questions
 1. અહમ એટલે શું? શું અહમ અને અહંકાર બંને એક જ છે?
 2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે?
 3. અહંકાર કોને કેહવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
 4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડીપ્રેશન કોને આવે છે?
 5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
 6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે?
 7. શું દયા એ અહંકારનો ગુણ છે?
 8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
 9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુકત કેવી રીતે થવું?
 10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
 11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
 12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
 13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ?
 14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on