શ્રી મહાવીર સ્વામી આ કાળના અંતિમ તીર્થંકર હતા. ચોવીસ તીર્થંકરોમાંથી સૌથી વધુ ઉપસર્ગો ભગવાન મહાવીરને આવ્યા હતાં. એ બધામાં અડગ રહીને એમણે બધા કર્મો ખપાવ્યા. ભગવાનની વીરતાની વાત જ કંઈ ઓર હતી એટલે પછી દેવોએ પણ એમને ‘મહાવીર’ તરીકે નવાજ્યા હતા. આપણે શ્રી મહાવીર સ્વામીનું ગર્ભહરણ આશ્ચર્ય, એમના જન્મ અને દીક્ષાકાળ સુધીનું જીવનચરિત્ર વાંચ્યું. હવે, આપણે શ્રી મહાવીર સ્વામી પર ગોવાળ અને યક્ષદેવ દ્વારા આવેલા ઉપસર્ગો વિશે વાંચીશું.
દીક્ષા લીધા પછી, એક વખત શ્રી મહાવીર ભગવાન જંગલમાં કાઉસગ્ગમાં, આત્મધ્યાનમાં લીન થયેલા હતા. ત્યાં એક વખત એક ગોવાળ આવ્યો અને એને એમ થયું કે આ અહીંયાં ઊભા છે તો મારી ગાયોની રક્ષા કરશે. એને બીજું કંઈક કામ હતું એટલે એ ભગવાનને કહીને ગયો, “હું આવું છું થોડી વારમાં. તમે બધી ગાયોને સાચવજો.” ભગવાન તો ધ્યાનમાં જ હતા, વીતરાગ હતા; એમને ગોવાળિયો બધું કહી ગયો એ ખબર પણ નહોતી. બે-ત્રણ કલાક વીત્યા પછી પેલો ગોવાળ પાછો આવ્યો તો એની એક પણ ગાય એને મળી નહીં; એ જબરજસ્ત કોપાયમાન થયો. એ ગાયોને શોધવા લાગ્યો, હેરાન-હેરાન થઈ ગયો.
જ્યારે ગોવાળ ખોવાયેલી ગાયોની શોધમાં બહાર ગયો ત્યારે તેની ગાયો ફરતી ફરતી ભગવાન પાસે આવીને બેસી ગઈ. ગાયોને ભગવાનની હાજરીમાં ઠંડક લાગતી હતી એટલે ત્યાં બેસીને ગાયો બધું ખાધેલું વાગોળતી હતી. ગોવાળિયો ફરી પાછો ધૂંઆપૂંઆ થતો ત્યાં આવ્યો તો એણે બધું જોયું, ”ઓહો! આ તો અહીંયાં છે મારી ગાયો! નક્કી આણે કંઈ કપટ કર્યું હશે અને બધી ગાયોને સંતાડી દીધી હશે. જ્યારે હું ગયો એટલે પછી બધી ગાયો પાછી લઈ આવ્યો હશે.” ભગવાન તો ધ્યાનમાં હતા; એમને કશી લેવાદેવા નહોતી. પછી ગોવાળિયો ખૂબ ચિડાયો ને ભગવાનને ખૂબ મારીને ઉપસર્ગ કર્યો.
ભગવાન ચાહે તો ગોવાળને ફગાવી દે પણ તેઓ શાંત ભાવમાં, સમતામાં રહ્યા. એટલામાં ઇન્દ્રદેવને આ બધી ખબર પડી અને એમને થયું, ”ઓહોહો! આ શું થયું? આ ભગવાનને કંઈક ઉપસર્ગ આવ્યા લાગે છે.” એટલે ઇન્દ્રદેવ દોડતા દોડતા દેવગતિમાંથી નીચે આવ્યા અને પેલા ગોવાળિયાને બરાબર બોધપાઠ આપ્યો, ”તું ઓળખે છે આ કોણ છે? આ ભગવાન છે!” ગોવાળિયો ભગવાનની માફી માંગીને પોતાની ગાયો લઈને જતો રહ્યો.
ઇન્દ્રદેવને તો અવધિજ્ઞાનથી બધું દેખાય. એટલે એ જોઈને એમણે ભગવાનને વિનંતી કરી, ”પ્રભુ, આપની પર પુષ્કળ ઉપસર્ગો થવાના છે અને આપ આ બધું કેમનું સહન કરશો? મને આજ્ઞા આપો કે હું આપની સેવામાં તમારી જોડે ને જોડે જ રહું. આ બધા ઉપસર્ગોથી તમારું રક્ષણ કરું.” ત્યારે તીર્થંકર મહાવીર ભગવાને કહ્યું, ”કોઈ તીર્થંકર ક્યારેય પણ બીજા કોઈની સહાયતાથી પોતાના કર્મો ખપાવીને મોક્ષે ગયા હોય એવું સાંભળ્યું છે? આ કોઈ કાળે બન્યું નથી, અત્યારે બનવાનું નથી અને ભવિષ્યમાં ક્યારેય બનશે નહીં. બધા જ પોતાના સ્વ-વીર્યથી કર્મો ખપાવીને જ મુક્ત થયા છે અને હું પણ એવી જ રીતે મુક્ત થઈશ. તીર્થંકરો તો વીર હોય! કર્મોને ખપાવીને નીકળી જનારા હોય; એવા કર્મોથી ડરે એવા ના હોય. ઊલટા લોકોને ડરમાંથી છોડાવે એવા હોય.” માટે એમણે ચોખ્ખી ના પડી છતાં પણ ઇન્દ્રદેવે એક વ્યંતર દેવને મહાવીર ભગવાનની સેવામાં રાખ્યા. જ્યારે ભગવાનને મુશ્કેલી આવે ત્યારે તે વ્યંતર દેવ ભગવાનની પાસે આવશે. પણ ભગવાન તો વીતરાગ હતા; એમને કોઈની જરૂર ન હતી. ભગવાને ત્યાંથી છૂટા પડીને પોતાના કર્મો ખપાવવા માટે આગળ પ્રયાણ કર્યું.
મહાવીર ભગવાનનો દીક્ષા પછીનો અમુક કાળ ઘણા બધા પ્રકારના કર્મો ખપાવવામાં ગયો. લોકોએ એમની પર જાતજાતના ઉપસર્ગો કર્યા. જેટલા ઉપસર્ગો મહાવીર ભગવાનને આવ્યા, એટલા બીજા કોઈ તીર્થંકર ભગવાનને આવ્યા નહોતા. પણ મહાવીર ભગવાનને તો અંદર કશું અડતું જ ન હતું અને તેઓ સંપૂર્ણ સમતામાં હતા.
મહાવીર ભગવાનની દીક્ષાના સમયે દેવોએ એમના પર જબરજસ્ત સુગંધી દ્રવ્યોનો લેપ કર્યો હતો. એ બધા એવા દૈવી લેપ હતા કે જેની સુગંધ વર્ષ દહાડા સુધી ભગવાનના શરીરમાંથી જતી ન હતી. ભગવાન જ્યાં જતા, ત્યાં બધે એ સુગંધ સુગંધ ફેલાઈ જતી. જો ભગવાન વનમાં વિચરતા તો બધા ભમરાઓ એ સુગંધથી એમની પાસે આવતા અને ડંસ મારીને એમને ખૂબ હેરાન કરતા. જો ભગવાન શહેરમાં આવતા ત્યારે બધા યુવાનો ભમરાની જેમ એમની પાછળ પડતા અને એવી સુગંધ ક્યાંથી લાવવી એ વિશે પૂછતા; ભગવાન મૌન રહેતા એટલે ચિડાઈને યુવાનો એમને મારીને જતા. બધી યુવતીઓ પણ સુગંધથી ખેંચાઈને ભગવાનની પાસે આવી એમના પર મોહિત થઈ જતી. ભગવાન આ બધું સમતામાં રહીને પાર કરતા હતા.
એક વખત મહાવીર ભગવાન વિહાર કરતા હતા. એમના પિતા સિદ્ધાર્થ રાજાના એક તાપસ મિત્રનો મોટો આશ્રમ હતો ત્યાં આવ્યા. તાપસ મિત્રને મહાવીર ભગવાન માટે ખૂબ જ માન થયું કે એમના મિત્રનો પુત્ર આટલો મહાન સાધુ થઈ ગયો. તાપસે ભગવાનને પોતાના આશ્રમમાં રહીને ચોમાસું કરવાનું આમંત્રણ આપ્યું. ભગવાન સારું કહીને નીકળી પડ્યા. ભગવાનના પિતાના મિત્ર એ તાપસોના કુલપતિ હતા; એમણે ભગવાનને ચાર મહિના સુધી રહેવા માટે એક સરસ ઘાસની ઝૂંપડી બનાવી આપી. કુલપતિ તાપસના બીજા શિષ્યો સાથે ભગવાન પણ પોતાની સાધના કરતા હતા. ભગવાનની સાધના એટલે પોતાના આત્માને વળગેલી એક-એક કર્મરજને, એ બધા પરમાણુઓને ખાલી કરવા. એ જોવાથી જ ખાલી થાય, એટલે કાઉસગ્ગમાં પોતે અંદર અંતર્મુખ થઈને પોતાના જ પરમાણુઓ જોયા કરતા હતા. જે દેખાય એટલા ખરતા જાય એવો નિયમ છે.
મહાવીર ભગવાને એ આશ્રમમાં ચાર મહિના રહેવાનું નક્કી કર્યું, પણ થયું એવું કે ત્યાં એ વખતે બહુ જ દુકાળ જેવું હતું. ઘાસચારો ન હોવાને કારણે ગાયોને ઘાસ ખાવાની બહુ તકલીફ હતી. ચોમાસું હજી તો બેઠું જ હતું એટલે ઘાસ ઊગ્યું નહોતું. બધી ગાયોનાં ટોળેટોળાં આવતાં ને જ્યાં દેખાય ત્યાં ઘાસ ખાઈ જતાં. આશ્રમમાં બધા ઝૂંપડાં ઘાસનાં હતાં. બીજા બધા તાપસો તો ગાયોને મારી મારીને ભગાડી દેતા, જ્યારે ભગવાન તો વીતરાગ હતા; તેઓ કોઈને મારે નહીં. એમને તો અમારિનું વ્રત વર્તતું હતું. અમારિનો નિયમ હતો કે નાનામાં નાના જીવને પણ ન મારે; તો પછી ગાયોને તો ક્યાંથી મારતા હશે! બધા શિષ્યો જ્યારે ગાયોને પોતાના ઝૂંપડાં પાસેથી ભગાડતા ત્યારે એ ગાયો બધી ભગવાનના ઝૂંપડાં પાસે આવતી. ભગવાન તો આરામથી ગાયોને ખાવા દેતા. ગાયો ભગવાનનું આખું ઝૂંપડું ખાઈ ગઈ. જ્યારે બીજા તાપસોને આ ખબર પડી તો તેઓ બહુ જ ગુસ્સે થયા કે કેટલી મહેનતથી આમને ઝૂંપડું બનાવી આપ્યું, તો પણ ભગવાન આ ઝૂંપડાંનું રક્ષણ ન કરી શક્યા. કુલપતિ મહાવીર સ્વામીના પિતાના મિત્ર હતા એટલે એ ડરથી તાપસો કશું બોલતા ન હતા. છેવટે, સહન ન થતાં તેમણે કુલપતિને આ અંગે ફરિયાદ કરી. કુલપતિએ ભગવાનને કહ્યું, ”તારા પિતા તો રાજા હતા; બધાનું રક્ષણ કરતા હતા. અમારા બધાના આશ્રમો આજ સુધી એ જ રક્ષતા હતા. તું ઝૂંપડીને કેમ નથી સાચવી શકતો? આટલું તો સચવાય ને!” કુલપતિ ભગવાનને આટલું કહીને જતા રહ્યા. મહાવીર ભગવાનને થયું, ”આ તો મારાથી આમને દુઃખ થાય છે. જ્યાં હું રહું અને કોઈને અપ્રીતિ થતી હોય તો મારાથી ત્યાં કેવી રીતે રહેવાય?” એટલે ચાતુર્માસને તો પંદર દિવસ જ થયા હતા, પણ ભગવાન ચૂપચાપ ચોમાસામાં પણ વિહાર કરી ગયા. ભગવાનની દૃષ્ટિ કેવી હોય કે પોતાનાથી બીજાને કિંચિત્માત્ર હરકત થાય, દુઃખ તો થવાનું કારણ નહોતું પણ હરકત થાય, તો પણ તેઓ ત્યાં રહે નહીં. એટલું જ નહીં પણ ચોમાસાનો સાધુ આચારનો કડક નિયમ હતો એ પણ ભગવાને તોડ્યો. ભગવાન જડતા કે જક્કીપણાથી કોઈ પણ નિયમ પકડતા નહોતા. તેઓ તો પહેલામાં પહેલું કયું યોગ્ય છે અને કયું નથી એ સમજીને વિવેકપૂર્વક બધું કરતા. એમણે કોઈને હરકત થાય, કોઈને દુઃખ થાય એને વધારે મહત્ત્વ આપ્યું, નહીં કે પોતાના નિયમને.
આ પ્રસંગ બન્યા બાદ ભગવાન મહાવીરે તરત જ મનમાં ને મનમાં પોતાના આચારના પાંચ અભિગ્રહો કર્યા:
એક વખત ભગવાન ચોમાસું પૂરું કરીને વિહાર કરતા બીજે ગામ જઈ રહ્યા હતા ત્યાં આગળ એક નાનકડા ગામમાં ખૂબ દરિદ્ર લોકો રહેતા હતા. ત્યાં પૂર્વે એવું બનેલું કે એ ગામમાંથી એક બહુ મોટો વેપારી અનાજ-કરિયાણાનો પાંચસો ગાડાઓ ભરીને ત્યાંથી પસાર થતો હતો અને વચ્ચે એક નાનકડી નદી આવતી હતી. બધા ગાડાઓને ખેંચવા માટે એની પાસે બહુ જ શક્તિશાળી બળદ હતો. બળદ અમુક ગાડા ખેંચીને ગયો પણ નદી પાર કરતાં કરતાં તે અધમૂઓ થઈ ગયો અને ત્યાં જ ફસકાઈ પડ્યો. વેપારીએ ઘણા ઉપાયો કર્યા, પણ બળદ આગળ જઈ શકે એવી સ્થિતિમાં ન હતો; એનું શરીર સાવ ખલાસ થઈ ગયું હતું.
વેપારીથી ત્યાં રોકાવાય એવું નહોતું એટલે તેણે ગામલોકોને પુષ્કળ ધન આપ્યું અને બળદને સાચવવા કહ્યું. વેપારી બાકીનો સરંજામ લઈને ચાલ્યો ગયો. આ બાજુ ગામના લોકો તો બહુ ગરીબીમાં હતા અને એમનામાં કોઈ પ્રામાણિકતા પણ ન હતી. એટલે બધાએ પૈસા અંદરોઅંદર વહેંચીને ખાઈ ગયા અને બળદને ઘાસ ખાવા આપ્યું નહીં. બળદ અંતે ભૂખે-તરસે રિબાતો રિબાતો મરી ગયો, પણ અંદર એણે સમતા રાખી. બળદ મૃત્યુ પામીને વ્યંતર યક્ષદેવ બન્યો.
દેવોને પોતાના પૂર્વભવનું બધું જ્ઞાન હોય. વ્યંતર દેવે પોતાના જ્ઞાનથી ગામના લોકોએ એને જે ત્રાસ આપ્યા હતા એ જોયું અને પછી એને વેર ભભૂક્યું. દેવે બધા ગામજનોને હેરાન કરવાનું નક્કી કર્યું. જે કોઈ એના ક્ષેત્રમાં આવે તો એને એ દેવ મારી નાખતો. એ ગામમાં બહુ જ મોટી મહામારીઓ અને બીમારીઓ ઉત્પન્ન કરતો. ગામના લોકો ત્રાસી ગયા હતા.
બધાને થયું કે કોઈ દેવ આપણા પર કોપાયમાન છે એટલે બધાએ પ્રાર્થના કરીને વિનંતી કરીને કહ્યું કે, “જે સજા હોય એ અમને આપો પણ આવી રીતે ના કરો.” પછી તે યક્ષદેવે પોતાના બળદના ભવમાં ગામજનોએ જે એની પર કૃત્યો કર્યા હતા એ બધા યાદ કરાવ્યા. પછી ગામજનોએ આનો ઉપાય પૂછ્યો તો દેવે કહ્યું, “ગામના છેવાડે નદી કિનારે એક નાનકડું મારું મંદિર બાંધીને પૂજા કરો. આવી રીતે તમે મને તૃપ્ત કરો.” ગામના લોકોએ એ પ્રમાણે બધું કર્યું. ત્યાં એક પૂજારી રાખ્યો. યક્ષદેવ ત્યાં જ કાયમ રહ્યા કરતો હતો.
મહાવીર ભગવાન વિહાર કરતા કરતા એ ગામમાં આવ્યા. ભગવાને નક્કી કર્યું કે જે પેલું યક્ષદેવનું મંદિર હતું ત્યાં જ પોતે રાતવાસો કરશે. એ ગામના પૂજારી સહિત બધાએ ભગવાનને ત્યાં રોકાવાની ના પાડી અને કહ્યું કે આ મંદિરમાં રહેવાય એવું નથી; પેલો યક્ષદેવ મારી નાખશે. ભગવાનને તો મનઃપર્યવજ્ઞાન સુધી ચારેય જ્ઞાન ખુલ્લા થઈ ગયા હતા એટલે એમણે એ યક્ષનો ઉદ્ધાર કરવાનું નક્કી કર્યું. માટે ભગવાન તો એ જ મંદિરમાં રોકાયા. રાત્રે મહાવીર ભગવાન કાઉસગ્ગમાં મંદિરના ખૂણામાં ઊભા હતા.
એટલામાં પેલો યક્ષદેવ મંદિરમાં આવ્યો અને એણે ભગવાન પર ખૂબ જ ઉપસર્ગો કર્યા. એ યક્ષે સાપનું, હાથીનું રૂપ લીધું; અગ્નિ નાખીને બધી રીતે ભગવાનને હેરાન કર્યા. નાગ થઈને ભગવાનના શરીરમાં સાત અલગ અલગ જગ્યાએ ડંસ દીધા. કોઈને પણ એક જ ડંસ પડે તો એ ત્યાં ને ત્યાં મરી જાય પણ મહાવીર ભગવાન તો ચરમશરીરી હતા; એમણે ખૂબ જ સમતામાં રહીને બધાં જ કર્મો ખપાવ્યા.
યક્ષદેવે ભગવાન પર જેટલા ઉપસર્ગ કર્યા એની સામે ભગવાનનો જબરજસ્ત પ્રભાવ જોઈને, એમની સમતાનું તેજ જોઈને યક્ષદેવ એકદમ ટાઢોટપ થઈ ગયો. એ વિચાર કરવા લાગ્યો કે ”આ શું છે? કેમ આ સામે હારતા નથી?” ઇન્દ્રદેવે પોતાના જે વ્યંતર દેવને મહાવીર ભગવાનની સેવામાં રાખ્યા હતા અને ભગવાનને જ્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે તે દેવને ભગવાનનું રક્ષણ કરવા કહ્યું હતું, એ દેવ તો ક્યાંય ખોવાઈ ગયા હતા. આ બધું થઈ ગયા પછી એ એમને યાદ આવ્યું, ”અરર... ભગવાનને શું થયું હશે! શું ચાલતું હશે!” ભગવાન પર ઉપસર્ગ પૂરા થયા ત્યારે એમની સેવામાં રહેલા દેવ દોડતા દોડતા આવ્યા અને જોયું, ”ઓહોહો... મારા ભગવાનને આટલું બધું કષ્ટ પડ્યું!” એમણે પેલા વ્યંતર યક્ષદેવને બરાબરનો ખખડાવ્યો, ”તેં શું માંડ્યું છે? આ સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર છે. તીર્થંકર ભગવાન છે. એમને વંદન કર.”
પછી એ યક્ષદેવને બહુ પશ્ચાત્તાપ થયો. ભગવાને એને સમજાવ્યું, ”આ તેં કેટલાં પાપ બાંધ્યા છે? આ જરાક અહંકારના માર્યે તેં આ ગામના કેટલા લોકોને મારી નાખ્યા છે! કેટલું દુઃખ દીધું છે. હવે આનું તને ફળ શું આવશે? માટે તું પાછો વળ.” પછી એ યક્ષદેવે ખૂબ પશ્ચાત્તાપ કર્યો. ભગવાનની હાજરીમાં કરેલો પશ્ચાત્તાપ કયું પાપ ના ધોઈ શકે! પછી તે યક્ષદેવ બધા પાપોમાંથી મુક્ત થયા અને ભગવાનના પરમ ભક્ત થઈ ગયા.
મહાવીર ભગવાન ખાસ એ યક્ષનો ઉદ્ધાર થાય એટલા માટે જાણીજોઈને એ ગામમાં ગયા અને રાત્રિએ એ જ મંદિરમાં રહ્યા. ગામના લોકોએ સવારે આવીને જોયું તો યક્ષદેવ આખા બદલાઈ ગયા હતા અને ભગવાન તો જીવતા અને બહુ આનંદમાં હતા; એમને કશી તકલીફ નહોતી.
શ્રી મહાવીર સ્વામી પછી આગળ પોતાનો વિહાર કરતા ગયા. વિહાર કરતા કરતા ભગવાન બીજા એક ગામમાં ગયા. એ ગામમાં એક પાખંડી માંત્રિક હતો. એ જાતજાતના માંત્રિક-તાંત્રિક કરતો અને બધું જાતજાતનું ભૂવા-જ્યોતિષનું કરી લોકોને મૂર્ખ બનાવીને મજા કરતો હતો. પછી ભગવાન એ ગામમાં ગયા અને, ત્યારે જે વ્યંતર દેવ એમની સેવામાં હતા, એમણે એ ગામના લોકોમાં મહાવીર ભગવાનનો મહિમા વધારવા માટે એક યુક્તિ કરી.
એ યક્ષદેવ પોતે મહાવીર ભગવાનના શરીરમાં પ્રવેશી બધા ગામજનોને બોલાવતા અને એમની પાસે જે કોઈ આવે એને જાતજાતનું અને આગળ-પાછળનું ભવિષ્ય ભાખતા. કોકને કહેતા, ”તારું તાંબાનું માટલું ચોરાઈ ગયું છે. તું આ જગ્યાએ જજે તને એ ત્યાંથી જ મળશે.” પછી લોકોને ત્યાંથી જ મળે. એટલે લોકોને લાગ્યું કે આ તો કોઈ જબરજસ્ત ત્રિકાળજ્ઞાની છે.
દેવનો હેતુ એ હતો કે લોકોમાં મહાવીર ભગવાનનો મહિમા વધે અને લોકો ભગવાનની પૂજા કરે. માટે દેવે જાતજાતની યુક્તિઓ કરી. ગામલોકો આ બધું જોઈને ખૂબ અચરજ પામ્યા. બધાને થયું કે ખરા આ જ છે. જે માંત્રિક બ્રાહ્મણ બધાને મૂર્ખ બનાવતો હતો એ ભગવાનની સામો થયો. એને થયું, ”આ તો મારો દુશ્મન છે; મારી રોજીરોટી કાપી નાખે છે.” એટલે એણે જઈને ઝઘડો કર્યો. પછી ભગવાનની અંદર બેઠેલા દેવે કહ્યું, ”તારાથી તરણું પણ નહીં તોડી શકાય, જા.” ત્યારે ઉપરથી દેવલોકમાં ઇન્દ્રદેવને થયું કે ભગવાનના મુખેથી નીકળેલી વાત સાચી જ પડવી જોઈએ. એટલે માંત્રિકની બધી આંગળીઓ કાપી નાંખી જેથી એનાથી તરણું પણ ન તોડી શકાય.
પછી ગામના લોકોમાં ભગવાનનો ખૂબ જ મહિમા વધ્યો. બધાએ ભગવાનની પૂજા-અર્ચના અને ભક્તિ કરી. માંત્રિકનું બધું ભોપાળું બહાર આવ્યું; એની પત્નીએ જ એના બધા કુકર્મો બહાર પાડ્યા કે એનો પતિ કેવો વ્યભિચારી અને ત્રાસ આપીને મારતો હતો! પછી માંત્રિકે એકાંતમાં મહાવીર ભગવાનને વિનંતી કરી, ”તમને તો આ દુનિયા પૂજશે. મને તો આ ગામ સિવાય કોઈ ઓળખે નહીં. માટે પ્રભુ આપ અહીંથી વિદાય લો; મારો ધંધો ચાલવા દો.” પ્રભુ તો દયા અને કરુણાવાળા હતા અને અહીંયાં પણ કોઈને પોતાનાથી અપ્રીતિ થઈ માટે ભગવાને પોતાનો અભિગ્રહ પૂરો કર્યો અને વિહાર કરીને બીજા ગામ તરફ વળ્યા. હવે, આગળ આપણે શ્રી મહાવીર ભગવાનના ચંડકૌશિક સર્પ અને નાગકુમાર દેવ સાથે થયેલા પ્રસંગો વિશે વાંચીશું.
subscribe your email for our latest news and events