Related Questions

અથડામણ ટાળવા માટે શું મૌન હિતકારી છે?

જીવનમાં અમુક સમય એવો આવે છે જેમાં અથડામણ ઊભી થઇ જાય છે અને આપણે તે આવી પડેલ પરિસ્થિતિમાં કઇ રીતે વ્યવહાર કરવો તે ખ્યાલ નથી આવતો. તે સમયે, સૌથી પહેલાં આપણા મગજમાં મૌન રહેવાનું સૂઝે છે કારણ કે કશું પણ બોલવાથી બાજી બગડી શકે છે. પરંતુ શું અથડામણ ટાળવાનો આ સાચો રસ્તો છે? ચાલો જોઇએ, પરમ પૂજ્ય દાદા ભગવાને આ બાબતે શું કહ્યું છે :

પ્રશ્નકર્તા : અબોલા લઇને વાતને ટાળવાથી એનો નિકાલ થઇ શકે?

દાદાશ્રી : ના થઇ શકે. આપણે તો સામો મળે તો કેમ છો? કેમ નહીં? એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને ‘’સમભાવે નિકાલ’’ કરવો. એનો નિકાલ તો કરવો જ પડશે ને જ્યારે ત્યારે? અબોલા રહો તેથી કંઇ નિકાલ થઇ ગયો? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, “ઊભા રહો ને, અમારી કંઇ ભૂલ હોય તો મને કહો. મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોશિયાર, ભણેલા તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય.’’ એમ કહીએ એટલે એ રાજી થઇ જાય.  

પ્રશ્નકર્તા : એવું કહેવાથી ય એ નરમ ના પડે તો શું કરવું? 

દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય? જ્યારે ત્યારે કો’ક દહાડો નરમ થશે. ટૈડકાવીને નરમ કરો તો તે તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઇએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. નિયમ એવો છે કે વેર રાખે, મહીં પરમાણુઓ સંગ્રહી રાખે માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચો મૂકી દેવો. 

પ્રશ્નકર્તા : આપણે સામાને અબોલા તોડવા કહીએ કે મારી ભૂલ થઇ, હવે માફી માગું છું, તો ય પેલો વધારે ચગે તો શું કરવું ? 

દાદાશ્રી : તો આપણે કહેવાનું બંધ કરવું. એને એવું કંઇક ઊંધું જ્ઞાન થઇ ગયું હોય કે – ‘બહુત નમે નાદાન.’ ત્યાં પછી છેટા રહેવું. પછી જે હિસાબ થાય તે ખરો. પણ જેટલા સરળ હોય ને ત્યાં તો ઉકેલ લાવી નાખવો. આપણે ઘરમાં કોણ કોણ સરળ છે અને કોણ કોણ વાંકું છે. એ ના સમજીએ? 

પ્રશ્નકર્તા : સામો સરળ ના હોય તો એની સાથે આપણે વ્યવહાર તોડી નાખવો? 

દાદાશ્રી : ના તોડવો. વ્યવહાર તોડવાથી તૂટતો નથી. વ્યવહાર તોડવાથી તૂટે એવો છે ય નહીં. એટલે આપણે ત્યાં મૌન રહેવું કે કો'ક દહાડો ચીઢાશે એટલે આપણો હિસાબ પતી જશે. આપણે મૌન રાખીએ એટલે કો'ક દહાડો એ ચિઢાય ને જાતે જ બોલે કે 'તમે બોલતા નથી, કેટલા દહાડાથી મૂંગા ફરો છો !' આમ ચિઢાય એટલે આપણું પતી જશે,

શું મૌન ગુનાની કબૂલાત છે? 

તમે કદાચ એવું વિચારતા હશો કે, ‘ જો હું મૌન રહીશ, તો સામી વ્યક્તિ મારા મૌનને મારો જ વાંક છે એમ સમજવાની ભૂલ કરશે અને તેનાથી ઝઘડો મારી સાથે વધુ તીવ્ર બનશે.’ જો કે, આ ફક્ત તમારી માન્યતા જ છે. જો કોઇ માણસ રાતે બાથરૂમ જવા ઊભો થાય છે અને ભીંત સાથે અથડાય છે, તો તેનો અર્થ એવો થોડો થાય છે કે ભીંત તેની સાથે અથડાઇ કારણ કે તે મૌન રહ્યો? 

જે રીતે ભીંતને કંઇ પણ કરવાની શક્તિ છે તેવું જ આ શરીરનું સમજવું. શું આપણી એવી સત્તા છે કે શક્તિ છે કે આપણે ભીંત સાથે અથડાઇ શકીએ? તે જ રીતે, લોકો સાથે ગુસ્સે થવું અને ઝઘડવાનો શું અર્થ છે? સામી વ્યક્તિ પાસે નિશ્ચિત રીતે જ પોતાના પર કોઇ સ્વતંત્ર અંકુશ કે સત્તા નથી, તો શા માટે તમે ભીંત જેવા નથી બની જતા? જ્યારે તમે તમારી પત્નીને ટૈડકાવો છો, ત્યારે તેની અંદર બેઠેલા ભગવાન તમે શું કર્યું તેની નોંધ લે છે. જો તેણી પણ તમને ટૈડકાવાનું શરૂ કરે, તો તમારે ભીંત જેવું બની જવાનું અને તમારી અંદર બેઠેલા ભગવાન તમને મદદ કરશે. 

તમારી તરફથી, જ્યારે તમે દ્ર્ઢતાથી નિશ્ચય કરશો કે તમારે કોઇની પણ સાથે ઘર્ષણમાં આવવું નથી, તો તે તમારી સાચી માન્યતાની શરૂઆત થશે; તમારા આ દ્રઢ નિશ્ચયથી તમારા જીવનની તમામ અથડામણોનો અંત આવશે. તેનાથી તમારામાં સ્વયંભૂ આંતરિક સૂઝનો વધારો થશે, કે જેનાથી તમે તમામ અથડામણોથી ચોક્ક્સ રીતે મુક્ત થઇ શકશો. 

×
Share on