ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: પૂર્વભવો ભાગ-૧

આ કાળના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના જીવનમાંથી ગજબની સમતા અને વીતરાગતા જોવા મળે છે. તેમણે પ્રથમ ભવમાં ઉત્કૃષ્ટ આતિથ્યસત્કારથી સમકિત પ્રાપ્ત કર્યું. મરીચિના ભવમાં પોતાના કુળના મદ તથા ઉત્સૂત્ર પ્રરૂપણાને લીધે ભયંકર કર્મો બાંધ્યા. વિશ્વભૂતિના ભવમાં અહંકાર અને ક્રોધથી વિશાખાનંદી સાથે વેર બાંધ્યું. ચાલો, મહાવીર ભગવાનના એકથી સત્તર ભવો વિશે વિગતવાર વાંચીએ.

પ્રથમ ભવ - નયસાર અને બીજો ભવ - દેવગતિ

મહાવીર ભગવાનના સત્યાવીસ ભવોમાંથી પ્રથમ ભવ નયસારનો છે. નયસાર એક કઠિયારા હતા. તેઓ ખૂબ જ ભક્તિપરાયણ અને સાત્ત્વિક હતા. પોતે મહેનતથી દરરોજ જંગલમાં જતા. ખૂબ ભારે કષ્ટથી તડકામાં, ટાઢમાં, વરસાદમાં જંગલમાં જઈ લાકડાં કાપી લાવતા અને રાજાને કામ માટે પોતે એ બધું અર્પણ કરતા. એમાંથી એમને જે કંઈ પણ આજીવિકા મળતી એમાં પોતાનો જીવનનિર્વાહ કરતા. તે ખૂબ જ ગરીબ પણ દિલના બહુ અમીર હતા. જે કોઈ પણ એમની પાસે આવે એની સાથે ખૂબ જ પ્રેમથી અને હૃદયથી પોતે અતિથિસત્કાર કરતા. અતિથિ જોડે પ્રેમથી સત્સંગની જ વાતો કરતા. કોઈ પણ અતિથિ એને ત્યાં આવે તો એમનો નિયમ હતો કે હું એમને જમાડું અને પછી જ હું જમું. ગમે તેમ પોતે અતિથિની શોધમાં જ રહેતા કે ક્યાંક મને કોઈ જમવાવાળો મળી આવે! બધાને જમાડ્યા પછી જેટલું બચે એટલું તેઓ પ્રેમથી ખાતા. દરરોજ પોતે વનમાં ભાથું લઈ જતા અને ભાથામાંથી કોઈને ખવડાવે પછી જ ખાતા; આવો એમનો નિયમ હતો.

mahavir swami

એક વખત બન્યું એવું કે નયસાર જંગલમાં લાકડાં કાપવા ગયા હતા, ત્યાં આગળ ઘણાં બધા સાધુઓ આવ્યા હતા. સાધુ એ કોઈ જેવી તેવી દશા નથી. આત્મદશા સાધે એને સાધુ કહેવાય; આત્મા પ્રાપ્ત કર્યા પછીની સ્થિતિને સાધુ કહેવાય છે. ફક્ત કપડાં બદલીને બેસી જાય એને સાધુ નથી કહેવાતા; આંતરિક પરિણતિને સાધુપદ કહેવામાં આવે છે.

નયસાર જંગલમાં મજૂરી કરતા હતા; લાકડાં કાપતા હતા ત્યારે સાધુઓનું એક વૃંદ ભૂલું પડી ગયું હતું. સાધુઓ ભટક-ભટક કરતા હતા; રસ્તો શોધતા હતા પણ ક્યાંય એમને મળતો નહોતો, કારણ કે એમનો સાર્થ ક્યાંક ખોવાઈ ગયો હતો. બધા સાધુઓ ક્યાંક ગામમાં ભિક્ષા લેવા ગયા હતા ત્યાં ક્યાંય ભિક્ષા મળી નહીં અને એમનો સાર્થ ભૂખ્યો-તરસ્યો હોવાથી કંટાળીને ક્યાંક જતો રહ્યો. સાધુઓ એકલાઅટૂલા પડી ગયા. શોધતા-શોધતા તેઓ જંગલમાં આવી ગયા અને ત્યાં એમને કઠિયારા નયસાર ભેગા થયા.

બપોરે તડકાનો સમય હતો; નયસાર ખૂબ તરસ્યા-ભૂખ્યા થયા હતા. એ પોતાનું ભાથું ખાવા માટે તૈયારી કરવા જતા હતા અને તપાસ કરતા હતા કે કોઈ મને ભાથું વહેંચવા માટે મળે, મને અતિથિસત્કાર કરવાનો લાભ મળે એમ કરીને એમણે નજર ફેરવી તો ત્યાં એને સાધુઓ ભૂખ્યા-તરસ્યા અને ઢીલાઢસ થયેલા લથડતા જોવા મળ્યા. આ જોઈ એમનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. નયસાર સાધુઓ પાસે ગયા અને પૂછ્યું, ”તમારી આ હાલત! અહીંયા તો કોઈ હથિયારવાળો વીર રાજા પણ એકલો ના ફરે. તમે કેવી રીતે અજાણ્યા થઈને આમ ફરો છો? હું તો રોજનો છું એટલે મને બધી ખબર છે. બાકી અહીં તો વાઘ, વરુ, સિંહ બધા જ જાનવરો અને લૂંટારાઓ હોય છે! એ તમારા શું હાલ કરે?” ત્યારે સાધુએ કહ્યું, “અમને લૂંટી લૂંટીને શું લૂંટવાના છે! આજે અમારી પાસે તો કંઈ ખાવાનું પણ છે નહીં. અમારા પાસે બીજો કોઈ ઉપાય નથી. અમે ભૂલા પડ્યા છીએ અને અમારા માર્ગને શોધી રહ્યા છે.” પછી નયસારને ખૂબ કરુણા આવી અને બધા સાધુઓને પોતાના સ્થાને લઈ ગયા. ત્યાં એમણે સાધુઓને પોતાની પાસે જે હતું એ બધું આપ્યું અને પોતે કંઈ પણ ખાધું નહીં. માત્ર એક ઘૂંટડો પાણી પીધું; કારણ કે આ બધાને આપતાં આપતાં પોતાની પાસે કંઈ બચ્યું ન હતું. એમણે પોતે ના ખાઈને પણ અતિથિઓને જમાડ્યા. એણે એટલા અહોભાવથી જે ભોજન કરાવ્યું, એની તો કંઈ વાત જ જુદી! એ ભાવથી સાધુઓને જમાડતા જમાડતા, એ જ ઘડીએ નયસારને અંદર સમકિત થયું અને એને મોટામાં મોટું પદ પ્રાપ્ત થયું! જમાડે તો બધા જ છે પણ અંદર ભાવથી જમાડવાની વાત કંઈ ઔર જ છે. ખરા સંસ્કાર તો એને કહેવાય કે અતિથિ માટે જરા પણ ભાવ ના બગડે.

mahavir swami

નયસારને આતિથ્યસત્કારથી ખૂબ જ ભક્તિભાવ જાગ્યા હતા. સાધુ પાસેથી એમને બોધ મળ્યો. બધા સાધુઓએ ખૂબ સરસ સત્સંગ કર્યો અને નયસારનું હૃદયપરિવર્તન થયું. આ ભવમાં આતિથ્યસત્કારને લીધે એમનું દેવગતિનું આયુષ્ય બંધાયું. એમના સાત્ત્વિક વિચારો, સાધુઓની સેવા અને કોઈ પણ માણસને ભૂખ્યો ના જવા દેવો, કાયમ આતિથ્યસત્કાર, આવા ઊંચા ગુણો અને સાધુઓ પાસેથી બોધ પામીને સમકિત પ્રાપ્ત થયું.

સમકિત એટલે દૃષ્ટિ આખી બદલાવી. જે મિથ્યાદૃષ્ટિ હોય છે, તેમાંથી સવળી દૃષ્ટિ, આત્મદૃષ્ટિ ઉત્પન્ન થવી. સમકિત ક્યારે થાય? કો’ક એવા જ્ઞાની મળે કે જે બોધ આપે અને આપણો ઉઘાડ કરે! એવા જ્ઞાનીની શોધમાં રહેજો. એ જ્ઞાનીની શોધ કરતા કરતા કો’ક દહાડો આપણે પણ નયસારની જેમ સમકિત પ્રાપ્ત કરી લઈશું.

ભગવાન મહાવીર પોતાના પાછલા નયસારના ભવમાં સમકિત પ્રાપ્ત કરીને પછી દેવગતિમાં જન્મ્યા.

mahavir swami

ત્રીજો ભવ - મરીચિ અને અન્ય બાર ભવો

દેવગતિમાંથી આયુષ્ય પૂરું કરીને એમનો ત્રીજો ભવ ઋષભદેવ ભગવાનના પૌત્ર અને રાજા ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ તરીકે થયો. મરીચિ એ રાજા ભરત ચક્રવર્તીના પુત્ર હતા અને ભરત ચક્રવર્તી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. ઋષભદેવ ભગવાનના દીક્ષા લીધા પછી મરીચિએ પણ દીક્ષા લીધી. મરીચિ ભગવાન પાસે રહીને પોતાનો મોક્ષપંથ પામવા માટે પુરુષાર્થમાં હતા. ભગવાને એમને બધી જ વિદ્યાઓ સરસ રીતે શીખવાડી અને ધ્યાન-તપ-જપ બધામાં એમને આગળ વધાર્યા. પરંતુ, મરીચિ બહુ નાજુક અને કોમળ હૃદયના હતા; એમનાથી કષ્ટ સહન થતા ન હતા. સાધુ તરીકેના બધા નિયમો અને આચાર કડક હતા. ઉઘાડે પગે ફરવાનું, માથું મૂંડાવીને લોચ કરવાનો, તડકામાં ફરવાનું - આ બધું એમનાથી સહન થતું ન હતું. તેથી મરીચિ સાધુ આચારમાંથી બીજા પંથ તરફ ફંટાયા; તેમણે અલગ ત્રિદંડી પંથ સ્થાપ્યો. તેઓ ભગવાં વસ્ત્ર, જોડા પહેરતા; પોતાની પાસે છત્રી અને કમંડલ રાખતા - એમ ઘણા બધા આચારો બદલ્યા. તેમ છતાં, પોતે તો ભગવાન ઋષભદેવની જોડે જોડે જ ફરતા; પણ એમનો પોતાનો આચાર જુદો, સ્વતંત્રપણે કરતા હતા. ભગવાન તો વીતરાગ હોવાથી કશું કહેતા ન હતા. જેમ હોય તેમ ચાલવા દેતા; કશું વઢતા નહોતા.

mahavir swami

એક વખત રાજા ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનને વાંદવા આવ્યા. ભરત ચક્રવર્તીને ખૂબ આનંદ થયો કે પોતાના પિતા આટલા બધા મહાન હતા! પોતે ચક્રવર્તી અને પિતા તીર્થંકર! ભરત ચક્રવર્તીએ ઋષભદેવ ભગવાનને પૂછ્યું, ”આપણા કુળમાં હજુ બીજા કોણ કોણ તીર્થંકર કે શ્રેષ્ઠ પુરુષ થવાના છે?” ઋષભદેવ ભગવાન તો કેવળજ્ઞાની હતા. એમને તો ચોવીસ તીર્થંકરો અંગેનું બધું જ જ્ઞાન હતું; બધું જ આરપાર દેખાતું. ભગવાને કહ્યું, ”આપણા કુળમાંથી આ તારો પુત્ર મરીચિ આ ચોવીસીનો છેલ્લો તીર્થંકર મહાવીર થશે. અને પાછો એ જ ચક્રવર્તી અને પહેલો વાસુદેવ ત્રિપૃષ્ઠ પણ થવાનો છે.” ભરત ચક્રવર્તીને આ સાંભળીને બહુ આનંદ થયો.

આ બાજુ રાજા ભરત ચક્રવર્તીએ મરીચિ પાસે જઈને એમને નમસ્કાર કર્યા, દંડવત પ્રણામ અને પ્રદક્ષિણા કરીને મરીચિને વંદન કર્યા. એમને અહો અહો થયું કે એમનો પુત્ર તીર્થંકર, ચક્રવર્તી અને વાસુદેવ થશે. રાજા ભરત ચક્રવર્તીએ મરીચિને કહ્યું, ”હું તને મારા પુત્ર કે સાધુ તરીકે નથી વાંદતો. તું ત્રિદંડી છું પણ હું તો તને તારા ભવિષ્યમાં આટલા બધા પદ થનારા છે, તું છેલ્લો તીર્થંકર મહાવીર થનારો છું, એમ કરીને વાંદું છું.” આ સાંભળીને મરીચિએ પૂછ્યું, “આ તમને કોણે કહ્યું?” તો રાજા ભરત ચક્રવર્તીએ કહ્યું, “ઋષભદેવ ભગવાને.” તીર્થંકર ભગવાન કહે એટલે તો વાત જ પૂરી. આ સાંભળીને મરીચિને અંદરથી ખૂબ જ મદ ઉત્પન્ન થયો, ”હવે તો હું તીર્થકર થવાનો છું, વાસુદેવ થવાનો છું. એટલે હવે મારી તો વાત પૂરી થઈ ગઈ. મારો તો સિક્કો મારા હાથમાં આવી ગયો. હું કેવા ઊંચા ગોત્રનો છું! કેવું કુળ મારું છે! મારા દાદા તીર્થંકર છે, મારા પિતા ચક્રવર્તી છે અને હું પ્રથમ વાસુદેવ થનારો છું, ચક્રવર્તી થનારો છું અને છેલ્લો તીર્થંકર પણ થનારો છું! આપણું કુળ કેટલું મહાન છે!” એમ કરીને એમને જબરજસ્ત મદ અને અહંકાર ચડ્યો. અહંકારના માર્યા મરીચિએ ભયંકર કર્મો બાંધ્યા.

mahavir swami

મરીચિ પોતે ત્રિદંડી લઈને વિચરતા હતા અને જે કોઈ એમની પાસે શિષ્ય થવા આવે તો તેઓ ઉપદેશ તો બધો વીતરાગ ધર્મનો જ આપતા. ભગવાન ઋષભદેવની જ વાતો બધાને સંભળાવતા અને કોઈ એમની પાસે દીક્ષા લેવા આવે તો એ ચોખ્ખી ના પાડતા અને કહેતા, ”હું દીક્ષા આપવા માટે લાયક નથી. દીક્ષા તો તમારે ઋષભદેવ ભગવાન પાસે જ લેવાની.” પણ ઋષભદેવ ભગવાનના નિર્વાણ પછી પોતે માંદા પડ્યા; એમની કોઈ સેવા કરનારું હતું નહીં. એટલે એમણે એકાદ શિષ્ય રાખવાનું નક્કી કર્યું. એક શિષ્ય એમને મળ્યો અને એણે મરીચિને પૂછ્યું ”તમે જે ધર્મ આપો છો અને ઋષભદેવ ભગવાન જે ધર્મ આપે છે એમાં ફેર શું?” તો મરીચિએ કહ્યું, “ના, બધું સરખું જ છે. એય ધર્મ છે અને આય ધર્મ છે.” પછી પેલો મરીચિનો શિષ્ય થયો. બસ આટલી જ એમણે ઉત્સૂત્ર પ્રરૂપણા કરી; પ્રરૂપણા ખોટી આપીને એકને મોક્ષમાર્ગ તરફથી અન્ય માર્ગ તરફ ઊંધા રવાડે ચડાવ્યા. આથી મરીચિએ ભયંકર કર્મ બાંધ્યું અને એમના કેટલાય અવતારો લંબાયા; કેટલું બધું એમને રખડવું પડ્યું. જો કે, એમણે તપશ્ચર્યા બહુ કરી હોવાથી મૃત્યુ પછી તેઓ દેવગતિ પામ્યા. દેવગતિ પછી તેઓ ઘણા ભવો ભટક્યા; કેટલી બધી વાર તેઓ બ્રાહ્મણ થયા અને કેટલી વાર દેવગતિમાં જનમ્યા. આમ કરતા કરતા એમના ઘણા અવતારો થઈ ગયા.

mahavir swami

સોળમો ભવ - વિશ્વભૂતિ અને સત્તરમો ભવ - દેવગતિ

દેવગતિમાં જન્મ્યા પછી મહાવીર ભગવાનનો એક ભવ રાજગૃહી નગરીના રાજાના કુંવર તરીકે થયો. વિશ્વનંદી રાજાને વિશાખાનંદી નામનો એક પુત્ર હતો અને એમને વિશ્વભૂતિ (મહાવીર ભગવાન) નામનો ભત્રીજો હતો. બંને ભાઈઓ સાથે ઊછર્યા હતા, પણ બંને વચ્ચે લાગણી નહોતી. પછી બંને યુવાન થયા અને બધી વિદ્યાઓ શીખ્યા. બંને ભાઈઓમાં રાજકુંવર વિશાખાનંદી જરા નબળા હતા, જ્યારે વિશ્વભૂતિ શક્તિશાળી હતા. બંને યુવાન થયા પછી પરણ્યા અને એક વખત એવું બન્યું કે વિશ્વભૂતિ પોતાની બધી રાણીઓને લઈને પોતાના રાજ્યના બહુ જ પ્રખ્યાત અને જબરજસ્ત ભવ્ય ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. વિશ્વભૂતિને ઉદ્યાન ખૂબ પસંદ હોવાથી મોટા ભાગનો સમય ત્યાં જ પસાર કરતા હતા. એમના રાજકુટુંબનો એવો નિયમ હતો કે એક સમયે એક વ્યક્તિ જો એ ઉદ્યાનમાં ક્રીડા કરતી હોય, તો બીજી વ્યક્તિ ત્યાં પ્રવેશ ના કરે. એ વ્યક્તિ બહાર નીકળે પછી જ બીજી વ્યક્તિ અંદર જાય; એવો મર્યાદાવાળો વ્યવહાર હતો.

એ ઉદ્યાનમાં અંદર વિશ્વભૂતિ હતા, ત્યારે તે સમયે વિશાખાનંદી રાજકુંવરને એ ઉદ્યાનમાં અંદર જવાનું મન થયું. એ પોતાની રાણીઓ સાથે અંદર જવા ગયો અને દ્વારપાળે એમને રોક્યા અને કહ્યું, “અંદર વિશ્વભૂતિ છે; તમારાથી નહીં જવાય.” પછી વિશાખાનંદીએ બહાર ઊભા રહીને બહુ જ લાંબા સમય સુધી પોતાનો વારો ક્યારે આવશે એની રાહ જોઈ રહ્યો હતો. એટલામાં જ રાજમાતાની દાસી એ ઉદ્યાનમાં ફૂલ તોડવા માટે આવી. એણે જોયું કે રાજકુંવર ઉદ્યાનની બહાર છે, જ્યારે અંદર તો પેલો ભત્રીજો હતો. પછી દાસીએ રાજમાતા પાસે જઈને કાનભંભેરણી કરી. રાજમાતાને થયું, ”રાજગાદી પર મારા પુત્રનો હક છે અને એને ઉદ્યાનમાં જવા માટે બહાર રાહ જોવી પડે અને પેલા મજા કરે એવું ચાલતું હશે?!” પછી રાજમાતા રિસાઈને કોપભવનમાં જતા રહ્યા. રાજાએ એમને મનાવ્યા, સમજાવ્યા પણ રાજમાતા માન્યા જ નહીં. કારણ કે એમને બહુ જ ઈર્ષ્યા થઈ કે “મારા પુત્રની કશી કિંમત ના રહી અને ભત્રીજાને આટલું બધું મહત્ત્વ! ખરેખર તો મારો પુત્ર ગાદી પર બેસવાનો છે.” પોતાના પુત્ર કરતા વિશ્વભૂતિ શક્તિશાળી હોવાને કારણે આમ પણ રાજમાતાને ઈર્ષ્યા થતી હતી. રાજમાતાની વિનંતીથી રાજાએ કપટ કરીને વિશ્વભૂતિને ઉદ્યાનમાંથી બહાર કાઢવા એક યોજના ઘડી. એ યોજનામાં રાજાએ વિશ્વભૂતિને કહ્યું, “એક સામંત મારું માનતો નથી માટે લડવા જવું પડશે.” ત્યારે વિશ્વભૂતિએ કહ્યું, ”તમે નહીં, હું જ જઈ આવું છું.” વિશ્વભૂતિ જેવા ત્યાં ગયા, ત્યાં સામંતે એમનું સ્વાગત કરીને વંદન કર્યા, ”અહોહો! ધનભાગ મારા કે તમે મારે ત્યાં પધાર્યા!” પછી વિશ્વભૂતિએ સામંતને પૂછ્યું, ”આપ શા માટે અમારા રાજાને સ્વીકારતા નથી?” તો સામંતે કહ્યું, ”ના, હું તો એમનો ખંડણી રાજા છું; તેઓ મારી માથે છે.” પછી વિશ્વભૂતિ પણ મૂંઝાયા અને આ શું બન્યું એ એમને સમજાયું નહીં, કારણ કે પોતાને શરણે આવેલા સાથે યુદ્ધ કરાય જ નહીં. સામંતની મહેમાનગતિ સ્વીકારીને તેઓ પાછા ગયા. ખંડણી રાજાએ વિશ્વભૂતિને ખૂબ ભેટસોગાદો આપીને રવાના કર્યા.

mahavir swami

પોતાને સોંપેલું કામ પૂરું કરીને વિશ્વભૂતિ પાછા પોતાના રાજ્યમાં આવ્યા અને રાજાને બધી વાત કરી. પોતાનું કામ પૂરું કરીને પાછા તેઓ ઉદ્યાનમાં પોતાની રાણીઓને લઈને ક્રીડા કરવા ગયા. ત્યાં જ દ્વારપાળે એમને રોક્યા કે ”તમારાથી અત્યારે અંદર નહીં જવાય; અત્યારે તો તમારા પિત્રાઈ ભાઈ યુવરાજ વિશાખાનંદી એમની રાણીઓ સાથે ઉદ્યાનમાં અંદર છે.” વિશ્વભૂતિને તરત સમજાઈ ગયું કે આ તો મને અહીંથી કાઢવા માટે બધું કપટ કર્યું! તેઓ ખૂબ કોપાયમાન થયા. ત્યાં એક કોઠાનું ઝાડ હતું; એની પર પુષ્કળ કોઠા લાગેલા હતા. વિશ્વભૂતિએ ગુસ્સામાં એ ઝાડને એક મુઠ્ઠી મારી અને એકદમ બધા કોઠા ખરી પડ્યા. બધા સડાક થઈ ગયા, ગભરાઈ ગયા. વિશ્વભૂતિએ ગુસ્સામાં બધા સૈનિકોને કહ્યું, ”હું મારા કાકાનું બહુ માન રાખું છું એટલે, નહીં તો અત્યારે ને અત્યારે તમારા બધાની હાલત આ કોઠા જેવી કરી નાખું.” પછી વિશ્વભૂતિને અતિશય ક્રોધ આવતાં દેખાયું કે આ સંસારનું સ્વરૂપ શું છે! નર્યું છલકપટ, રાજ્ય માટે! મારે આ બધું જોઈતું જ નથી. મને તો એવું કંઈ હતું જ નહીં, છતાંય આ બધું છલકપટ શેના માટે છે? ગાદી માટે! વિશ્વભૂતિને સંસાર પ્રત્યે બહુ જ વૈરાગ આવ્યો અને પોતે દીક્ષા લઈને જંગલમાં જતા રહ્યા. એમણે ખૂબ તપ-ભક્તિ-આરાધના કર્યા. વિશ્વભૂતિ જ્યારે વૈરાગ લઈને નીકળતા હતા, ત્યારે એમના કાકા અને પિતાએ ખૂબ વિનંતી કરી કે ”તું ના જા; તું જ ગાદી પર બેસજે.” પણ પોતાના દ્રઢ વૈરાગના આધારે વિશ્વભૂતિએ આ વાત ના માની અને દીક્ષા લીધી. વિશાખાનંદીની ઈચ્છા પ્રમાણે અંતે એને રાજગાદી મળી ગઈ.

એક વખત વિશ્વભૂતિ એક ગામમાં સાધુ થઈને વહોરાવવા ગયા. ત્યાં એમણે જોયું કે યોગાનુયોગ એ જ ગામમાં એમના પિત્રાઈ ભાઈ વિશાખાનંદીના લગ્ન હતા. આ બાજુ રાજાના મંત્રીઓએ જોયું કે વિશ્વભૂતિ સાધુનો દેહ સુકાઈને એકદમ કૃશકાય થઈ ગયો હતો. છતાં, બધાએ એમને ઓળખી પાડ્યા અને વિશાખાનંદીને આની જાણ કરી. વિશાખાનંદીને વિશ્વભૂતિ સાધુને જોતાં જ પહેલાંનું વેર ખળભળી ઊઠ્યું. એટલામાં જ એક ગાયે આવીને વિશ્વભૂતિને ધક્કો મારીને પાડી નાખ્યા. એટલે વિશાખાનંદી સહિત બધા સૈનિકો અને મંત્રીઓએ એમની મશ્કરી કરી. વિશાખાનંદીએ પછી વિશ્વભૂતિ સાધુને જબરજસ્ત દ્વેષીલો અને ડંસીલો ટોણો મારીને કહ્યું, ”કેમ? કોઠાની જેમ બધાને તું પછાડી મારવાનો હતો! તે તારું બળ ક્યાં ગયું? આ ગાય તને પાડી જાય છે; છે તારી તાકાત? હવે છે કશું તારામાં?”

mahavir swami

આ સાંભળતાં જ વિશ્વભૂતિનો અહંકાર ખૂબ ઘવાયો. એક જ ક્ષણમાં તેમણે પોતે કરેલા ત્યાગ, સંયમ અને સમતા બધું જ ફગાવી દીધું. વિશ્વભૂતિએ ગુસ્સામાં ને ગુસ્સામાં ગાયનું શિંગડું પકડીને એને જોરથી ઉછાળીને પછાડી પોતાનું બળ બતાવ્યું. તેઓ ક્રોધમાં ને ક્રોધમાં પછી એ મૃત્યુ પામ્યા. પોતાના પિત્રાઈ ભાઈ વિશાખાનંદી જોડે એટલું બધું વેર બંધાયું કે મનમાં ને મનમાં એમણે નક્કી કર્યું કે, “આને તો હું મારીને જ જંપીશ; આ ભવમાં નહીં તો આવતા ભવમાં. હું એવું નિયાણું કરું છે કે મારું જે કંઈ તપ હોય તે બધું તપ આ નિયાણામાં જાઓ અને આવતા ભવે હું આ વિશાખાનંદીને મારીને જ રહું.” એવું વિશ્વભૂતિ સાધુએ નિયાણું બાંધ્યું. પોતાનું બધું જ તપ નિયાણામાં ખોઈ નાખ્યું. માટે કોઈ દિવસ કોઈને ટોણો ન મારવો. કોઈને પણ કિંચિત્‌માત્ર પણ આપણાથી દુઃખ ના થાય એવું આપણું વલણ હોવું જોઈએ.

પોતાનું આયુષ્યકર્મ ખપાવીને વિશ્વભૂતિ દેવગતિમાં જન્મ્યા. આ બાજુ વિશાખાનંદી આયુષ્ય પૂરું કરીને અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવ થયા અને વિશ્વભૂતિએ દેવગતિનું પોતાનું આયુષ્ય પૂરું કરીને મનુષ્યગતિમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે જન્મ લીધો. મહાવીર ભગવાનના ત્રિપૃષ્ઠ વાસુદેવથી બાકીના ભવો વિશે આગળ વાંચીએ.

×
Share on