ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: શ્રેણિક રાજા અને કુણિકનું મૃત્યુ

અજાણતાં જ શ્રી મહાવીર સ્વામીના ચાર વચનો સાંભળીને રોહિણેય ચોરનું હૃદયપરિવર્તન થઈ ગયું. અંતે, એણે વૈરાગ લઈને પોતાનો આગલો ભવ પણ સુધાર્યો. આપણે શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત એવા શ્રેણિક રાજા અને એમના પુત્ર કુણિકના જીવનમાં આગળ શું બન્યું એ વિશે વાંચીએ.

અભયકુમારની દીક્ષા

અભયકુમાર શ્રેણિક રાજાના જમણા હાથ જેવા અને જ્યેષ્ઠ પુત્ર હતા. શ્રેણિક રાજાને ઈચ્છા થઈ કે આ બધું રાજ અભયકુમારને સોંપીને હું થોડો સમય ભગવાનના સાંનિધ્યમાં ગાળું અને મારો ઉદ્ધાર કરું. એટલે, એમણે અભયકુમારને કહ્યું, “તું હવે આ રાજ્ય સંભાળ અને ગાદી ઉપર બેસી જા.” ત્યારે અભયકુમારે શ્રેણિક રાજા પાસે થોડો સમય માંગ્યો અને કહ્યું, “હું વિચાર કરીને તમને કહીશ.”

જ્યારે ભગવાન મહાવીર રાજગૃહીમાં પધાર્યા, ત્યારે અભયકુમારે ભગવાનને પૂછ્યું, “હે પ્રભુ! છેલ્લા રાજર્ષિ કોણ થશે?” રાજર્ષિ એટલે રાજા, જે પછીથી ઋષિ થઈ જાય. ત્યારે ભગવાન મહાવીર બોલ્યા, “ઉદાયન રાજા છે તે થશે.” અભયકુમાર સમજી ગયા, “ઉદાયન રાજા રાજર્ષિ થશે. એટલે હવે, હું રાજર્ષિ નહીં થઈ શકું. જો હું રાજા થઈશ તો દીક્ષા લઈને આગળ નહીં આવી શકું.” અભયકુમાર બહુ બુદ્ધિવાળા હોવાથી, એમણે ધીમે રહીને ભગવાન પાસેથી વાત કઢાવી અને પછી નક્કી કર્યું, “મારે ગાદી ઉપર બેસવું નથી અને રાજા થવું પણ નથી. મારે તો મોક્ષ પામવો છે; આખા બ્રહ્માંડના રાજા થવું છે, ખાલી મગધના રાજા નથી થવું.” આવું એમણે નક્કી કરીને શ્રેણિક રાજાને કહ્યું, “હું રાજ લેવા નથી માંગતો. ભગવાન મહાવીર એ મારા સ્વામી છે, એ તીર્થંકર છે અને તમારા જેવા પિતા મળ્યા પછી હું આવા સંસારમાં, ભવાટવીમાં શા માટે ભટકી મરું? મારે તો છૂટવું જ છે! ભગવાન સાક્ષાત્ મારી પાસે છે અને હું જો આ માર્ગ પકડી ના લઉં તો મારા જેવો મૂર્ખ, અધમ કોઈ બીજો ન કહેવાય.” અભયકુમારે ભવભયથી મુક્ત થવા માટે શ્રેણિક રાજાને પૂછ્યું, “મારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવી છે અને એ માટે તમે મને આજ્ઞા આપો.” શ્રેણિક રાજાને હર્ષ થયો કે મારો પુત્ર આવા સારા માર્ગે જાય છે. અભયકુમાર અને પોતાની માતા નંદાદેવી બંનેએ ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી. અભયકુમાર ખૂબ જ ભક્તિ-આરાધના અને જબરજસ્ત તપ કરીને દેહવિલય પછી દેવગતિને પામ્યા.

અભયકુમારના દીક્ષા લીધા બાદ શ્રેણિક રાજાને થયું કે હવે મારું રાજ્ય કોને સોંપું? એમને થયું કે આ માટે યોગ્ય તો કુણિક જ છે. એટલે એમણે મનોમન નક્કી કર્યું કે આખું રાજ્ય કુણિકને સોંપવું. શ્રેણિક રાજાને હલ્લ અને વિહલ્લ નામના બીજા બે પુત્રો પણ હતા. એમણે હલ્લ અને વિહલ્લને નાના રાજ્યો સોંપ્યા અને પોતાની પાસે રહેલી જબરજસ્ત બે કિંમતી વસ્તુઓ - અઢાર ચક્રોવાળો મોટો રત્નજડિત હાર કે જેની કિંમત દુનિયામાં ક્યાંય જડે એમ ન હતી, એવા ચક્રોનો હાર હલ્લને આપ્યો અને પોતાની પાસે રહેલો સેચના નામનો હાથી વિહલ્લને આપ્યો. એ હાથીની વિશેષતા એ હતી કે સેચના હાથી પર બેસીને જે કોઈ યુદ્ધ કરવા જાય તે ક્યારેય હારે નહીં એવો એ જબરજસ્ત શક્તિશાળી હાથી હતો. આ રીતે શ્રેણિક રાજાએ પોતાની બે કિંમતીમાં કિંમતી વસ્તુઓ પોતાના બંને પુત્રોને આપી અને પોતે મનોમન નક્કી કર્યું હતું કે ત્રીજી કિંમતી વસ્તુ એટલે કે આખું રાજ્ય પોતે કુણિકને આપશે.

શ્રેણિક રાજાએ હજી કુણિકનું જાહેર નહોતું કર્યું અને હલ્લ, વિહલ્લને કિંમતી વસ્તુઓ અને રાજ્યો સોંપી દીધાં. આ બધું જોઈને કુણિકને અંદર જબરજસ્ત દ્વેષ થયો. એને થયું, “હું મારા બાકીના દસ ભાઈઓને પિતા શ્રેણિક રાજા વિરુદ્ધ ભેગા કરું. શ્રેણિક રાજાએ જબરજસ્ત વેરો-આંતરો કર્યો છે. હલ્લ અને વિહલ્લને આટલું બધું આપી દીધું અને અમને બધાને કંઈ જ નહીં! માટે, હવે ઘાટ ઘડો. આ રાજાને પકડીને કેદ કરો. કારણ કે રાજશાહીમાં તો આ બધું થતું જ આવ્યું છે અને કરાય જ. આપણા પિતા બહુ પક્ષપાતી થઈ ગયા છે; એમનો વિવેક ભ્રષ્ટ થઈ ગયો છે. માટે આપણે એમના વિરુદ્ધ આવું કરવું જોઈએ.” કુણિકે પિતાની વિરુદ્ધ બીજા દસ ભાઈઓને સમજાવ્યા અને બધાએ મળીને શ્રેણિક રાજાને પકડીને જેલમાં નાખ્યા. અને પોતાના દસ ભાઈઓને પણ દગો આપ્યો. એમને પોતાના ખંડણી રાજા બનાવીને પોતે ઉપરી રાજા થયો. બધાને વહેંચવાને બદલે તે બધાનો ઉપરી થઈ ગયો અને તેણે ચક્રવર્તી બનવાનું સપનું સેવ્યું.

શ્રેણિક રાજાનું મૃત્યુ

કુણિકે પોતાના પિતાને જેલમાં નાખ્યા અને એમને એટલા બધા સતાવ્યા કે એમને અંધારી કાળી કોટડીમાં પૂરી દીધા. એમને ખાવા-પીવાનું આપતો નહોતો અને દરરોજ ચાબુક લઈને પોતાના પિતાને સો ફટકા મારતો. આનું કારણ શ્રેણિક રાજા અને કુણિકનું પૂર્વભવનું વેર હતું.

કુણિક પૂર્વભવમાં તાપસ હતો અને શ્રેણિક રાજા પૂર્વભવમાં રાજા હતા. રાજાએ તાપસને પોતાના ત્યાં વહોરાવવા માટે બોલાવ્યો હતો. ત્યારે યોગાનુયોગ થતું એવું કે દર વખતે, રાજા તાપસને વહોરાવવા માટે આમંત્રણ આપતા અને પછી પોતે ભૂલી જ જતા. છેવટે, પેલો તાપસ ભૂખ્યો રહેતો. આવું, ત્રણ વખત બન્યું અને અંતે ત્રીજી વખતે તાપસનું મગજ છટક્યું. એણે નિયાણું બાંધ્યું, “હું આવતા ભવે આનો બદલો લઉં જ અને શ્રેણિકને મારીને જ છોડું.” પૂર્વભવમાં રાજા ત્રણ વખત તાપસને વહોરાવવાનું ભૂલ્યો એના બદલામાં આ ભવમાં શ્રેણિક રાજાને વર્ષોનાં વર્ષો સુધી કારાગૃહમાં ખાવા-પીવાનું કશું જ ન મળ્યું.

કુણિકના માતા ચેલણા કે જેઓ શ્રેણિક રાજાના પટરાણી હતા એમના સિવાય કોઈને પણ શ્રેણિક રાજાને મળવાની છૂટ ન હતી. કુણિકના હૃદયમાં એટલી માતૃભક્તિ રહી હતી; એનો એટલો જ ભાગ માનવતાનો રહ્યો હતો; બાકી બધું જ રાક્ષસીપણું થઈ ગયું હતું. ચેલણા રાણી જ્યારે રાજાને મળવા જતાં ત્યારે પોતાના વાળમાં અડદનો મોટો લાડુ છુપાડીને લઈ જતાં અને રાજાને છૂપી રીતે ખવડાવતાં હતાં. કુણિક શ્રેણિક રાજાને પીવા માટે પાણી પણ નહોતો આપતો એટલે ચેલણા રાણી યુક્તિપૂર્વક પોતાના વાળમાં તેલના બદલે પાણી નાખીને વાળમાંથી ટપકાં પાડીને રાજાને પાણી આપતાં. આનાથી રાજાને માંડ એકાદ ઘૂંટડા જેટલું પાણી મળતું. આવી રીતે, શ્રેણિક રાજાને ખાવાનું મળી રહેવાને કારણે તેમનું મૃત્યુ નહોતું થતું અને ચાબખાનો માર સહન કરી શકતા હતા. આમ કરતાં કરતાં શ્રેણિક રાજાનો ઘણો સમય ગયો અને એમને અંદર ખૂબ પશ્ચાત્તાપ થતો હતો. એમણે પોતાના પુત્ર કુણિકના પ્રતિક્રમણ કર્યા. મહાવીર સ્વામીના બોધને ખૂબ યાદ કરતા કરતા પોતાના કપરા દિવસો વિતાવતા હતા.

કુણિકના લગ્ન પદ્માવતી નામની રાજકુંવરી સાથે થયા. પદ્માવતી કુંવરીની કૂખે પુત્રનો જન્મ થયો અને એ પુત્ર કુણિકને ખૂબ વહાલો હતો. એટલો બધો વહાલો હતો કે કુણિક તેને રમાડ્યા જ કરતો હતો. તે જમતી વખતે પણ પુત્રને પોતાના ખોળામાં રાખીને જમતો હતો. એક વખત એવું થયું કે કુણિક જમતો હતો ત્યારે એનો પુત્ર ખોળામાં હતો અને પુત્રે થાળીમાં લઘુશંકા કરી. કુણિકે ખુશ થઈને થોડુંક આમતેમ કરીને એ જ ખાવાનું ખાઈ લીધું. કુણિક પુત્રના મોહમાં એટલો બધો અંધ થઈ ગયો હતો અને એણે બહુ મીઠું લાગતું હતું.

બાજુમાં બેઠેલાં ચેલણા રાણી આ બધું જોઈ ખડખડાટ હસી પડ્યાં. માતાને હસતાં જોઈ કુણિકે પૂછ્યું, ”આ કેમ આવું કરે છે? આમાં શું હસવાનું છે? મા, તમે આટલું કેમ હસો છો?” પછી ચેલણા રાણીએ કહ્યું, “મને હસવું આવે છે કે તારા પુત્ર પર તને કેટલો બધો મોહ છે! આટલું બધું તું પુત્રનું ચલાવી લે છે પણ તારો એક વખત એવો આવશે કે જેમ તારા પિતાનું થયું એવું આ પુત્ર પણ તારી સાથે કરશે. કારણ કે તારા પિતાને પણ તારા પ્રત્યે આવું જ હતું.“

માતાની વાત સાંભળીને કુણિક આશ્ચર્ય પામ્યો, “શું વાત કરો છો? આવું તો કંઈ હોય?” સામે ચેલણા માતાએ કહ્યું, “હા! તને ખબર નથી કે તારા પિતાને પણ તારા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો.” ત્યારે કુણિકે કહ્યું, “ના ના, એ તો મારા વેરવી હતા.” ચેલણા માતાએ કહ્યું, “હોતું હશે! વેરવી તો તું આવ્યો છે તારા પિતાનો. તને તારા પુત્ર પ્રત્યે જેટલો પ્રેમ છે એના કરતાં વિશેષ પ્રેમ તારા પિતાને હતો!” આ સાંભળીને કુણિક એકદમ સડાક થઈ ગયો. ચેલણા રાણીએ કહ્યું, “જ્યારે તું મારા ગર્ભમાં હતો ત્યારે મને એવો દોહદ થયો હતો કે હું શ્રેણિક રાજાનું એટલે મારા પતિનું જ માંસ ખાઉં.” આ બધી વાત પ્રથમવાર જ કુણિકને ખબર પડી.

અત્યાર સુધીની બધી વાસ્તવિકતાઓ માતા ચેલણા અને પિતા શ્રેણિકે કુણિકથી છુપાવી હતી. પછી ચેલણા રાણીએ કહ્યું, “મેં જ તને જન્મતાંની સાથે જ જંગલમાં ફેંકી દેવડાવ્યો હતો. કારણ કે તું જરૂર તારા પિતા શ્રેણિકને મારી નાખીશ. પણ જેવી તારા પિતાને ખબર પડી એટલે તરત જ એમણે મને ખખડાવી અને દાસીને લઈને તું જંગલમાં જ્યાં હતો ત્યાંથી લઈ આવ્યા. જંગલમાં તારી આંગળી કૂકડાએ કાપી ખાધેલી હતી. આંગળી સડી ગઈ હતી અને એમાં જીવડા પડ્યા હતા. તારી આંગળીમાં લોહી-પરુ, જીવડા ખૂબ હતા. તું વેદનાથી એટલો બધો રડતો હતો. તો તારા જ પિતાએ આવી આંગળી પોતાના મોઢામાં નાંખી અને એ નાખતાંની સાથે જ તું શાંત થઈ ગયો; તને બહુ સારું લાગ્યું. તું જેટલી વાર રડે ત્યારે તારી આંગળી મોઢામાં નાખે ત્યારે જ તું ટાઢો પડતો હતો. એટલે જીવડા, માંસ, લોહી, પરુવાળી આંગળી તારા મોઢામાં નાખીને રૂઝવી છે તારા પિતાએ. કોઈ બાપ આવું ના કરે. તને હાથમાં ને હાથમાં જ રાખતા હતા.”

પછી કુણિકે કહ્યું, “મને તો ગોળના લાડુ આપતા હતા અને હલ્લ-વિહલ્લને તો સાકરના લાડુ આપતા હતા.” માતા ચેલણાએ કહ્યું, “ના, એ તો હું જ એવું કરતી હતી. મને તારા માટે ખૂબ અભાવ હતો કે તું મારા પતિને મારી નાખવાનો છું. એટલે હું તને ગોળના લાડુ આપતી અને હલ્લ-વિહલ્લને સાકરના લાડુ આપતી હતી. આ વાતની તારા પિતાને તો ખબર પણ નહોતી.”

ત્યાં જ કુણિકને જબરજસ્ત અંદર પરિવર્તન આવ્યું. ચેલણા રાણીએ કહ્યું, “તને એ પણ ખબર નહીં હોય કે આ શ્રેણિક મહારાજાના મનમાં શું હતું. જ્યારે બધાને રાજ્ય વહેંચવાની વાત આવી ત્યારે શ્રેણિક રાજાએ નક્કી કર્યું હતું કે આખા મગધ દેશનો રાજા તને બનાવવો અને હલ્લ-વિહલ્લને કિંમતી વસ્તુઓ આપીને એમને રાજી રાખવાના. તારા પિતાના મનમાં આવું હતું. તેં કેમ આવું બધું કર્યું? તને એમને એમ આખું રાજ્ય મળવાનું જ હતું!”

કુણિકને આઘાત લાગ્યો, “ધિક્કાર છે મારી જાતને! મેં મારા પિતા સાથે આટલો બધો અન્યાય કર્યો! અન્યાય તો શું પણ હું એમનો ભયંકર ગુનેગાર થઈ ગયો કે મારા વેરના કારણે હું આવા પિતાને ઓળખી ના શક્યો.” અંતે કુણિકનું એના પિતા પ્રત્યેનું વેરનું પાંદડું ખસ્યું અને એને જબરજસ્ત પશ્ચાત્તાપ થયો. પોતાના પિતાને કેદમાંથી મુક્ત કરવા એ તરત જ દોડ્યો. એને થયું, “હું જાતે જ મારા પિતાના બધા બંધનો તોડું.” પિતાને કેદમાંથી મુક્ત કરવા માટે કુણિક પોતાના હાથમાં હથોડો લઈને દોડતો-દોડતો ગયો. દૂરથી પહેરેગીરોએ જોયું કે કુણિક આવે છે. એમને થયું, “એ રોજ તો ચાબૂક લઈને આવે છે અને આજે હથોડો લઈને આવે છે. ખબર નહીં શું કરશે!”

કુણિકને દૂરથી હાથમાં ઘણ લઈને આવતો જોતાં શ્રેણિક રાજાને ભય લાગ્યો, “આ હવે મને મારી નાખશે. એ મારી નાખે અને હું એના હાથે મરું, મારા પ્રિય પુત્રને મારા વધનું શા માટે નિમિત્ત બનાવું? એ પાપ શા માટે હું એના માથે નાખું? એને હું આમાંથી બચાવું.” એટલે શ્રેણિક રાજાએ પોતાની વીંટીમાંથી ઝેર કાઢીને હળાહળ ઝેર પીને ત્યાં ને ત્યાં જ મરણ પામ્યા.

આ બાજુ કુણિક ઘણ લઈને તોડવા ગયો તો ભયથી એનો ઘણ ત્યાં ને ત્યાં જ પડી ગયો. પિતાને મૃત્યુ પામેલા જોઈને એને આઘાત લાગ્યો. એને થયું કે મારા પિતાને મારી નાખવાનો હું જ નિમિત બન્યો. તે ખૂબ વિલાપ કરીને રડ્યો અને દુઃખી થયો. પછી પોતાની માતા ચેલણા આગળ ખૂબ પશ્ચાત્તાપ કરીને રડીને કુણિકે પિતાના અગ્નિસંસ્કાર કર્યા. અગ્નિસંસ્કાર કરતી વખતે તે પોતાના પિતાની સાથે અગ્નિમાં બળી જવા માટે તૈયાર થયો, “હવે હું જીવીને શું કરું?” પણ પછી બધા મંત્રીઓએ કુણિકને સમજાવ્યા, “આ મગધ દેશનું રાજ તમારા સિવાય કોઈ ચલાવી શકે એમ નથી. માટે તમે આ દેશને સાચવો.” એટલે પિતા સાથે અગ્નિમાં હોમાઈ જવાનું ટાળી અને પોતાના ભાગે આવેલું કર્મ જબરજસ્તીથી પૂરું કરવા કુણિક પાછો રાજગાદી સંભાળવા લાગ્યો.

કુણિકને પિતાની મૃત્યુના જબરજસ્ત શોકમાંથી બહાર કાઢવા માટે બધા મંત્રીઓએ યુક્તિ કરી. મંત્રીઓએ ગામના બ્રાહ્મણો તથા પંડિતોને બોલાવીને કુણિકને શોકમાંથી બહાર કાઢવા કંઈક રસ્તો બતાવવા વિનંતી કરી. પછી બધાએ એક યોજના કરી અને કુણિકને કહ્યું, “આપના પિતા મૃત્યુ પામ્યા છે એનું પિંડદાન કરો જેના આધારે એમની સદ્‌ગતિ થશે અને તમે તમારા પિતાનું તર્પણ કર્યા બરાબર લેખાશે.” કુણિકને જે અપરાધભાવ હતો એ દૂર કરવા માટે આ એક વચગાળાનો રસ્તો કાઢ્યો હતો. આમ તો પહેલાં પિંડદાન જેવું કશું હતું નહીં પણ સાંત્વના માટે લોકોએ ઉપજાવીને આવો રસ્તો કાઢ્યો હતો. એ પહેલાં તો કોઈ પિંડદાન કરતું નહોતું. પિંડદાન કરીને વ્યક્તિ અંદર શાંતિ મેળવે છે.

પિંડદાનની પ્રથા પછીથી ચાલી આવી છે પણ વ્યક્તિનાં મૃત્યુ પછી કોઈને કશું પહોંચતું નથી. કર્મના સિદ્ધાંત પ્રમાણે, “જે કરે તેને મળે. કર્તા થાય તેને ભોક્તા થવું પડે.” જે દાન કરે એને એનું પુણ્ય મળે. મૃત્યુ પામેલાને આની સાથે કંઈ લેવાદેવા નથી. શ્રેણિક મહારાજાને મૃત્યુ બાદ નર્કગતિ મળી હતી અને તેઓ આવતી ચોવીસીના તીર્થંકર થશે. આ ભગવાન મહાવીરે જે ભાખેલું હતું એમાં પિંડદાનથી શું ફેર પડી શકે છે? કશો ફેર ના પડે. નર્કે ગયેલા જીવ માટે આપણે ગમે એટલું પુણ્ય કરીએ પણ એને ક્યાંથી પહોંચવાનું છે? એના કર્મોમાં કશો ફેરફાર થાય નહીં. તીર્થંકર ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જોઈને કહેલી વાત કોઈ દિવસ મિથ્યા થાય જ નહીં. પણ ફક્ત સાંત્વના મેળવવા માટેનો એક રસ્તો કરેલો. ખરેખર જે દાન કરે એને ફળ મળે.

શ્રેણિક રાજાની રાજગૃહી નગરી અને એમના રાજમહેલમાં બધે ફરતા-ફરતા પિતાની યાદગીરીની જે કંઈ પણ વસ્તુઓ જેમ કે, એમનો પલંગ, સિંહાસન કે મહેલને જોતાં જ કુણિકને બહુ દુઃખ થતું હતું. એટલે એણે ચંપાનગરી નામની પોતાની અલગથી નગરી વસાવી અને રાજગૃહીમાંથી જતો રહ્યો.

કુણિકનું મૃત્યુ

એક વખત કુણિક ભગવાન મહાવીર પાસે ગયો. ત્યાં જ ચેલણા રાણી સહિત શ્રેણિક રાજાની બધી રાણીઓએ પણ ભગવાન પાસે સમર્પણ થઈને દીક્ષા લીધી. પછી કુણિકે ભગવાન મહાવીરને પૂછ્યું, “જે જન્મ થાય ત્યારથી મરતા સુધી ભોગવિલાસ છોડતા નથી એવા ચક્રવર્તીની શી ગતિ થાય?” તો ભગવાને જવાબ આપ્યો, “સાતમી નર્કે જાય.” પણ એવા ચક્રવર્તી છે કે જે બધો ભોગવિલાસ ત્યાગ કરીને સીધા મોક્ષે ગયા હોય અને એવા પણ ચક્રવર્તી છે કે જે ભોગવિલાસ છોડીને, છેવટે તીર્થંકર થઈને મોક્ષે ગયેલા છે. જેમ કે, શાંતિનાથ ભગવાન, અરનાથ ભગવાન અને કુંથુનાથ ભગવાન ચક્રવર્તીપણામાંથી તીર્થંકર થઈને મોક્ષે ગયા છે. પણ જે ચક્રવર્તી ખરેખર ધર્મ તરફ પાછા વળતા નથી અને ભોગવિલાસમાં જ રહે છે એને માટે કહ્યું છે ભગવાને. પછી કુણિકે ભગવાન મહાવીરને પૂછ્યું, “ભગવાન, મારી કઈ ગતિ થશે?” તો ભગવાને કહ્યું, “તારી છઠ્ઠી નર્ક થશે.” ભગવાનનો જવાબ સાંભળીને કુણિકે કહ્યું, “કેમ એમ કહો છો? ચક્રવર્તીની જેમ હું સાતમી નર્કે ના જઈ શકું? હું ચક્રવર્તી ના થઈ શકું?” ત્યારે ભગવાન મહાવીરે ના પાડી, “ના, ચક્રવર્તી ના થઈ શકે.” પછી ફરી કુણિકે પૂછ્યું, “કેમ નહીં?” ત્યારે ભગવાને કહ્યું, “ચક્રવર્તી થવા માટે ચૌદ રત્નો પ્રગટ થવા જોઈએ. એમાં એક પણ રત્ન ઓછું હોય તો ના ચાલે.” એટલે કે, જેને ચૌદ રત્નો પ્રગટ થયા હોય એ જ ચક્રવર્તી કહેવાય.

પછી કુણિક ચંપાનગરીના પોતાના રાજદરબારમાં જતો રહ્યો પણ એને ગમે તેમ કરીને ચક્રવર્તી થવાની લ્હાય લાગી હતી. એણે પોતાની જાતે જ સાત લોખંડના રત્નો બનાવ્યા. પછી પોતાની પદ્માવતી રાણીને પણ એક રત્ન તરીકે ગણી. એટલે આ પ્રમાણે આઠ રત્નો થયાં અને બીજા છ રત્નો પણ પોતાની જાતે બનાવ્યા. જેમ કે, હાથીને પણ રત્ન તરીકે ગણવા લાગ્યો. આ પ્રમાણે પોતાની જાતે જ કુણિકે ચૌદ રત્નો પોતાના મનમાં કાલ્પનિક રીતે ઊભા કર્યાં અને પોતાને ચૌદ રત્નો પ્રગટ થઈ ગયાં એમ માનીને આખી દુનિયાને જીતવા નીકળ્યો હતો. ઘણા બધા દેશોને એણે જીતી લીધા હતા. વૈતાઢ્યગિરિની પેલે પાર જે ગુફામાંથી દ્વાર ખોલાવીને નીકળી જાય તે બીજા દેશો જીતી શકે અને ચક્રવર્તીપદ પ્રાપ્ત કરી શકાય એવું હોય છે.

જ્યારે કુણિક એ વૈતાઢ્યગિરિ ગુફાની પાર દ્વાર આગળ આવ્યો ત્યારે એ ગુફાના રક્ષકદેવ હાજર હતા. રક્ષકદેવ કોઈને પણ એ ગુફાથી આગળ જવા ના દે, સિવાય કે ચક્રવર્તી રાજા જે જીતીને આવ્યા હોય તેને. પછી કુણિકે વૈતાઢ્યગિરિ ગુફાના કૃતમાળ રક્ષકદેવ સાથે ખૂબ વાક્યુદ્ધ કર્યું. અંતે દેવે કહ્યું, “હું તને જીવતો નહીં રાખું. અહીંથી બહાર જવાય જ નહીં. તું ખરો ચક્રવર્તી છે જ નહીં! તું કેવી રીતે ચક્રવર્તી હોઈ શકે? તેરમો ચક્રવર્તી થઈ શકે જ નહીં. બાર ચક્રવર્તી તો પહેલાં જ થઈ ગયા છે. હવે તું ખોટી વાત ના કરીશ.” પણ કુણિક માન્યો જ નહીં અને એણે કૃતમાળ દેવ સાથે જબરજસ્ત વાક્યુદ્ધ કર્યું. અંતે, કૃતમાળ દેવ એના ઉપર જબરજસ્ત કોપાયમાન થયા અને એને બાળી નાખ્યો. મૃત્યુ પામીને કુણિક છઠ્ઠી નર્કે ગયો. કુણિક બાદ, એના પુત્ર ઉદાયને ગાદી પર બેસીને રાજ કર્યું. આવી રીતે, કુણિકના જીવનનો અંત આવ્યો.

મા-બાપ અને છોકરાંનું આ જબરજસ્ત વૃત્તાંત આપણે શ્રેણિક રાજા અને કુણિકના જીવન પરથી લઈ શકીએ છીએ. મા-બાપને પોતાના છોકરાંઓ પ્રત્યે ખૂબ પ્રેમ હોવા છતાં ઘણીવાર છોકરાંઓ માતા-પિતાના એટલા વિરુદ્ધ થાય છે કે જાણે વેર વસૂલ કરવા આવ્યા હોય એવી રીતે વર્તે છે.

મહાવીર નિર્વાણ

મહાવીર સ્વામી, વિહાર વખતે, રાજગીરી નજીક પાવાપુરી (બિહાર) પહોંચ્યા. તેમની અંતિમ દેશના ૭૨ કલાક અવિરત ચાલી! આ કાળચક્રના લોકો માટે મુક્તિ પામવાની આ છેલ્લી તક હતી. તેથી, ઘણા રાજાઓએ દીક્ષા લીધી અને અસંખ્ય લોકોએ શ્રાવક અને શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. આ જ સમયમાં, ભગવાને ગૌતમ સ્વામીને પડોશના શહેરમાં જવાનું અને બ્રાહ્મણને સાક્ષાત્કાર કરાવી દેવાનું કામ સોંપ્યું.

અંતે, ભગવાને શૈલેષીકરણ ક્રિયા કરી અને ૭૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ભગવાનનું નિર્વાણ થયું અને સિધ્ધક્ષેત્રમાં ગયા! દેવ ભગવંતો અંતિમ ક્રિયાઓ કરવા આવ્યા અને ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરી.

nirvan

આ સમાચાર સાંભળીને, આખા વિશ્વમાં અંધકાર છવાઇ ગયો. માટે, લોકોએ તેમના ભગવાનની ઝાંખી મેળવવા માટે દીવાઓ પ્રગટાવ્યા! આ ક્રિયા આજે પણ આ યુગના છેલ્લા તીર્થંકરની – મહાવીર સ્વામી, આપણા તારણહાર, જેમના શાસનમાં આપણો જન્મ થયો તેમની યાદમાં કરવામાં આવે છે. આપણે આ પ્રસંગને ‘દિવાળી’ તરીકે ઉજવીએ છીએ!

પાછા ફરતી વખતે, ગૌતમ સ્વામીએ જાણ્યું કે તેમના વ્હાલા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામી, જેમને ભગવાન પ્રત્યે અત્યંત રાગ હતો, તેઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. તેઓ આ વાત માની શકતા જ ન હતા. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે, “આવું બનવાનું હશે તેની ભગવાનને ક્યારે ખબર પડી હશે, શા માટે તેઓએ મને દૂર મોકલી દીધો?” તેમને ભારે આઘાત લાગ્યો. જો કે, તે જ વખતે, તેઓને ભાન થયું અને તેમના રાગનું બંધન અને મૂર્ખતા તૂટી ગઇ અને તેઓને પણ, કેવળજ્ઞાન થઈ ગયું! તેમણે ભગવાન દ્વારા અપાયેલ જગત કલ્યાણનું કામ બીજા ૧૨ વર્ષ શરૂ જ રાખ્યું અને અંતે મોક્ષે ગયા.

gautam-swami

આજના સમયમાં, મહાવીર સ્વામીની જીવન કથા આપણા બધા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે! આ કથાઆપણને તેમના જેવા, અહિંસક અને બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો ધ્યેય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે. તેમની કથાનું વર્ણન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આ કુદરતી નિયમ છે : જે ગુણોની આપણે ભજના કરીએ તે આપણામાં પણ ખીલી ઊઠે છે. મહાપુરૂષોની કથા વાંચવા પાછળનો હેતુ જ આ છે. ભગવાન મહાવીરની કથા એ તીર્થંકરની કથા છે, જે આ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે!

Related Topic

×
Share on