
પોતાના માથે કોઈ ઉપરી કે સ્વામી ન જોઈએ એવી ભાવનાથી શાલિભદ્ર વૈરાગ્ય પામ્યો અને પોતાના બનેવી ધન્ના શેઠ સાથે સંસાર ત્યાગીને શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. ત્યારબાદ કઠોર તપ અને આરાધના કરતાં શાલિભદ્ર અને ધન્ના શેઠ મોક્ષના માર્ગે આગળ વધ્યા. આગળ, રોહિણેય ચોરના જીવનમાં કેવો વળાંક આવ્યો અને એણે દીક્ષા લીધી એ વિશે વાંચીએ.
મહાવીર સ્વામીના વખતમાં, લોહખુર નામનો બહુ જ ભયંકર ચોર લોકોને ખૂબ રંજાડતો હતો. જ્યાં ત્યાં ચોરીઓ કરીને ગામોના ગામો ઉખાડી નાખતો અને સ્ત્રીઓનું હરણ કરતો અને ખૂબ વ્યભિચાર કરતો હતો. એ ચોર એક વખત શ્રેણિક રાજાની રાજગૃહી નગરીમાં પેસી ગયો હતો અને લોકોને ખૂબ લૂંટતો હતો. લોકો એનાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.
લોહખુર ચોરને રોહિણી નામની પત્ની હતી અને એના પુત્રનું નામ રોહિણેય હતું. રોહિણેય પોતાના પિતાને જોઈને જબરજસ્ત ચોરીની તાલીમ લેતો હતો. જ્યારે રોહિણેય યુવાન થયો અને તાલીમ પામી ગયો, ત્યારે એના પિતાનો અંતસમય નજીક આવ્યો. અંતિમ સમયે પિતાએ રોહિણેય પાસે વચન માંગ્યું, “તું મારું એક વચન પાળ.” પિતાના અંતિમ સમયની આજ્ઞા સાંભળતા જ રોહિણેયે તરત જ કહ્યું, “તમે જેમ કહેશો એમ.” ત્યારે લોહખુરે કહ્યું, “તને જે કરવું હોય એ કરવાની છૂટ છે પણ એક વસ્તુ તું ના કરીશ કે મહાવીર નામના એક યોગી છે. એમના મોઢેથી કંઈ પણ વાણી કે દેશના નીકળે એ તું ક્યારેય સાંભળીશ નહીં.” રોહિણેયે પિતાને વચન આપ્યું, “તમે કહેશો એમ મહાવીરનો એક અક્ષર પણ હું સાંભળીશ નહીં.” રોહિણેય ચોર જ્યારે જ્યારે લૂંટવા જતો ત્યારે આતંક મચાવતો; તે પોતાના બાપ કરતાં પણ સવાયો નીકળ્યો હતો.
જ્યારે રાજગૃહી નગરીમાં મહાવીર સ્વામી સમવસર્યા હોય અને એમની દેશના ચાલતી હોય અને રોહિણેય લૂંટફાટ કરવા નીકળી પડ્યો હોય, ત્યારે એને ભગવાનની વાણી સંભળાયા વગર રહે જ નહીં. કારણ કે દેશનામાં ભગવાનની વાણી પાંચસો-પાંચસો યોજન સુધી સંભળાય. સંભળાય તો એ બે કાનમાં આંગળીઓ નાખી દેતો અને પછી ત્યાંથી પસાર થતો. એટલે એને ભગવાનની વાણી સંભળાય જ નહીં એવું કરતો હતો, કારણ કે એણે એના પિતાને વચન આપ્યું હતું.

એક વખત એવું થયું કે મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં દેશના આપતા હતા અને બરાબર તે જ સમયે રોહિણેય એમના સમવસરણ પાસેથી બે કાનમાં આંગળી નાખીને પસાર થયો. એટલામાં એના પગમાં મોટો કાંટો ખૂબ ઊંડે સુધી ઘૂસી ગયો. રોહિણેયને પગમાં એટલું દર્દ થયું કે એ પોતાનો પગ જમીન ઉપર મૂકી જ ના શક્યો. જો એને આગળ ચાલવું હોય તો પગમાં કાંટો કાઢ્યા વગર એ આગળ વધી જ ના શકે. ગમે તેમ કરીને કાંટો કાઢવા એણે એક કાનમાં આંગળી રાખી અને બીજા કાનમાંથી આંગળી કાઢી નાખી અને કાંટો કાઢવાનો પ્રયત્ન કર્યો. તે કાંટો કાઢતો હતો એટલામાં ભગવાનની દેશનાના થોડા વાક્યો એના કાનમાં પેસી ગયા. મહાવીર સ્વામી દેશનામાં બોલી રહ્યા હતા, “જેમના ચરણ પૃથ્વીને અડતા નથી, જેમની આંખ મટકું મારતી નથી, જેમના શરીરમાં પરસેવો કે ધૂળ કશું હોય નહીં અને જેના ગળાની પુષ્પમાળા ક્યારેય કરમાય નહીં—એને દેવ કહેવાય.” અર્થાત્ દેવતા કોને કહેવાય એની વ્યાખ્યા ભગવાન દેશનામાં આપી રહ્યા હતા.
ભગવાનની દેશનાના આટલા શબ્દો રોહિણેયના કાનમાં પડી ગયા. પણ એને અંદર જબરજસ્ત ખરાબ લાગ્યું, “ધિક્કાર છે. ભગવાનના શબ્દો મારા કાનમાં કેમ પડ્યા? મેં શા માટે સાંભળ્યું! પણ મને સાંભળ્યા સિવાય છૂટકો ન હતો. મારા પિતાને મેં વચન આપ્યું છે એનો થોડો ભંગ થયો ગણાય.”
બીજી બાજુ નગરજનો ખૂબ ત્રાસ પામી ગયા હતા. એટલે શ્રેણિક રાજાને બધાએ ફરિયાદ કરી, “આપનો કોઈ કોટવાળ આ ચોરને પકડી શકતો નથી અને અમે બધા ત્રાહિમામ થઈ ગયા છીએ. એ ચોર અમારી સ્ત્રીઓ અને ધન-દોલત લૂંટી રહ્યો છે. તો આમાંથી અમને છોડાવો; તમે તો મહાન રાજા છો.” રાજગૃહી નગરીના કોટવાળોએ શ્રેણિક રાજાને કહ્યું, “અમે રોહિણેય ચોરને પકડી શકીએ એમ છીએ નહીં. એ જબરજસ્ત શક્તિશાળી છે. અમે એક ડગલું ભરીએ તો એ પચાસ ડગલાં આગળ દોડી જાય છે. એની દોડવામાં અમારાથી પચાસગણી ઝડપ છે. આ શહેરની ફરતે કોટ તે એક જ છલાંગ મારીને ઊડીને બહાર જતો રહે છે! અમારાથી તો કોઈ રીતે શક્ય નથી. એવું હોય તો અમને નોકરીમાંથી છૂટા કરો પણ અમારાથી આ ચોરને પકડાય એવું નથી.”
કોટવાળોની વાતો સાંભળી શ્રેણિક રાજાએ અભયકુમારને મદદ માટે બોલાવ્યા. પછી અભયકુમારે રોહિણેય ચોરને પકડવા યોજના ઘડી. એમણે આખા નગરના કોટની ફરતે પોતાનું સૈન્ય બિછાવીને છટકાં ગોઠવ્યાં. એક દિવસ રોહિણેય ચોર ચોરી કરવા આવી ગયો. ત્યારે સૈન્યએ ચોરને છટકામાં ફસાવીને પકડી લીધો.
ચોરના પકડાયા પછી અભયકુમારે જોયું કે એની પાસે મુદ્દામાલ હતો જ નહીં. અભયકુમાર વિચારમાં પડ્યા કે રોહિણેય ચોરનો ગુનો પુરવાર કર્યા વગર એને સજા કઈ રીતે કરાય? ગુનો તો કબૂલ કરાવવો જ પડે. અભયકુમારે શ્રેણિક રાજા પાસે જઈને કહ્યું કે આ શિક્ષાને પાત્ર નથી. શ્રેણિક રાજાએ રોહિણેય ચોરને પૂછ્યું, “તું કોણ છે?” તો રોહિણેયે બધું ખોટું કીધું, “હું તો દુર્ગચંદ છું અને શાલિગ્રામ નગરમાં રહું છું. અહીંયાં કામથી આવ્યો છું પણ આ લોકોએ મને ચોર કરીને પકડી લીધો પણ ખરેખર હું તો કણબી છું, કામ માટે આવેલો છું અને રાત્રે પાછો જવાનો છું.” પણ આનો કોઈ પુરાવો હોતો નથી એટલે એ ચોર જ છે કે કણબી એ કંઈ ખબર પડી નહીં.
પછી અભયકુમારે રસ્તો કર્યો. રોહિણેયે જે ગામનું નામ બતાવ્યું એ ગામમાં પોતાના બધા જ સૈનિકોને મોકલ્યા અને તપાસ કરાવડાવી. પણ રોહિણેયે પહેલેથી અમુક લોકોને કહી રાખ્યું હતું કે કોઈ પૂછવા આવે તો કહી દેજો કે હું આ ગામનો છું અને મારું નામ આ છે. એ પ્રમાણે સૈનિકોને જવાબ મળતાં તેઓ નિરાશ થઈને પાછા આવ્યા કે હવે કોઈ ચારો નથી. છતાં, બધાને ખાતરી હતી કે આ એ જ રોહિણેય ચોર છે પણ પુરાવો નહોતો એટલે કહી નહોતા શકતા. એ કાળમાં રાજા પણ કેવા ન્યાયી હોતા હતા—પુરાવા વગર ક્યારેય પણ કોઈને સજા નહોતા કરતા!
પછી અભયકુમારે પછી બીજો રસ્તો કર્યો. રોહિણેયને ખૂબ દારૂ પીવડાવ્યો અને એ દેવગતિમાં હોય એવા સુખ-વૈભવ, અપ્સરાઓ અને એવું બધું વાતાવરણ ઊભું કર્યું. જ્યારે રોહિણેય દારૂના ઘેનમાંથી બહાર આવ્યો ત્યારે એણે જોયું કે એ તો દેવગતિમાં હતો. બધી અપ્સરાઓએ કહ્યું કે અમે તારી માટે જ છીએ; તું અમારી સાથે લગ્ન કર. તું દેવ જ છે. રોહિણેયને લાગ્યું કે સાચું શું છે? કદાચ હું દેવ જ નહીં હોઉં. એ ચક્કર ખાઈ ગયો હતો!
પછી બધી અપ્સરાઓએ કહ્યું કે અમે તારી સાથે વૈભવ ભોગવીએ પણ એ પહેલાં અહીંયાં નિયમ છે કે પોતે જે કંઈ ખોટું કર્યું હોય કે સારું કર્યું હોય એ બધું એક વાર અહીં કહી દેવું પડે. તો જ તમને અધિકાર મળે એવો રિવાજ છે. રોહિણેયને વિચારતા વિચારતા થયું કે આ શું છે? સાચું છે કે માયા છે? પણ પછી એમ કરતાં કરતાં એને એકદમ ચમકારો થયો અને મહાવીર સ્વામીની વાત યાદ આવી કે જો ખરેખર આ દેવગતિ હોય તો દેવો જમીનથી અધ્ધર હોય, એમના ગળાની માળા સુકાય નહીં, એમને શરીરે પરસેવો કે ધૂળ ના હોય, એમની આંખો મટકું ના મારે. એણે જોયું તો બધા જમીન પર જ હતાં, બધાની આંખો મટકા મારતી હતી, એમનાં શરીર પસીનાથી ગંધાતા હતા અને ગળાની માળા સુકાઈ ગઈ હતી. એટલે એ સમજી ગયો કે આ ખોટું છે એટલે એ ચાલાકી વાપરીને ખોટી ખોટી વાતો કરીને છટકી ગયો.
આ રીતે, રોહિણેય પોતાનો ગુનો કબૂલ કરે તે માટે અભયકુમારે ખૂબ યુક્તિ લગાડી પણ ભગવાનના જે ચાર વાક્યો રોહિણેયના કાનમાં પડ્યા હતા એ ખરા સમયે એને હાજર થયા અને એ યુક્તિપૂર્વક છટકી ગયો એટલે એનો ગુનો કોઈ પણ રીતે પુરવાર થયો જ નહીં. બધાને ખબર જ હતી કે આ જ ગુનેગાર છે, આ જ રોહિણેય છે અને આ જ મહાચોર છે, પણ છતાંય, એ વખતનો ન્યાય એવો સુંદર હતો કે રાજાને જે બધી જ સત્તા હતી, રાજાશાહી જ હતી છતાં પણ તેઓ લોકશાહી તરીકે જીવતા હતા; પોતાનું રાજ્ય લોકશાહી રીતે જ ચલાવતા હતા. જો ગુનો પુરવાર થાય તો જ એને સજા કરાય અને જો ના પુરવાર થાય તો છોડી દેવો પડે.
રોહિણેય ચોરને વિચાર આવ્યો, “મેં નાછૂટકે મહાવીર સ્વામીની એક જ વાત મારા જીવનમાં સાંભળી અને મારું આખું જીવન બચી ગયું. તો ઓહોહો! ભગવાનની વાણીમાં કેટલી બધી શક્તિ છે. જો હું એમની દેશના હજુ વધારે સાંભળીશ તો મને શું નહીં મળે!” એને પોતાની જાત પર ખૂબ તિરસ્કાર થયો અને થયું, “ધિક્કાર છે મને કે આવી સરસ મહાવીર સ્વામીની દેશના વર્ષોથી ચાલતી હતી અને મેં ચૂકી. મારા પિતાને પણ ધિક્કાર છે કે જેમણે મને ઊંધા રવાડે ચડાવ્યો.” એને વિચાર આવ્યો, “મારું એક જ જીવન બચાવવા મને ભગવાનના આ ચાર વાક્યોએ મદદ કરી તો આ સંસારસાગર તરવા માટે મને ભગવાનની વાણી જરૂર મદદ કરશે જ.” પછી એ ખૂબ દિલથી ભગવાન પાસે ગયો અને એણે ભગવાનને પૂછ્યું, “શું હું આપની પાસે દીક્ષા લેવા માટે યોગ્ય છું કે નથી?” હવે, મહાવીર સ્વામીએ શું જવાબ આપ્યો હશે? એ જરા વિચારવા જેવું છે! આટલો ભયંકર ગુનેગાર કે જેણે કેટલાંયને લૂંટી નાખ્યા, કેટલાંયને મારી નાખ્યા અને ગામની સ્ત્રીઓને લૂંટી છતાંય મહાવીર પ્રભુ તો કરુણાના સાગર હતા. સાગરમાં ગમે એટલો કચરો આવે તો પણ એ કચરો સાગરને મલિન નથી કરતો પણ એ કચરો કચરો મટી જાય છે અને શુદ્ધ થઈ જાય છે.
આ રીતે, મહાવીર સ્વામીએ પણ રોહિણેયને શુદ્ધ કરી આપ્યો. પોતાના ચરણોમાં એને સ્થાન આપ્યું; એને દીક્ષા માટે યોગ્ય છે એમ કહ્યું. ભગવાનની સામે સભામાં બધા વચ્ચે રોહિણેય ચોરે પોતાના બધા ગુનાઓ કબૂલ કર્યા અને બધું ધન એણે જ્યાં જ્યાં દાટ્યું હતું એ બધું અભયકુમારની આગળ ખુલ્લું કર્યું. અભયકુમારે બધું ધન કાઢી લીધું અને જેનું જેનું ધન હતું એને પાછું આપી દીધું, એણે પોતે કરેલા પાપોનું જબરજસ્ત પ્રાયશ્ચિત્ત, પ્રતિકમણ અને પ્રત્યાખ્યાન કરીને ભગવાન પાસેથી દીક્ષા લીધી. એના બધા જ ગુનાઓ ભગવાનના ચરણોમાં ક્ષમાપાત્ર થઈ ગયા. આ રીતે, દીક્ષા લીધા બાદ રોહિણેય ખૂબ તપ-ભક્તિ અને આરાધના કરતાં કરતાં દેવગતિ પામ્યો.
તીર્થંકર ભગવાનની દેશના બહુ પ્રભાવશાળી હોય છે—જે વ્યક્તિ પોતાની જબરજસ્ત વિરોધી હોવા છતાં એના કાનમાં અજાણતાં જ ભગવાન શબ્દો પડ્યા અને એ ચાર શબ્દો એ ચોરને ખરે સમયે હાજર થતાં એ યુક્તિ કરીને બહાર નીકળી ગયો.
આપણે ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ વિશે સમજીએ. ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ બંને સાવ જુદા છે. ઉપદેશબોધમાં અહંકાર હોય. એ વાણીથી બીજા પરિણામ પામે કે ના પણ પામે, જ્યારે સિદ્ધાંતબોધમાં સામો અવશ્ય પરિણામ પામે જ. જે વાણી સિદ્ધાંતમાં પરિણમેલી હોય તે વર્તે. જેને આ સિદ્ધાંત પૂરેપૂરો અંદર પ્રગટ થઈ ગયો છે એની જ્યારે સૈદ્ધાંતિક વાણી નીકળે, તે સાંભળતાં જ સામાની અંદર પણ સિદ્ધાંત પ્રગટ થાય. એટલે એ જે બોલે એ સામાને અંદર વર્તનામાં આવી જાય. ઉપદેશબોધમાં માલિકીભાવ હોય કે હું બોલું છું, મારી વાણી છે; જ્યારે સિદ્ધાંતબોધમાં અહંકાર બિલકુલ ના હોય. એમાં દેહ અને આત્મા બે જુદા જ વર્તાયા કરતા હોય અને એવી જાગૃતિ પૂર્ણ રીતે રહે.
તીર્થંકર ભગવાનની વાત સૈદ્ધાંતિક હોય. ત્રણેય કાળ સત્ય હોય અને ક્યારેય પણ વિરોધાભાસ ના થાય એને સિદ્ધાંત કહેવાય. જેણે ભગવાન સાથે અનુસંધાન થયું હોય અને જેનું પુણ્ય જાગ્યું હોય એ બધાને ક્યાંક ને ક્યાંક સાંધો મળી જ જાય. અને એવો જ સાંધો રોહિણેયને મળી ગયો હતો.
તીર્થંકર ભગવાનની દેશના તો આપણી કલ્પનાની બહાર છે. એની કલ્પના કરવા માટે આપણી પાસે બુદ્ધિ કે મતિ નથી. તીર્થંકર ભગવંતોની દેશનામાં ક્યાંય વિરોધાભાસ ના હોય; એમની વાણી સ્યાદ્વાદ હોય. કોઈ પણ ધર્મનું કે વ્યક્તિનું કિંચિત્માત્ર પ્રમાણ ન દુભાય એવાં વાણી, વર્તન અને મનનની વાત ભગવાન પાસે હોય. તીર્થંકર ભગવાનની વાત આપણી પાસે જેટલી મળે એટલી આપણે સમજીએ અને દિલથી કદર કરીએ તો જરૂર એ આપણી અંદર પ્રગટ થશે અને આપણને અનુભવમાં લાવશે. સિદ્ધાંત પ્રગટ થયા વગર રહે એવો જ નથી.
તીર્થંકર ભગવાનની વાણી આખા જગતના કલ્યાણ માટે હોય છે—એને દિવ્ય ધ્વનિ કહેવામાં આવે છે; એ શબ્દો સામાન્ય નથી હોતા. એ વાણી દરેક જીવના બધાં આવરણો ખસેડીને અંદર સોંસરવી ઊતરી જાય અને એને નિરાવરણ કરીને આત્માને જાગૃત કરી આપે. ભગવાનની વાણી બધાને પોતપોતાની ભાષામાં સમજાઈ જાય. એમાં ક્યાંય પણ માલિકીભાવ ના હોય, પોતાપણું ના હોય અને બધાને લાગુ પડે એવી સુંદર હોય.
આવી વાણી જેના જેના નસીબમાં હોય એ તો જબરજસ્ત પુણ્યશાળી કહેવાય. જેવી રીતે, રોહિણેય ચોરે જરાક બે ઘડી ભગવાન મહાવીરની વાણી સાંભળી એમાં તો એનું ચિત્ત શુદ્ધ થયું અને ભગવાનની વાણી ઝડપાઈ ગઈ અને એ વાણી એને શુદ્ધ કરીને અંદર કામ કરી ગઈ. એવી રીતે જ્ઞાનીની વાણીથી પણ આપણું ચિત્ત શુદ્ધ થાય છે, જબરજસ્ત પરિણામ પામે છે. કુસંગથી ચિત્ત અશુદ્ધ થઈ જાય છે.
કોઈ પણ વ્યક્તિ જ્ઞાની પુરુષની વાણી જો એક જ કલાક સાંભળે તો એને અંદર વ્યવહાર સમકિત પ્રગટ થાય છે. જ્ઞાનીની વાણી ખૂબ ઉપકારી છે અને એનું આલંબન કેવળજ્ઞાન થતાં સુધી લેવું જ પડે. જ્ઞાનીનું આલંબન, જ્ઞાનીની આજ્ઞાનું આલંબન આપણને મોક્ષે લઈ ગયા વગર છોડશે જ નહીં. આવો સુંદર તીર્થંકરોનો સિદ્ધાંતબોધ છે અને એ સિદ્ધાંતબોધ આપણને જેમ જેમ પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પાસેથી મળે તેમ તેમ આપણું મોક્ષનું કામ થાય છે. સિદ્ધાંતબોધ પ્રત્યક્ષ હોય તો જ આત્મા જગાડે; નહીં તો, પછી એ ઉપદેશમાં જતું રહે.
આગળ, અભયકુમારની દીક્ષા તથા કુણિક પોતાના પિતા શ્રેણિક રાજાના મૃત્યુનું નિમિત્ત કેવી રીતે બન્યો એ વિશે જાણીએ.
subscribe your email for our latest news and events
