Related Questions

મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?

આઈ - માય = ગૉડ!

પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું?

દાદાશ્રી: એવું છેને, જો મમતા વગરનો અહંકાર હોય તો મોક્ષે લઈ જાય. આ મમતાવાળો અહંકાર એટલે ફસામણ થઈ છે. તમારે મમતાવાળો અહંકાર કે મમતા વગરનો?

પ્રશ્નકર્તા: એ હજુ ખબર નથી પડતી.

દાદાશ્રી: મમતા નથી? આ તમારું શરીર ન્હોય?

પ્રશ્નકર્તા: એ જ દ્વિધામાં છીએ.

દાદાશ્રી: દ્વિધામાં છો કે સાચું છે?

પ્રશ્નકર્તા: દ્વિધા છે કે સાચું શું ને ખોટું શું? હજી ખબર પડતી નથી.

દાદાશ્રી: ખબર પડતી નથી, તો પણ મમતા તો છે જ, અત્યારે પચાસ રૂપિયા ખોવાઈ જાય, તો ઉપાધિ થાય કે ન થાય?

પ્રશ્નકર્તા: સહેજ વાર થાય.

દાદાશ્રી: હા, પણ થોડી કંઈ થાયને? એ મમતા છે, કંઈક ને કંઈક મમતા છે. મમતાને લઈને જ આ જગત જીવે છે.

જ્યાં સુધી અહંકાર જીવતો હોય ત્યાં સુધી મમતા મહીં પડી રહી હોય. અને મમતા શું છે? ત્યારે કહે, જેમ આરોપિત પોતાપણું અને તેની મહીં આ મારું કહ્યું તે મમતા. મમતાય આરોપિત ભાવ છે. અને મમતા ગઈ એટલે ગોડ (ભગવાન) કહેવાય. હું જતું ના રહે, હું તો આરોપિત હતું તે મૂળ સત્ય રીતે આવી ગયું! હું તો છે જ. એનું અસ્તિત્વ તો છે જ, પણ વસ્તુત્વનું ભાન નથી કે 'હું કોણ છું'. એ જો ભાન થઈ જાય, વસ્તુત્વનું ભાન થાય તો એ થઈ ગયું.

પ્રશ્નકર્તા: આરોપિત ભાવ ખરી પડે?

દાદાશ્રી: હા, ખરી પડે.

પ્રશ્નકર્તા: મારાપણું મટાડી દેવું પડે?

દાદાશ્રી: એ શી રીતે મટી જાય પણ તે? આ છોડી દે, આ છોડી દે કહે, તો શું રહે? મારાપણું છોડી દે તો રહે શું?

પ્રશ્નકર્તા: નિજાનંદ.

દાદાશ્રી: હા, પણ મારાપણું છોડતાં કોઈને આવડ્યું છે? એ છોડ્યું છૂટ્યું છે કોઈનું? કોઈનું છૂટ્યું હોય તો મને દેખાડો, એકાદ માણસ. તો આપણે ત્યાં જઈએ, અહીં શું કરવા સત્સંગ કરીએ? બીજી જગ્યાએ છૂટ્યું હોય તો હું હઉ ત્યાં આવું કે છૂટ્યું હોય તો ધનભાગ કહેવાય, કે ઓહોહો! આવા કાળમાં છૂટ્યું !!

એટલે મારાપણું છૂટે એવું નથી. જો 'માય', મારાપણું જો છોડતાં આવડેને, તો પછી કશું રહેતું જ નથી. આ જ્ઞાન પણ જાણવાનું કશું રહેતું નથી. મારાપણું છોડવું એટલે શું? તમે જૈન છો, એટલે તમે વાતને સમજી જાવ કે તમારે મારાપણું છોડવું હોય તો પહેલું આ ઘડિયાળ તમારું છેને, એને બાજુએ મૂકી દો. છૂટી ગયું. ચશ્માં બાજુએ મૂકી દો. પછી આ હાથ તમારા છેને? તે બાજુએ મૂકાય એવા નથી, ભલે ત્યાં ને ત્યાં રહ્યા, પણ તમારા છે? એ સમજી ગયા. તમારી માલિકી ન હોય, એવું સમજી જવાનું. હાથ મારા છે, આ પગ મારા છે, માથું મારું છે, આંખો મારી છે, બધા પરથી માલિકી ઊઠાવી લો. આ નામેય મારાપણું છે. શું નામ છે તમારું?

પ્રશ્નકર્તા: ચંદુભાઈ.

દાદાશ્રી: તે ચંદુભાઈ, એ પણ મારાપણું છે. એટલે ચંદુભાઈનેય આઘું મૂકી દેવાનું. ધણી છું આનો, તેય મારાપણું છે. આ બાઈનો ધણી છું, કહે છે. એ બધું મારાપણું કાઢી નાખવાનું. પછી મન મારું છે, બુદ્ધિ મારી છે, ચિત્ત મારું છે, અહંકાર મારો છે. પછી તમે રહેશો, એ કોણ રહેશે? બધું મારાપણું છોડી દો, પછી કોણ રહેશે? 'હું' ને 'મારું' બે છે, તે 'હું' રહેશે પછી! દરઅસલ 'હું'!

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Related Questions
  1. અહમ એટલે શું? શું અહમ અને અહંકાર બંને એક જ છે?
  2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે?
  3. અહંકાર કોને કેહવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
  4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડીપ્રેશન કોને આવે છે?
  5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
  6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે?
  7. શું દયા એ અહંકારનો ગુણ છે?
  8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
  9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુકત કેવી રીતે થવું?
  10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
  11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
  12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
  13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ?
  14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on