Related Questions

શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે?

એ સત્તા કોની?

રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે?

પ્રશ્નકર્તા: જાતે ઊંઘી જઉં છું.

દાદાશ્રી: જાતે, નહીં? કો'ક ફેરો ના ઊંઘ આવે ત્યારે?

પ્રશ્નકર્તા: ત્યારે પાસાં ફેરવીએ, બીજું શું કરીએ?

દાદાશ્રી: હા, પાસાં ફેરવવા પડે. એટલે આપણા હાથમાં સત્તા નથી ને, ઊંઘવાની? ઊંઘવાની સત્તા આપણા હાથમાં ખરી?

પ્રશ્નકર્તા: નથી. ગોળીઓ લે તો ઊંઘ આવે.

દાદાશ્રી: હા, ગોળીઓ લેવી પડે. હવે જ્યારે ઊંઘવાની સત્તા નથી તો ઊઠવાની સત્તા છે તમારામાં?

પ્રશ્નકર્તા: નથી.

દાદાશ્રી: 'સવારમાં વહેલો ઊઠ્યો' કહેશે. એ સાચી વાત છે? આપણે કહીએ, 'ઊંઘી જવું છે ને?' ત્યારે કહે, 'હા, મારે જ્યારે જોઈએ ત્યારે ઊંઘ આવે.' પછી પાછો બીજે દહાડે કહેય ખરો કે 'આજે ઊંઘ ના આવી.' 'અલ્યા, તું ઊંઘી જઉં છું ને તને ઊંઘ ના આવી, એ બે વિરોધાભાસ વાત કેમ કરે છે?' ઊંઘવાની શક્તિ પોતાની હોય તો ધારે ત્યારે ઊંઘ આવી જાય. આ તો આમ ફરે, તેમ ફરે ઊંઘવા હારુ, પણ કશું વળતું નથી. ઊઠવાની શક્તિ એની પોતાની હોય તો રાત્રે બે વાગે પેલું ઘડિયાળ મૂકવું ના પડે. ઘડિયાળમાં એવી શક્તિ છે પણ આનામાં નથી. કઈ શક્તિ છે એવું મને ખોળી આપે?

પ્રશ્નકર્તા: અરે, કોઈ જાતનો વિચાર આવે તો ઊંઘ ઊડી જાય.

દાદાશ્રી: પણ ઊંઘેય પોતાના તાબામાં નથી અને વિચાર આવે છે તેય પોતાના તાબામાં નથી. આ તો બધી પરસત્તા છે, આખીય પરસત્તા જ છે. પરસત્તાને પોતાની સત્તા માને છે તે ભ્રાંતિ છે. એટલે આ કરેક્ટનેસ (સચ્ચાઈ) શું છે, એ જાણવું જોઈએ. આપણા હાથમાં સત્તા કેટલી છે? કોઈ માણસને ઊંઘવાની શક્તિ નથી, ઊઠવાની શક્તિ નથી, ખાવાની શક્તિ નથી, તો કઈ શક્તિ છે, એ બતાવો ને!

માને 'મેં કર્યું'!

આ ચંદુભાઈ ચા પીવે ત્યારે કહે, 'મેં ચા પીધી.' અલ્યા, ચંદુભાઈ ચા પીવે છે ને તમે શાના ઈગોઈઝમ કરો છો? એટલે આ બધું ઈગોઈઝમ કરવાની જરૂર નથી. આપણે મોઢે બોલવામાં વાંધો નથી કે આ મેં કર્યું. આમ તો દહાડામાં પાંચ વખત ચા પીવે છે અને પછી એક દહાડો એવો આવે છે કે ચા પીવી છે પણ પીવાતી નથી. કેમ આવું? પાંચ કપ પીતા'તા ને! આ નહીં સમજવું પડે? આવું સમજવું પડશે ને?

પ્રશ્નકર્તા: સમજવું તો પડે.

દાદાશ્રી: આહારી જ આહાર કરે છે, આ તો વગર કામનો પોતે અહંકાર કરે છે કે મેં ખાધું. અરે, મેરચક્કર, તું શું ખાવાનો હતો તે? અને ખાવાનો હોય, તે જ્યારે તાવ ચઢે ત્યારે ખાઈ જો ને? 'મેં ખાધું પણ ઊલટી થઈ ગઈ!' મેરચક્કર, ખાનારો હશે તો, તે ઊલટી કેમ થઈ જાય? પછી કહે કે 'મારે ખાવું છે પણ ખવાતું નથી.'

આપણે પૂછીએ, 'આ સંડાસ બીજો જાય છે કે તું જાય છે?' ત્યારે એ કહે, 'હું જ જઈ આવ્યો' અને પછી ના ઉતરે ત્યારે કહેશે, 'આજે સંડાસ થતું નથી.' 'ત્યારે તું જતો હતો ને, તો જઈ આવને અત્યારે?' એટલે આ 'ઈગોઈઝમ' કશું કરતો નથી ને બધા ગૂંચવાડા ઊભા કરે છે. મેં ફોરેનના બધા ડૉક્ટરો ભેગા કર્યાં. મેં કહ્યું, 'સંડાસ જવાની તમારામાં શક્તિ ખરી?' ડૉક્ટરો ઊંચાનીચા થવા માંડ્યા, કે 'શું વાત કરો છો? ભલભલાને અમે કરાવી દઈએ ને?' ત્યારે મેં કહ્યું, 'એ તો જ્યારે અટકશે ત્યારે ખબર પડશે કે તમારી શક્તિ ન હતી. આ શું કરવા કૂદાકૂદ કરો છો?' ત્યારે 'યસ યસ યસ' કરવા માંડ્યા. વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે સંડાસ જવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય!

પ્રશ્નકર્તા: ડૉક્ટર એક સપોઝીટરી નીચે મૂકે તો સંડાસ ન થતું હોય તો થઈ શકે, તો એ શક્તિ ડૉક્ટરની ખરી કે નહીં?

દાદાશ્રી: એ તો દવા છે તો. એ આપની શક્તિ નથી ને?

પ્રશ્નકર્તા: એ ડૉક્ટરની શક્તિ કહેવાય ને?

દાદાશ્રી: ડૉક્ટરને જ શક્તિ નથી ને! ડૉક્ટરને જ્યારે અટકે ને ત્યારે બીજાની હેલ્પ લેવી પડે. ડૉક્ટરમાં જ શક્તિ નથી તો બીજામાં શક્તિ ક્યાંથી આવે? એ મેં ડૉક્ટરને પુરવાર કરી આપ્યું.

અને લોક શું કહે છે? 'મેં આ કર્યું, મેં પેશાબ કર્યો!' પછી એક ઘૈડા ડૉક્ટર હતા ને, તે બહુ અનુભવી, બહુ સારા માણસ આમ. તે મને એક દહાડો ભેગા થયા. તે મને કહે છે, 'દાદા ભગવાન, કંઈ કૃપા કરો.' મેં કહ્યું, 'શું થયું તમને? ડૉક્ટરને શું થાય?' ત્યારે કહે છે, 'બે ટીપાં પેશાબ થતો નથી. માંડ માંડ એક ટીપું પડે છે.' મેં કહ્યું, 'આવું? તમારા હાથમાં સત્તા નથી, આ પેશાબ કરવાની?' ત્યારે કહે, 'આપણા હાથમાં નથી આ. અત્યાર સુધી તો અમે એમ જાણતા'તા કે હું જ કરું છું. હવે સમજ પડી કે આપણા હાથમાં સત્તા નથી.'

'હું કરું' એ જ અજ્ઞાનતા!

આપને સમજાયું ને, અહંકારના ગુણધર્મ કયા છે? એ પોતે કશું નથી કરતો છતાં કહે છે, 'હું કરું છું'. બસ, એટલો જ એનો ગુણધર્મ. એક સેન્ટ કરતો નથી. 'કરે છે' બીજા ને એ કહે છે, 'હું કરું છું' એનું નામ અહંકાર. એના ગુણધર્મમાં છે કશી બરકત? આમાં કિંચિત્માત્ર, કશું જ કરતો નથી, એક વાળ પણ એણે તોડ્યો નથી અને કહેશે, 'આ ડુંગર મેં ઉડાવી દીધો. આ ડુંગરમાંથી ટનલ મેં કાઢી, ત્યારે ગાડી નીકળી.'

ત્યારે કઈ સત્તા હશે આપણા હાથમાં? કમાવાની સત્તા નથી, પૈણવાની સત્તા નથી, છોકરાં થવાની સત્તા નથી. કઈ સત્તા છે એ કહે તું?

પ્રશ્નકર્તા: એ જ જાણવું છે.

દાદાશ્રી: તારી જે સત્તા છે, એ જાણતો નથી અને તારી સત્તા નથી ત્યાં આગળ 'મેં કર્યું, મેં કર્યું, આ મેં કર્યું' કહે છે.

અહમ્કાર, આ 'હું કરું છું' એ ખોટું ભાન છે. બગાસું એ ખાતો નથી છતાં કહે છે, 'મેં બગાસું ખાધું'. છીંક એ ખાતો નથી, ત્યારે કહે, 'મેં છીંક ખાધી'. એ પોતે સાંભળતો નથી છતાં કહે છે, 'મેં સાંભળ્યું'. 'અલ્યા, કાન સાંભળે છે', તું સાંભળતો હોય તો બહેરાને કહે ને, સાંભળશે. આખી સમજણ જ બધી ટર્ન આઉટ થયેલી છે. (ઊંધી થઈ ગયેલી છે.)

'હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે,

સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કો'ક જાણે.'

નરસિંહ મહેતાએ કેવું ગાયું છે, કે સૃષ્ટિ મંડાણ કેવું સરસ છે, કે 'હું કરું, હું કરું' એ અજ્ઞાનતા છે. તે આ મંડાણ એની મેળે ફર્યા જ કરે છે રાતદહાડો. એને જોગી જોગેશ્વરા કો'ક જાણે ! ત્યારે આ યોગીઓ લઈ બેઠા! આ બધા બહારના યોગીઓ હોય છે ને, તે અમે જાણીએ, 'અલ્યા, તમે શું જાણો?' આત્મયોગી કે આત્મયોગેશ્વર હોય તે જ જાણે. આ યોગીઓ તો ઠેર ઠેર રસ્તામાં જોઈએ એટલા મળે. એ ના જાણે. આ તો અમથો માથે લઈ લે છે, સહી કરી નાખે છે. અહમ્કાર, 'મેં કર્યું' કહેશે. 'અલ્યા મૂઆ, તેં કર્યું નથી. શું કરવા અમથો બોલે છે?' એટલે ઊલટું જ્યાં આરોપી તરીકે સહી નથી કરવાની, ત્યાં આરોપી તરીકે સહી કરે છે. એટલે આરોપનામું એને માટે ઘડાય છે. હવે એને શી રીતે સમજાય કે હું આરોપી તરીકે ફસાયો.

એ સત્તા 'ના' પાડે ને, તે કામ તમે નથી કરતા અને એ સત્તા 'હા' પાડે એ કામ કરો છો. એ સત્તા પારકી છે. તમારા મનમાં એમ લાગે ઈગોઈઝમથી, કે આ હું જ કરું છું બધું. આ તમને ઊંઘાડે છે, જગાડે છે, ખવડાવે છે, પીવડાવે છે, તમને અહીં તેડી લાવે છે, તેય પારકી સત્તા છે. તમારી સત્તા નથી આ. પણ તમારી સત્તા માનો છો એ ભ્રાંતિ છે.

આ તો બધું ઈગોઈઝમ છે ખાલી. 'આ કરે છે કોણ' એ મેં જોયેલું છે બધું. 'આ કોણે ભેગું કર્યું' એ હું જાણું છું. તમે નિમિત્ત બનો એનો વાંધો નથી. તમે એમ જ કહો કે ''હું ગયો'તો તેથી આવ્યા'', એ કહેવું ખોટું કહેવાય. આપણા હાથમાં સત્તા જ નથી.

પ્રશ્નકર્તા: તો સંચાલન કરનાર કોણ?

દાદાશ્રી: કોઈને ચલાવવું નથી પડતું, સ્વયં ચાલ્યા જ કરે છે. જ્યારે જન્મ થાય છે ને, ત્યારથી ચાલ્યા કરે છે. તે મરણ પથારી ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું. જ્યાં સુધી આ અહીંથી શ્વાસ લેવાય ત્યાં સુધી આ મશીનમાં કોઈ જાતનું બંધ થવાનું નહીં. શ્વાસ બંધ થઈ જાય તો બંધ થઈ જાય. ઓટોમેટિક બધું ચાલ્યા જ કરે. આ શ્વાસેય લેવાય, તે તમે લેતા નથી. આ તો ડૉક્ટર કહે છે, 'એય ઊંચો શ્વાસ લો', પણ જો તમે લેતા હો તો રાત્રે કોણ શ્વાસ લે છે? માટે શ્વાસેય તમે લેતા નથી. ઓટોમેટિક ચાલ્યા જ કરે છે. સમજવાની જ જરૂર છે ને?

આ તો બધાય કહે છે, 'મેં શ્વાસ લીધા. ઊંચા શ્વાસ લીધા, આમ કર્યું.' આ તો નાક દબાવી દે તો બૂમાબૂમ કરે. ''મૂઆ, તું કરતો'તો ને, હવે કંઈક કર ને!'' ત્યારે કહે, 'મારું નાક દબાવે છે.' ''અલ્યા, નાકને લીધે જીવતો'તો? તે શાના લીધે જીવતો'તો?'' એ કહે ને? તારામાં કઈ શક્તિ છે? કેટલું જીવું છું? આ નાક દબાવીએ તો ચૂપ, ખલાસ! તરફડીને ખલાસ થઈ જાય! અને સત્તા હોત તો આ લોકો સાતસો-સાતસો, હજાર વર્ષ જીવન કાઢે એવા છે. લાઈફ ફરી ચાર્જ કરાવી લે, સત્તા હોય તો. માણસનું ગજું નહીં ને! પોતાની સ્વસત્તા છે પણ તેનું ભાન નથી એને!

આ તો કર્મના ઉદયને આધીન જીવડાં છે. પ્રાણીઓ કહેવાય છે આને. જે પ્રાણના આધારે જીવે છે, પોતાના આધારે જીવતાં નથી. પોતાના સ્વરૂપનું ભાન થાય ત્યારે પોતે પોતાના આધારે જીવે છે. આ દેહના પ્રાણ જુદા છે અને આત્માના પ્રાણ જુદા છે. પોતાના આત્મસ્વરૂપનું ભાન થાય ત્યારે પોતાના પ્રાણથી જીવે.

* ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Related Questions
 1. અહમ એટલે શું? શું અહમ અને અહંકાર બંને એક જ છે?
 2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે?
 3. અહંકાર કોને કેહવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
 4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડીપ્રેશન કોને આવે છે?
 5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
 6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે?
 7. શું દયા એ અહંકારનો ગુણ છે?
 8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
 9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુકત કેવી રીતે થવું?
 10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
 11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
 12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
 13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ?
 14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on