Related Questions

ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?

અસર થાય ત્યાં... જ્ઞાન કે બુદ્ધિ ?

પ્રશ્નકર્તા: છાપામાં વાંચીએ કે ઔરંગાબાદમાં આમ થયું કે મોરબીમાં આમ થયું તો આપણને જે અસર થાય, તો વાંચ્યા પછી કંઈ પણ અસર ના થાય એની, તો એ જડતા કહેવાય ?

દાદાશ્રી: અસર ના થાય, એનું નામ જ જ્ઞાન.

પ્રશ્નકર્તા: અને અસર થાય, એને શું કહેવાય ?

દાદાશ્રી: એ બુદ્ધિ કહેવાય. એટલે સંસાર કહેવાય. બુદ્ધિથી ઈમોશ્નલ થાય. પણ ધોળવાનું કશું ય નહીં.

આ અહીં આગળ છે તે, ત્યાંથી બધા આવતા'તા, બોમ્બ નાખવા માટે પાકિસ્તાનથી, તે આપણા લોકો, પેપરમાં વાંચે કે ત્યાં આગળ આમ પડ્યું તો અહીં ગભરામણ થાય. આ બધી જે અસરો કરે છે, એ એમની બુદ્ધિ છે ને બુદ્ધિ જ આ સંસાર ઊભો કરે છે. જ્ઞાન અસરમુક્ત રાખે, પેપર વાંચે, છતાં અસરમુક્ત રહે. અસરમુક્ત એટલે આપણને અડે નહીં. આપણે તો જાણવાનું-જોવાનું જ છે.

આ પેપરને શું કરવાનું ? જાણવાનું અને જોવાનું, બસ ! જાણવાનું એટલે ખુલ્લું જે વિગતવાર લખ્યું હોય, એનું નામ જાણ્યું કહેવાય અને વિગતવાર ના હોય ત્યારે એ જોયું કહેવાય. એમાં કોઈનો દોષ છે નહીં.

Reference: Book Name: ભોગવે એની ભૂલ (Page #11 - Paragraph  #4 to #8, Page #12 - Paragraph #1)

આજે ગુનેગાર - લૂંટારુ કે લૂંટાનાર?

આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટનાં બાઈસાહેબને બાંધી લૂંટ ચલાવી.' આ વાંચીને આપણે કંઈ ભડકવાની જરૂર નથી કે હું ય લૂંટાઈ જઈશ તો ? આ વિકલ્પ એ જ ગુનો છે. એનાં કરતાં તું તારે સહજમાં ફર્યા કરને ! તારો હિસાબ હશે તો લઈ જશે, નહીં તો કોઈ બાપો ય પૂછનાર નથી. માટે તું નિર્ભય થઈને ફર. આ પેપરવાળા તો લખે, માટે આપણે શું બી જવું ? આ તો થોડાં ઓછાં પ્રમાણમાં ડાઈવોર્સ થાય છે, એ સારું છે. છતાં, વધારે ડાઈવોર્સ થવા માંડે તો બધાંની શંકાને સ્થાન મળે કે આપણે ય ડાઈવોર્સ થશે તો ? એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય, ત્યાં તમે ડરશો નહીં. તમારો કોઈ બાપો ય ઉપરી નથી.

લૂંટનારો ભોગવે છે કે લૂંટાયેલો ભોગવે છે ? કોણ ભોગવે છે, તે જોઈ લેવું. બહારવટિયા મળ્યા ને લૂંટી લીધા, પછી રડવાનું નહીં ! આગળ પ્રગતિ માંડવાની !

જગત દુઃખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. કેટલાંક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી ? કેટલાંક એકલું દુઃખ જ ભોગવતા હોય છે, એ શાથી ? પોતે એવાં હિસાબ લાવ્યો છે તેથી.

'આ' એક જ શબ્દ ઘેર લખી રાખ્યો હોય ને તો ભોગવતી વખતે જાણજો કે આ ભૂલ કોની ? એટલે આ કેટલાંય ઘરોમાં મોટા અક્ષરે દિવાલો ઉપર લખેલું રાખે છે કે 'ભોગવે એની ભૂલ !' ભૂલાય જ નહીં ને પછી વાત !

આખી જિંદગી જો કોઈ માણસ આ શબ્દ વાપરે, યથાર્થ રીતે સમજીને જો વાપરે તો ગુરુ કરવાની જરૂર નથી ને એ શબ્દ જ એને મોક્ષે લઈ જાય એવો છે.

Reference: Book Name: ભોગવે એની ભૂલ (Page #3 - Paragraph  #6 , Page #4 - Paragraph  #1 to #5)

Related Questions
  1. લોકોને ભય શા માટે લાગે છે?
  2. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
  3. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
  4. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
  5. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
  6. ભય પાછળનું વિજ્ઞાન શું છે?
  7. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
  8. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
  9. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
  10. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
  11. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
  12. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
  13. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
  14. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
×
Share on