Related Questions

જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?

મોટાભાગના લોકોને જીવજંતુ જેવા કે, ગરોળી, વાંદો, વીંછી કે સાપનો ભય લાગતો હોય છે. દીવાલ ઉપર ગરોળી ફરતી હોય તો “ગરોળી મારા ઉપર પડશે તો?”, “વાંદો ઊડીને મારી પાસે આવશે તો?” એવો સતત ડર લાગ્યા કરે. ખેતર કે ઝાડીઓમાંથી પસાર થવાનું હોય અથવા જંગલમાં કેમ્પિંગ કરવાનું હોય તો ત્યાં સાપ કે વીંછી આવી જશે તેનો ડર લાગે છે. અમુક જીવજંતુઓ ઝેરી હોય અને ડંખ મારે તો મૃત્યુ થાય એ સમજણથી તેમના પ્રત્યે ભય હોય એ સ્વાભાવિક છે. પણ ઘણીવાર વીંછી કે સાપને ફોટામાં કે ટી.વી.માં જોવાથી પણ ભય લાગે છે. તેવી જ રીતે, વાઘ અને સિંહ જેવા હિંસક પશુનો ભય પણ દરેકને હોય જ. આવા ભયને કેવી રીતે દૂર કરવો તેની સમજણ અહીં ખુલ્લી થાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “જેનો તિરસ્કાર કરશો તેનો ભય લાગશે. આ સાપનો, વાઘનો તિરસ્કાર છે તેથી ભય લાગે છે. સાપ જોડે ચીઢ, ગરોળી પર ચીઢ. ગરોળી પર જો ચીઢ ચઢી હોય ને તો ભય લાગશે અને ચીડ ના ચઢી હોય તો ભય નહીં લાગે.”

ભય પાછળ ચીઢ, દ્વેષ અને તિરસ્કાર છૂપાયેલા છે એ મૌલિક વાત પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી જ આપણને મળે છે. આવા ભય પાછળ ખરેખર મૂળમાં શું કામ કરે છે તેનું કારણ તેઓશ્રી આપણને અહીં આપે છે.

વાંદા, ગરોળીનો ભય કેમ?

fear

પ્રશ્નકર્તા: વાંદાનો ભય બહુ લાગે બધાને.

દાદાશ્રી: હા, તે વાંદાનો ભય લાગે એટલું જ નહીં, આ વાઘ-સિંહ બધાનો ભય લાગે. 'આ મને નુકસાનકર્તા છે અને મારી નાખનારા છે' એવો ભય પેસી ગયો છે પણ એવો ભય રાખવાની કોઈ જરૂર નથી.

કોઈ ખરાબ છે એવું માન્યું ત્યારથી ભય પેઠો. ઘણાં માણસો, 'એય ગરોળી આવી, ગરોળી આવી' કરે, તે એને એનો ભય પેસી ગયેલો. તેથી તે જ્યાં જાય ત્યાં એને ગરોળી જ દેખાય. અલ્યા, એ ગરોળી શું ખોટી હતી? ગરોળી સારી હતી. આવો નકામો ભય શું કામનો? એક માણસ તો અડધા કલાક સુધી સંડાસ ના ગયો. મેં કહ્યું, 'કેમ તમે બેસી રહ્યા છો?' પછી સંડાસમાં જઈને પાછા આવ્યા એટલે પૂછયું, ત્યારે એ કહે 'મહીં ગરોળી છે, તે ખસતી નથી.' હવે આ બધું મેં વટાવેલું. આ બધા ભયને હું વટાવી વટાવીને આગળ ચાલ્યો છું.

ભયનું કારણ ચીઢ અને તિરસ્કાર છે. આ કારણનું જ નિવારણ થઈ જાય તો ભય પણ દૂર થાય છે. ચીઢ કઈ રીતે કાઢવી તેનો ઉપાય પણ આપણને પરમ પૂજ્ય દાદાશ્રી આપે છે. કોઈને માટે સતત “બહુ ખરાબ છે, ખરાબ છે” એવો ભાવ કર્યા કરીએ તો એના પ્રત્યે ચીઢ ઊભી થાય. પછી એ જ જગ્યાએ “બહુ સારું છે, સારું છે.” એમ કરીએ તો ચીઢ જતી રહે. આ ચાવી પ્રાયોગિક ધોરણે વાપરવાથી આપણને ભય દૂર થવાનો અનુભવ થઈ શકે છે.

મનુષ્યો ભયના માર્યા વાંદા, ગરોળી, વીંછી, સાપ વગેરે જીવજંતુઓને મારી નાખતા હોય છે. કેટલાક તો સાપને જોતાં જ ગભરામણને કારણે બેભાન થઈ જાય છે. પણ ખરેખર જોવા જઈએ તો દુનિયામાં ૯૫ થી ૯૮ ટકા સાપ બિનઝેરી હોય છે. એટલે ખોટા ભયથી પ્રેરાઈને એમને મારી ન નાખવા જોઈએ. પણ એમને સાચવીને બીજે મૂકી આવવા જોઈએ. ખરો નિયમ એવો છે, કે આપણે જીવજંતુઓને મારી નાખવાના ભાવ કરીએ, તો એ આપણને નુકસાન કરશે. દરેક જીવમાં છેવટે આત્મા તો છે જ. આપણે પ્રાણીઓ કે જીવજંતુની અંદર બેઠેલા આત્માને, ભગવાનને પ્રાર્થના કરીને કહેવું, “હે ભગવાન! તમે સુખશાંતિમાં રહો. મારે તમને દુઃખ આપવું નથી. કોઈની હિંસા કરવી નથી.” એવા ભાવ હશે તો આપણને પણ મુશ્કેલી નહીં આવે.

કેટલાક લોકોને કૂતરા ભસતા હોય એ શેરીમાંથી પસાર થવાનો ડર લાગતો હોય છે. રસ્તામાં પસાર થતા માણસો ઉપર કૂતરા ભસવાનું કારણ એ છે કે એમને પોતાને ‘આ માણસો અમને નુકસાન કરશે’ એવો ભય લાગે છે. એવા સમયે કૂતરા સામે કોઈ પ્રતિક્રિયા કરવા જાઓ તો એ પોતાના બચાવ માટે કરડે છે. બાકી, મોટેભાગે કૂતરાઓ અંદર અંદર બીજા કૂતરાઓ ઉપર જ ભસતા હોય છે. ત્યારે આપણે ડરવું નહીં, કોઈ પણ પ્રતિક્રિયા કરવી નહીં અને શાંતિથી પસાર થઈ જવું. કૂતરાને આત્મારૂપે જોઈએ તો એ પણ સમજી જાય કે આ માણસો પ્રેમવાળા છે અને ભસવાનું બંધ કરી દે.

પ્રાણીઓને આત્મારૂપે જોવાની યથાર્થ દૃષ્ટિ કેળવાય તો ભય તો દૂર થાય જ છે, પણ એનું કેવું અદ્‌ભુત પરિણામ આવી શકે તે આપણને અહીં પરમ પૂજ્ય દાદા ભગવાનની વાણીમાંથી જાણવા મળે છે.

વાઘ પણ ભૂલે હિંસકભાવ!

fear

પ્રશ્નકર્તા: આપ્તસૂત્રમાં છે ને કે 'તમે જો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો હિંસકભાવ ભૂલી જાય', તો એ શું છે?

દાદાશ્રી: હા, વાઘ હિંસકભાવ ભૂલી જાય, એટલે આપણે અહીં આગળ ભય છૂટી જાય.

પ્રશ્નકર્તા: આપણો ભય છૂટી જાય એ બરોબર પણ પેલા આત્માને કંઈ થાય કે નહીં?

દાદાશ્રી: કશું ના થાય. આપણો ભય છૂટે કે એ છૂટી ગયું.

પ્રશ્નકર્તા: પણ એનો હિંસકભાવ જાય છે એમ આપે કહ્યું ને?

દાદાશ્રી: એ હિંસકભાવ જતો રહે.

પ્રશ્નકર્તા: એ કેવી રીતે જાય?

દાદાશ્રી: આપણો ભય છૂટી ગયો કે હિંસકભાવ જતો રહે.

પ્રશ્નકર્તા: તો એનો અર્થ એ થયો ને, કે એના આત્માને અસર થઈ?

દાદાશ્રી: આત્માને સીધી અસર તો હોય છે જ. અસર પહોંચે બધી!

જો વાઘ જોડે પ્રતિક્રમણ કરીએ, તો વાઘેય આપણા કહ્યા પ્રમાણે કામ કરે. વાઘમાં ને મનુષ્યમાં ફેર કશો છે નહીં. ફેર તમારાં સ્પંદનનો છે. જેની એને અસર થાય છે. વાઘ હિંસક છે એવું તમારા મનમાં ધ્યાન હોય, ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે. અને વાઘ શુધ્ધાત્મા છે એવું ધ્યાન રહે, તો એ શુધ્ધાત્મા જ છે ને અહિંસક રહે. બધું થઈ શકે તેમ છે.

(અહીં પ્રતિક્રમણ એટલે કોઈ પણ દોષ માટે સામાની અંદર બેઠેલા ભગવાન પાસે આપણી ભૂલ કબૂલ કરી તેની માફી માંગવી અને એ ભૂલ ફરી ના થાય તેવો નિશ્ચય કરવો.)

Related Questions
  1. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?
  2. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  3. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  4. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  5. ભયના કારણો શું છે?
  6. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?
  7. નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?
  8. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  9. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?
  10. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  11. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  12. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  13. મારી શંકા ક્યારે જશે?
  14. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
  15. કેવા ભય હિતકારી છે?
  16. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?
  17. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
×
Share on