Related Questions

મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?

પ્રશ્નકર્તા: મરણનો ભય નથી પણ મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે.

દાદાશ્રી: દુઃખ શું ?

પ્રશ્નકર્તા: શારીરિક વ્યાધિ.

દાદાશ્રી: એમાં બીક શું ? 'વ્યવસ્થિત' છે ને ? 'વ્યવસ્થિત'માં આંધળા થવાનું હશે તો આંધળું થવાશે ને ? પછી એની બીક શું ? 'વ્યવસ્થિત' આપણે 'એક્સેપ્ટ' કર્યું છે પછી કોઈ દહાડો કશું અડે એવું નથી, કોઈ ભય રાખવા જેવો નથી. નિર્ભય થઈને ફરો.

પ્રશ્નકર્તા: વેદનાનો ભય રહ્યા કરે.

દાદાશ્રી: વેદના થવાની જ નથી ત્યાં વેદનાનો ભય ક્યાંથી થાય ? વેદના તો તેને થાય કે જેને ભય હોય ! જેને ભય નથી તેને વેદના શી ? આ તો તમારો 'વણિક માલ' ભરેલો ને ? તે એકદમ પોચો હોય.

આ સફરજન ખાઈએ ને બીજું જામફળ ખાઈએ, તો એ બેમાં ફેર નહીં ? જામફળ જરા કઠણ હોય ને સફરજન પોચું લાગે એટલે તમારે 'ચંદુભાઈ'ને કહેવાનું કે 'દાદા'એ કહ્યું છે : 'વ્યવસ્થિત'. 'વ્યવસ્થિત' કહ્યા પછી ભય શો ?

પ્રશ્નકર્તા: બે દહાડાથી માથું દુખતું હતું. તે જરાય સહન થતું નહોતું.

દાદાશ્રી: 'મને સહન થતું નથી.' એવું કહ્યું કે એ વળગ્યું ! પણ 'આપણે' તો કહીએ, ''ચંદુભાઈ, બહુ માથું દુઃખે છે ? હું હાથ ફેરવી આપું છું. ઓછું થઈ જશે.'' પણ 'મને દુઃખ્યું કહ્યું કે વળગ્યું ! આ તો બહુ મોટું ભૂત છે !'

પ્રશ્નકર્તા: શાતા મીઠી લાગે છે ને અશાતા અળખામણી લાગે છે.

દાદાશ્રી: તે 'ચંદુભાઈ'ને લાગે છે ને ? 'ચંદુભાઈ'ને 'આપણે' કહીએ કે ડીક્ષનરી હવે બદલી નાખો. અશાતા સુખદાયી ને શાતા દુઃખદાયી. સુખ-દુઃખ તો બધું કલ્પિત છે. મારો આ એક શબ્દ ગોઠવી જોજો, ઉપયોગ કરી જોજો. જો તમને જરાય અસર થાય તો કહેજો.

પ્રશ્નકર્તા: કંઈક રસ્તો કાઢવા માટે તો આ પ્રશ્ન પૂછું છું.

દાદાશ્રી: તમારે મને પૂછવું. હું કહી દઉં તે પ્રમાણે કરવું. રસ્તો તો આ જ છે. અને માથે તો એવું લેવું જ નહીં કે મને દુઃખે છે. કોઈ કહેશે કે 'કેમ, તમને શું થયું છે ?' ત્યારે કહેવું કે 'પાડોશીને માથું દુઃખે છે તે હું જાણું છું.' અને 'આ' પાડોશી છે એવી 'તમને' ખાતરી થઈ ગઈ છેને ?

પ્રશ્નકર્તા: હા.

દાદાશ્રી: તો પછી દુઃખ શા માટે ? પાડોશી રડતો હોય તો આપણે કંઈ રડવા લાગવું ? પાડોશીને ત્યાં તો વઢવાડો થયા જ કરવાની અને બૈરી જોડે કોને વઢવાડ ના થાય ? 'આપણે' વગર પરણેલા, 'આપણે' શું કામ રડીએ? પૈણેલો રડે. 'આપણે' પૈણ્યા નથી ! રાંડ્યા નથી ! 'આપણે' શું કામ રડીએ ? આપણે તો પાડોશીને છાના રાખવા જોઈએ કે, 'ભઈ, રડશો નહીં, અમે છીએ તમારી જોડે. ડોન્ટ વરી, ગભરાશો નહીં.' એમ કહીએ.

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું. 

Related Questions
  1. લોકોને ભય શા માટે લાગે છે?
  2. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
  3. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
  4. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
  5. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
  6. ભય પાછળનું વિજ્ઞાન શું છે?
  7. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
  8. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
  9. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
  10. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
  11. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
  12. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
  13. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
  14. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
×
Share on