Related Questions

કોઈ પણ ધર્મનું પ્રમાણ શા માટે ના દુભાવવું?

પ્રશ્નકર્તા: 2. 'હે દાદા ભગવાન! મને કોઈ પણ ધર્મનું કિંચિ‌‌ત્‌માત્ર પણ પ્રમાણ ન દુભાય, દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એની પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિ‌‌ત્‌માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો.'

દાદાશ્રી: કોઈનુંય પ્રમાણ ના દુભાવવું જોઈએ. આ કોઈ ખોટો છે, એવું ના લાગવું જોઈએ. આ 'એક' એ પણ સંખ્યા કહેવાય કે ના કહેવાય?

પ્રશ્નકર્તા: હા.

દાદાશ્રી: તો 'બે' એ સંખ્યા કહેવાય કે ના કહેવાય?

પ્રશ્નકર્તા: હા, કહેવાય.

દાદાશ્રી: તો આપણા 'સો'વાળા શું કહે? 'અમારું સાચું, તમારું ખોટું' એવું ના કહેવાય. બધાનું સાચું છે. 'એક'નું 'એક'ના પ્રમાણમાં, 'બે'નું 'બે'ના પ્રમાણમાં, દરેકનું એના પ્રમાણમાં સાચું છે. એટલે દરેકનું જે સ્વીકાર કરે છે, એનું નામ સ્યાદવાદ. એક વસ્તુ એના ગુણધર્મમાં હોય, પણ આપણે એ અમુક જ ગુણનો સ્વીકાર કરીએ ને બીજાનો સ્વીકાર ના કરીએ, ખોટું છે. સ્યાદવાદ એટલે દરેકનું પ્રમાણપૂર્વક. ૩૬૦ ડિગ્રી હોય તો બધાનું સાચું, પણ એની ડિગ્રી સુધી એનું સાચું અને આની ડિગ્રી સુધી આનું સાચું.

એટલે મુસ્લિમ ધર્મેય ખોટો છે એવું આપણાથી બોલાય નહીં. દરેક ધર્મ સાચા છે, ખોટા નથી. આપણે કોઈને ખોટું કહી શકીએ જ નહીં ને! એ એનો ધર્મ છે. માંસાહાર કરતો હોય, એને આપણે ખોટા કેમ કરીને કહી શકીએ?! એ કહેશે, માંસાહાર કરવો એ મારો ધર્મ છે. તો આપણાથી 'ના' ન કહેવાય. એ એમની માન્યતા છે, બિલીફ છે એમની. આપણે કોઈની 'બિલીફ' તોડી ના શકીએ. પણ આપણા માણસો જો માંસાહાર કરતા હોય તો આપણે એમને કહેવું જોઈએ કે, 'ભાઈ, આ સારી વસ્તુ નથી.' પછી એને કરવું હોય તેને આપણાથી વાંધો ના ઉઠાવાય. આપણે સમજાવવું જોઈએ કે આ વસ્તુ 'હેલ્પફૂલ' નથી.

સ્યાદવાદ એટલે કોઈ ધર્મનું પ્રમાણ ન દુભાય. જેટલા પ્રમાણમાં સત્ય હોય એટલા પ્રમાણમાં સત્ય એને કહે અને બીજા જેટલા પ્રમાણમાં અસત્ય હોય તેને અસત્ય પણ કહે. એનું નામ પ્રમાણ દુભાવે નહીં. ક્રિશ્ચિયન પ્રમાણ, મુસ્લિમ પ્રમાણ, કોઈ પણ ધર્મનું પ્રમાણ દુભાવાવું ના જોઈએ. કારણ કે, બધા ૩૬૦ ડિગ્રીમાં જ આવી જાય છે. રિયલ ઈઝ ધી સેન્ટર અને ઑલ ધીઝ આર રિલેટિવ વ્યૂઝ. સેન્ટરવાળાને માટે રિલેટિવ વ્યૂઝ બધા સરખા છે. ભગવાનનું સ્યાદવાદ એટલે કોઈને કિંચિતમાત્ર દુઃખ ના થાય, પછી ગમે તે ધર્મ હોય!

એટલે એ સ્યાદવાદ માર્ગ એવો હોય. દરેકના ધર્મને સ્વીકાર કરવો પડે. સામો બે ધોલ મારે તે પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. કારણ કે, જગત આખું નિર્દોષ છે. દોષિત દેખાય છે, તે તમારા દોષે કરીને દેખાય છે. બાકી જગત દોષિત છે જ નહીં. અને તે તમારી બુદ્ધિ દોષિત દેખાડે છે કે, આણે ખોટું કર્યું.

×
Share on