Related Questions

વિષયનાં વિચારો અને ઈચ્છાઓથી કેવી રીતે મુક્ત થવું?

પ્રશ્નકર્તા : 6. 'હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી-પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિત્માત્ર પણ વિષય-વિકાર સંબંધી દોષો, ઇચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિંરતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો.'

દાદાશ્રી : આપણી દ્રષ્ટિ બગડે તો તરત જ મહીં તમારે 'ચંદુભાઈ' ને કહેવું, 'આવું ના હોય. આવું આપણને શોભે નહીં. આપણે ખાનદાન ક્વૉલિટીના છીએ. જેવી આપણી બેન હોય છે, એવી એ બીજાની બેન હોય ! આપણી બેન ઉપર કોઈની દ્રષ્ટિ ખરાબ થાય તો આપણને કેટલું દુઃખ થાય ! એવું બીજાને દુઃખ થાય કે ના થાય ? એટલે આપણને આવું શોભે નહિ.' એટલે દ્રષ્ટિ બગડે તો પસ્તાવો કરવો.

પ્રશ્નકર્તા : ચેષ્ટાઓ, આનો અર્થ શું ?

દાદાશ્રી : દેહની ક્રિયા કરતો હોય ને ફોટા પડે. એ બધી ચેષ્ટાઓ કહેવાય. તમે મશ્કરી કરતા હો એ ચેષ્ટા કહેવાય. આમ હસતા હોય એ ચેષ્ટા કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે કોઈની હાંસી ઉડાવવી, કોઈની ટીખળ કરવી એ ચેષ્ટાઓ ?

દાદાશ્રી : બધી બહુ જાતની ચેષ્ટાઓ છે.

પ્રશ્નકર્તા : તો આ વિષય સંબંધી ચેષ્ટાઓ કેવી રીતે છે ?

દાદાશ્રી : વિષયની બાબતમાં દેહ જે જે કાર્યો કરે એનો ફોટો લઈ શકાય, માટે એ ચેષ્ટા બધી. કાયાથી ના થાય એ ચેષ્ટાઓ નહિ. ક્યારેક આ ઇચ્છાઓ થાય, મનમાં વિચાર થાય, પણ ચેષ્ટાઓ ના થયેલી હોય. વિચાર સંબંધી દોષો એ મનનાં !

'મને નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો.' આટલું તમારે 'દાદા' પાસે માગવાનું. 'દાદા' દાનેશ્વરી છે. 

×
Share on