Related Questions

સત્ય એટલે શું ? પરમ સત્ય (સત્) એટલે શું ?

પ્રશ્નકર્તા : મસ્કા મારવા, એનું નામ સત્ય ? ખોટી હા પુરાવવી ?

દાદાશ્રી : એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો મારવા જેવી વસ્તુ જ નથી. આ તો પોતાની શોધખોળ છે, પોતાની ભૂલને લઈને બીજાને મસ્કો મારે છે આ.

પ્રશ્નકર્તા : કોઈની સાથે મીઠાશથી બોલો તો એનો ફાયદો ખરો ?

દાદાશ્રી : હા, એને સુખ થાય !

પ્રશ્નકર્તા : એ તો પછી ખબર પડે ત્યારે તો બહુ દુઃખ થઈ જતું હશે. કેમ કે, કોઈ બહુ મીઠા બોલો હોય અને કોઈ સાચા બોલો હોય તો, આપણે એમ કહીએ ને કે આ મીઠુ બોલે છે પણ એનાં કરતા ભલે પેલો ખરાબ બોલે છે પણ એ સારો માણસ છે.

દાદાશ્રી : સાચા બોલો કોને કહેવાય ? એક ભઈ એની મધર જોડે સાચું બોલ્યો, એકદમ સત્ય બોલ્યો. અને મધરને શું કહે છે ? 'તમે મારા બાપાનાં વહુ થાવ' કહે છે, એ સત્ય નથી ? ત્યારે મધરે શું કહ્યું ? તારું મોઢું ફરી ના દેખાડીશ, બા. હવે તું જા અહીંથી ! મને તારા બાપની વહુ બોલું છું.

એટલે સત્ય કેવું હોવું જોઈએ ? પ્રિય લાગે એવું હોવું જોઈએ. એકલું પ્રિય લાગે એવું હોય તો ય ના ચાલે એને હિતકર હોવું જોઈએ એટલાથી ય ના ચાલે. હું સત્ય, પ્રિય અને હિતકારી ય બોલું, તો ય હું વધારે બોલ બોલ કરું ને, તો તમે કહો કે 'હવે કાકા બંધ થઈ જાવ. હવે મને જમવા ઉઠવા દો ને.' એટલે તે મિત જોઈએ, પ્રમાણ જોઈએ. આ કંઈ રેડિયો નથી કે બોલ બોલ કરે શું ? એટલે આવું સત્ય-પ્રિય-હિતકર ને મિત, ચાર ગુણાકાર થાય તો જ સત્ય કહેવાય. નહીં તો સત્ય એકલું નાગું બોલે તો એને અસત્ય કહેવાય.

વાણી કેવી હોવી જોઈએ ? હિત-મિત-પ્રિય ને સત્ય, આ ચાર ગુણાકારવાળી હોવી જોઈએ. ને બીજી બધી અસત્ય છે. વ્યવહાર વાણીમાં આ નિયમ લાગુ પડે છે. આમાં તો જ્ઞાનીનું જ કામ. ચારે ય ગુણાકારવાળી વાણી એક 'જ્ઞાની પુરુષ'ની પાસે જ હોય, સામાનાં હિત માટે જ હોય, સહેજ પણ પોતાનાં હિત માટે વાણી ના હોય. 'જ્ઞાની'ને 'પોતાપણું' હોય જ નહીં, જો 'પોતાપણું' હોય તો તે જ્ઞાની ના હોય.

સત્ય કોને કહેવાય ? કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુઃખ ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય. એ મોટામાં મોટું સત્ય છે. મોટામાં મોટો સિદ્ધાંત છે. આ રીયલ સત્ય નથી. આ છેલ્લામાં છેલ્લું વ્યવહાર સત્ય છે.

×
Share on