Related Questions

વાણીનું ખરું સ્વરૂપ શું છે?

વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલાં પટ્ટી ઊતરે છે કે નહીં ? તેવી જ રીતે આ વાણીની પણ આખી પટ્ટી ઊતરી ગયેલી છે. ને તેને સંયોગ મળતાં જ, જેમ પીન વાગે ને રેકર્ડ શરૂ થઈ જાય તેમ વાણી શરૂ થઈ જાય છે.

ઘણીવાર એમ બને છે કે નહીં કે તમે દ્રઢ નિશ્ચય કર્યો હોય કે સાસુની સામે કે ધણીની સામે નથી બોલવું, છતાં બોલાઈ જાય છે કે નહીં ? બોલાઈ જાય છે. એ શું છે ? આપણી તો ઇચ્છા નહોતી. ત્યારે શું ધણીની ઇચ્છા હતી કે વહુ મને ગાળ દે ? ત્યારે કોણ બોલાવે છે ? એ તો રેકર્ડ બોલે છે અને ઊતરી ગયેલી રેકર્ડને કોઈ બાપો ય ફેરવી ના શકે.

ઘણીવાર કોઈ મનમાં નક્કી કરીને આવ્યું હોય કે આજે તો પેલાને આમ સંભળાવું ને તેમ કહી નાખું. અને જ્યારે તેની પાસે જાય ને બીજા બે-પાંચ જણને જુએ, તો અક્ષરે ય બોલ્યા વિના પાછો આવે કે નહીં ? અરે, બોલવા જાય પણ બોબડી ના વળે. એમ બને કે નહીં ? જો તારી સત્તાની વાણી હોય, તો તું ધારે તેવી જ વાણી નીકળે. પણ એવું બને છે ? ક્યાંથી બને ?

આ વિજ્ઞાન એવું સુંદર છે ને કે કોઈ રીતે બાધક જ નથી ને ઝટપટ ઊકેલ લાવે એવું છે. પણ આ વિજ્ઞાનને લક્ષમાં રાખે કે દાદાએ કહ્યું છે કે વાણી એટલે બસ રેકર્ડ જ છે, પછી કોઈ ગમ્મે તેવું બોલ્યો હોય કે ફોજદાર ટૈડકાવતો હોય પણ એની વાણી એ રેકર્ડ જ છે, એવું ફીટ થઈ જવું જોઈએ તો આ ફોજદાર ટૈડકાવતો હોય તો આપણને અસર ના કરે.

કોઈ પણ માણસ બહુ વધારે બોલ બોલ કરતો હોય તો ય આપણે સમજી જવું કે આ રેકર્ડ બોલી. રેકર્ડને રેકર્ડ જાણીએ તો આપણે ગબડી ના પડીએ. નહીં તો તન્મયાકાર થઈએ તો શું થાય ?

આપણા જ્ઞાનમાં આ 'વાણી એ રેકર્ડ છે' એ એક કૂંચી છે અને એમાં આપણે ગપ્પું મારવાનું નથી. એ છે જ રેકર્ડ. અને રેકર્ડ માનીને જો આજથી આરંભ કરે તો ? તો પછી છે ક્શું દુઃખ ? આપણી ઊંચી નાતોમાં લાકડી લઈને મારંમારા નથી કરતાં. અહીં તો બધાં વાણીના જ ધડાકા ! હવે એને જીતી ગયા પછી રહ્યું ક્શું ? વાણી એ રેકર્ડ છે, તેથી મેં એ બહાર પાડેલું. આ બહાર ખુલ્લું પાડવાનું કારણ શું ? તેને લીધે તમારા મનમાંથી વાણીની કિંમત જતી રહે. અમને તો કોઈ ગમે તેવું બોલેને તો ય એની અક્ષરે ય કિંમત નથી. હું જાણું કે એ શી રીતે બિચારો બોલવાનો છે ? એ જ ભમરડો છે ને ! અને આ તો રેકર્ડ બોલી રહી છે. એ તો ભમરડો છે, દયા ખાવા જેવો !

×
Share on