Related Questions

દુઃખદાયી શબ્દોની શું અસર થાય છે?

આ પેલાં તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલાં અવાજ થાય છે મહીં ?

પ્રશ્નકર્તા : ઘણાં વાગે.

દાદાશ્રી : એક જ ખખડાવો તો ય ? એવું આ એક જ શબ્દ બોલવાનો થયો, તેની મહીં કેટલાંય શબ્દો ઊભાં થઈ જાય છે. એને ભગવાને અધ્યવસન કહ્યા. અધ્યવસન એટલે ના બોલવા હોય, તો ય તે ઊભાં થઈ જાય બધાં. પોતાને બોલવાનો ભાવ થઈ ગયોને, એટલે પેલાં એની મેળે બોલાઈ જાય. જેટલી શક્તિ હોયને તે બધી ઊભી થઈ જાય, ઇચ્છા નથી તો ય ! અધ્યવસન એટલાં બધાં ઊભાં થાય કે કોઈ દહાડો મોક્ષમાં જવા ના દે. તેથી તો અમે અક્રમ વિજ્ઞાન મૂક્યું, કેવું સુંદર અક્રમ વિજ્ઞાન છે. કોઈ પણ બુદ્ધિશાળી માણસ આ પઝલનો અંત લાવી દે એવું વિજ્ઞાન છે.

'તમે નાલાયક છો' એવું બોલીએને, એ શબ્દ એને તો સાંભળીને દુઃખ થયું જ. પણ આનાં જે પર્યાય ઊભાં થાય, તે તમને બહુ દુઃખ આપે અને તમે કહો, બહુ સારા માણસ, તમે બહુ ભલા માણસ છો. તો તમને મહીં અંદર શાંતિ આપશે. તમારું બોલેલું પેલાને શાંતિ થઈ ગઈ. તમને ય શાંતિ. એટલે આ જ ચેતવાની જરૂર છે ને !

તમે એક શબ્દ બોલો કે 'આ નાલાયક છે', તો 'લાયક'નું વજન એક રતલ હોય ને 'નાલાયક'નું વજન ચાલીસ રતલ હોય છે. એટલે 'લાયક' બોલશો એનાં સ્પંદન બહુ ઓછાં થશે, હલાવશે ઓછું અને 'નાલાયક' બોલશો તો ચાલીસ રતલ હલાહલ કરશે. બોલ બોલ્યા એનાં પરિણામ !

પ્રશ્નકર્તા : એટલે ચાલીસ રતલનું પેમેન્ટ ઊભું.

દાદાશ્રી : છૂટકો જ નહીં ને !

પ્રશ્નકર્તા : પછી અમારે બ્રેક કેવી રીતે લાગે ? એનો ઉપાય શું ?

દાદાશ્રી : 'આ વાણી ખોટી છે' એવું લાગે એટલે દહાડે દહાડે ફેરફાર થતો જાય.

એક માણસને તમે કહો કે 'તમે જૂઠા છો.' તો હવે 'જૂઠા' કહેતાંની સાથે તો એટલું બધું સાયન્સ ફરી વળે છે મહીં, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે કે તમને બે કલાક સુધી તો એની પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય. માટે શબ્દ બોલાય જ નહીં તો ઉત્તમ છે અને બોલાય તો પ્રતિક્રમણ કરો.

×
Share on