Related Questions

વ્યક્તિને વચનબળ ક્યારે પ્રાપ્ત થાય ?

પ્રશ્નકર્તા : વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય ? 

દાદાશ્રી : એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ શબ્દ ખોટા સ્વાર્થ કે પડાવી લેવા માટે ના વાપર્યો હોય, શબ્દનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય, ત્યારે વચનબળ ઉત્પન્ન થાય છે. 

પ્રશ્નકર્તા : પોતાના માનને માટે અને સ્વાર્થને માટે બરોબર છે પણ મશ્કરી કરી, તેમાં શો વાંધો છે ? 

દાદાશ્રી : મશ્કરી કરી તે તો બહુ ખોટું. એના કરતાં માન આપો,તે સારું ! મશ્કરી તો ભગવાનની થઈ કહેવાય ! તમને એમ લાગે છે કે આ ગધેડા જેવો માણસ છે 'આફટર ઓલ' એ શું છે, એ તપાસ કરી લો !! 'આફટર ઓલ' એ તો ભગવાન જ છે ને !

મને મશ્કરીની બહુ ટેવ હતી. મશ્કરી એટલે કેવી કે બહુ નુકસાન-કારક નહીં, પણ સામાને મનમાં અસર તો થાય ને ! આપણી બુદ્ધિ વધારે વધેલી હોય, તેનો દુરુપયોગ શેમાં થાય ? ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરે એમાં ! આ જોખમ જ્યારથી મને સમજાયું, ત્યારથી મશ્કરી કરવાની બંધ થઈ ગઈ. મશ્કરી એ કંઈ થતી હશે ? મશ્કરી એ તો ભયંકર જોખમ છે, ગુનો છે ! મશ્કરી તો કોઈની ય ના થાય.

છતાં ય એવી મશ્કરી કરવામાં વાંધો નથી કે જેનાથી કોઈને દુઃખ ના થાય અને બધાને આનંદ થાય. એને નિર્દોષ ગમ્મત કહી છે. એ તો અમે અત્યારે ય કરીએ છીએ, કારણ મૂળ જાય નહીં ને ! પણ એમાં નિર્દોષતા જ હોય ! 

અમે 'જોક' કરીએ, પણ નિર્દોષ 'જોક' કરીએ. અમે તો એનો રોગ કાઢીએ ને એને શક્તિવાળો બનાવવા માટે 'જોક' કરીએ. જરા ગમ્મત આવે, આનંદ આવે ને પાછું એ આગળ વધતો જાય. બાકી એ 'જોક' કોઈને દુઃખ ના કરે. આવી આ ગમ્મત જોઈએ કે ના જોઈએ ? પેલો ય સમજે કે આ ગમ્મત કરે છે, મશ્કરી નથી કરતા.

હવે આ અમે કોઈની ગમ્મત કરીએ, તો એના ય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે એમ ને એમ એવું ચાલે નહીં.

બાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન હોય તે કરે. હું તો લહેરથી મશ્કરી કરતો હતો બધાંની, સારા સારા માણસોની, મોટા મોટા વકીલોની, ડોકટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને ! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની છે.

×
Share on