Related Questions

ધ્યાનનાં પ્રકારો ક્યા ક્યા છે?

ચાર પ્રકારનાં ધ્યાન

ચાર પ્રકારનાં ધ્યાન હોય, તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય. તમારે અહીં કયું ધ્યાન રહે છે ?

પ્રશ્નકર્તા: 'હું શુદ્ધાત્મા છું' એ ધ્યાન.

દાદાશ્રી: એ તો લક્ષ કહેવાય. પણ ધ્યાન કયારે કહેવાય કે ધ્યાતા થાય તો. પણ આપણે તો ધ્યાન, ધ્યાતા, ધ્યેય પૂરું થયું ને યોગનાં આઠે ય અંગ પૂરાં કરીને લક્ષમાં આવ્યા. અત્યારે કહે તમને કે, 'ચાલો, ઊઠો, જમવા ચાલો', તો ત્યારે ય તમે જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદી રહો ને પછી કહે કે, 'તમારે અહીં જમવાનું નથી.' તો ય જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદી રહેવાય તો એને શુકલધ્યાન કહ્યું. દુકાનમાં ઘાલમેલ કરે, કપડું ખેંચીને આપે એ રૌદ્રધ્યાન કહ્યું. આ ભેળસેળ કરે તે રૌદ્રધ્યાનમાં જાય. આ દુકાને બેઠો બેઠો ઘરાકની રાહ જુએ તો એને ભગવાને આર્તધ્યાન કહ્યું !

એક બાજુ ભગવાન મહાવીરે ૪૫ આગમો કહ્યા અને એક બાજુ ચાર શબ્દો કહ્યા. આ બન્નેના તોલ સરખા કહ્યા. ચાર શબ્દ જેણે સાચવ્યા એણે આ બધા આગમો સાચવ્યા. એ ચાર શબ્દો કયા ? રૌદ્રધ્યાન, આર્તધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન.

જગત કેવું છે ? તારો ઘરાક હોય, તો તું સોળના સાડાસોળ કહું તો ય જતો રહેવાનો નથી અને તારો ઘરાક નહીં હોય, તો તું પંદર કહું તો ય જતો રહેવાનો છે. એ ભરોસો તો રાખ !

પોતે પોતાની ચિંતા કરે તે આર્તધ્યાન. છોડી નાની છે, પૈસા છે નહીં, તો હું શું કરીશ ? કેવી રીતે તેને પૈણાવીશ ? એ આર્તધ્યાન. આ તો છોડી નાની છે ને ભવિષ્ય ઊલેચે છે તે આર્તધ્યાન.

આ તો ઘેર ના ગમતો માણસ આવે ને ચાર દિવસ રહેવાનો હોય, તો મહીં થાય કે, 'જાય તો સારું. મારે ત્યાં કયાંથી આવી પડયો ?' એ બધું આર્તધ્યાન ને પાછું 'આ નાલાયક છે' એવી ગાળો ભાંડે તે રૌદ્રધ્યાન. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરે !

દૂધ ચોખ્ખું હોય ને એનો દૂધપાક કરવાનો હોય તો તેમાં ય મીઠું ના નાખવું પણ ખાંડ નાખવી. ચોખ્ખા દૂધમાં ખાંડ નાખવી તે ધર્મધ્યાન. આ તો મારા જ કર્મના દોષે મારી જ ભૂલથી આ દુઃખો આવી પડે છે. એ બધું ધર્મધ્યાનમાં સમાય.

ભગવાન મહાવીરના ચાર શબ્દ શીખી ગયો તો પેલી બાજુ ૪૫ આગમો ભણી ગયો !

વીતરાગોનું સાચું ધર્મધ્યાન હોય તો કલેશ ભાંગે.

ધર્મધ્યાન કોને કહેવાય ? કોઇક માણસે પોતાનું ખરાબ કર્યું તો એના તરફ કિંચિત્ માત્ર ભાવ બગડે નહીં અને એના તરફ શો ભાવ રહે, જ્ઞાનનું કેવું અવલંબન લે કે 'મારાં જ કર્મના ઉદયે આ ભાઇ ભેગા થયા છે', અને તો એ ધર્મધ્યાનમાં ખપે. આ તો કોઇએ ભરી સભામાં, ભયંકર અપમાન કર્યું હોય તો એ આશીર્વાદ આપીને ભૂલી જાય. અપમાનને ઉપેક્ષા ભાવે ભૂલે એને ભગવાને ધર્મધ્યાન કહ્યું. આ તો અપમાનને મરતાં સુધી ના ભૂલે એવા લોક છે !

ધર્મધ્યાનવાળો શ્રેષ્ઠી પુરુષ કહેવાય. આખો દહાડો સવારથી ઊઠે ત્યારથી લોકોને ઓબ્લાઇઝ કર્યા કરે. ઓબ્લાઇઝિંગ નેચરનો હોય. પોતે સહન કરીને ય સામાને સુખ આપે. દુઃખ તો જમા જ કરે. એક પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના હોય. એના મોઢા પર દિવેલ ચોપડેલું ના હોય. મુખ ઉપર નૂર દેખાય. આખા ગામની વઢવાડોનો એ નિકાલ કરી આપે. એને કોઇની પ્રત્યે પક્ષપાત ના હોય. જૈન તો કેવો હોવો જોઇએ? જૈન તો શ્રેષ્ઠી પુરુષ ગણાય, શ્રેષ્ઠ પુરુષ કહેવાય. પચાસ-પચાસ માઇલની રેડિયસમાં એની સુગંધ આવે !

અત્યારે તો શ્રેષ્ઠીના શેઠ થઇ ગયા અને તેમના ડ્રાઇવરને પૂછીએ તો કહે કે જવા દોને એની વાત. શેઠનો તો માત્રા કાઢી નાખવા જેવો છે ! શેઠનો માત્રા કાઢી નાખીએ તો શું બાકી રહે ?

પ્રશ્નકર્તા: શઠ !

દાદાશ્રી: અત્યારે તો શ્રેષ્ઠી કેવા થઇ ગયા છે ? બે વર્ષ પહેલાં નવા સોફા લાવ્યો હોય તો ય પાડોશીનું જોઇને બીજા નવા લાવે. આ તો હરીફાઇમાં પડયા છે. એક ગાદી ને તકિયો હોય તો ય ચાલે. પણ આ તો દેખાદેખી ને હરીફાઇ ચાલી છે. તેને શેઠ કેમ કહેવાય ? આ ગાદી-તકિયાની ભારતીય બેઠક તો બહુ ઉંચી છે. પણ લોકો તેને સમજતા નથી ને સોફાસેટની પાછળ પડયા છે. ફલાણાએ આવો આણ્યો તો મારે ય એવો જોઇએ. ને તે પછી જે કજિયા થાય ! ડ્રાઇવરને ઘેરે ય સોફા ને શેઠને ઘેરે ય સોફા ! આ તો બધું નકલી પેસી ગયું છે. કો'કે આવાં કપડાં પહેર્યાં તે તેવાં કપડાં પહેરવાની વૃત્તિ થાય ! આ તો કો'કે ગૅસ પર રોટલી કરતાં જોયાં તે પોતે ગૅસ લાવ્યો. અલ્યા, કોલસાની અને ગૅસ પરની રોટલીમાં ય ફેર સમજતો નથી ? ગમે તે વસાવો તેનો વાંધો નથી પણ હરીફાઈ શેને માટે? આ હરીફાઈથી તો માણસાઇ પણ ગુમાવી બેઠા છે. આ પાશવતા તારામાં દેખા દેશે તો તું પશુમાં જઇશ ! બાકી શ્રેષ્ઠી તો પોતે પૂરો સુખી હોય ને પોળમાં બધાંને સુખી કરવાની ભાવનામાં હોય. પોતે સુખી હોય તો જ બીજાને સુખ આપી શકે. પોતે જ જો દુઃખીઓ હોય તો તે બીજાને શું સુખ આપે ? દુઃખીઓ તો ભક્તિ કરે અને સુખી થવાના પ્રયત્નમાં જ રહે !

ભલે, મોક્ષની વાત બાજુએ રહી, પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઉપર તો અંકુશ હોવો જોઇએ ને ? એની છૂટ શી રીતે અપાય ? છૂટ શેની હોય ? ધર્મધ્યાનની હોય. આ તો છુટ્ટે હાથે દુર્ધ્યાનો વાપરે છે ! કેટલું શોભે ને કેટલું ના શોભે એટલું તો હોવું જ જોઇએ ને ?

×
Share on