Related Questions

જીવોને અભયદાનનું આટલું બધું મહત્વ કેમ આપ્યું છે?

પ્રશ્નકર્તા : તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ?

દાદાશ્રી : અભયદાનને તો બધા લોકોએ મહત્વ આપ્યું છે. અભયદાન તો મુખ્ય વસ્તુ છે. અભયદાન એટલે શું કે અહીં ચકલાં બેઠાં હોય તો એ ઊડી જશે એમ માનીને આપણે આમ ધીમે રહીને પેલી બાજુથી જતા રહેવું. રાત્રે બાર વાગે આવ્યા હોય અને બે કૂતરાં ઊંઘી ગયા હોય તો આપણા બૂટથી એ ખખડીને જાગી ઉઠશે, એમ માનીને બૂટ પગમાંથી કાઢી લઈ અને ધીમે ધીમે ઘેર આવવું. આપણાથી કોઈ ભડકે, એને માણસાઈ કેમ કહેવાય ? બહાર કૂતરાંય આપણાથી ના ભડકવાં જોઈએ. આપણે આમ પગ ખખડાવતા ખખડાવતા આવ્યા અને કૂતરું કાન આમ કરીને ઊભું થાય તો આપણે સમજી જવું કે ઓહોહો, અભયદાન ચૂક્યો ! અભયદાન એટલે કોઈ પણ જીવ આપણાથી ભય ના પામે. ક્યાંય જોયા અભયદાની પુરુષો ? અભયદાન તો મોટામાં મોટું દાન છે.

હું બાવીસ વર્ષનો હતો ત્યારેય કૂતરાંને નહોતો ભડકવા દેતો. અમે નિરંતર અભયદાન જ આપીએ છીએ, બીજું કશું આપતા નથી. અમારા જેવું અભયદાન આપવાનું જો કોઈ શીખી ગયો તો એનું કલ્યાણ થઈ જાય ! ભયનું દાન આપવાની તો લોકોને પ્રેક્ટિસ પહેલેથી છે, નહીં ? 'હું તને જોઈ લઈશ' કહેશે. તો એ અભયદાન કહેવાય કે ભયનું દાન કહેવાય ?

×
Share on