Related Questions

શું ઈંડા વેજીટેરિયન છે?

પ્રશ્નકર્તા : કેટલાંક લોકો તો એવી દલીલ કરે છે કે ઈંડાં બે પ્રકારનાં હોય છે, એક જીવવાળા અને બીજાં નિર્જીવવાળા. તો એ ખવાય કે નહીં ?

દાદાશ્રી : ફોરેનમાં એ લોકો દલીલ કરતા હતા કે અહિંસક ઈંડાં ! એટલે મેં કહ્યું, આ જગતમાં જીવ વગર કશું ખવાય જ નહીં. અજીવ વસ્તુ છેને, એ ખવાય જ નહીં. ઈંડામાં જો જીવ ના હોય તો ઈંડું ખવાય નહીં, એ જડ વસ્તુ થઈ ગઈ. કારણ કે જીવ ના હોય એ જડ વસ્તુ થઈ ગઈ. આપણે જીવને ખાવું હોયને તો એને આમ કાપી અને બે-ત્રણ દહાડા સુધી ઊતરી ના જાય ત્યાં સુધી જ ખવાય. આ શાકભાજીય તોડ્યા પછી અમુક ટાઈમ સુધી જ ખવાય, પછી એ ખલાસ થઈ જાય. એટલે જીવતી વસ્તુને ખવાય. એટલે ઈંડું જો નિર્જીવ હોય તો ખવાય નહીં, સજીવ હોય તો જ ખવાય. એટલે આ લોકો જો ઈંડાંને સજીવ ના કહેતા હોય તો એ વાતો બધી હમ્બગ છે. તો શા માટે લોકોને ફસાવો છો આવું ?

એ બીજી જાતનાં ઈંડાંવાળાએ આ જગતમાં એ ઇંડાંને ક્યા રૂપમાં મૂક્યું છે તે જ અજાયબી છે. બીજી જાતના ઈંડાંવાળાને પૂછયું કે આ બીજી જાતવાળો જીવ નિર્જીવ છે કે સજીવ છે એ મને કહે. નિર્જીવ હોય તો ખવાય નહીં. આખી દુનિયાને મૂરખ બનાવી, તમે લોકો કઈ જાતનાં છો તે ? જીવ ના હોય એ ખવાય નહીં આપણાથી, એ અખાદ્ય ગણાય છે.

પ્રશ્નકર્તા : પણ આ વેજીટેરિયન ઈંડું ફળતું નથી.

દાદાશ્રી : એ ફળતું નથી એ ડીફરન્ટ મેટર. પણ આ જીવતું છે.

એટલે આવું બધું ઠસાવી દીધું, તે આ જૈનોનાં છોકરાંને કેટલી મુશ્કેલી ! એની પર તો બધા છોકરાઓ મારી જોડે બાઝયા હતા. પછી મેં એમને સમજાવ્યું કે, 'ભઈ, આમ જરા વિચાર તો કરો. અજીવ હોય તો વાંધો જ નથી પણ અજીવ તો ખવાય જ નહીં.' પછી મેં કહ્યું, 'નહીં તો પછી બહુ જો ડાહ્યા થશો તો તમારે અનાજ કશું ખવાય નહીં. તમે નિર્જીવ ચીજ ખાવ.' ત્યારે નિર્જીવ ચીજ તો આ શરીરને કામ લાગે નહીં. એમાં વિટામીન ના હોય. નિર્જીવ જે ચીજો છે એ શરીરને ભૂખ મટાડે ખરી, પણ એમાં વિટામીન ના હોય. એટલે શરીર જીવે નહીં. જોઈતું વિટામીન ના મળે ને ! એટલે નિર્જીવ વસ્તુ તો ચાલે નહીં. ત્યારે એ છોકરાઓએ સ્વીકાર કર્યો કે આજથી એ ઈંડાં અમે નહીં ખાઈએ. સમજાવે તો લોક સમજવા તૈયાર છે અને નહીં તો આ લોકો તો એવું ઠસાવી દે છે કે બુદ્ધિ ફરી જાય.

આ બધા ઘઉં ને ચોખા ને આ બધું ખાઈએ છીએ, આવડા આવડા દૂધીયાં ખાઈ જઈએ છીએ, એ બધાં જીવો જ છે ને ! નથી જીવો ? પણ ભગવાને ખાવાની બાઉન્ડ્રી આપી છે કે આ જીવો છે તે ખાજો. પણ જે જીવ તમારાથી ત્રાસ પામતો હોય તેને મારો નહીં, એને ખાવ નહીં, એને કશું જ ના કરો. 

×
Share on