Related Questions

અહિંસક કેવી રીતે બનવું?

આપણે મનમાં હિંસકભાવ નહીં રાખવો. 'મારે કોઈની હિંસા કરવી નથી' એવો ભાવ જ સજ્જડ રાખવો અને સવારના પહોરમાં બોલવું જોઈએ કે, 'મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો.' એવો ભાવ બોલી અને પછી સંસારી ક્રિયા ચાલુ કરજો, એટલે જવાબદારી ઓછી થઈ જાય. પછી આપણા પગે કોઈ જીવ વટાઈ ગયું તોય તમે જોખમદાર નથી. કારણ કે આજે તમારો ભાવ નથી એવો. તમારી ક્રિયા ભગવાન જોતાં નથી, તમારો ભાવ જુએ છે. કુદરતને ચોપડે તો તમારો ભાવ જુએ છે અને અહીંની સરકાર અહીંના લોકોના ચોપડે તમારી ક્રિયા જુએ છે. લોકોનો ચોપડો તો અહીં ને અહીં જ પડી રહેવાનો છે. કુદરતનો ચોપડો ત્યાં કામ લાગશે. માટે તમારો ભાવ ક્યાં છે તે તપાસ કરો.

એટલે સવારના પહોરમાં એવું પાંચ વખત બોલીને નીકળ્યો એ અહિંસક જ છે. ગમે ત્યાં પછી લપઝપ કરી આવ્યો તોય એ અહિંસક છે. કારણ કે ઘેરથી નીકળ્યો ત્યારે નિશ્ચય કરીને નીકળ્યો હતો અને પછી ઘેર જઈને પાછું તાળું વાસી દેવું. ઘેર જઈને એવું કહેવું કે આખા દહાડામાં નિશ્ચય કરીને નીકળ્યો છતાં જે કંઈ કોઈને દુઃખ થયું હોય તેની ક્ષમાયાચના કરી લઉં છું. બસ થઈ રહ્યું. પછી તમારે જોખમદારી જ નહીં ને !

કોઈ જીવની હિંસા કરવી નથી, કરાવવી નથી કે કર્તા પ્રત્યે અનુમોદવી નથી અને મારા મન-વચન-કાયાથી કોઈ જીવને દુઃખ ન હો. એટલી ભાવના રહી કે તમે અહિંસક થઈ ગયા ! એ અહિંસા મહાવ્રત પૂરું થઈ ગયું કહેવાય. મનમાં ભાવના નક્કી કરી, નક્કી એટલે ડિસીઝન. એટલે આપણે જે નક્કી કરીએ ને તેને કમ્પ્લિટ સિન્સિયર રહ્યા, એની એ જ વાતને વળગી રહ્યા તો મહાવ્રત કહેવાય અને નક્કી કર્યું પણ વળગી ના રહ્યા, તો અણુવ્રત કહેવાય.

×
Share on