Related Questions

શું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ અહિંસક બની શકે?

દાદાશ્રીહવે આ રોડ ઉપર ચંદ્રમાનું અજવાળું હોય તો પેલી આગળની લાઈટ ના હોય, તો ગાડી ચલાવે કે ના ચલાવે લોકો ?

પ્રશ્નકર્તા : ચલાવે.

દાદાશ્રી : તો એને કશી શંકા ના પડે. પણ લાઈટ થાય ત્યારે શંકા પડે. બહાર આગળ લાઈટ હોય તો એ અજવાળામાં એને દેખાય કે ઓહોહો, આટલાં બધાં જીવડાં ફરે છે ને ગાડી જોડે અથડાય છે તે બધાં મરી જાય છે. પણ ત્યાં એને શંકા પડે છે કે મેં જીવહિંસા કરી.

હા, તે લોકોને લાઈટ નામેય નથી, એટલે એને જીવડાં દેખાતાં જ નથી. એટલે એમને આ બાબતમાં શંકા જ ના પડે. જીવ વટાય છે એવું ખબર જ ના પડે ને ! પણ જેને જેટલું અજવાળું થાય એટલા જીવ દેખાતા જાય. લાઈટ જેમ જેમ વધે તેમ તેમ લાઈટમાં જીવડાં દેખાતાં જાય કે જીવડાં ગાડીને અથડાય છે ને મરી જાય છે. એવું જાગૃતિ વધતી જાય તેમ પોતાના દોષ દેખાય. નહીં તો લોકોને તો પોતાના દોષ દેખાતા જ નથી ને ? આત્મા એ લાઈટ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, એ આત્માને અડીને કોઈ જીવને કશું દુઃખ થતું નથી. કારણ કે જીવોનીય આરપાર નીકળી જાય એવો આત્મા છે. જીવો સ્થૂળ છે ને આત્મા સૂક્ષ્મતમ છે. એ ‘આત્મા’ અહિંસક જ છે. જો એ આત્મામાં રહો તો ‘તમે’ અહિંસક જ છો. અને જો દેહના માલિક થશો તો હિંસક છો. એ આત્મા જાણવા જેવો છે. એવો આત્મા જાણે, પછી એને શી રીતે દોષ બેસે ? શી રીતે હિંસા અડે ? એટલે આત્મસ્વરૂપ થયા પછી કર્મ બંધાય જ નહીં.

પ્રશ્નકર્તા : પછી જીવહિંસા કરે તોય કર્મ ના બંધાય ?

દાદાશ્રી : હિંસા થાય જ નહીં ને ! ‘આત્મસ્વરૂપ’થી હિંસા જ થાય નહીં. ‘આત્મસ્વરૂપ’ ‘જે’ થયો, હિંસા એનાથી થાય જ નહીં.

એટલે આત્મજ્ઞાન થયા પછી કોઈ કાયદા અડતાં નથી. જ્યાં સુધી દેહાધ્યાસ છે ત્યાં સુધી બધા કાયદા છે અને ત્યાં સુધી જ બધાં કર્મ અડે છે. આત્મજ્ઞાન થયા પછી કોઈ શાસ્ત્રનો કાયદો અડતો નથી, કર્મ અડતું નથી, હિંસા કે કશું અડતું નથી.

પ્રશ્નકર્તા : અહિંસા ધર્મ કેવો છે ? સ્વયંભૂ ?

દાદાશ્રી : સ્વયંભૂ નથી. પણ અહિંસા આત્માનો સ્વભાવ છે અને હિંસા એ આત્માનો વિભાવ છે. પણ ખરેખર સ્વભાવ નથી આ. મહીં અંદર કાયમને માટે રહેનારો સ્વભાવ ન્હોય આ. કારણ કે એવું તો ગણવા જઈએ તો બધા બહુ સ્વભાવ હોય. એટલે આ બધા દ્વન્દ્વો છે.

એટલે વાતને જ સમજવાની જરૂર છે. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. આ વીતરાગોનું, ચોવીસ તીર્થંકરોનું વિજ્ઞાન છે ! પણ તમે સાંભળ્યું નથી એટલે તમને અજાયબી લાગે કે આવું વળી નવી જાતનું તો હોતું હશે ? એટલે ભડકાટ પેસે. ને ભડકાટ પેસે એટલે કાર્ય ન થાય. ભડકાટ છૂટે તો કાર્ય થાય ને !

એ આત્મસ્વરૂપ તો એટલું સૂક્ષ્મ છે કે અગ્નિ અંદર આરપાર નીકળી જાય તોય કશું ના થાય. બોલો હવે, ત્યાં આગળ હિંસા શી રીતે અડે ? આ તો પોતાનું સ્વરૂપ સ્થૂળ છે, એવું જેને દેહાધ્યાસ સ્વભાવ છે ત્યાં આગળ એને હિંસા અડે. એટલે એમ થતું હોય, આત્મસ્વરૂપને હિંસા અડતી હોય તો તો કોઈ મોક્ષે જ ના જાય. પણ મોક્ષની તો બહુ સુંદર વ્યવસ્થા છે. આ તો અત્યારે તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં રહીને એ બધી વાત સમજાય નહીં, પોતે આત્મસ્વરૂપ થયા પછી બધું સમજાઈ જાય, વિજ્ઞાન ખુલ્લું થઈ જાય !

 

×
Share on