Related Questions

મોક્ષ પ્રાપ્તિ બાદ શું થાય છે?

મોક્ષ પછી શું થાય છે? મોક્ષ પછી આત્માનું શું થાય છે? એક વખત તમે મોક્ષ પ્રાપ્ત કરો પછી તમે આખા જગતના જ્ઞાતા અને દ્રષ્ટા તરીકે આત્માના અનંત સુખમાં રહો છો. જ્યારે વ્યક્તિને એવું ભાન થાય છે કે પોતે દેહ નથી અને નામ પણ પોતાનું નથી, પરંતુ પોતે તો સંપૂર્ણ શુદ્ધાત્મા છે, ત્યારે મોક્ષ મેળવે છે. પરંતુ આત્મા આ સંસારમાં કઈ રીતે આવ્યો? આત્માની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ? ચાલો તે જાણીએ:

અ) આત્માની યાત્રા :

આ બ્રહ્માંડમાં અનંત આત્માઓ તેમજ જડ પરમાણુઓ છે. આત્મા તે છ તત્વોમાંનું એક છે, જે શાશ્વત અને કાયમનું છે. આધ્યાત્મિક વિજ્ઞાનના નિયમ મુજબ, જે કાયમનું હોય તેનો આદિ કે અંત હોતો જ નથી.

જ્યારે બે શાશ્વત તત્વો આત્મા અને જડ પરમાણુ સંસર્ગમાં આવ્યા ત્યારે તેમાંથી જીવ અસ્તિત્વમાં આવ્યો. ત્રીજું તત્વ કે જે અહંકાર છે તે એવી માન્યતા સાથે “હું ચંદુ (વાંચનારે પોતાનું નામ સમજવું) છું” ઉદ્ભવે છે. જેમ સૂર્ય અને પાણી ભેગા થવાથી વરાળ ઉત્પન્ન થાય છે તે જ રીતે આ એક કુદરતી ઘટના છે.

આત્મા અજ્ઞાનતાના આવરણથી ઢંકાયેલો છે અને તે શરૂઆતમાં નિગોધમાં (જ્યાં અનંત આત્માઓ સંપૂર્ણ આવરણથી ઢંકાયેલા હોય તેવી જગ્યા) હોય છે. ઉત્ક્રાંતિના નિયમ મુજબ પછી તે સમસરણ માર્ગમાં પ્રવેશે છે, જ્યાં તે એક ઇન્‍દ્રિય જીવમાંથી પાંચ ઇન્‍દ્રિય જીવ મનુષ્ય સુધી વિકસિત થાય છે. જો કે મનુષ્ય યોનિમાં આવ્યાબાદ, કર્તા તરીકેનો અહંકાર ઊભો થાય છે અને તેના પ્રમાણે પાપ કર્મ અને પુણ્ય કર્મ એમ બાંધે છે. આ કર્મોની ગતિ પ્રમાણે તે કોઇપણ ચાર ગતિમાં (દેવ ગતિ, મનુષ્ય ગતિ, નર્ક ગતિ અને જાનવર ગતિ) જન્મ લેવાનું બાંધે છે.

એક વખત જ્યારે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાનો ભાવ થાય છે અને કાયમના સુખની શોધ શરૂ થાય છે, પછી તેને મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. જ્યારે પોતાની સાચી સ્થિતિનો (આત્માની સ્થિતિનો) અનુભવ થાય છે, ત્યારે તે બધા આવરણોથી મુક્ત થાય છે અને સંપૂર્ણ નિરાવરણ પામેલો આત્મા આ બ્રહ્માંડમાંથી મુક્ત થાય છે. (બીજા પ્રકારનો મોક્ષ)

બ) મોક્ષ પછી આત્મા ક્યાં જાય છે?

આખું બ્રહ્માંડ જેમ એક મનુષ્ય બે પગ પહોળા રાખી કમર પર હાથ દઇને ઊભો હોય તેવા આકારનું છે. આપણે (મનુષ્યો, પ્રાણીઓ અને પક્ષીઓ) બ્રહ્માંડના મધ્યભાગમાં (કમરના ભાગમાં) આવેલા છીએ. કમરથી નીચેના ભાગમાં, સાત નર્કગતિઓ આવેલી છે. કમરથી ઉપરના ભાગમાં, ઘણી દેવગતિઓ આવેલી છે. સૌથી ઉપરનો મસ્તક જેવા ભાગની ઉપર સિધ્ધક્ષેત્ર આવેલું છે. બ્રહ્માંડની થોડી જ ઉપર સિધ્ધક્ષેત્ર આવેલું છે, એટલે કે, બ્રહ્માંડની ધાર ઉપર કે જ્યાં ફક્ત આકાશ તત્વ જ છે, બીજા કોઇ તત્વ નથી. આત્મા સંસારના તમામ પરમાણુઓના હિસાબમાંથી મુક્ત થયા બાદ સિધ્ધક્ષેત્ર માં પહોંચે છે અને તે બીજા પ્રકારનો મોક્ષ છે.

ક) મોક્ષ પ્રાપ્તિ બાળ તમે (આત્મા) સિધ્ધક્ષેત્રમાં કઇ રીતે જઈ શકો?

આત્માનો મૂળ સ્વભાવ શાશ્વત છે અને હલકો હોવાને કારણે તે ઉર્ધ્વગામી સ્વભાવનો છે. જો કે, આત્મા ઉપર અજ્ઞાનતાનું આવરણ હોવાને કારણે, આત્મા ભારે થઈ જાય છે અને આવરણના પ્રકાર પ્રમાણે નીચલી યોનિમાં જન્મ લે છે. આત્મજ્ઞાન પછી, તમે તમામ સંસારી પરમાણુઓના રાગ-દ્વેષથી મુક્ત થઈ જાવ છો. આત્માને વીંટળાઇને રહેલા તમામ અણુઓ ખરી પડે છે, અને આત્મા સિધ્ધક્ષેત્રમાં (તમામ મુક્ત થયેલા આત્માનું કાયમી નિવાસ સ્થાન) સ્થાન પામે છે. મોક્ષ પ્રાપ્તિ પછીની આ ખરી વાસ્તવિકતા છે.

ડ) સિધ્ધક્ષેત્રમાં આત્માની સ્થિતિ

સિધ્ધક્ષેત્ર એ એવું ક્ષેત્ર છે કે જ્યાં તમને કોઇ અણુ કે પરમાણુ ચોંટી શકતા નથી. એવું એટલા માટે કે ત્યાં તમને અસર કરી શકે એવા કોઇ અણુ કે પરમાણુ છે જ નહિ.

આત્મા ત્યાં કાયમ પોતાના નિજ સુખમાં આનંદનો અનુભવ કરે છે અને તે પોતાની જ જગ્યા પર રહે છે. તેથી, શું કરવાનું રહ્યું? જોવા અને જાણવાનું કાર્ય સતત ચાલ્યા કરે છે! જોવા અને જાણવાનું પરિણામ આનંદ છે. તેથી, જો કોઇ અહીં હાથ ઊંચો કરે તો સિધ્ધક્ષેત્રમાં બિરાજેલા મુક્ત આત્મા તે નિહાળી શકે છે.

તેમની પાસે અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વની જાગૃતિ હોય છે. વસ્તુત્વનું ભાન હોવાને કારણે ત્યાં હંમેશા સુખ જ, પરમાનંદ જ હોય છે!

×
Share on