Related Questions

શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?

ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ છીએ. આપણે પોતે જ આપણા કર્મો માટે સંપૂર્ણપણે જવાબદાર છીએ.

કર્મનું વિજ્ઞાન એમ કહે છે કે આત્માની હાજરીમાં જીવ પોતે અજ્ઞાનતાથી કર્મ બાંધે છે. તેને ભોગવવા માટે જન્મ થાય છે, દેહ પ્રાપ્ત થાય છે. કર્મ પૂરા થાય એટલે દેહ છૂટે છે, જેને મૃત્યુ કહે છે. જ્યારે આત્માનું જ્ઞાન થાય છે ત્યારે આત્મા જન્મ-મરણથી મુક્ત થાય છે.

ભગવાનને કર્તા ઠરાવીએ તે ગુનો

જીવનમાં બહુ દુઃખ આવે તો આપણે કહીએ કે ભગવાને મોકલ્યું. જુવાનજોધ છોકરો મરી જાય, તો આપણે કહીએ ભગવાને લઈ લીધો. તો આપણે ભગવાનને હિંસક ઠરાવ્યા?સૃષ્ટિનું સર્જન-વિસર્જન ભગવાન જ કરાવે છે, એમ હોય તો ભગવાનને માથે બહુ મોટો ગુનો લાગુ પડે. દુનિયામાં કુદરતી આફતોમાં, બોમ્બાર્ડિંગમાં લોકો મરી જાય કે ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થાય તો એ વિસર્જન કે સંહાર માટે ભગવાન મોટા ગુનેગાર ગણાય. ભગવાન કોઈની હિંસા કરતા નથી કે કોઈને જન્મ પણ આપતા નથી.

જો ભગવાન જ સર્જન ને વિસર્જન કરતા હોય, એમની મરજી વગર પાંદડુંય ના હલતું હોય, તો કર્મની થિયરી આખી ઊડી જાય. ભગવાનની મરજીથી જન્મ થાય, એમની મરજીથી મૃત્યુ. કોઈ ચપ્પુથી મારે તોય ભગવાનની મરજી ને કોઈ રિબાઈ રિબાઈને મરે તોય એમની મરજી!

આપણે સારું કર્મ કરીએ કે ખોટું, તેનું ફળ આપણને જ મળતું હોય છે. તો પછી “ભગવાન કરે છે” એમ કહીને આપણે એમને કેટલો મોટો આક્ષેપ આપીએ છીએ!

કર્મોનો સિદ્ધાંત શું કહે છે, કરે એને પાપ લાગે અને કરાવે એને ડબલ પાપ લાગે. તો ભગવાન આવું તેવું કરાવતા હોય તો એમને કેટલો બધો ગુનાનો દંડ આવશે? એ દંડ એમને કોણ આપશે? સિદ્ધાંત તો એવો હોય કે જેમાં એક પણ વિરોધાભાસ ન હોય.

ભગવાન ફક્ત પ્રકાશ ધરે

જેમ રૂમમાં લાઈટનો બલ્બ હોય તેના પ્રકાશમાં કોઈ વાંચે, કોઈ પૂજાપાઠ કરે, કોઈ કામકાજ પૂરા કરે કે કોઈ ચિત્ર બનાવે. તેમાં લાઈટ કશું કરવા આવે? ના. હવે એ અજવાળામાં કોઈ પત્તા રમે કે ખોટા કામો કરે, તોય લાઈટ એનો વાંધો ઊઠાવે? ના.

જેમ લાઈટના પ્રકાશ વગર કશું થઈ શકે નહીં, છતાં પ્રકાશ કંઈ કરવા આવતો નથી. તેવી જ રીતે, આત્મારૂપી ભગવાન જીવમાત્રની અંદર જ બેઠા છે અને દરેકને પ્રકાશ ધરે છે. આત્માની હાજરી વગર કશું ન થાય, પણ એ પોતે કર્તા નથી. જેટલું પાંચ ઇન્દ્રિયથી જોવાય, સમજાય છે એમાં આત્માનું કિંચિત્‌માત્ર કર્તાપણું નથી. બધા સંજોગો ભેગા મળીને કાર્ય થાય છે. એમાં ભગવાન વચ્ચે આવતા નથી.

પછી જીવો પોતાની બુદ્ધિ પ્રમાણે આત્માના પ્રકાશનો ઉપયોગ કરે છે. અવળી બુદ્ધિ હોય તો તેનો અવળો ઉપયોગ કરે અને સવળી બુદ્ધિ હોય તો સવળો ઉપયોગ કરે. જીવ પોતે કર્તા થાય છે, તેને અહંકાર ઊભો થાય છે કે “મેં કર્યુ!” સારાં કામોનો કર્તા થવાથી શુભ કર્મ બાંધે છે, જેના ફળમાં જીવ સુખ ભોગવે છે. જ્યારે ખરાબ કામો કરે, બીજાને અપશબ્દો કહે, દુઃખ આપે, ત્રાસ આપે અને એમાં પોતે માને કે “કરવું જ જોઈએ, એમાં શું ખોટું છે?” તો અશુભ કર્મ બાંધે છે અને એના ફળમાં પોતાને દુઃખ ભોગવવું પડે છે.

જો આટલું સમજણમાં રહે તો બીજાને છેતરવાનું, બીજા ઉપર દૃષ્ટિ બગાડવાનું, ભ્રષ્ટાચાર અને દુરાચાર કરવાની વૃત્તિઓ બંધ થઈ જાય. કારણ કે ભગવાન પોતાની અંદર જ બેઠા છે. બીજાને છેતરવું એ પોતાની જાતને, ભગવાનને છેતર્યા બરાબર છે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on