Related Questions

ભગવાનમાં એકાગ્રતા કેવી રીતે વધારવી?

ઈન્ટરેસ્ટ ત્યાં જ એકાગ્રતા

પ્રશ્નકર્તા: દાદા, મને ભગવાનમાં એકાગ્રતા રહેતી નથી.

દાદાશ્રી: તમે શાક લેવા કે સાડી લેવા જાવ, તેમાં એકાગ્રતા રહે છે કે નહીં?

પ્રશ્નકર્તા: હા, એમાં રહે. મોહ હોય એટલે રહે.

દાદાશ્રી: અને ભગવાન ઉપર ને મોક્ષ ઉપર તમને 'ઇન્ટરેસ્ટ' જ નથી. તેથી તેમાં એકાગ્રતા રહેતી નથી.

અરે, એક બેન બહુ રૂપાળી બમ જેવી હતી અને એનો ધણી એકદમ શામળો હતો. તે બઈને મેં એક દા'ડો ખાનગીમાં પૂછયું, 'આ તારો ધણી શામળો છે, તે તારો ભાવ તેના પર સંપૂર્ણ રહે છે?' ત્યારે તેણે કહ્યું કે, 'મારા ધણી મને બહુ પ્રિય છે.' હવે આવો શામળો ધણી એને પ્રિય છે પણ ભગવાન તમને પ્રિય થઈ પડતો નથી! આય એક અજાયબી છે ને!

પછી આ પૂછે કે, મને મન એકાગ્ર કેમ થતું નથી? શાક લેવા જાય ત્યાં એકાગ્રતા કેવી રીતે થઈ જાય છે? આ તો અનુભવની વાતો છે. આ કંઈ ગપ્પું નથી. આ તો ભગવાનમાં 'ઇન્ટરેસ્ટ' જ નથી. તેથી એકાગ્રતા થતી નથી. આ તો ભગવાન પ્રત્યે આસક્તિ થઈ જાય તો ભગવાનમાં એકાગ્રતા રહે.

જ્યાં સુધી પૈસામાં 'ઇન્ટરેસ્ટ' હોય ત્યાં સુધી પૈસા પૈસા કરે અને ભગવાનમાં 'ઇન્ટરેસ્ટ' પેઠો એટલે પૈસાનો 'ઇન્ટરેસ્ટ' છૂટી જાય. એટલે 'ઇન્ટરેસ્ટ' તમારો ફરવો જોઈએ.

હવે ભગવાનમાં 'ઇન્ટરેસ્ટ' નથી, એમાં તમારો દોષ નથી. જે વસ્તુ જોઈ ના હોય, તેનાં પર 'ઇન્ટરેસ્ટ' કેવી રીતે બેસે? આ સાડીને તો આપણે દેખીએ, તેનાં રંગ-રૂપ દેખીએ એટલે તેના પર 'ઇન્ટરેસ્ટ' બેસે જ. પણ ભગવાન તો દેખાય નહીં ને? ત્યારે એવું કહ્યું કે, ભગવાનના પ્રતિનિધિ એવા જે 'જ્ઞાની પુરુષ' છે, ત્યાં તમારો 'ઇન્ટરેસ્ટ' બેસાડો. ત્યાં તે બેસી જશે અને એમની ઉપર 'ઇન્ટરેસ્ટ' બેઠો, એટલે તે ભગવાનને પહોંચ્યો જાણો.

જ્યાં કષાયો છે ત્યાં 'ઇન્ટરેસ્ટ' બેસે તો તે 'ઇન્ટરેસ્ટ' કષાયિક બેસે છે. એ કષાયિક પ્રતીતિ છે તે પ્રતીતિ તૂટી જાય પાછી, એટલે રાગથી બેસે ને દ્વેષથી છૂટે અને આ ભગવાનના પ્રતિનિધિ ઉપર 'ઇન્ટરેસ્ટ' રાગથી બેસે નહીં. એમની પાસે રાગ કરવા જેવું કશું હોય જ નહીં ને?

Related Questions
 1. ભગવાન ક્યાં છે?
 2. શું ભગવાને આ જગતની રચના કરી છે?
 3. શું બ્રહ્મા, વિષ્ણુ, મહેશે ભેગા મળીને આ જગતની રચના કરી છે?
 4. શું ભગવાનના કોઈ ગુણો છે?
 5. ભગવાનનો પ્રેમ કેવી રીતે સંપાદિત કરવો?
 6. શું ભગવાનની ભકિત કે ભગવાનમાં શ્રધ્ધા આપણને મુકિત આપી શકે?
 7. શું ભગવાન બધા પાપોની ક્ષમા આપી શકે? સાચુ સુખ શું છે?
 8. ભગવાનમાં એકાગ્રતા કેવી રીતે વધારવી?
 9. ભગવાન પદની પ્રાપ્તિ કેવી રીતે કરવી?
 10. શું મૂર્તિપૂજા કે દર્શન જરૂરી છે?
 11. અંબામાતા અને દુર્ગા દેવી કોણ છે?
 12. સરસ્વતી માતા શું સૂચવે છે?
 13. લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
 14. શું ભગવાન બ્રહ્માંડના સ્વામી છે? જીવનમાં બંધંનોથી કેવી રીતે મુક્ત થઈ શકાય? મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on
Copy