Related Questions

સરસ્વતી માતા શું સૂચવે છે?

સરસ્વતી

પ્રશ્નકર્તા: સરસ્વતી દેવીના કાયદા શા છે?

દાદાશ્રી: સરસ્વતી એટલે વાણીના હિસાબના જે જે કાયદા લાગુ પડે તે પાળીએ તો સરસ્વતી દેવી ખુશ રહે. વાણીનો દુરુપયોગ કરું, જૂઠું બોલું, પ્રપંચ કરું તો પછી સરસ્વતી દેવી કેમ રાજી થાય? મહીં છે એ ના બોલું તો તારી પર સરસ્વતી કેવી રીતે રાજી થાય? આજે કોઇનું વચનબળ શાથી નથી રહ્યું? કારણ કે વાણીના કાયદા નથી પાળ્યા. મનુષ્યમાં આવ્યા પછી બે બળની જરુર- વચનબળ અને મનોબળ. દેહબળ એ પાશવતામાં જાય. વચનબળ અને મનોબળની શક્તિ રીલેટિવ આત્માને બળવાન કરે. અત્યારે વચનબળ તો લુપ્ત થઇ ગયું છે, અને મન તો ફ્રેકચર થઇ ગયું છે. આજે વચનબળ કેવાં હોય? બાપ દીકરાને કહે કે, ભાઇ, ઊભો થા તો? ત્યારે દીકરો આડો થઇ ને સૂઇ જાય! પોતાનો દીકરો ના માને! આ વચનબળ કેવી રીતે જતું રહ્યું? વાણીનો ખોટો, અવળો ઉપયોગ કર્યો તેથી. વાણીનો કોઇ પણ જાતનો અપવ્યય ના થાય, વાણીનો કોઇ પણ વિભાવિક સ્વરૂપે ન લઇ જાય તો વચનબળ ઉત્પન્ન થાય.

જૂઠું બોલે, પ્રપંચ કરે એ બધો વાણીનો અપવ્યય કહેવાય. વાણીના દુર્વ્યય અને અપવ્યય માં બહુ ફેર છે. અપવ્યય એટલે બધી જ રીતે નાલાયક, બધી રીતે દુરુપયોગ કરે. વકીલો બે રૂપિયા માટે જૂઠું બોલે કે 'હા, આને હું ઓળખું છું' તે અપવ્યય કહેવાય.

વાણીથી કેટલાકને બીવડાવ્યા, કૂતરાંને બીવડાવ્યા, જૂઠું બોલ્યા, પ્રપંચ બોલ્યા એ વાણીનો દુરુપયોગ કર્યો કહેવાય. તેથી વચનબળ તૂટી જાય. એકલું જ સત્ય બોલો અને પાછો સત્યનો આગ્રહ ના પકડી રાખો તો વચનબળ પાછું ઉત્પન્ન થાય. જો વસ્તુનો દુરુપયોગ થાય તો તેનું વચનબળ ઊતરી જાય. જૂઠું બોલીને પોતાનો સ્વબચાવ કરે તેથી તો મન, વાણી બધું ફ્રેકચર થઇ જાય. સત્ય બોલે પણ એની પાછળ ભાવના કેવી જબરદસ્ત હોવી ઘટે! આ 'દાદા'ના જેવું વચનબળ હોવું જોઇએ. ઊઠો કહે તો ઊઠે. 'અમારું' વચનબળ તો અજાયબી કહેવાય! 'અમારા' શબ્દો કેવા હોય? શાસ્ત્રના શબ્દો ના હોય. શાસ્ત્રોના શબ્દો તો જડ અને વાગે તેવા હોય અને 'અમારા' પ્રત્યક્ષ ચેતન શબ્દથી તો મહીં 'જ્ઞાન' હાજર થઇ જ જાય!!! આત્મા જ પ્રગટ થઇ જાય!!! અને પાછા જરા ય વાગે નહી. 'અમારી' વાણીથી બિલકુલ અજીર્ણ થાય નહીં. 'આ' તો આખો 'જ્ઞાનાર્ક' છે! એ પચે અને અજીર્ણ ના થાય! જ્ઞાની પુરુષનું એક વચન અવરથા ના જાય! ગજબનું, જબરદસ્ત વચનબળ હોય!! એના એક એક વચન પર જગત ઊછાળા મારશે! એમનું એક જ વચન ઠેઠ મોક્ષે લઇ જાય. 'અમારા' એક એક શબ્દમાં ચેતન છે. વાણી રેકોર્ડ સ્વરૂપ છે, જડ છે. પણ અમારી વાણી મહીં ગજબના પ્રગટ થઇ ગયેલા પરમાત્માને સ્પર્શીને નીકળે છે, તેથી નિશ્ચેતનને ચેતન કરે એવી ચેતનવાણી છે! સામાની ભાવના જોઇએ. અમે બોલીએ કે 'એ ય, કૂદ', તો સામો દસ ફૂટનો ખાડો ય કૂદી જાય! તો કેટલાક કહે છે કે, 'તમે શક્તિપાત કરો છો.' ના અમારા વચનમાં જ એવું બળ છે! કોઇ બહુ ડીપ્રેસ થયેલો હોય તો અમે તેને આંખથી ધવડાવીએ. 'જ્ઞાની પુરુષ' તો ગમે તે રીતે શક્તિ પ્રગટ કરાવે. ગજબનું વચનબળ હોય!

કવિ શું ગાય છે:

'' જગત ઉદય અવતાર, દેશના તે શ્રુતજ્ઞાન

સ્યાદ્વાદ જ્ઞાન-દાન, સર્વમાન્ય પરમાણ. '' - નવનીત.

જગતનો ઉદય સારો હોય ત્યારે 'જ્ઞાની પુરુષ' પ્રગટ થઇ જાય અને એમની 'દેશના' જ 'શ્રુતજ્ઞાન' છે. એમના એક જ વાક્યમાં શાસ્ત્રોનાં શાસ્ત્રો આખાં આવી જાય!

શાસ્ત્રમાં લખ્યું છે કે સત્ય બોલો. ત્યારે લોકો કહે છે કે, અમારાથી સત્ય બોલાતું નથી. માટે હવે કોઇ કળજુગી શાસ્ત્રો આપો તો કામ થાય. કળજુગની અસર થાય નહીં અને મોક્ષે લઇ જાય એવાં શાસ્ત્રો હવે લખાશે. આ સત્ય બોલો, દયા રાખો, શાંતિ રાખો એ શાસ્ત્રોની વાતો તો જૂની દવા થઇ ગઇ! હવે તો નવી દવા જોઇશે. આપણે તો નિશ્ચય સાચું બોલવાનો હોવો જોઇએ. પછી ભૂલ થાય તો આપણે 'ચંદુલાલ' પાસે પ્રતિક્રમણ કરાવવું પડે. 'અમારા' શબ્દો આવરણ તોડનારા છે. તમને મહીં પૂરો ફોડ આપે એવું જ્ઞાનીનું વચનબળ છે. અમારી પાસે તમે અહીં બેઠા એટલે જગત વિસ્મૃત રહે અને તેને જ મોક્ષ કહ્યો છે!

અમારી વાણી તો પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. ફોટાની સરસ્વતી, શાસ્ત્રોની કે પુસ્તકોની સરસ્વતી એ પરોક્ષ સરસ્વતી છે. પ્રત્યક્ષ સરસ્વતીનાં દર્શન કરવાં હોય તો અહીં અમારી વાણી સાંભળે એટલે થઇ જાય!

આ બધું બોલાય છે પણ એમાં એક અક્ષર પણ 'હું' બોલતો નથી. પણ તમારું પુણ્ય આ શબ્દો બોલાવે છે. 'આ' વાણી નીકળે તે થકી 'અમે' જાણીએ કે સામાવાળાનું કેવું પુણ્ય છે. 'અમારી' વાણી એ ય રેકોર્ડ છે. એમાં અમારે શી લેવા દેવા? છતાં 'અમારી' રેકોર્ડ કેવી હોય? સંપૂર્ણ સ્યાદ્વાદ! કોઇ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ના થાય, દરેકનું પ્રમાણ કબૂલ કરે એવી 'આ' સ્યાદ્વાદ વાણી છે.

સરસ્વતીની આરાધના એટલે શું? વાણીનો કોઇ પણ જાતનો અપવ્યય ના થાય અને વાણીને એના વિભાવિક સ્વરૂપે ના લઇ જાય તે, જૂઠું બોલ્યો એટલે કેટલો મોટો વિભાવ!

ક્ષત્રિયોનું વચન નીકળ્યું એટલે વચન જ. તેઓ બેવચની ના હોય. અત્યારે મુંબઇ શહેરમાં છે જ નહીં ને કોઇ! અરે! વચનનું તો કયાં ગયું પણ આ દસ્તાવેજ લખેલો, સહીં કરેલો હોય તો ય કહે કે, 'સહી મારી ન હોય' અને સાચો ક્ષત્રિય તો વચન બોલ્યો એટલે બોલ્યો.

આ ચારણો ફોટામાંની સરસ્વતીની ભજના કરે છે તો ય એમની કેટલી બધી મીઠી વાણી હોય છે!

* ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું

Related Questions
 1. ભગવાન શું છે?
 2. ભગવાન કોણ છે?
 3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
 4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
 5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
 6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
 7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
 8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
 9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
 10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
 11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
 12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
 13. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
 14. ભગવાનના ગુણધર્મો કયા છે?
 15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
 16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
 17. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
 18. સરસ્વતી માતા શું સૂચવે છે?
 19. લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on
Copy