Related Questions

ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!

બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ કરે છે; ભગવાન સર્વ શક્તિમાન છે, તેઓ આપણું રક્ષણ કરવા હાજર જ હોય છે અને તે આપણા તારણહાર છે.

આવું મનમાં રાખીને, આપણા મનમાં ભગવાનની રૂપરેખા આકાર લેવાનું શરૂ થઈ જાય છે. આ રૂપરેખામાં આપણે ભાગવાનને એવા ચીતરીએ છીએ કે જે બળવાન છે, વિશ્વાસનીય છે અને એવા કે જ્યારે પણ આપણને તેમની જરૂર પડે ત્યારે આપણી સાથે ઊભા રહેશે. અને ભગવાનની આવી રૂપરેખાને, આપણે સંપૂર્ણ શ્રધ્ધા અને લાગણી સાથે પ્રાર્થના કરીએ છીએ! 

પરંતુ આપણે બધા જાણીએ છીએ કે ચડ- ઉતર એ દરેકના જીવનનો એક ભાગ છે. આપણને ચઢાવ ગમે છે ને ઉતાર ગમતો નથી! જ્યારે જીવનમાં બધુ જ ગુલાબી (ઉજ્જવળ) હોય, આપણે જે પણ કંઈ કરતા હોય તેમાં આત્મવિશ્વાસ સભર અને ગર્વ અનુભવીએ છીએ. પરંતુ જ્યારે કંઈક નિરાશાજનક બને છે ત્યારે, આપણે ભગવાન તરફ એવી આશા રાખીને જોઈએ છીએ કે તેઓ આવશે અને આપણને મુશ્કેલ પરિસ્થિતિમાંથી છોડાવશે.  

જો સંજોગો ફરી જાય તો, આપણે ભગવાનનો આભાર માનીએ છીએ અને આપણી એમના માટેની શ્રદ્ધા અને આરાધના અનેકગણી વધી જાય છે. પરંતુ, ત્યારે શું થાય છે જ્યારે પરિસ્થિતિમાં સુધારો નથી થતો? ખરેખર તો વધુ બગડે, જ્યારે તેઓ ઝડપથી બધી જ બાજુએથી પડતી આવે છે ત્યારે- આખી જીંદગીના સંબધો તૂટી જાય છે, તબિયત બગડતી જાય, નોકરીમાં કામગીરીની ગુણવત્તા ઊતરતી જાય. આપણે ખુબ જ રડતાં રડતાં, ‘ ભગવાન કૃપા કરીને મને મદદ કરો’, પરંતુ કશું પ્રાપ્ત નથી થતું...

જીવનમાં આવા પ્રકારના સંજોગો જ્યારે આપણને મૂંઝવે છે અને આપણને પ્રશ્ન પૂછવા મજબૂર કરે છે કે, ‘ભગવાન જ્યારે મને તમારી જરુર હોય છે ત્યારે તમે ક્યાં હોવ છો?’  

તેઓ દયાળુ અને પ્રેમાળ છે, તો પછી તેઓ કેમ મારી હેલ્પ નથી કરતાં? તેઓ સર્વ શક્તિમાન છે, તો પછી કેમ તેઓ મને બચાવતા નથી?  

એવા પણ કેટલાક લોકો છે કે જેઓ ભગવાન પર બ્લેમ (આરોપ) કરે છે, એવું માનીને કે તેઓ જ એવા છે કે જે તેમને દુઃખ અને ભોગવટા આપે છે; જ્યારે કેટલાક એવું માનીને શાંત રહેવાનું પસંદ કરેછે કે ભગવાન તેમની પરીક્ષા લઈ રહ્યા છે.  

આવી અસંખ્ય માન્યતાઓના જાળામાં પોતે ગૂંચવાઈ જાય છે અને પોતેનું ધાર્યું પરિણામ મેળવવા એકમાંથી બીજી પર કૂદકો માર્યા કરે છે; પરંતુ જ્યારે એક પછી એક નિષ્ફળતા તેને મળે ત્યારે, ત્યારે તેના અંતરમાં ખરેખર સાચું શું છે તે જાણવાની ખરી જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે; પોતે જે અનુભવી રહ્યા છે તેમાં ખરી હકીકત આખરે શું છે.  

તો ચાલો, આપણે સહુ - ‘ભગવાન તમે કયા છો, જ્યારે મારે જરૂર હોય છે?’ આ પ્રશ્નનો સાચો ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ.  

૧) આ કોયડાનું સમાધાન કરવાનું પ્રથમ પગથિયું ‘ભગવાન ખરેખર કોણ છે?’ એ જાણવું છે.  

વાસ્તવિકતામાં, શું તમે જાણો છો કે ભગવાન એ જ આપણો ખરો આત્મા છે?  

હા ! આ દેહ તે આપણે પોતે નથી, આપણાં દેહમાં શુદ્ધાત્મા બિરાજે છે તે છે, એ જ ખરા ભગવાન છે! 

તો, ભગવાન એ આકાશમાં રહેતી ભવ્ય આકૃતિ નથી. ખરી હકીકતમાં તો, ભગવાન એ તો દરેક જીવ માત્રની મહીં બિરાજેલ શાશ્વત આત્મા છે. ભગવાન કાયમને માટે, પછી ભલે આપણને તેમની જરૂર હોય કે ના હોય, આપણે તેમને જોઈ શકીએ કે નહીં, કે પછી ભલે આપણે તેમને શોધીએ કે નહીં, જે જીવંત છે તેમની દરેકની મહીં હાજર હોય છે.  

૨) તો પછી આપણા ભોગવટા માટે જવાબદાર કોણ? ભગવાન કે બીજું કોઈ?  

જ્યારે ભોગવટો આવે છે, આપણે પોતાના દોષો જોવાનું ભૂલી જઈએ છીએ અને તુરંત જ બીજા પર આક્ષેપ આપીએ છીએ; એ બાબત માટે ભગવાન પર દોષારોપણ કરવામાં પણ આપણે અચકાતા નથી. 

તમે લોકોને ફરિયાદ કરતાં સાંભળ્યા હશે કે, ‘મે શું ખોટું કર્યું છે? ભગવાન શા માટે મને આટલા બધા દુઃખ અને ભોગવટા આપે છે?’ આવું કહે છે કારણકે તેમની માન્યતા છે કે ‘ ભગવાન આ જગતના ક્રીએટર છે અને તેઓ જ આ જગત ચલાવે છે. એમની મરજી વિના આ જગત માં કશું બની શકે જ નહીં, અને તેથી જ સીધી કે આડકતરી રીતે તેઓ જ મારી મુશ્કેલીઓનું કારણ છે.’  

જરા તાર્કિક રીતે વિચારી જુઓ, જો ભગવાન આપનાર હોય તો, તેઓ આપણને શા માટે મુશ્કેલીઓ આપે અને સુખ નહીં? આપણે એવા અસ્તિત્વને ભગવાન કેવી રીતે કહી શકીએ કે જે લોકોને દુઃખી થતા જોઈને ખુશ થાય છે? 

સાચી સમજણ એ છે કે આ જગતમાં જે કંઈ પણ બને છે તેના કર્તા ભગવાન નથી. તેઓ ન તો જગતના કર્તા છે ન તો તેઓ જગતને ચલાવે છે. હકીકતમાં, આપણે આ જગતમાં જે કંઈપણ જોઈ કે અનુભવીએ છીએ, તેમાં ભગવાનનું કર્તાપણું કિંચિત્ત માત્ર પણ નથી. ભગવાન તેમાં ડખલ કરતાં જ નથી.  

ખરો કર્તા કોણ છે તે ના જાણતા હોવાથી, આપણે ભગવાન પર આરોપો લાદીએ છીએ અને આવું કરવાથી, આપણે આપણી માથે માત્ર વધું જવાબદારીઓ વહોરીએ છીએ, કારણકે, આપણે આ ભૂલનો હિસાબ દંડ ચૂકવવા અત્યંત વેદનામાંથી પસાર થવું પડશે. જ્યારે ભગવાન કંઈ જ કરતાં નથી, તો પછી તેમના પર આરોપ કેવી રીતે મૂકાય?

૩) જો ભગવાન કર્તા નથી તો, પછી કોણ છે? મારા જીવનમાં દુઃખોને કોણ મોકલે છે?  

આ જગતમાં જે કંઈ પણ બને છે તે કુદરતના કાયદાના આધારે બને છે – કોઝીઝ અને ઈફેક્ટનો કાયદો! 

આપણે કોઝીઝ કર્યા છે અને આપણને જ ઈફેક્ટ આવે છે. આપણે સહુ પોતાના જ કર્મો ભોગવીએ છીએ. આપણાં આજે જે કંઈપણ દુઃખ અનુભવીએ છીએ તે આપણા જ પૂર્વકર્મનું ફળ છે.  

કર્મનો કાયદો એવો છે કે આપણે કોઈપણ જીવને કિંચિત્તમાત્ર પણ દુઃખ આપીએ તો તેના પડઘા સ્વરૂપે આપણને પણ દુઃખ જ પડે. અને, જો આપણે કિંચિત્તમાત્ર કોઈ જીવને મદદ કરીએ તો તેના ફળસ્વરૂપે અમુક સમયમાં મદદના સ્વરૂપે પાછું આવશે. તેથી, આપણે જો સુખી થવું હોય તો, કોઈપણ જીવમાત્રને આપણા મન-વચન-કયાંથી દુઃખી ના કરવા જોઈએ. જો આપણે આટલું જ સમજીએ તો, બધી જ સંસારી સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત થઈ જશે! 

૪) જો ભગવાન કંઈ જ કર્તા નથી તો, આપણા દેહમાં ભગવાનની શી ભૂમિકા છે?  

જ્યારે ગાઢ અંધકાર હોય શું ત્યારે આપણે આસપાસની કોઈપણ વસ્તુ ને જોઈ કે જાણી શકીએ?

ના! 

અને બલ્બમાંથી આવતા પ્રકાશની હાજરીમાં?  

આપણે આપણ બધું જ કામ કરી શકીએ. ત્યારે, આપણે એવું કહી શકીએ કે, ‘પ્રકાશે આ કામ કર્યું?’  

ના, પ્રકાશ કોઈ કાર્યનો ‘કર્તા’ નથી, પરંતુ તેના વિના આપણે અંધકારમાં કોઈ કામ કરી નથી શકતા. એવી જ રીતે જેમ બલ્બ આપણને રૂમમાં પ્રકાશ આપે છે તેવી જ રીતે આત્મા એટલે કે ભગવાન જીવમાત્રને પ્રકાશ આપે છે. ભગવાનનો રોલ (ભૂમિકા) કશું જ નહીં પરંતુ જીવમાત્રને પ્રકાશ (જ્ઞાન) આપવાનો છે.

ભગવાનના પ્રકાશનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, તે સંપૂર્ણપણે આપણા પર આધાર રાખે છે. જેમ બલ્બના પ્રકાશનો ઉપયોગ આપણે ધાર્મિક પુસ્તકો વાંચવામાં કરવો કે પછી, પત્તા કે પછી જુગાર રમવામાં કરવો એ પોતાના પર આધાર રાખે છે. વધુમાં વધુ, પ્રકાશ આપણને તેમની હાજરીમાં કરેલા સારા કામ (પુણ્ય કર્મ) કરવા માટે ઈનામ આપતો નથી કે ખરાબ કામ કરવા માટે (પાપ કર્મ) દંડ આપતો નથી, શું એવું નથી? એવી જ રીતે, ભગવાન પણ આપણને સજા આપવા આવતા નથી, આપણાં જ કર્મોના આધારે કુદરત આપણને ઈનામ કે દંડ આપે છે.  

આના પરથી એ નિષ્કર્ષ થાય છે કે: 

ભગવાન દરેક જીવમાત્રની મહીં બિરાજેલા છે. પરંતુ તેઓ ક્યારેય આપણને સુખ કે દુઃખ આપતા નથી. સુખ જે દુઃખ આપણે જીવનમાં પોતાના કર્મોના આધારે ભોગવીયે છીએ. આ સિવાય, ભગવાનતો દરેક વસ્તુના માત્ર જ્ઞાતા-દ્રષ્ટા જ છે, અને પોતાના અવિનાશી સુખમાં જ રમણતા કરે છે.  

Related Questions
 1. ભગવાન શું છે?
 2. ભગવાન કોણ છે?
 3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
 4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
 5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
 6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
 7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
 8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
 9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
 10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
 11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
 12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
 13. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
 14. ભગવાનના ગુણધર્મો કયા છે?
 15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
 16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
 17. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
 18. મા સરસ્વતી શું સૂચવે છે?
 19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on