Related Questions

શું બ્રહ્મા, વિષ્ણુ, મહેશે ભેગા મળીને આ જગતની રચના કરી છે?

બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ

દાદાશ્રી: આ જગત કોણે બનાવ્યું હશે?

પ્રશ્નકર્તા: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ - એ ત્રણે ય મળીને. ક્રીયેટર બ્રહ્મા છે, એડમિનિસ્ટ્રેટર વિષ્ણુ છે અને ડીસ્ટ્રોયર મહેશ છે.

દાદાશ્રી: તો એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં માબાપ કોણ?

પ્રશ્નકર્તા: શંકર પોતે જ ફાધર છે.

દાદાશ્રી: તો પછી મધર કોણ છે?

પ્રશ્નકર્તા: હી હીમસેલ્ફ ઇઝ ધી મધર.

દાદાશ્રી: તો પછી ત્રણ જ કેમ આવ્યા? પાંચ કેમ ના આવ્યા?

પ્રશ્નકર્તા: ત્રણ ગુણો છે એથી ત્રણ છે.

દાદાશ્રી: આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નામનું કોઇ જ નથી. આ તો ત્રણ ગુણને નામ આપ્યાં છે. તે ત્રણ ગુણોની વાત સારી રીતે સમજાવવા ગયેલા પણ તેનો દુરુપયોગ થયો અને મૂર્તિઓ કાઢી! એ શું કહેવા માગતા હતા કે પ્રકૃતિના આ ત્રણ ગુણોને કાઢીને નિર્મળ થઇશ તો તું પરમાત્મા થઇશ!

પ્રશ્નકર્તા: આ ત્રણ ગુણોને કાઢીને?

દાદાશ્રી: હા, એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રુપક-ગુણો કાઢીને. સુખ તો તમારી પાસે જ છે, પણ કેમ ભેગું નથી થતું તો કે, અંતરાય છે. તો એ કોણે ઊભા કર્યા? ભગવાને ઊભા કર્યા? ના, તારા જ પોતાના ઊભા કરેલા છે. અંતરાય એવી વસ્તુ છે કે, પ્રાપ્ત થાય તો ય ફેંકી દે. નહીં તો તમે પોતે જ પરમાત્મા છો. પણ તમારા પોતાના જ અંતરાય છે, એમાં કોઇની ડખલ નથી. આ તો આપણું જ ઊભું કરેલું તોફાન છે. જો કોઇ આ બધું ઊભું કરનાર હોત તો તો આ લોકો ઓછા નથી, એને પકડી એનું કયારનું ય શાક કરી નાખ્યું હોત!

Reference: Book Name: આપ્તવાણી ૨ (Page #4 – Paragraph #4 to #10, Page #5 – Paragraph #1 to #4)

એ છે રૂપકો...

પ્રશ્નકર્તા: પેલું ગૉડ ને G-O-D, જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર એવી રીતનું જે કહે છે તે અને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એમાં એકને પાલક કહે છે, એકને સર્જક કહે છે ને એકને સંહારક કહે છે, તો આ બન્નેને કંઈક સામ્ય ખરું? આ વાતને?

દાદાશ્રી: મૂળ વસ્તુ આત્મા છે. હવે એના મૂળ ગુણો પોતાના જે છે, એ સિવાયના પર્યાયો જે છે, એનું ઉત્પન્ન થવું, વિનાશ થવું અને આત્મા પોતે સ્વભાવે કરીને ધ્રુવ છે. એટલે આવું આ ત્રણ વસ્તુને આવી રીતે મૂકેલી છે. આ પુદ્ગલ છે, એ પુદ્ગલ ઉત્પન્ન થયું, વિનાશ થયું. જડ વસ્તુય ધ્રુવ છે સ્વભાવથી. એટલે આ આધારે ગોઠવાયું છે બધું.

આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ શું છે? તે ઉત્પન્ન થતી જે સ્થિતિ છે ત્યાં આપણા લોકોએ બ્રહ્મા મૂક્યા, સર્જન થવું ત્યાં. પછી વિસર્જન થવું, વિનાશ થવું, ત્યાં આપણે મહેશ મૂક્યા. અને ધ્રુવતા રહેવી ત્યાં આપણે વિષ્ણુ મૂક્યા. એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. ત્યારે એ મૂર્તિ મૂકી અને પછી ક્યાં લાવ્યા પાછા આપણા લોકો કે આ મૂર્તિઓની પૂજા કરજો કે આપણામાં ત્રણ ગુણો કહે છે, પિત્ત, વાયુ ને કફ (અનુક્રમે એ જ સત્વ, રજ, તમ ગુણો). બહુ સાયન્ટિફિકલી મૂક્યું. આ ગાંડંુઘેલું નથી, આ બહુ ઊંડી ગોઠવણી કરેલી છે.

પછી બધું ગૂંચવી નાખેલું! બ્રહ્મા ખોળવા જઈએ તો ક્યાં મળે? દુનિયામાં મળે કોઈ જગ્યાએ બ્રહ્મા? વિષ્ણુ ખોળી આવો. ત્યારે કહે, વિષ્ણુ જડે? અને મહેશ્વર! આપણે પૂછીએ શું ધંધો એમનો? વેપાર શો? ત્યારે કહે, બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ આ બધું ચલાવે, પોષણ કરે અને પેલા મારકણા, મહેશ, સંહાર કરે. અલ્યા મૂઆ, સંહાર કરનારાને અહીં પગે લાગવાનું હોય?

પ્રશ્નકર્તા: પણ દાદા, એવી કેવી કલ્પના કરીને મૂકી દીધેલી, તે કેટલાય વર્ષોથી એ કલ્પના ચાલી આવે છે?

દાદાશ્રી: મૂળ વસ્તુ જડતી નથી. તે પછી મેં ખોળી કાઢીને પછી તે હવે મૂકવા માંડ્યું લોકોમાં!

એવું છે, આ દુનિયાનાં જે છ તત્ત્વો છે ને, તેમાં ઉત્પન્ન-વિનાશ છે તે અવસ્થાથી અને ધ્રુવતા સ્વભાવથી છે. આ સ્વભાવ જ છે, તેને તો આ લોકોએ એક રૂપક મૂકેલું. તે સારી શોધખોળ માટે. સારું કરવા ગયા પણ પછી બહુ દહાડે તો અવળું જ થઈ જાય ને પછી, ના થઈ જાય? સાચી વાતનો મેળ કોણ પાડી આપે તો?

બે તત્ત્વો સાથે આવવાથી વિશેષ ભાવ થયો, તે આ જગત ઊભું થઈ ગયું. નથી બ્રહ્માય થયા, નથી કોઈએ ઘડ્યો કે નથી ઘડવાની જરૂર પડી. ક્યાં સુધી બધું ઊંધું ચાલ્યું છે? પણ લોકો મૂળ વાતથી કરોડો ગાઉ છેટે ગયા છે. એટલે (અધ્યાત્મની) કૉલેજમાં આવતાંની સાથે તત્ત્વદર્શનની શરૂઆત થાય કે શું છે હકીકત, વાસ્તવિકતા શું છે આ જગતની? પેલી ચોપડીઓને બાજુએ મૂકવી પડશે, ત્યાર પછી રાગે પડી જશે.

જરૂર છે, લોક માગી રહ્યું છે આ. કંઈ નવીનતા માગી રહ્યું છે. પુસ્તકો ખોટાં નથી. પુસ્તકોની લોકોને સમજ અઘરી પડી ગઈ અને એ ચાલ્યું નહીં. પણ એટલું સારું થયું કે આ પેઢી નવી જાતની પાકી ને, તે આખું બીજ, આખી શ્રદ્ધા જ ઉડાડી, કે આ બધું અંધશ્રદ્ધા જ છે, ખોટું છે એવું. આમાં આખું કાપી નાખવું સારું, આ અહીંથી કહોવાય, તે અહીંથી કાપી નાખીએને એટલું આગળ વધતું અટકે.

મોક્ષમાં જવું હોય તો તત્ત્વ અને ગુણને જાણવા, સમજવા પડે. નહીં તો આ સંસારમાં રહેવું હોય ત્યાં સુધી તત્ત્વોના ધર્મ, પર્ર્યાય, અવસ્થાને જાણવા, સમજવા પડે.

Reference: Book Name: આપ્તવાણી ૧૪ - ભાગ ૧ (Page #246 - Paragraph #4 to #7, Entire Page #247, Page #248 - Paragraph #1)

Related Questions
 1. ભગવાન ક્યાં છે?
 2. શું ભગવાને આ જગતની રચના કરી છે?
 3. શું બ્રહ્મા, વિષ્ણુ, મહેશે ભેગા મળીને આ જગતની રચના કરી છે?
 4. શું ભગવાનના કોઈ ગુણો છે?
 5. ભગવાનનો પ્રેમ કેવી રીતે સંપાદિત કરવો?
 6. શું ભગવાનની ભકિત કે ભગવાનમાં શ્રધ્ધા આપણને મુકિત આપી શકે?
 7. શું ભગવાન બધા પાપોની ક્ષમા આપી શકે? સાચુ સુખ શું છે?
 8. ભગવાનમાં એકાગ્રતા કેવી રીતે વધારવી?
 9. ભગવાન પદની પ્રાપ્તિ કેવી રીતે કરવી?
 10. શું મૂર્તિપૂજા કે દર્શન જરૂરી છે?
 11. અંબામાતા અને દુર્ગા દેવી કોણ છે?
 12. સરસ્વતી માતા શું સૂચવે છે?
 13. લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
 14. શું ભગવાન બ્રહ્માંડના સ્વામી છે? જીવનમાં બંધંનોથી કેવી રીતે મુક્ત થઈ શકાય? મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on
Copy